‘ઍનિમલ’ની ઇવેન્ટ દરમ્યાન મિનિસ્ટર માલા રેડ્ડીએ તેને હૈદરાબાદમાં શિફ્ટ થવા કહ્યું હતું જેથી તેઓ ઇન્ડિયા પર પોતાનો દબદબો જમાવી શકે
રણબીર કપૂર
રણબીર કપૂરની ‘ઍનિમલ’ને લઈને એક અલગ જ કન્ટ્રોવર્સી ઊભી થઈ છે. રણબીર હાલમાં તેની ‘ઍનિમલ’ને પ્રમોટ કરી રહ્યો છે. આ ફિલ્મને સાઉથના ફિલ્મમેકર સંદીપ રેડ્ડી વેન્ગાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ ફક્ત હિન્દી દર્શકોમાં નહીં, પરંતુ સાઉથમાં પણ ખૂબ જ પૉપ્યુલર થઈ રહી છે. આ ફિલ્મના પ્રમોશન માટે રણબીર હૈદરાબાદ ગયો હતો. આ ઇવેન્ટમાં મહેશ બાબુ અને એસ. એસ. રાજામૌલીએ પણ હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં મિનિસ્ટર માલા રેડ્ડીએ સ્પીચમાં કહ્યું હતું કે ‘રણબીરજી આપકો એક બાત બોલના ચાહતા હૂં. અગલા પાંચ સાલ મેં પૂરે હિન્દુસ્તાન કો, બૉલીવુડ, હૉલીવુડ પૂરા રુલિંગ કરેગા હમારા તેલુગુ પીપલ. આપ ભી એક સાલ બાદ હૈદરાબાદ શિફ્ટ હોના પડતા. ક્યૂં બોલે તો બૉમ્બે પુરાના હો ગયા. બૅન્ગલોર ટ્રાફિક જૅમ હો ગયા. હિન્દુસ્તાન મેં એક હી સિટી હૈ, વો હૈ હૈદરાબાદ.’ માલા રેડ્ડીની આ સ્પીચને લઈને સોશ્યલ મીડિયા પર લોકો ભડક્યા છે. આ સ્પીચ બાદ મહેશ બાબુ અને એસ. એસ. રાજામૌલીના ચહેરા પણ શરમથી લાલ થઈ ગયા હતા એવું કહેવામાં આવી રહ્યું છે. ઘણા લોકો રણબીરનાં વખાણ કરી રહ્યા છે જેણે આ કમેન્ટને હળવાશથી નહોતી લીધી તેમ જ ચહેરા પર સ્માઇલ કરીને એને નજરઅંદાજ પણ નહોતી કરી. સોશ્યલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે જ્યારે સાઉથ અને બૉલીવુડ વચ્ચેનું અંતર ભૂંસાઈ રહ્યું છે અને હવે લોકો સાથે મળીને કામ કરી રહ્યા છે ત્યારે માલા રેડ્ડીની કમેન્ટ ખૂબ જ ડિસ્ક્રિમિનેટિંગ હતી અને એ દર્શકો વચ્ચે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી વચ્ચે અંતર ઊભું કરી શકે એમ છે. કેટલાક યુઝરનું કહેવું છે કે માલા રેડ્ડીની કમેન્ટ દેખાડે છે કે તેઓ પોતાને સુપિરિયર માને છે અને અન્ય ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નીચી દેખાડવા માગે છે.


