નરેશ કનોડિયાના ગીતને રીક્રીએટ કર્યું હિતુ કનોડિયાએ

નરેશ કનોડિયાના ફેમસ સૉન્ગ ‘સાજન તારાં સંભારણાં’ને તેમના દીકરા હિતુ કનોડિયા દ્વારા નવી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે. નરેશ કનોડિયાનું મૃત્યુ હાલમાં જ થયું હોવાથી આ ગીત દ્વારા તે તેના પિતાને ટ્રિબ્યુટ આપી રહ્યો છે. 1985ના આ ગીતને હિતુ કનોડિયા અને અભિનેત્રી મમતા સોની દ્વારા નવા અવતારમાં રજૂ કરવામાં આવ્યું છે. આ ગીતને અલ્ટ્રા મીડિયા ગુજરાતી પર શનિવારે એટલે કે 19 ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવશે. આ ગીતને હરેશભાઈ પટેલે પ્રોડ્યુસ અને ડિરેક્ટ કર્યું છે. મૌલિક મહેતા દ્વારા કમ્પોઝ કરવામાં આવેલા આ ગીતને હિમાંશુ બારોટ અને નયના શર્માએ ગાયું છે. તેમ જ ગુજરાતી રૅપર અરવિંદ વેગડા પણ એમાં જોવા મળશે. આ ગીત દ્વારા તેઓ સ્વર્ગીય નરેશ કનોડિયાની 1985માં આવેલી ફિલ્મ ‘સાજન તારાં સંભારણાં’ના ટાઇટલ સૉન્ગના જાદુને ફરી રેલાવશે. તેમણે ગીતનાં સ્ટેપ નથી બદલ્યાં. ઓરિજિનલ ગીતમાં જે સ્ટેપ હતાં એ જ રાખવામાં આવ્યાં છે. આ વિશે હિતુ કનોડિયાએ કહ્યું હતું કે ‘ઓરિજિનલ સૉન્ગનો જાદુ અજોડ છે અને એની તુલના કરવી શક્ય નથી, કારણ કે મારા પિતાએ તેમની વિશિષ્ટ શૈલીથી એને ખૂબ જ સુંદર બનાવ્યું હતું. મને વિશ્વાસ છે કે ઓરિજિનલ સૉન્ગની જેમ જ આ નવું સૉન્ગ પણ હિટ રહેશે, કારણ કે જૂનાં ગીતો આપણી સંસ્કૃતિનાં રત્ન છે અને એને નવી પેઢી સુધી પહોંચાડવાં જરૂરી છે.’

