Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતી ફિલ્મ મુંબઈમાં ચાલે,પણ ગુજરાતમાં કેમ ન ચાલે?

ગુજરાતી ફિલ્મ મુંબઈમાં ચાલે,પણ ગુજરાતમાં કેમ ન ચાલે?

11 February, 2024 01:00 PM IST | Mumbai
Bhavya Gandhi | feedbackgmd@mid-day.com

ગુજરાતી જ નહીં, કોઈ પણ ફિલ્મ હશે એન​ું એક ચોક્કસ ઑડિયન્સ હશે અને એ ઑડિયન્સ જ એ ફિલ્મને ચલાવવાનું કામ કરે છે

ભવ્ય ગાંધી

ભવ્ય ગાંધી


હેડિંગમાં વાત કરી એ સંદર્ભનો એક સવાલ સોશ્યલ મીડિયા પર આજકાલ બહુ ચાલી રહ્યો છે, જેના જવાબમાં બધા પોતપોતાની રીતે જવાબ આપે છે; પણ મારું કહેવું છે કે આ જે જવાબ આપનારાઓ અને સવાલ પૂછનારાઓ છે તેઓ એ કેમ ભૂલી જાય છે કે સૌથી પહેલાં તો આપણે જાતને પૂછવું જોઈએ કે ગુજરાતી તરીકે આપણે કેટલી ફિલ્મ જોવા ગયા અને ફિલ્મ જોવા ગયા પછી આપણે કેટલી ફિલ્મને પ્રમોટ કરી.

આપણે ત્યાં એક વિચિત્ર માનસિકતા લોકોના મનમાં ઘર કરી ગઈ છે. પ્રીમિયરમાં બોલાવવામાં આવે તો ફિલ્મ વિશે સારું-સારું જ લખવું, જેથી કોઈની નજરમાં ખરાબ ન થઈએ અને કોઈને માઠું ન લાગે. આ જે માનસિકતા છે એને કારણે ગુજરાતી ઑડિયન્સમાં એક એવી ઇમેજ ઊભી થઈ છે કે તેઓ અમુક ચોક્કસ લોકોના રિવ્યુ કે ફિલ્મ વિશેની કમેન્ટને ગણકારતા બંધ થઈ ગયા છે. સોશ્યલ મીડિયાના આ ટાઇમમાં તમે કેવી રીતે એવું ધારી શકો કે ઑડિયન્સ મૂર્ખ હોઈ શકે? ના, એવું સહેજ પણ ન બને અને ક્યારેય ન બને. એક વાત હંમેશાં યાદ રાખવી કે તમે એજ્યુકેટ થયા તો તમારી સાથે જ સોસાયટી પણ એજ્યુકેટ થઈ છે. તમે હોશિયાર થયા છો તો દુનિયા પણ હોશિયાર થઈ છે. કહેવાનો મતલબ એ છે કે જો વાહવાહીની દુનિયા છોડીને સાચી વાત કરવાની કોશિશ કરીશું તો ઑડિયન્સને બધા પર ટ્રસ્ટ આવશે અને એ ટ્રસ્ટ જ આપણી ઑડિયન્સ વધારવાનું કામ કરશે.મુંબઈમાં ગુજરાતી ફિલ્મ ચાલે છે એનું એક કારણ એ પણ હોઈ શકે કે મુંબઈનો ગુજરાતી ગુજરાતથી દૂર છે એટલે તેને ગુજરાત પ્રત્યે થોડો વધારે લગાવ છે, જ્યારે ગુજરાતના ગુજરાતી પાસે ગુજરાતી જોવા માટે અનેક ઑપ્શન્સ છે અને એ અનેક ઑપ્શન્સ વચ્ચે તે ગુજરાતી ફિલ્મની બાબતે વિચારે છે. ગુજરાતમાં ધારો કે ગુજરાતી ફિલ્મ ન ચાલતી હોય તો પણ એની સામે ગુજરાતી જ ગુજરાતી રંગભૂમિને મેજર લેવલ પર સાચવી ચૂક્યો છે એ પણ આપણે સૌ જાણીએ છીએ. અહીં જરા અવળું છે.


ગુજરાતમાં બનેલાં નાટકોને મુંબઈગરાએ સ્વીકાર્યાં છે, જ્યારે ગુજરાતનાં નાટકોને ગુજરાત નથી સ્વીકારતું. મુંબઈનાં નાટકો ગુજરાતના ગુજરાતીઓ માટે એન્ટરટેઇનમેન્ટનું એક એવું સાધન છે જેને માટે તે બજેટ અને ટાઇમ બન્ને ફાળવે છે. છોટે મુંહ બડી બાત કોઈને ન લાગવી જોઈએ, પરંતુ એક હકીકત એ પણ છે કે મુંબઈમાં બનેલાં ૧૦માંથી ૮ નાટકો ગુજરાતની ગુજરાતી ઑડિયન્સને કારણે જ ટકી જાય છે. અનેક વખત એવું બન્યું છે કે નાટક ગુજરાતમાં હિટ થયું હોય અને એ પછી એ નાટક મુંબઈમાં ચાલ્યું હોય. કહેવાનો ભાવાર્થ એ કે ધારો કે ગુજરાતી ફિલ્મ મુંબઈમાં ચાલતી હોય તો ગુજરાતને એનો દોષ આપવાની જરૂર નથી. ઊલટું, એ જ વાતને જવાબદારી માનીને જો આગળ વધીશું તો આપણે ગુજરાતી ફિલ્મના બેનિફિટમાં કશુંક નક્કર રિઝલ્ટ લાવી શકીશું.

ગુજરાતી ફિલ્મ જ નહીં, કોઈ પણ ફિલ્મ હોય એ ચોક્કસ એરિયામાં વધારે ચાલી હોય અને કોઈ એરિયામાં ન ચાલી હોય કે ઓછી ચાલી હોય એવું અનેક વખત બન્યું છે. એવું જ ગુજરાતી ફિલ્મ સાથે પણ બનતું હોય એવી પણ સંભાવના છે. એક ફિલ્મ આવી હતી, ટાઇટલ હતું ‘ખેડૂત’. મેં સાંભળ્યું છે કે એ ફિલ્મ ગુજરાતનાં અંતરિયાળ ગામડાંઓમાં ખૂબ ચાલી. લોકોએ ખૂબ માણી, પણ ગુજરાતનાં મોટાં શહેરોમાં તો આ ફિલ્મ એક વીક પણ માંડ ખેંચી શકી. મુંબઈમાં તો કદાચ રિલીઝ પણ નહીં થઈ હોય. કહેવાનો ભાવાર્થ એ કે ફિલ્મ ચાલવી જોઈએ, ઑડિયન્સ થિયેટર સુધી પહોંચવી જોઈએ અને પ્રોડ્યુસરે કરેલું ઇન્વેસ્ટમેન્ટ તેને સહીસલામત પાછું મળવું જોઈએ. હું હંમેશાં કહું છું કે પ્રોડ્યુસર હશે તો જ ઇન્ડસ્ટ્રી ટકશે, પ્રોડ્યુસર વિના ક્યારેય કોઈ ઇન્ડસ્ટ્રી ટકી નથી. છેલ્લાં ૧૫ વર્ષથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ નવી દિશા પકડી છે, પણ આ ૧૫ વર્ષમાં હજી પણ આપણી ઇન્ડસ્ટ્રીને પર્મનન્ટ કહેવાય એવા ૧૦ પ્રોડ્યુસર મળ્યા નથી. એક કે બે પ્રોડ્યુસર એવા છે જેમનું કામ જ ફિલ્મો બનાવવાનું છે અને તેઓ ફિલ્મો જ બનાવે છે. આપણે સૌથી પહેલાં તો એ દિશામાં ધ્યાન આપવાની જરૂર છે કે આપણી ઇન્ડસ્ટ્રીને પર્મનન્ટ પ્રોડ્યુસર મળે અને એ ત્યારે જ થશે જ્યારે પ્રોડ્યુસરને વળતર મળશે. અરે, વળતર નહીં તો ઍટ લીસ્ટ તેનું ઇન્વેસ્ટમેન્ટ સલામત હોય એવું લાગશે અને એવું ત્યારે જ શક્ય બનશે જ્યારે બધા સાથે મળીને ફિલ્મને ચલાવવાની દિશામાં વધારે મક્કમ બનીને કામ કરશે.


 

 

Whatsapp-channel Whatsapp-channel

11 February, 2024 01:00 PM IST | Mumbai | Bhavya Gandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK