કોરિયન વેબ-સિરીઝ માત્ર હૉરર કે સસ્પેન્સ-થ્રિલર ન બની રહે એનું ધ્યાન રાખીને એમાં ટીનેજ ઑડિયન્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો અને એ વાત ઑડિયન્સમાં જબરદસ્ત ક્લિક થઈ ગઈ
ફાઇલ તસવીર
આપણે છેલ્લાં બે વીકથી વાત કરીએ છીએ કોરિયન વેબ-સિરીઝ ‘ઑલ ઑફ અસ આર ડેડ’ની અને આ એ વાતનો છેલ્લો એપિસોડ છે. જો તમને એવું લાગતું હોય કે આટલી લાંબી વાત ખેંચાઈ શું કામ તો એનો જવાબ પણ આપી દઉં. ‘ઑલ ઑફ અસ આર ડેડ’ના મેકિંગથી જ એવું પુરવાર થતું હતું કે કંઈક ગ્રેટ ક્રીએશન ચાલી રહ્યું છે. આ વેબ-સિરીઝના સ્ટાર્સ માટે ઑડિશન લેવાનું ચાલુ થયું ત્યારે જ મેકર્સે નક્કી કરી રાખ્યું હતું કે મોટા ભાગના ફેસ નવા લેવાના છે અને સબ્જેક્ટ પણ એવો જ હતો. ‘ઑલ ઑફ અસ આર ડેડ’ના ઑડિશન માટે પ્રોડક્શન કંપનીએ સાત મહિના સતત મહેનત કરી અને એ મહેનત પછી તેમને વેબ-સિરીઝના લીડ સ્ટાર્સ મળ્યા. વેબ-સિરીઝ જો તમે જોઈ હોય તો તમને ખબર પડશે કે એમાં મહત્ત્વના કહેવાય એવા અલગ-અલગ ૧૪થી વધારે સ્ટુડન્ટ્સ હતા જેઓ ફ્રેશ ઍક્ટર હતા અને પોતાની લાઇફમાં પહેલી વાર એ લોકો પ્રોફેશનલી વેબ-સિરીઝ કરતા હતા. હા, અમુક આર્ટિસ્ટ્સ એવા હતા જેમણે ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કોરિયન ફિલ્મો કરી હતી, પણ એ પછી લાંબા સમયનો બ્રેક લઈ હવે કમબૅક કરતા હતા એટલે એ રીતે તો તેમને માટે પણ આ પહેલી જ વેબ-સિરીઝ હતી.
વેબ-સિરીઝના આર્ટિસ્ટ ફાઇનલ થયા પછી તેમની લુક-ટેસ્ટ અને વર્કશૉપ શરૂ થઈ જે એક મહિનો ચલાવવામાં આવી. વર્કશૉપના એક મહિના દરમ્યાન પણ સતત ઑડિશન ચાલુ હતાં. તમને જાણીને નવાઈ લાગશે કે વર્કશૉપ દરમ્યાન મેકર્સે ચાર વખત એવો ડ્રામા ઊભો કર્યો જાણે વર્કશૉપની જગ્યાએ ખરેખર ઝોમ્બી આવી ગયા હોય. એવું કરવા પાછળનું કારણ એ જ હતું કે ડિરેક્ટર્સની ઇચ્છા હતી કે ઝોમ્બી આવે ત્યારે ગભરાયેલી અવસ્થામાં આ છોકરા-છોકરીઓનાં રીઍક્શન્સ કેવાં રહે છે?
ADVERTISEMENT
‘ઑલ ઑફ અસ આર ડેડ’ની ખાસ વાત જો કોઈ હોય તો એ છે કે એ ટાઇમ સાથે આગળ વધતી સ્ટોરી છે અને માત્ર બે દિવસની આખી ઘટના છે. આ બે દિવસની ઘટના હોવાને લીધે સિરીઝના ૮૦ ટકા આર્ટિસ્ટ્સના કૉસ્ચ્યુમ ચેન્જ થતા નથી. વચ્ચે ક્યાંય ફ્લૅશબૅક આવતો હોય કે પછી ક્લાઇમૅક્સમાં જે બચી જાય છે તેમના જ કૉસ્ચ્યુમ ચેન્જ થાય છે, પણ એ સિવાય કહો કે ૮૦ ટકા વેબ-સિરીઝ એક જ કૉસ્ચ્યુમમાં આગળ વધે છે. જેને લીધે બનતું હતું એવું કે કૉસ્ચ્યુમની એક્સ્ટ્રા પૅરમાં પણ એ જ પ્રકારે ડાઘ પાડવામાં આવતા હતા, ફાડવામાં આવતા હતા જે ઓરિજિનલી પહેરેલાં કપડાંમાં પડતા હોય
આને માટે કૉસ્ચ્યુમ ડિપાર્ટમેન્ટમાં એક આખી ટીમ બનાવવામાં આવી હતી. શૂટિંગ પૂરું થાય એટલે બધા આર્ટિસ્ટે પોતાનાં કપડાં સાચવીને કાઢવાનાં અને એ પછી એ કૉસ્ચ્યુમ પેલી ટીમને આપી દેવાના. કૉસ્ચ્યુમ-ડિપાર્ટમેન્ટની પેલી ટીમ તેમના હાથમાં આવેલા અને શૂટિંગમાં વપરાયેલા કૉસ્ચ્યુમની એકેએક ઇંચ ચેક કરે અને એમાં જેકોઈ ડાઘ પડ્યા હોય, સહેજ ફાટ્યું હોય કે પછી જે પડવાથી ક્લોથમાં જેકોઈ નુકસાની થઈ હોય એ મુજબ નવેનવા કૉસ્ચ્યુમમાં પણ એવું જ કામ કરવાનું.
૧૨ એપિસોડની ‘ઑલ ઑફ અસ આર ડેડ’નું આપણે જોઈએ છીએ એ કન્ટેન્ટ અંદાજે સાડાબાર કલાકની છે, પણ એનું શૂટ જે થયું હતું એ ૧૬ કલાકનું હતું. સ્ટોરી ક્યાંય પણ તૂટતી લાગે કે પછી થ્રિલની અસર ઓછી કરતા હોય એવા સીન્સ બહુ ભારે મન સાથે કાપી નાખવામાં આવ્યા, જેને લીધે ૧૩૦ કૅરૅક્ટરની આ વેબ-સિરીઝના અનેક એવા કૅરૅક્ટરની લેંગ્થ ઓછી પણ થઈ તો અનેક એવા ઍક્ટર્સને પણ સાઇડ પર મૂકવામાં આવ્યા જે આ વેબ-સિરીઝ માટે આઇસિંગ સમાન હતા. કોરિયન ફિલ્મોમાં બહુ સારું નામ ધરાવતા હોય, જેના નામથી ટિકિટો વેચાતી હોય કે પછી ટીવી-શો જોવા માટે લોકો બેસી જતા હોય એવા ઍક્ટરના રોલ પણ કટ કરવામાં આવ્યા અને એનું કારણ હતું ઑડિયન્સ. ઑડિયન્સ સામે એક એવી કન્ટેન્ટ રજૂ કરવાની હતી જે માત્ર એક જ જોનારનું ન હોય પણ એકસાથે અનેક જોનારાને સમાવી લેતું હોય.
હૉરર, થ્રિલર, સસ્પેન્સ તો આ સબ્જેક્ટના દેખીતા જોનારા હતા, પણ આ સિવાય પણ આ વેબ-સિરીઝના ત્રણ એવા જોનારા હતા જેઓ સાવ સાઇલન્ટ્લી આગળ વધતા હતા. આ ત્રણ જોનારાઓ જે હતા એ ટીનેજરને સ્પર્શતા હતા. ટીનેજર-ઍડ્વેન્ચર, ફર્સ્ટ-લવ અને કૉલેજ લાઇફ પણ સાથોસાથ દર્શાવતી આ વેબ-સિરીઝ ભૂલથી પણ ઍડલ્ટ ન બને એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું તો એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું કે એ સહેજ પણ ઇરિલિવન્ટ ન બની જાય અને એટલે જ કોરોનાના પિરિયડની દરેકેદરેક વાતને પણ એમાં કનેક્ટ કરવામાં આવી અને એ પણ એક કારણ રહ્યું કે લોકો તરત જ વેબ-સિરીઝ સાથે કનેક્ટ થયા.


