આ પ્રસંગ પરથી પ્રેરણા લઈને અનેક ફિલ્મોમાં એ પ્રસંગ જોડવામાં આવ્યો, પણ જે પ્રામાણિક મિત્રતા કૃષ્ણ-સુદામાના જીવનમાં રહી છે એનો તમારે સાચી રીતે અનુભવ કરવો હોય તો એક વખત તમારે એ જ જગ્યાએ જવું પડે જ્યાં સુદામા અને કૃષ્ણ રૂબરૂ મળ્યા હતા

ફાઇલ તસવીર
‘અરે, મોજથી...’ બેટ દ્વારકામાં આવેલા રુક્મિણી માતાના મંદિરના પૂજારીને મેં ત્યાં બેસવા માટે પૂછ્યું અને તેમણે તરત જ કહ્યું, ‘ભલા માણસ, મોજ પડે ત્યાં લગી બેસો...’
અમે તો બધા બેસી ગયા. તમને ખબર છે કે અત્યારે સમર ચાલુ થઈ ગઈ છે અને એમાં પણ ગુજરાતની સમર... કોઈ હિસાબે આપણા મુંબઈવાળાથી સહન ન થાય. જબરદસ્ત તાપ લાગે. એવું જ લાગે જાણે આપણા માથા પર કોઈકે ગરમાગરમ ઈંટ મૂકી દીધી હોય, પણ એ મંદિરમાં એવું નહોતું. મંદિરમાં એવી સરસ ઠંડક હતી જાણે કુદરતી ઍરકન્ડિશન ફિટ કરવામાં આવ્યું હોય. એકદમ ઠંડક. મને બેસવાની બહુ મજા આવી. પવિત્ર જગ્યાની આ જ ખાસિયત છે. એ તમારા મનનો સ્ટ્રેસ ક્ષણવારમાં શોષી લે અને તમને એકદમ રિલૅક્સ કરી દે.
અમે જ્યાં બેઠા હતા ત્યાં મારી લેફ્ટ બાજુએ બહુ મોટું એક પેઇન્ટિંગ હતું. એ આર્ટિસ્ટનું નામ મને અત્યારે યાદ નથી, પણ આપણા ગુજરાતી જ આર્ટિસ્ટ હતા. અદ્ભુત પેઇન્ટિંગ, એવું જ લાગે જાણે એ પેઇન્ટિંગ નહીં, પણ એલઈડી પર રાખેલો કોઈ ફોટોગ્રાફ છે. કાળિયો ઠાકુર અને સાથે રાધાજી. કૃષ્ણ બ્રાઉનીઝ-બ્લૅક સ્વરૂપમાં અને રાધાજી. તમને એમ જ થાય કે તમારી સામે જુએ છે. કૃષ્ણના ચહેરા પર રહેલું એ સ્મિત અને રાધાજી માટેનો પ્રેમ. મારી નજર એ પેઇન્ટિંગ પર હતી અને અમારી પાછળ ધૂન ચાલતી હતી. એવો માહોલ હતો જાણે સ્વર્ગમાં બેઠા હોઈએ.
પંદર મિનિટ અમે ત્યાં બેઠા, પણ એ પંદર મિનિટ મને અત્યારે પણ યાદ આવે છે ત્યારે મનમાં ઠંડક પ્રસરી જાય છે. થાય છે કે એ જગ્યાએ પાછા જવું જોઈએ. ખાસ ત્યારે જવું જોઈએ જ્યારે તમારી આજુબાજુમાં ધમાલ મચી ગઈ હોય અને તમે, તમારી જાતને મળવા માગતા હો.
પંદર મિનિટ પછી અમે ત્યાંથી ઊભા થયા અને એક એવી જગ્યાએ ગયા જે જગ્યાની વાત દુનિયાભરમાં બહુ પૉપ્યુલર છે. હા, એ જગ્યા, જે જગ્યાએથી દુનિયાને મિત્રતાની વ્યાખ્યા મળી. આજે બધા કહે છેને, જો દોસ્તી હોય તો એ કૃષ્ણ અને સુદામા જેવી હોવી જોઈએ.
કૃષ્ણ અને સુદામાની એક વાર્તા બધાએ સાંભળી હશે, મેં પણ સાંભળી છે અને એ પછી પણ તમને અહીં કહેવાનું મન થાય છે.
બપોરનો સમય હતો અને કૃષ્ણ તેમનાં પત્નીઓ સાથે બેઠા હતા. એ સમયે દ્વારપાળે આવીને કહ્યું કે કોઈ સુદામા નામનો બ્રાહ્મણ મળવા આવ્યો છે. સુદામાનું નામ સાંભળતાં જ કૃષ્ણ બધું છોડીને ઉઘાડા પગે સુદામાને મળવા ભાગે છે અને બધા જોતા રહી જાય છે. મહેલના દરવાજે જઈને તેઓ સુદામાને અંદર લઈ આવે છે, બેસાડે છે અને પોતે સુદામા સામે જમીન પર બેસે છે. સુદામા પોતાની સાથે તાંદુલ એટલે કે ભાત લાવ્યા હતા. મહેલની જાહોજલાલી જોઈને સુદામાને ખચકાટ થાય છે કે એ કેવી રીતે આ તાંદુલ કૃષ્ણને આપે, પણ કૃષ્ણ ખચકાટ પામી જાય છે અને પોતે સામેથી સુદામાના હાથમાંથી પોટલી લઈ લે છે અને એકદમ ખુશ થઈને તેઓ એ તાંદુલ ખાય છે.
આ પ્રસંગ જ્યાં બન્યો હતો એ જગ્યા હું જોવા ગયો અને સુદામા જ્યાં બેઠા હતા એ જગ્યાએ બેસીને મેં ફોટો પણ પડાવ્યો. ગજબનાક ફીલિંગ્સ હતી. જગ્યાનાં વાઇબ્રેશન્સ જ એવાં હતાં કે મનમાં ચાલતા અનેક પ્રકારના પ્લાન ઘડીભરમાં બાષ્પીભવન થઈ ગયા અને હું જાણે એ યુગમાં હોઉં એવી ફીલ આવવા માંડી. આપણી આ દ્વારકાની વાતોને આગળ વધારતાં પહેલાં મારે એક વાત ખાસ કહેવી છે. આપણે કૃષ્ણ તો નથી બની શકવાના, પણ લાઇફમાં સુદામા બની રહેવાની તક ક્યારેય ન ચૂકતા. સુદામાનું કૅરૅક્ટર કેવું છે એ તમે જરા વિચારજો તો ખરા. આર્થિક રીતે કંગાળ એવા આ મિત્ર પોતાના નાનપણના સખા એવા દ્વારિકાનગરીના મહારાજા પાસે મદદ લેવા તૈયાર નથી અને એ પછી પણ તેની પાસે એવા સંજોગ ઊભા થાય છે એટલે તેઓ નાછૂટકે ત્યાં જાય છે, પણ એમ છતાં છેલ્લી ઘડી સુધી તે કૃષ્ણને કહી નથી શકતા કે મને આર્થિક મદદ જોઈએ છે. આ તો કૃષ્ણ હતા, અંતર્યામી-ત્રિકાળજ્ઞાની. તેમણે સુદામાના મનમાં ચાલતી અવઢવ પકડી પાડી અને માગ્યા વિના જ આપી દીધું. આ જ સંબંધોની મજા છે, આ જ સંબંધોની બ્યુટી છે. જો તમે તમારા મિત્રના ભાવ પારખી શકતા હો તો માનજો કે તમારી લાગણી, તમારો પ્રેમ એ સ્તરનો છે જે સ્તરે કૃષ્ણ અને સુદામાની મિત્રતા હતી.
કૃષ્ણ અને સુદામાની મિત્રતાને લઈને અનેક ફિલ્મોમાં યારી-દોસ્તી દર્શાવવામાં આવી, પણ હું કહીશ કે કૃષ્ણ અને સુદામાના આ જે સંબંધો છે એ સંબંધો પર ખરેખર ફિલ્મ બનવી જોઈએ, જેથી આજની ઑનલાઇન જનરેશનને પણ ખબર પડે કે સાચા સંબંધો ઑફલાઇન રસ્તે જ બનતા હોય છે.