Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > INTERVIEW: ઑડિશન વિના અભિનેતા ઓજસ રાવલે કેવી રીતે પાથર્યો અભિનયનો ઓજસ..? વાંચો 

INTERVIEW: ઑડિશન વિના અભિનેતા ઓજસ રાવલે કેવી રીતે પાથર્યો અભિનયનો ઓજસ..? વાંચો 

24 June, 2022 05:11 PM IST | Mumbai
Nirali Kalani | nirali.kalani@mid-day.com

અભિનેતા ઓજસ રાવલે 11 વર્ષ વિદેશમાં રહી મેડિકલ સાયન્સનો અભ્યાસ કર્યો અને પ્રોફેસર તરીકે પણ ફરજ બજાવી હતી. પરંતુ ભારત પરત ફર્યા બાદ તેમણે એક્ટિંગમાં કરિયર બનાવ્યું.

અભિનેતા ઓજસ રાવલ( તસવીર ડિઝાઈન: સોહમ દવે)

અભિનેતા ઓજસ રાવલ( તસવીર ડિઝાઈન: સોહમ દવે)


ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ `કલાકાર કહે છે` નામે ગુજરાતી સિનેમાં, સંસ્કૃતિ, સાહિત્ય અને કળાના ક્ષેત્રમાં યોગદાન આપનારા કલાકારોના ઈન્ટરવ્યુની એક શ્રેણી ચલાવી રહ્યું છે. જેમાં આજે આપણે વાત કરવાની છે એક એવા ગુજરાતી યુવા કલાકારની જેમણે એક દશક સુધી વિદેશમાં રહી મેડિકલ સાયન્સનો અભ્યાસ કર્યો અને પ્રોફેસર તરીકે ફરજ બજાવી, પરંતુ ભારત પરત ફર્યા બાદ તેમણે કળાને સમર્પિત થવાનું નક્કી કર્યુ. અઢળક નાટકો, કોમેડી શો, ટીવી સિરિયલ અને ફિલ્મમાં અભિનય કરી દર્શકોના દિલ જીતનાર અભિનેતા ઓજસ રાવલની આ સફર કેવી રહી તેના વિશે જાણીએ.  

મેડિકલ સાયન્સનો અભ્યાસ કર્યો હોય, એ પણ વિદેશમાં, અને પછી કળાના ક્ષેત્રમાં કારકિર્દી બનાવીએ ત્યારે લોકોને એક સવાલ અચૂક થાય કે કેમ? અને કેવી રીતે..? જ્યારે વાત અભિનેતા ઓજસ રાવલની કરીએ ત્યારે આવો સવાલ થાય એ સ્વાભાવિક છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં   અભિનેતા ઓજસ રાવલે આ સવાલના જવાબમાં જણાવ્યું હતું કે પ્રાથમિક શાળાથી જ સ્ટેજ સાથે તેમનો નાતો બંધાઈ ગયો હતો. ગાયન સ્પર્ધા અને વન એક્ટ પ્લે જેવી ઈત્તર પ્રવૃત્તિઓમાં તે હંમેશા આગળ રહેતા હતા. વિદેશમાં પણ તેઓ થિયેટર સાથે જોડાયેલા હતાં. તેમને જેટલો રસ સર્જરીમાં હતો તેટલો એક્ટિંગમાં પણ હતો અને છે. આજે પણ એક્ટિંગ ક્ષેત્રમાં આટલી સફળતા મેળવ્યા બાદ પણ તેમને સર્જરીમાં રસ તો ખરો જ. 




ડિરેક્શન, લેખન અને અભિનયનો સુમેળ સાધ્યો


મુંબઈમાં જન્મેલા ઓજસ રાવલ જ્યારે વિદેશથી ભારત ફર્યા ત્યારે કદાચ તેમણે ખ્યાલ પણ નહીં હોય કે અહીં સ્ટેજ, પીળો પ્રકાશ અને કેમેરો તેમની રાહ જોતા હશે. મુંબઈ આવ્યા બાદ તેમને દિવંગત નિર્દેશક કુંદન શાહ હેઠળ નિર્દેશન શીખવાની તક મળી. આ સોનેરી તકને ઝડપી તેમણે દિગ્દર્શનની શરૂઆત કરી દીધી. સાથે સાથે તેમણે કલર્સ ચેનલ પર આવતી સીરિયલ લખી અને તેમાં અભિનય પણ કર્યો. પછી તો આ ક્ષેત્રમાં ઓજસ માટે જાણે સોનાનો સુરજ ઉગ્યો હોય એમ કામ માટે દરવાજા ખુલતાં ગયા. એમ એક બાજુ ડિરેક્શન, લેખન અને એક્ટિંગ તો ખરી જ, બીજી બાજુ એમાં ઉમેરાયો કૉમેડી શો. ઓજસ રાવલે સ્ટેન્ડ એપ કોમેડી શો પણ કર્યા અને લોકોને પેટ પકડીને હસાવ્યા. આ શો દ્વારા તેમને ખુબ જ લોકપ્રિયતા મળી અને લોકોનો ભરપૂર પ્રેમ પણ મળ્યો. લોકોના સબળા પ્રતિસાદે ઓજસને આ ક્ષેત્રમાં કરિયર બનાવવા માટે વધારે મજબુત કર્યા હતા. પછી તો ઓજસે અનેક પ્રોજેક્ટમાં અભિનયનો ઓજસ પાર્થયો.  

અભિનેતા ઓજલ રાવલે  ‘પોલમ પોલ’, ‘તારી માટે વન્સ મોર’, ‘ચોર બની થનગાટ કરે’, ‘ચાસણી’ અને  તાજેતરમાં આવેલી ફિલ્મ ‘નાયિકા દેવી : ધ વૉરિયર ક્વિન’તથા `ધુમ્મસ`  જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. આ સિવાય તેમણે ‘લેડિઝ સ્પેશ્યલ’, ‘સગરમ કી સાડે સાતી’ સિરિયલ સહિત અનેક નાટકોમાં પણ પોતાની કલા રજૂ કરી છે. ‘લેડિઝ સ્પેશ્યલ’માં તેમના પાત્રને ખુબ પસંદ કરવામાં આવ્યું હતુ અને ચાહકોનો અપાર પ્રેમ મળ્યો હતો.


કામ એ કામ અપાવ્યું

અભિનયની વાત થાય એટલે ઓડિશનની પ્રક્રિયા તો ઉભી જ હોય. સામાન્ય કલાકારથી લઈ મોટા ગજાના કલાકારોએ કોઈ પણ પ્રોજેક્ટમાં અભિનય કરવા માટે ઑડિશનની પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ઓજસ રાવલને ક્યારેય કોઈ પણ પ્રોજેક્ટ માટે ઑડિશન આપવાની જરૂર પડી નથી. આ અંગે વિસ્તારથી વાત કરતાં એભિનેતાએ જણાવ્યું હતું કે `જેમ જેમ હું કામ કરતો ગયો તેમ તેમ મને કામ મળતું ગયું. અત્યાર સુધી કોઈ પણ પ્રોજેક્ટ માટે મેં ક્યારેય ઑડિશન આપ્યું નથી. પાંચ ભાષાઓ પર પકડ હોવાથી લોકડાઉન દરમિયાન પણ મેં વોઈસ આર્ટ સંબંધિત અનેક પ્રોજેક્ટ કર્યા હતા.`  વડીલોનો આર્શિવાદ, પ્રભુની કૃપા, કામ પ્રત્યેનો જુસ્સો, અભ્યાસ  અને તનતોડ મહેનતના સમન્વયથી ઓજસે ઑડિશન વિના આ માર્ગ પર કદમો આગળ ધપાવ્યા હશે એવું કહેવામાં અતિશયોક્તિ નથી. 

નાટક અને ઢોલીવુડ અંગે અભિનેતાનો દ્રષ્ટિકોણ

ગુજરાતની સરખામણીમાં મુંબઈમાં નાટકનો વ્યાપ વધુ છે. આ સંદર્ભે વાત કરતાં અભિનેતાએ જણાવ્યું કે " ગુજરાતની તુલનામાં મુંબઈમાં નાટકો વધુ થાય છે. કલાકાર માટે નાટકમાં કામ કરવાના વિકલ્પો પણ વધુ માત્રામાં છે. જેથી કરીને ઘણી વાર ગુજરાતના કલાકાર મુંબઈ શિફ્ટ થઈ જાય છે. નાટક મેકર્સ માટે અનેક વાર ઓછુ બજેટ અવરોધ બને છે. પરંતુ જો આમાં પ્રશાસન મદદરૂપ બને તો ગુજરાતમાં નાટકોને વેગ મળી શકે છે."

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે વાત કરતાં ઓજસ રાવલે કહ્યું કે " ઈન્ડસ્ટ્રી અત્યારે જે સ્થિતિમાં છે તે સ્થિતિ જળવાઈ રહે તો ઘણું બઘું એક્સપ્લોર થઈ શકે છે. જો કે, એ વાતને અવગણી શકાય તેમ નથી કે સારી વાર્તા સાથે દર્શકો સુધી સારો સંદેશો પહોંચાડનારા પ્રબુદ્ધ ફિલ્મ મેકર્સની સંખ્યા પણ ઈન્ડસ્ટ્રીમાં ઓછી છે. તેમજ કેટલીક વાર ગુણવત્તાવાળા કન્ટેન્ટનો અભાવ જોવા મળે છે. હાલમાં આપણે સાયન્સ ફિક્શન, સસ્પેન્સ થ્રિલર જેવા વિષયો તરફ વળી રહ્યા છીએ. જો આવાં જ વિવિધ વિષયો પર વાર્તા આવશે તો ઓડિયન્સ વધશે." 
 
કલાકાર તરીકે અભ્યાસ અને સંઘર્ષ કરવો અતિઆવશ્યક

કોઈ પણ કલાકારે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે અભ્યાસ કરવો જરૂરી છે. કલાકારને મળતા કોઈ પણ પાત્ર અને મળતાં કામ પર અભ્યાસ તેને શ્રેષ્ઠતા તરફ લઈ જાય છે. વિષય-વસ્તુ પર અભ્યાસ અને સંઘર્ષ કલાકારને બેસ્ટ કલાકાર બનાવે છે.  

અભિનેતાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, ઓજસ રાવલ સ્ટાર પ્લસની સીરિયલ `આનંદી અને એમલી`માં જોવા મળશે. આ ઉપરાંત તે એક `ધ બકા બકુડી કોમેડી શો` દ્વારા ફરી લોકોને પેટ પકડીને હસાવશે. તેમજ આગામી દિવસોમાં તેમની ગુજરાતી ફિલ્મ `હું તારી હીર` આવી રહી છે. જે એક મોટા બજેટની ફિલ્મ છે અને તેનું શૂટિંગ વિદેશમાં પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે તેમના અંગત જીવનમાં પણ ડોકિયું કરતાં જાણવા મળ્યુ કે અભિનેતાનું ફેવરિટ ફુડ ખિચડી કઢી છે અને ફેવરિટ ડેસ્ટિનેશન હિમાચલ પ્રદેશ છે. તેમને ભવિષ્યમાં બૉલિવૂડ અભિનેત્રી વિદ્યા બાલન સાથે કરવાની ઈચ્છા છે. આપણે આશા કરીએ કે બહુ જલદી તે આપણે વિદ્યા બાલન સાથે સ્ક્રિન શેર કરતાં જોવા મળે.

 

 

Whatsapp-channel Whatsapp-channel

24 June, 2022 05:11 PM IST | Mumbai | Nirali Kalani

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK