આ ફિલ્મમાં ભાવિન રબારી, રિચા મીના, ભાવેશ શ્રીમાળી, દીપેન રાવલ, રાહુલ કોલી અને વિકાસ બાટા છે

છેલ્લો ફિલ્મ શૉ
પાન નલિનની ફિલ્મ લાસ્ટ ફિલ્મ શૉ (Last Film Show)નું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મને 95માં એકેડેમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કારમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે.
દિગ્દર્શક પાન નલિનના ગ્રામીણ ગુજરાતમાં વીતેલા બાળપણથી પ્રેરિત ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શૉ’ (છેલ્લો શૉ) એ એક ગુજરાતી ભાષાની ફિલ્મ છે જે નવ વર્ષના છોકરા, સમયની વાત કરે છે, જે સેલ્યુલોઇડ ફિલ્મ પ્રોજેક્શનના જાદુ અને વિજ્ઞાનમાં ફસાયેલો છે. તે તેના મિત્રો સાથે પોતાની 35mm મૂવી બતાવવાનું શરૂ કરે છે. સામાજિક દબાણ અને આર્થિક ભીંસ હોવા છતાં તે ‘ફિલ્મ શૉ’ માટેના પોતાના જુસ્સાને નિષ્ઠા સાથે આગળ ધપાવે છે.
ADVERTISEMENT
આ સંદર્ભે દિગ્દર્શક પાન નલિને જણાવ્યું કે “ફિલ્મ મારા પોતાના જીવનથી પ્રેરિત છે અને સિનેમાએ તેને કેવી સુંદર, અણધારી અને ઉત્થાનકારી રીતે બદલ્યું છે. મેં તેને મોબાઇલ ફોન, સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અથવા ફિલ્મ સ્કૂલની ઍક્સેસ પહેલાંના સમયમાં સેટ કરી છે. આ જર્ની એક સિનેમેટિક સર્જનના આનંદને કેપ્ચર કરે છે. આજે ટ્રેલર બહાર પડવાથી, લોકોને લાસ્ટ ફિલ્મ શૉ (છેલ્લો શૉ)ની અમારી દુનિયાની ઊંડી ઝલક મળશે!”
નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂરે જણાવ્યું કે “લાસ્ટ ફિલ્મ શૉનું ટ્રેલર રજૂ કરતાં મને આનંદ થાય છે. દિગ્દર્શક પાન નલિને સિનેમાના જાદુ અને અજાયબીને મૂવિંગ ટ્રિબ્યુટ રીતે તૈયાર કર્યું છે. આ ફિલ્મને ઓસ્કાર 2023માં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. આ અમારા માટે મોટા સન્માનની વાત છે."
આ ફિલ્મમાં ભાવિન રબારી, રિચા મીના, ભાવેશ શ્રીમાળી, દીપેન રાવલ, રાહુલ કોલી અને વિકાસ બાટા છે. ફિલ્મનું નિર્માણ રોય કપૂર ફિલ્મ્સ, જુગાડ મોશન પિક્ચર્સ, મોનસૂન ફિલ્મ્સ અને છેલ્લો શૉ LLP દ્વારા કરવામાં આવ્યું છે. તે યુએસએમાં સેમ ગોલ્ડવિન ફિલ્મ્સ દ્વારા રિલીઝ કરવામાં આવશે. PVR સિનેમા સાથેની ભાગીદારીમાં રોય કપૂર ફિલ્મ્સ ભારતમાં ફિલ્મનું વિતરણ કરશે. લાસ્ટ ફિલ્મ શૉ (છેલ્લો શૉ) 14 ઑક્ટોબર 2022ના રોજ ગુજરાત અને સમગ્ર ભારતમાં થિયેટરોમાં રિલીઝ થવાની છે.

