ઝોયાએ કહ્યું કે ‘જો તમે તમારું કામ સારી રીતે કરો તો તમને કોઈ ન અટકાવી શકે. માત્ર કામ કરતા રહો. મારે જે કરવું હોય હું એના પર ધ્યાન આપું છું. જો હું મારું કામ સારી રીતે અને પ્રામાણિકતાથી કરીશ તો એને જોનારા દર્શકો મળી જશે.
ધ આર્ચીઝ
ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’નું ટીઝર રિલીઝ થતાં જ લોકોએ ફિલ્મને સોશ્યલ મીડિયામાં ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. કેટલાકે તો એને ગોરાઓની ફિલ્મ કહી હતી. એથી હવે સૌને ઝોયાએ સણસણતો જવાબ આપ્યો છે. આ ફિલ્મ અમેરિકન કૉમિક્સ પરથી બનાવવામાં આવી છે. ફિલ્મ ૧૯૬૦ના ભારતની સ્ટોરી દેખાડે છે. ટીનેજ લવ સ્ટોરી, બ્રેક-અપ, રોમૅન્સ અને ડ્રામાથી ભરપૂર આ ફિલ્મ છે. આ ફિલ્મમાં શ્રીદેવીની દીકરી ખુશી કપૂર, શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન, શ્વેતા બચ્ચન નંદાનો દીકરો અગસ્ત્ય નંદા, મિહિર આહુજા, ડોટ, યુવરાજ મેન્ડા અને વેદાંગ રૈના લીડ રોલમાં છે. એથી લોકોએ આ ફિલ્મ પર નેપોટિઝમનો આરોપ લગાવ્યો છે. સાથે જ આ ફિલ્મનું ટીઝર જોઈને તેમણે જણાવ્યું કે એમાં ઍક્ટર્સ વિદેશીઓ જેવા દેખાય છે. આમાં ભારતીય જેવું કાંઈ નથી દેખાતું. ફિલ્મને લઈને લોકોએ પોતાના જે વિચાર માંડ્યા એને હવે જવાબ આપતાં ઝોયા અખ્તરે કહ્યું કે ‘તમને જણાવી દઉં કે એ બધા ઇન્ડિયન્સ છે. તમે જે કહો છો એ તો એક પ્રકારે નસ્લવાદ છે. તમે એમ કહો છો કે એ ગોરા લોકો છે, શું ભારતીયો ગોરા ન હોઈ શકે? ભારતીયોના લુકની વ્યાખ્યા તમે કઈ રીતે આપી શકો? એ તો હૃતિક રોશન, મિસ્ટર રજનીકાન્ત, દિલજિત દોસંજ અથવા તો મૅરી કૉમ પણ હોઈ શકે છે. આપણા ભારતની સુંદરતા એ છે.’
લોકોને કંઈ કહેતા અટકાવવા એ આપણા હાથમાં નથી. એ વિશે ઝોયાએ કહ્યું કે ‘જો તમે તમારું કામ સારી રીતે કરો તો તમને કોઈ ન અટકાવી શકે. માત્ર કામ કરતા રહો. મારે જે કરવું હોય હું એના પર ધ્યાન આપું છું. જો હું મારું કામ સારી રીતે અને પ્રામાણિકતાથી કરીશ તો એને જોનારા દર્શકો મળી જશે. તમે કોઈ વસ્તુને કન્ટ્રોલ ન કરી શકો. લોકો શું કહે છે, લોકો શું વિચારે છે, તેમને તમે ગમો છો, નથી ગમતા એ બધી વસ્તુઓ પર તમે કન્ટ્રોલ ન કરી શકો. એથી માત્ર કામ પર જ ધ્યાન આપો.’