તાનાજીની તૈયારી વખતે મરાઠાના ઇતિહાસ વિશે હું ઘણું શીખ્યો હતો: અજય દેવગન
અજય દેવગણ
અજય દેવગનને તેની આગામી ફિલ્મ ‘તાનાજી : ધ અનસંગ વૉરિયર’ની તૈયારી દરમ્યાન મરાઠાના ઇતિહાસ સંદર્ભે ઘણું શીખવા મળ્યું હતું. આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને કાજોલ પણ અગત્યના રોલમાં જોવા મળશે. અજય દેવગને મરાઠી ફિલ્મ ‘હિરકણી’નું ટ્રેલર ટ્વિટર પર શૅર કર્યું હતું. આ ફિલ્મ એક માતા પર આધારિત છે જે શિવાજી મહારાજના સામ્રાજ્યમાં રાયગઢમાં રહેતી હતી. જોકે એક સાંજે કિલ્લાના દરવાજા બંધ થઈ જતાં તે બહાર અટવાઈ ગઈ હતી. તેના ઘરે તેનું એક નાનકડું બાળક પણ હતું. જોકે પોતાના દૂધપીતા બાળક માટે તે ઘોર અંધારામાં તે કિલ્લો ચડવાનું સાહસ ખેડે છે. એક માતાની તાકાત કેવી હોઈ શકે છે એ આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે. ‘હીરકણી’નું ટ્રેલર ટ્વિટર પર શૅર કરીને અજય દેવગને ટ્વીટ કર્યું હતું કે ‘મારી ફિલ્મ ‘તાનાજી’ની તૈયારી દરમ્યાન હું મરાઠાના જાજરમાન ઇતિહાસ વિશે ઘણું શીખ્યો હતો. સાથે જ મને માતૃત્વની સાહસભરી સ્ટોરી પણ જાણવા મળી હતી. મરાઠી ફિલ્મ ‘હીરકણી’નું ટ્રેલર તમારી સાથે શૅર કરીને મને ખૂબ ખુશી થઈ રહી છે.’

