Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જામનગર, દૂધની ચૉકલેટ, કાચો મૈસુક અને ભવ્યરાજ

જામનગર, દૂધની ચૉકલેટ, કાચો મૈસુક અને ભવ્યરાજ

14 May, 2023 07:27 PM IST | Mumbai
Bhavya Gandhi | feedbackgmd@mid-day.com

જામનગરમાં મને બધી આન્ટીઓએ એક નવું નામ આપ્યું - ભવ્યરાજ અને એ નામ મેં લઈ પણ લીધું. હવે આખી દુનિયા મને ભવ્ય કે ટપુ કહેતી હશે, પણ પેલી આન્ટીઓ તો મને ભવ્યરાજ કહેવાની

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


આપણે વાત કરતા હતા જામનગરની અને જામનગરમાં આવેલા બાલા હનુમાનની. જામનગર અમુક બાબતમાં બહુ લકી છે. જામનગર પાસે દરિયો છે તો જામનગર પાસે રિલાયન્સ જેવી દુનિયાની જાયન્ટ એવી રિફાઇનરી છે. જામનગર પાસે ડેવલપમેન્ટ છે તો આ સિટી પાસે કલ્ચર પણ છે. ગયા રવિવારે કહ્યું હતું એમ જામનગરમાં દેરાસરો પણ પુષ્કળ છે. અમુક એરિયા તો એવા છે જ્યાં અડધો-અડધો કિલોમીટરના ડિસ્ટન્સ પર દેરાસર છે અને એ બધાં દેરાસરો કાયમ જૈન શ્રાવકોથી ભરચક હોય છે. જૈનો હશે તેમને એ પણ ખબર હશે કે જામનગરમાં તપ પણ પુષ્કળ થાય. એક સમય હતો કે આખા ગુજરાતની સરખામણીમાં વર્ષીતપના સૌથી વધારે તપસ્વીઓ જામનગરમાં હતા.

જામનગરમાં હું પહેલી વાર આટલી શાંતિથી રહ્યો હતો. મેં મારી આ વિઝિટ દરમ્યાન એટલું બધું જાણ્યું કે તમે વિચારી સુધ્ધાં ન શકો. જામનગર દેશનું એકમાત્ર એવું સિટી છે જ્યાં પ્યૉર દૂધમાંથી ચૉકલેટ બને છે. હા, ચૉકલેટ અને એ પણ કોકો પાઉડર ઍડ કર્યા વિનાની ચૉકલેટ. પ્યૉર દૂધની ચૉકલેટ અને એ પણ પંદરથી વીસ વરાઇટીમાં. આ જ જામનગરની ડ્રાય કચોરી વિશે તો ‘મિડે-ડે’માં જ એક સમયે બહુ મોટો આર્ટિકલ આવ્યો હતો. આ જે ડ્રાય કચોરી હોય છે એ ત્રણ-ત્રણ મહિના સુધી એવી ને એવી જ રહે. બગડે નહીં અને એ હોય પણ જૈન. આ જ કારણે અમારા જૈનોમાં આ ડ્રાય કચોરી બહુ પૉપ્યુલર થઈ છે. આ બન્ને વરાઇટી ઉપરાંતની પણ એક એવી આઇટમ છે જામનગરની જે કદાચ માત્ર ને માત્ર જામનગરમાં જ મળે છે.



આ જે આઇટમ છે એને કાચો મૈસુક કહે છે. હા, એને ફોડ્યો ન હોય એટલે એમાં જેમ રેગ્યુલર મૈસુકમાં કણી હોય એવી કણી ન હોય. આ કાચો મૈસુક એવો હોય છે કે તમે એ મોઢામાં મૂકો ત્યાં તો તરત જ ઓગળી જાય. એ જે દુકાનમાં મળે છે એ દુકાનનું નામ મને અત્યારે યાદ નથી, પણ એના ઓનર એવી ગૅરન્ટી સાથે એ મૈસુક આપે કે તમે એ બે મહિનાના બાળકને પણ ખવડાવી દો તો તે પણ એ ડાઇજેસ્ટ કરી જાય!


જામનગરમાં અમે એક રાત રોકાયા. એ રાતે પણ બહુ મોડે સુધી લોકો પાસેથી જામનગરની વાતો સાંભળી. એ વાતો સાંભળતો હતો એ દરમ્યાન ખબર પડી કે જામનગરમાં શિવજીનું એક મંદિર છે, જ્યાં રાતે જ પૂજા થાય છે. રાતે સાડાબારથી સવારે પાંચ વાગ્યા સુધી જ પૂજા થાય અને દિવસ દરમ્યાન પૂજા ન થાય. એવું શું કામ એ પણ જાણ્યું અને એ પણ જાણ્યું કે આજે પણ કેમ જામનગર આટલું ભવ્ય લાગતું રહ્યું છે.

એની પાછળ જો કોઈ કારણ હોય તો એ જામનગરની રાજવી ફૅમિલી છે. આ રાજવી ફૅમિલીના મોટા ભાગના લોકો ફૉરેનમાં જ ભણ્યા છે, જેને લીધે ફૉરેનનું એક્સપોઝર તેમને બહુ સારું મળ્યું અને એનો લાભ જામનગર સિટીની રચનામાં થયો. નવું શહેર જુઓ તો તમને ખબર પડે કે ભવિષ્યને ધ્યાનમાં રાખીને એ ડિઝાઇન થયું છે, પણ જામનગર જુઓ તો તમને ખબર પડે કે આ સિટીનું પ્લાનિંગ એ સમયે પણ એવું થયું હતું કે આજે પણ એ શહેરમાં ક્યાંય વરસાદી પાણી ભરાવાનું કે પછી ટ્રાફિક થવાનું બનતું નથી.


જામનગરમાં અમે મારા એક ફ્રેન્ડને ત્યાં રોકાયા હતા. અમે એ ફ્રેન્ડને ત્યાં પહોંચ્યા ત્યારે ઑલમોસ્ટ રાતના સાડાબાર વાગી ગયા હતા અને એ ટાઇમે પણ આખી સોસાયટી ભેગી થઈ ગઈ હતી. અમે બહુ મજા કરી. ફોટો પડાવ્યા તો આન્ટીઓએ ઓવારણાં લીધાં અને તમને નવાઈ લાગશે કે મને નવું નામ પણ એ રાતે મળ્યું.
ભવ્યરાજ.

હા, વાતો ચાલતી હતી એ દરમ્યાન એક આન્ટીએ મારું નામ પાડ્યું અને પછી ત્યાં હાજર હતી એ બધી આન્ટીઓએ એ નામ મને આપી દીધું. સવારે હું નીકળ્યો ત્યાં સુધી બધા લોકો મને ભવ્યરાજ કહીને જ બોલાવતા હતા. મૉરલ ઑફ ધ સ્ટોરી, એ વાત સાવ સાચી છે કે કાઠિયાવાડમાં જો ભગવાન પણ ભૂલો પડે તો તે આ મહેમાનગતિ માણીને સ્વર્ગમાં પાછા જવાનું ભૂલી જાય. ભૂલી જાય અને કાં તો સ્વર્ગમાં પાછા જવાનું ટાળી દે. મને પણ પાછા જવાનું મન તો નહોતું જ થતું; પણ શું કરું, પાછા જવાનું હતું. બહુબધાં કામ બાકી હતાં અને જે દુનિયા ઓછી ગમતી થઈ ગઈ હતી એ દુનિયામાં નવેસરથી દાખલ થવાનું હતું; પણ હા, એ પછી પણ મનમાં રામધૂન તો અકબંધ જ રહી જે આજ સુધી અકબંધ રહી છે. અત્યારે પણ લંડનમાં મારા કાનમાં એ રામધૂન વાગ્યા કરે છે...

શ્રી રામ જય રામ જય જય રામ...

Whatsapp-channel Whatsapp-channel

14 May, 2023 07:27 PM IST | Mumbai | Bhavya Gandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK