જામનગરના બાલા હનુમાન મંદિરમાં ચાલતી અખંડ રામધૂન હું તો જોવા ગયો હતો, પણ એ લોકોએ તો મને બેસાડી દીધો અને માઇક સામે ધરી દીધું. બસ, મેં રામધૂન શરૂ કરી અને જેમ-જેમ રામધૂન આગળ વધતી ગઈ એમ-એમ મનમાં થવા માંડ્યું કે કાશ અહીં જ આખી જિંદગી પસાર થઈ જાય

ફાઇલ તસવીર
દ્વારકા મંદિરમાંથી બહાર આવ્યો કે તરત જ મને મારા ફ્રેન્ડ્સ પૂછવા માંડ્યા કે શું માગ્યું તેં ભગવાન પાસે? હું શું જવાબ આપું તેમને, મારી પાસે જવાબ જ નહોતો. મને કશું સમજાતું નહોતું, ભાન નહોતી રહી કે મેં અંદર શું કર્યું. બસ, મેં અંદર કાળિયા ઠાકુરને જોવાનું એક જ કામ કર્યું હતું અને એ કામ કર્યા પછી, મંદિરની બહાર નીકળ્યા પછી, મારા મનમાં એક જ વિચાર ચાલતો હતો કે ભગવાનની સામે જઈને લોકો આંખ શું કામ બંધ કરી દેતા હશે? તમે જ વિચારો કે શું તમને ભગવાન રસ્તા પર સામે મળી જાય તો તમે આંખ બંધ કરી દો કે પછી તેનાં પૂરા ભાવથી દર્શન કરો?
દૂર-દૂરથી તમે ભગવાનનાં દર્શન કરવા આવ્યા હો અને એ પછી તમે તેની સામે આંખો બંધ કરી દો તો એ મને તો વાજબી નથી લાગતું. ભગવાન સાથે તાદાત્મ્ય કેળવવાનું હોય, એકરસ થવાનું હોય અને ભગવાનના ભાવ નિહાળવાના હોય એને બદલે આંખો બંધ કરી દેવાની? જો આંખો બંધ જ કરી દેવી હોય તો તમે ગમે ત્યાં ભગવાનને અનુભવી શકો છો. એને માટે તમારે અહીં સુધી આવવાની જરૂર નથી. આવો તો ભગવાનને જુઓ, તેને નિહાળો અને એમાંથી નીકળતાં એ વાઇબ્સને તમારી આંખો દ્વારા તમારામાં સમાવો.
મેં મારા ફ્રેન્ડ્સને કોઈ જવાબ આપ્યો નહીં એટલે એ લોકો પણ દ્વારકાની બીજી મહત્ત્વની વાતો મને કહેવામાં લાગી ગયા. મારી સાથે હતા એ ફ્રેન્ડ્સમાંથી એક ફ્રેન્ડે મને કહ્યું કે દ્વારકામાં ધજાનું પણ ખૂબ મહત્ત્વ છે. દિવસમાં પાંચ વાર ધજા ચડાવવામાં આવે છે. એ જ ફ્રેન્ડે મને કહ્યું કે ધજા ચડતી હોય એ દરમ્યાન પણ જો ભગવાન પાસે કંઈ માગવામાં આવે તો એ ઇચ્છા પૂર્ણ થાય છે.
મેં મનોમન નક્કી કરી લીધું કે ચાલો, અંદર માગવાનું રહી ગયું છે તો હવે ધજા ચડતી હશે એ દરમ્યાન માગીશ. મને એ મોકો મળ્યો અને ધજા ચડતી હતી ત્યારે મેં ધજાજી પાસે માગ્યું કે દ્વારકાધીશ, તને જે મંજૂર હોય, તને જે મોજ પડતી હોય એ બધું કરજે અને મારી પાસે કરાવજે. મને બધું સ્વીકાર્ય છે, મંજૂર છે. બસ, તારે એક કામ કરવાનું છે, તું જેકંઈ કરાવે એ બધામાં મારી સાથે રહેજે.
હા, મારી આ માગ સાથે અમે દ્વારકાથી રવાના થયા, પણ રસ્તામાં હતા અને ખાસ કોઈ કામ હતું નહીં એટલે એમ જ વાતો કરતા, મજાક-મસ્તી કરતા અમે અમદાવાદ તરફ જતા હતા ત્યાં મને મારા ભાઈનો ફોન આવ્યો અને તેણે મને કહ્યું કે જામનગરમાં અખંડ રામધૂન થાય છે. જો મારી ભૂલ ન થતી હોય તો પ૯ વર્ષથી એ રામધૂન ચાલે છે.
આ જે રામધૂન છે એ રામધૂન કેવા સંજોગોમાં શરૂ થઈ હતી એની તો મને નથી ખબર, પણ એ સાચું છે કે સૌથી પહેલાં માત્ર બે જ જણ હતા, જે આ રામધૂનમાં હતા, પણ પછી ધીમે-ધીમે એમાં લોકો ઉમેરાતા ગયા. અખંડ રામધૂન હોવાથી ૨૪ કલાકમાંથી ક્ષણવાર પૂરતી પણ એ અટકતી નથી. એક જણ રામધૂન કરતો હોય અને બીજા એ રામધૂનને ઝીલે. પછી પેલા ભાઈ થાકે એટલે ત્યાં જે હાજર હોય એ ભાઈ આગળ આવીને રામધૂન ઉપાડી લે અને જે ભાઈ થાક્યા હોય તેને થોડી રાહત આપે.
વાત સાંભળીને મને તો મજા પડી ગઈ. મેં તરત જ મારા ફ્રેન્ડ્સને કહ્યું કે આપણે ત્યાં જઈએ. એ લોકો પણ તૈયાર. જામનગરના બાલા હનુમાન મંદિર અમે પહોંચ્યા અને મેં એ જ અનુભવ કર્યો જે અનુભવ હું દ્વારકામાં કરતો આવતો હતો. આ મંદિરમાં હનુમાનજીની સાથે રામ-લક્ષ્મણ અને સીતાજીની પૂજા કરવામાં આવે છે.
અમે બાલા હનુમાન પહોંચ્યા ત્યારે મંદિર બંધ હતું એટલે અમે થોડી વાર માટે રામધૂનમાં બેઠા, એ દરમ્યાન કેટલાક લોકો મને ફિલ્મોને કારણે ઓળખી ગયા અને પછી તો મને આગ્રહ કરીને આગળ લઈ ગયા અને માઇક મારી સામે મૂકી દીધું. એ પછીની ત્રીસેક મિનિટ મેં રામધૂન ગવડાવી, મજા પડી ગઈ. મેં તો ક્યારેય એવું વિચાર્યું સુધ્ધાં નહોતું કે મને આવો લાભ મળશે, પણ એ લાભ મને મળ્યો અને મારી રામધૂન હનુમાનજી સુધી પહોંચે અને એ રામધૂન બીજા સાથીઓ ઝીલે. સાચું કહું તો મને તો ત્યાંથી ઊભા થવાનું મન જ નહોતું થતું. થતું હતું કે આમ ને આમ અહીં બેસી રહું અને રામધૂન કરતો રહું. રામધૂનમાંથી ઊભા થવા માટે મને ચારથી પાંચ વખત મારા મિત્રોએ કહ્યું એટલે પછી મારે નાછૂટકે ઊભું થવું પડ્યું. એ લોકોને ગાંધીનગર પહોંચવાનું હતું.
રામધૂનની જવાબદારી અન્યને હાથમાં સોંપીને હું ઊભો થયો અને ત્યાં સુધી બાલા હનુમાનજીનું મંદિર પણ દર્શન માટે ખૂલી ગયું હતું એટલે મેં દર્શન કર્યાં અને પછી જામનગરવાસીઓની ઈર્ષ્યા કરતાં-કરતાં હું મંદિરમાંથી બહાર નીકળ્યો.
તમને ખબર છે કે જામનગરમાં વસ્તીની સરખામણીમાં દેરાસર પણ પુષ્કળ છે. એક સમયે તો જામનગરને દેરાસર-નગરી તરીકે ઓળખવામાં આવતી હતી. આ અને આવી જ જામનગરની બીજી વાતો હવે આપણે કરીશું આવતા રવિવારે.