દ્વારકાની ધરતી પર કેમ હજી સુધી કોઈએ ફિલ્મો નથી બનાવી એ વાતની નવાઈ મને અત્યારે, અહીં લંડનમાં શૂટિંગ કરતાં-કરતાં પણ છે

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
આપણે વાત કરીએ છીએ મારી દ્વારકા ટ્રિપની અને આ ટ્રિપ વિશે હું અત્યારે લંડનથી લખી રહ્યો છું. લંડનમાં મારી બે ફિલ્મનું શૂટ એકસાથે શરૂ થયું છે. લંડનના આ માહોલ વચ્ચે પણ હું દ્વારકાની વાત કરવા વધારે આતુર છું. કારણ છે ત્યાંનું ઍટ્મૉસ્ફિયર. એ વાતાવરણમાં ગજબનાક શુકૂન છે અને એ દિવસે મને સૌથી વધારે રોમાંચ એ વાતનો હતો કે હજી મેં દ્વારકા તો જોયું જ નહોતું! હું તો બેટ દ્વારકામાં જ હતો અને બેટ દ્વારકાથી હવે મારા પાછા જવાનું હતું.
બેટ દ્વારકા અને દ્વારકાને કનેક્ટ કરવા માટે અત્યારે વચ્ચે ફેરી જ છે, પણ હવે અહીં એક બ્રિજ બની રહ્યો છે. આ એક બ્રિજ બની રહ્યો છે, સી-લિન્ક જેવો બ્રિજ બને છે જે બેટ દ્વારકા અને દ્વારકાને કનેક્ટ કરશે. આ વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં બ્રિજ બની જવો જોઈએ, જેને કારણે ટ્રાફિકમાં પણ ફરક પડશે એવું અહીંના લોકો માને છે, કારણ કે મૉન્સૂનમાં ઘણી વાર આ ફેરી બંધ કરવી પડે છે. ફેરી શું કામ બંધ કરતા હશે એનો અંદાજ તો અમને એ દિવસે આવી જ ગયો હતો.
વીજળીના કડાકા ચાલુ થઈ ગયા હતા અને દસ ફુટ આગળ જોઈ ન શકાય એવો વરસાદ પડતો હતો. પાણીનો ફોર્સ પણ જે રીતે વધતો જતો હતો એ જોતાં ખરેખર પાંચ મિનિટ માટે તો મનમાં ડર પણ પેસી ગયો કે ક્યાંક આ જીવનની છેલ્લી ફેરી ન હોય! જોકે એવું બન્યું નહીં અને અમે બધા દ્વારકા પહોંચ્યા.
અમે દ્વારકા ઊતર્યા ત્યારે મારા કાને જે ગીત પડ્યું એ પણ જબરદસ્ત કો-ઇન્સિડન્ટ હતો. રાજભા ગઢવીનું ગીત હતું અને મારી આંખો ધજા પર હતી તો પાછળ રાજભાનું આ ગીત વાગતું હતું...
ઓખો તો દુનિયાથી નોખો કહેવાય
દ્વારકાના દેવની તો વાત જ નો થાય
મીઠુડી ધરતીમાં મીઠા ભગવાન
દરિયાના ફળિયામાં દીઠા ભગવાન..
મજા આવી ગઈ અને અંદરથી એવી ફીલિંગ્સ આવી ગઈ કે જાણે સુદામા બનીને દ્વારકાધીશને મળવા આવ્યા હોય. અમે મંદિર તરફ આગળ વધતા હતા ત્યારે મને મિત્રોએ કહ્યું કે અહીં જે માગીએ એ કાળિયો ઠાકુર આપે છે, તમારી બધી ઇચ્છા પૂરી થશે.
મને તરત જ મારા ગુરુદેવ રત્નસુંદરવિજયજી મહારાજસાહેબ યાદ આવી ગયા. ગુરુદેવ મને હંમેશાં કહે કે લોકોએ તને ઘણું આપ્યું, પણ તેં સામે લોકોને શું આપ્યું?
દ્વારકાધીશ પાસે જતી વખતે મારે આ જ માગ કરવી છે કે હું લોકોને કશુંક આપી શકું, લોકો માટે કંઈક કરી શકું. બસ, મારું મન એ દિશામાં કામે લાગી ગયું અને મેં મંદિર સુધી મૌન લઈને મનમાં ને મનમાં વિચારવાનું શરૂ કરી દીધું કે હું ભગવાનને આ કહીશ અને ભગવાને પેલું કહીશ, ભગવાન પાસેથી આ માગીશ અને ભગવાન પાસેથી પેલી માગ કરીશ; પણ ખરું કહું તો હું ભગવાનને કંઈ કહી શક્યો નહીં.
શું કામ એની વાત જરા વિગતવાર કરું.
દર્શન માટે અમે બધા લાઇનમાં ઊભા રહ્યા. લાઇન ધીમે-ધીમે આગળ વધતી ગઈ. પહેલાં સહેજ ભગવાન દેખાયા, પછી થોડા વધારે ભગવાન દેખાયા અને એ પછી ભગવાનની આખી મૂર્તિ દેખાઈ. મને એ જોઈને જ મજા આવી ગઈ. લોકો આંખ બંધ કરીને ભગવાનનાં દર્શન કરે, પણ મારાથી આંખો બંધ જ ન થઈ. બસ, હું ભગવાનને જોતો જ રહ્યો. દસ-પંદર કે વીસ સેકન્ડ સુધી હું તેમને નિહાળતો જ રહ્યો અને સાવ જ શૂન્યમન્સ્ક રીતે તેમના મય થઈ ગયો. ઝીરો, શૂન્ય.
મને કશું સમજાતું નહોતું, કંઈ સૂઝતું નહોતું. સાચું કહું તો હું મારામાં હતો જ નહીં. હું તો કૃષ્ણમય હતો. બસ, ભગવાનને જોતો જઉં છું અને તેમની સામે સ્માઇલ કરતો રહું છું. માગવા માટે મનમાં જે લાંબું લિસ્ટ બનાવ્યું હતું એ લિસ્ટ આખેઆખું બાષ્પીભવન થઈ ગયું. બસ, હું ભગવાનને જોતો જ રહ્યો અને મને આગળ વધવાનું કહ્યું ત્યારે એમ જ બહાર નીકળી ગયો. છેક મંદિરની બહાર આવ્યા પછી હું ફરી પાછો મારી એ મૂળભૂત અવસ્થામાં આવ્યો, જે અવસ્થામાં હું મંદિરમાં દાખલ થયો હતો.
આ કાળિયા ઠાકુરની કમાલ હતી, આ કાળિયા ઠાકુરની તાકાત હતી. તમે કંઈ પણ નક્કી કરો, કંઈ પણ વિચારીને રાખો; પણ જો એણે તમને બ્લૅન્ક કરી દેવા હોય તો પળભરમાં એ તમને સાવ જ બ્લૅન્ક કરી દે અને પોતાના શરણમાં લઈ લે. મારી સાથે એવું જ થયું હતું. હું બ્લૅન્ક હતો અને ફરી પાછો રાબેતા મુજબ થયો ત્યારે મને યાદ નહોતું કે મારી સાથે દ્વારકાધીશે શું કર્યું હતું?
એ સમયે મને મારા મિત્રો પૂછતા હતા કે શું માગ્યું તેં ભગવાન પાસે?
હું શું જવાબ આપું તેમને. મારી પોતાની પાસે જ જવાબ નહોતો.