કૈવલ્ય વોહરા અને આદિત પાલિચાએ Zepto સ્ટાર્ટઅપને ત્રણ જ વર્ષમાં લગભગ ૧.૧ કરોડ સબસ્ક્રાઇબર્સ સાથે અલગ લેવલે પહોંચાડ્યું છે
કૈવલ્ય વોહરા અને આદિત પાલિચા
જે વયે સામાન્ય યુવાન ગ્રૅજ્યુએશન કરીને કૉલેજમાંથી બહાર નીકળે એ વયે કૈવલ્ય વોહરા અને આદિત પાલિચાએ ઇન્ડિયાના ધનિકોની યાદીમાં યંગેસ્ટ અબજોપતિ તરીકે નામ દર્જ કરાવ્યું છે અને એ પણ આપબળે. સ્ટૅનફર્ડ યુનિવર્સિટીમાં ભણવાનું પડતું મૂકીને આ ભાઈબંધોની જોડીએ ૧૦ મિનિટમાં ગ્રોસરી ડિલિવરી કરવાના Zepto સ્ટાર્ટઅપને ત્રણ જ વર્ષમાં લગભગ ૧.૧ કરોડ સબસ્ક્રાઇબર્સ સાથે એ લેવલ પર પહોંચાડ્યું છે કે હવે બિગ બાસ્કેટના રતન તાતા અને ડી-માર્ટના રાધાકિશન દામાણી સામે મોટો પડકાર ઊભો થયો છે
વધુ નહીં માત્ર દસ વર્ષ પણ આપણે પાછળ જઈએ તો શું આપણામાંથી કોઈએ વિચાર્યું હતું કે ગ્રોસરી જેવી ચીજ કોઈ દસ જ મિનિટમાં આપણા ઘર સુધી પહોંચાડી શકે? અરે, વધુ વિચારવાનીયે ક્યાં જરૂર છે. આપણા અનાજ-કરિયાણાની દુકાનવાળો પણ ક્યાં આટલી ઝડપથી ઘરે ડિલિવરી કરતો હતો? જોકે હવે હોમ ડિલિવરીની દુનિયામાં પણ સૌથી ઝડપી ડિલિવરીની હોડ લાગી છે. એમાંય અંદાજે ૨૮૫૦ કરોડના વૅલ્યુએશનવાળી એક કંપનીને કારણે હવે આ એટલું સરળ થઈ ગયું છે કે હવે તો આપણે હોમ ડિલિવરી વિનાની જિંદગી કલ્પી પણ નથી શકતા. જી હા, ‘ZEPTO નામ હૈ મેરા, સબકી ખબર રખતા હૂં!’
ADVERTISEMENT
વર્ષ હતું ૨૦૨૧નું. બે મિત્રો ભેગા મળ્યા અને બિઝનેસનો એક ખુરાફાતી વિચાર તેમના ક્રીએટિવ દિમાગમાં જન્મ્યો. આ વિચાર તે બન્ને સાહસવીરોને એવો તો ફળ્યો કે ગણતરીના દિવસોમાં જ તેઓ અને તેમનું સ્ટાર્ટઅપ ૧૦૦૦ કરોડની ક્લબમાં પ્રવેશી ગયું! એટલું જ નહીં, આ બન્ને જુવાનિયાઓ યંગેસ્ટ ઑન્ટ્રપ્રનર તરીકે પણ ભારતમાં મોખરાના સ્થાને સ્થાપિત થઈ ગયા. આ યુવાનો એટલે ૨૧ વર્ષનો કૈવલ્ય વોહરા અને એનાથી થોડાક મહિના મોટો બાવીસ વર્ષનો આદિત પાલીચા. આ જુવાનિયાઓના સાહસની વાત રસપ્રદ છે અને અનેક યુવાનોને પ્રેરણા આપી શકે એવી છે.
ભારતમાં ઈ-કૉમર્સની સફર
લગભગ ૯૫૦ મિલ્યન યુઝર્સ સાથે ઇન્ટરનેટ વાપરનારા દેશોમાં ભારત વિશ્વના બીજા ક્રમાંકનો સૌથી મોટો દેશ છે. ૨૦૨૩-’૨૪ની જ વાત કરીએ તો અંદાજે ૧૩૧.૬ લાખ કરોડ કરતાંય વધુનાં UPI ટ્રાન્ઝૅક્શન્સ એકલા ભારતમાં જ થયાં હતાં એટલું જ નહીં, વ્યવહારના આ રેકૉર્ડમાં ભારતનો એક પણ પિનકોડ નંબર બાકાત નથી. અર્થાત્ ભારતના દરેક રાજ્યમાં જ નહીં, શહેરમાં પણ નહીં; ગામેગામથી આજે UPI દ્વારા ટ્રાન્ઝૅક્શન્સ થઈ રહ્યાં છે. તમે નહીં માનો, પણ આ બધા વ્યવહારોમાં ૬૦ ટકા કરતાંય વધુ ટ્રાન્ઝૅક્શન્સ ટિયર ટૂ સિટીઝ અને એથીયે નાનાં ગામોથી થાય છે. તો આ આંકડાઓના આધારે કોઈ અંદાજ મૂકી શકો કે ભારતમાં ઈ-કૉમર્સનું માર્કેટ કેટલું મોટું હશે? એક અંદાજ અનુસાર ભારતનું ઈ-કૉમર્સ માર્કેટ આજે લગભગ ૨૦૦ લાખ કરોડ રૂપિયાથીયે વધુનું થઈ ચૂક્યું છે.
તો ચાલો હવે એ કહો કે ભારતના ઈ-કૉમર્સ માર્કેટમાં સૌથી પહેલી દુકાન કઈ આવી હતી? જી હા, ફ્લિપકાર્ટ દ્વારા પહેલી વાર ભારતમાં ઈ-કૉમર્સનું માર્કેટ શરૂ થયું. ફ્લિપકાર્ટ આવ્યું ત્યાર પછી લોકોને એ વાત સમજાઈ કે પોતે ખરીદેલી વસ્તુની ઘેરબેઠાં ડિલિવરી થઈ શકે એવું પણ કંઈક શક્ય છે. ત્યાર બાદ એમાં બીજી વારનો બદલાવ આવ્યો બિગ બાસ્કેટ જેવા ઑનલાઇન સ્ટોરને કારણે. જોકે બિગ બાસ્કેટ આવ્યું ત્યાં સુધી તમે ખરીદેલી વસ્તુની ડિલિવરી કોઈ એક નિર્ધારિત દિવસ સુધીમાં તમારા ઘરે પહોંચે ત્યાં સુધી જ વાત અટકી હતી. ત્યાર પછી આ અત્યંત ઝડપે ગ્રો કરી રહેલા માર્કેટમાં ‘ધડામ!’ એક અત્યંત ઇનોવેટિવ ધડાકો થયો. કોઈ બે જુવાનિયાઓએ આવીને કહ્યું કે અમે માત્ર દસ જ મિનિટમાં તમારો સામાન તમારે ઘરે ડિલિવર કરીશું! સાવ વિશ્વાસ નહીં થાય એવી આ વાત કરનારા બે યુવાનો હતા કૈવલ્ય વોહરા અને આદિત પાલિચા.
નવા ધંધાનો જન્મ
પ્રોડક્ટ્સની હોમ ડિલિવરી અને એ પણ માત્ર દસ મિનિટમાં! એવું તે શું ભેજું દોડાવ્યું આ બન્ને મિત્રોએ? એ કહાની જાણવા જેવી છે. મુંબઈમાં રહેતા બે બાળપણના મિત્રો એવા હતા જેમનું મહત્તમ બાળપણ દુબઈમાં વીત્યું હતું. આપણે ઘણી વાર કહીએ છીએ કે વિધિના લેખ ઉપરવાળો લખે છે! આ બન્ને મિત્રો સાથે પણ કંઈક એવું જ થયું હતું એમ કહીએ તો ચાલે. નહીં તો જુઓને યોગાનુયોગની કેવી હારમાળાઓ આ બન્ને મિત્રોના જીવનમાં રચાઈ હતી. ઈશ્વર જ વિધિના લેખ નહીં લખતો હોય તો શું ખરેખર એ શક્ય છે કે દુબઈમાં બન્ને એક જ સ્કૂલમાં ભણ્યા, જ્યાં તેમની મિત્રતા થઈ એટલું જ નહીં, બન્ને બાળકોના પિતા પણ એન્જિનિયર અને તે પણ દુબઈમાં. બન્ને બાળકોના પિતા એક જ સેક્ટરમાં કામ કરતા હોવાને કારણે તે બન્ને વચ્ચે મિત્રતા બંધાતાં વાર ન લાગી. એટલું જ નહીં, બન્નેના રસનો વિષય પણ એકસરખો. કૈવલ્ય અને આદિત બન્નેને ટેક્નૉલૉજી સાથે એકસરખો લગાવ. ટેક્નૉલૉજીને લગતો કોઈ નાનોસરખો પણ પ્રોજેક્ટ હોય તો બન્ને એમાં પણ નવા-નવા એક્સપરિમેન્ટ્સ કરવા માંડતા. આ રસ ધીરે-ધીરે એવો વધ્યો કે તેઓ વેબસાઈટ, મોબાઇલ ઍપ્લિકેશન વગેરેમાં પણ જબરદસ્ત રસ અને જિજ્ઞાસા સાથે કંઈક ને કંઈક ખાંખાંખોળા કરવા મંડી પડતા. આ બધા સમય દરમ્યાન બન્નેની મિત્રતા એટલી ગાઢ બની ચૂકી હતી કે આગળનું ભણતર પણ સાથે જ ભણવું જોઈએ એવો બન્નેએ નિર્ણય કરી લીધો.
હવે રસનો વિષય હતો ટેક્નૉલૉજી. તો એ વિશે જ આગળ શું કામ ન ભણવું જોઈએ? એવા વિચાર સાથે બન્નેએ અમેરિકાની સ્ટૅનફર્ડ યુનિવર્સિટીમાં ઍડ્મિશન લેવાનું નિર્ધાર્યું. વિધિના લેખ જુઓ કે બન્ને ઉત્સાહી યુવાનોને એકસાથે સ્ટૅનફર્ડમાં ઍડ્મિશન પણ મળી ગયું. પણ ત્યાં તો આવ્યો કોરોનાનો કાળમુખો સમય. બીજા બધા માટે ભલે એ અત્યંત દુઃખદાયી સમય રહ્યો હોય, કૈવલ્ય અને આદિત જેવા ખુરાફાતી દિમાગ ધરાવનારા માટે તો એ સમય પણ કંઈક નવું કરી છૂટવા માટેનો સાબિત થવાનો હતો. બન્ને મિત્રો કોરોનાને કારણે પોતાના હોમટાઉન એટલે કે મુંબઈ આવી ગયા. પેન્ડેમિકનો સમય હતો. મુંબઈ કે ભારત જ છોડો, આખું વિશ્વ ઘરની ચાર દીવાલોમાં જાણે કેદ થઈ ગયું હતું. કૈવલ્ય અને આદિત પણ પોતાના પરિવારથી દૂર મુંબઈમાં રહેતા હતા. હવે આપણે બધા જ જાણીએ છીએ કે એ સમયે આખા વિશ્વમાં બધાં જ માર્કેટ ઠપ પડ્યાં હતાં. જીવનજરૂરિયાતની કેટલીક દુકાનો જો ખુલ્લી પણ હતી તો લોકો ત્યાં સામાન લેવા જવા માટે પણ ગભરાતા હતા. આજે વિચારીએ છીએ ત્યારે સમજાય છે કે કોરોનાનો એ સમય ખરેખર જ વિશ્વ આખામાં ઈ-કૉમર્સ નામની નવી બારી ખોલવા માટે સૌથી મોટું કારણ બન્યું હતું. ભારતમાં પણ લોકો બહાર ખરીદી કરવા જવાની જગ્યાએ ઑનલાઇન ખરીદી કરી વસ્તુઓ સીધેસીધી ઘરે જ મગાવી લેવાનું વધુ પસંદ કરતા હતા.
આ જ પરિસ્થિતિમાં કૈવલ્ય અને આદિતે પણ બહાર નીકળીને ખરીદી કરવાની જગ્યાએ વસ્તુ ઑનલાઇન મગાવી લેવાનું પસંદ કર્યું, પણ આ ખરીદીમાં એક સૌથી મોટી મુશ્કેલી એવી આવતી હતી કે ખરીદી કરી લીધા પછી ઘરે એની ડિલિવરી આવતાં ઘણી વાર છથી સાત દિવસ જેટલો સમય લાગી જતો હતો. હવે એવા સંજોગોમાં ધારો કે આપણે કોઈ એવી વસ્તુ મગાવી હોય જેની જરૂરિયાત તાકીદે હોય તો મોટી મુશ્કેલી થતી. કંઈક આવી જ મુશ્કેલી કૈવલ્ય અને આદિતે પણ ભોગવવી પડી. એટલું જ નહીં, તેમણે જોયું કે આજુબાજુમાં રહેતા તેમના પાડોશીઓ પણ આવી જ મુશ્કેલી ભોગવી રહ્યા છે અને ખરેખર તો તેઓ પણ આ વ્યવસ્થાથી ખૂબ અકળાઈ રહ્યા છે. હવે કૈવલ્ય અને આદિતના કિસ્સામાં તો કહીએ તો ખરેખર આ મુશ્કેલી નહોતી, પરંતુ આ મુશ્કેલી એક સાવ નવા જ અને ઇનોવેટિવ બિઝનેસ આઇડિયાની જન્મદાત્રી હતી. તેમણે નક્કી કર્યું કે તેઓ જાતે આડોશ-પાડોશમાં ગ્રોસરીની ડિલિવરી કરશે. સૌથી પહેલાં તેમણે શાકભાજી અને ઘરવપરાશના સામાનની ઘરે-ઘરે ડિલિવરી કરવાની શરૂઆત કરી.
અને શરૂ થયું Kiranakart
શાકભાજી અને ગ્રોસરીની આ ડિલિવરીનો આઇડિયા અહીં પહોંચ્યો Kiranakart નામના એક સાવ નવા બિઝનેસના દ્વારે. આ એક એવી વેબસાઇટ ઍપ્લિકેશન હતી જે આપણા જ ઘરની આજુબાજુની કરિયાણાની દુકાનો સાથે મળીને કામ કરતી હતી. Kiranakart નામની આ નવી જ કંપનીએ ડિલિવરીનો સાત દિવસનો સમય ઘટાડીને સીધો જ ૪૫ મિનિટ કરી નાખ્યો. આજે વિચારીએ ત્યારે સામાન્ય લાગતી આ બાબત ત્યારે જબરદસ્ત મોટો બદલાવ લાવનારી સાબિત થઈ. જોકે જે રીતે વાયદો વહેલી ડિલિવરીનો એ જ રીતે પહોંચ પણ સીમિત. વિચાર કરો કે જે પાંચ કિલો ઘઉંની થેલી તમારા ઘરે હમણાં સુધી સાત દિવસમાં ડિલિવર થતી હતી એ હવે ૪૫ મિનિટમાં ડિલિવર થઈ રહી હતી. જોકે આ કામ માત્ર આડોશ-પાડોશની દુકાનો દ્વારા જ થઈ શકે એમ હતું અને કૈવલ્ય કે આદિતના વિચારો અને આઇડિયા બન્ને કોઈ એક જ સીમિત વર્તુળમાં કામ કરવા માટે તો સર્જાયા નહોતા.
સારા-માઠા અનુભવો સાથે વિસ્તાર
૪૫ મિનિટમાં ડિલિવરીનો આ બન્ને મિત્રોનો આઇડિયા કામ તો કરી ગયો. ડિમાન્ડ જબરદસ્ત વધવા માંડી. બન્ને મિત્રોએ નક્કી કર્યું કે હવે તેમણે ડિલિવરી પાર્ટનર્સની જરૂર છે, તો જ તેઓ વધુથી વધુ ગ્રાહકો સુધી પહોંચી શકશે. આથી તેમણે ડિલિવરી પાર્ટનર્સ તો વધાર્યા, પણ સાથે જ ગ્રાહકોને જાતે મળીને ફીડબૅક લેવાનું પણ નક્કી કર્યું.
અનેક ગ્રાહકો સાથે વાતચીત કરતાં ખબર પડી કે તેઓ Kiranakart પાસે વસ્તુ તો મગાવે છે, પરંતુ પૂરેપૂરા સૅટિસ્ફાય નથી. એ વળી કેમ? આ પ્રશ્નના જવાબમાં તેમને જાણવા મળ્યું કે વસ્તુઓ ડિલિવર તો થાય છે, પરંતુ ગ્રાહકે મગાવેલી વસ્તુઓની સામે ઘણી વાર કોઈ ભળતી જ વસ્તુ તેમને ડિલિવર થાય છે. અર્થાત્, તમે મગાવી હોય કોબી અને ડિલિવરી આવે ફ્લાવરની. ચોખાનો ઑર્ડર આપ્યો હોય અને ડિલિવરી પહોંચે ત્યારે ખબર પડે કે પૅકેટમાં તો ઘઉં આવ્યા છે. એમ છતાં ગ્રાહકો હજીયે Kiranakart જ વાપરતા હતા, કારણ કે તેમના સિવાય ૪૫ મિનિટમાં ડિલિવર કરનારું કોઈ હતું જ નહીં.
આ અનુભવે કૈવલ્ય અને આદિતને એક સૌથી મહત્ત્વની વાત સમજાવી કે આવા ખરાબ અનુભવને કારણે જ્યારે કોરોના પછી લૉકડાઉન ખૂલશે ત્યારે ગ્રાહકો Kiranakart વાપરવાનું બંધ કરી દેશે, જે આ બન્ને મિત્રોને કોઈ કાળે પાલવે એમ નહોતું. જોકે ગ્રાહકોના આ કડવા અનુભવનો જવાબ પણ ટેક્નૉલૉજીમાંથી જ મળી શકે એમ હતો. બન્નેએ ટેક્નૉલૉજીમાં ઊંડા ઊતરવાનું નક્કી કર્યું. આ સમય દરમ્યાન તેમણે ઝડપી અને ઍક્યુરેટ ડિલિવરી માટે એક પછી એક અનેક અખતરાઓ કર્યા. ચેકિંગ અને ટેસ્ટિંગની અનેક ચાળણીમાંથી દરેક વિચારને ગાળવામાં આવ્યો અને આખરે નીકળ્યું એક સૉલ્યુશન, ‘ડાર્ક સ્ટોર!’
ડાર્ક સ્ટોર સાથે નવી શરૂઆત
ડાર્ક સ્ટોર શબ્દ વાસ્તવમાં એક માઇક્રો વેરહાઉસ માટે વપરાય છે. સમજી લો કે કોઈ એક વિસ્તારમાં પ્રમાણમાં નાનું પણ ઉપયોગી એવું એક વેરહાઉસ બનાવવામાં આવે જ્યાં ગ્રાહકો દ્વારા મહત્તમ અને વારંવાર ઑર્ડર થતી વસ્તુઓને સંગ્રહવામાં આવે. આવા સ્ટોર્સમાં ગ્રાહકોને એન્ટ્રી નથી હોતી, પરંતુ માત્ર ત્યાં કામ કરતા કર્મચારીઓ દ્વારા ઑર્ડર અનુસાર એવી વસ્તુઓની યાદી અને પૅકેજિસ તૈયાર કરવામાં આવે જે ગ્રાહકોને કોઈ પણ જાતની ભૂલ વિના પહોંચાડી શકાય.
હવે કૈવલ્ય અને આદિતે કદાચ એ સમયે ધાર્યું પણ નહીં હોય કે એક ભૂલના કાયમ માટેના નિવારણ તરીકે શરૂ કરવામાં આવેલો એ આઇડિયા એક સાવ નવી જ તક લઈને દરવાજે આવશે. ડાર્ક સ્ટોરને કારણે એક સૌથી મોટો ફાયદો તેમને એ થયો કે ડિલિવરીનો વાસ્તવિક સમય ૪૫ મિનિટ કરતાંય વધુ ઘટી ગયો. એને કારણે એક સૌથી મોટો ફાયદો એ થયો કે Kiranakart પર વિઝિટર્સની સંખ્યા જબરદસ્ત વધવા માંડી એટલું જ નહીં, તેમના નેગેટિવ ફીડબૅક પણ સાઇટ અને ઍપ્લિકેશન પર પૉઝિટિવ કમેન્ટ્સમાં બદલાવા માંડ્યાં. હવે તેમની પહોંચ અને ગ્રાહકોની ડિમાન્ડ્સ એટલી વધવા માંડી હતી કે કૈવલ્ય અને આદિતે તેમના આ બિઝનેસને એક નવી ઊંચાઈએ લઈ જવા માટે છલાંગ મારવાનું વિચાર્યું.
Zeptoનો જન્મ
‘દસ મિનિટમાં ડિલિવરી...’ Zepto નામની આ કંપની જે વાસ્તવમાં એક સ્ટાર્ટઅપ છે એને Kiranakartના માલિક એવા કૈવલ્ય અને આદિતે નવી છલાંગ તરીકે શરૂ કર્યું. અનેક વિસ્તારોમાં હવે ડાર્ક સ્ટોર્સનું નેટવર્ક બની ચૂક્યું હતું. ગ્રાહકોને ડિલિવરીઝ પણ કોઈ પણ જાતની ભૂલ વિના પહોંચી રહી હતી. હવે કામ હતું એને વધુ ટેક્નૉલૉજીબેઝ કરવાનું. કૈવલ્ય અને આદિતે ગ્રાહકોના ઑર્ડર્સનું ઍનૅલિસિસ કરવાનું શરૂ કર્યું. તેમને એ જોવા માંડ્યું કે કયા વિસ્તારના ગ્રાહકો કઈ-કઈ વસ્તુનો સૌથી વધુ ઑર્ડર કરે છે. એ પ્રમાણે તેમણે જે-તે વિસ્તારનો ડાર્ક સ્ટોર એ વસ્તુઓથી સજ્જ કરવા માંડ્યો. હવે જ્યારે ગ્રાહક ઍપ્લિકેશન દ્વારા જે-તે વસ્તુનો ઑર્ડર કરે ત્યારે એ ઑર્ડર સૌથી પહેલાં સેન્ટ્રલાઇઝ સિસ્ટમમાં પહોંચે છે અને ત્યાર બાદ તરત એ ઑર્ડર જે-તે વિસ્તારના ડાર્ક સ્ટોરને અલૉટ થઈ જાય છે. ઑર્ડર મળતાં જ ત્યાં હાજર કર્મચારી ડાર્ક સ્ટોરમાંથી જે-તે વસ્તુ લઈને પૅકિંગ કરે છે. તમે માનશો Zeptoની પૅકિંગ સ્ટાઇલ અને સ્પીડ શું હશે? ગ્રાહકને તેણે ઑર્ડર કરેલી વસ્તુ દસ મિનિટમાં પહોંચાડવી હોય તો એવા સંજોગોમાં જરૂરી છે કે પૅકિંગ એક્સપર્ટ ગ્રાહકના ઑર્ડર્સનું પૅકિંગ કરતા હોય. Zeptoના ડાર્ક સ્ટોરમાં એક ઑર્ડરનું પૅકિંગ સરેરાશ માત્ર ૫૭ સેકન્ડમાં થઈ જાય છે! અચ્છા, ડાર્ક સ્ટોર કર્મચારીનું કામ અહીં જ પૂરું થઈ જાય છે એવું નથી. પૅક થયેલો સમાન ડિલિવરી પર્સનને આપતી વખતે તે સ્ટાફ તેમને એ પણ જાણકારી આપે છે કે કયા રસ્તે થઈને તેઓ જશે તો વહેલા પહોંચી શકશે. આ રીતની ટેક્નૉલૉજીનો આજે તેમને ફાયદો એ થયો છે કે દસ મિનિટમાં ડિલિવરીનું કહેતી Zepto ઍપ્લિકેશન એના ગ્રાહકને ઘણી વાર ડિલિવરી માત્ર સાત-આઠ કે નવ મિનિટમાં પણ પહોંચાડી દે છે.
‘દસ મિનિટમાં ડિલિવરી!’ હમણાં આ ટૅગલાઇન સાથે કૈવલ્ય અને આદિતનું આ સ્ટાર્ટઅપ ભારતનાં ૧૧ શહેરોમાં કામ કરી રહ્યું છે. શું ધારણા મૂકી શકો કે આ અગિયાર શહેરો જેમાં મુંબઈ, બૅન્ગલોર, હૈદરાબાદ જેવાં શહેરોનાં નામ સામેલ છે એટલામાં જ Zeptoના સબસ્ક્રાઇબર્સ કેટલા હશે? ૧૧ મિલ્યન એટલે કે લગભગ ૧.૧ કરોડ લોકો. આટલા લોકો Zepto ઍપ્લિકેશનનો ઉપયોગ કરે છે અને પોતાની જરૂરિયાતની વસ્તુઓ Zepto દ્વારા મગાવે છે.
ફન્ડિંગ અને વૅલ્યુએશન
મુશ્કેલીમાંથી જન્મેલો આઇડિયા અને આઇડિયાને આપ્યું બિઝનેસનું સ્વરૂપ. જાતે ડિલિવરી કરવાથી થયેલી શરૂઆત પહોંચી ડાર્ક સ્ટોર્સ સુધી અને Zepto આજે એક સક્સેસફુલ સ્ટાર્ટઅપ તરીકે મોખરાના સ્થાને પહોંચી ચૂક્યું છે. ઇનોવેશન હંમેશાં કમાલ સર્જે છે એ વાક્યને સાકાર કરતા આ બન્ને યુવાનોના આ સાહસે એવી સફળતાનો દોર જોયો છે કે Zepto શરૂ થઈ એના શરૂઆતના છ મહિનામાં જ તેમને ૪૯૦ કરોડ રૂપિયાનું ફન્ડિંગ મળી ગયું. કામ જે ઝડપે ચાલતું હતું એના કરતાં બમણી કે ત્રણગણી નહીં, પરંતુ અનેકગણી ઝડપે ચાલવા માંડ્યું કારણ કે ‘ઇનિશ્યલ ફન્ડિંગ’ નામનો સ્ટાર્ટઅપને જિવાડતો જે શબ્દ છે એ આ બન્ને સાહસવીરોને પહેલા છ મહિનામાં જ મળી ચૂક્યું હતું! નેક્સસ વેન્ચર પાર્ટનર્સ, કલેટ, બ્રુક, કૅપિટલ પાર્ટનર્સ, સ્ટીપ સ્ટોન જેવા અનેક ઇન્વેસ્ટર્સ પાસે તેમને આ ફન્ડિંગ મળ્યું અને કંપની વર્ષે નહીં પરંતુ દર મહિને ૧૦૦ ટકા કરતાંય વધુના દરથી ગ્રોથ કરવા માંડી. ૨૦૨૨ના વર્ષમાં બન્નેને ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનૅન્સ લિમિટેડ (IIFL) દ્વારા બહાર પડતી હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટમાં ભારતના યંગેસ્ટ રીચ ઇન્ડિવિજ્યુઅલ તરીકે સ્થાન મેળવ્યું. ૨૦૨૩માં તેમને સિરીઝ E ફન્ડિંગ રાઉન્ડમાં ૧૬૦૦ કરોડ રૂપિયા કરતાંય વધુનું ફન્ડિંગ મળ્યું જેને કારણે કંપનીનું વૅલ્યુએશન લગભગ લગભગ ૧.૪ અબજ ડૉલર પાર પહોંચી ગયું. અર્થાત્, ૧૧,૬૮૬ કરોડ રૂપિયા. આજે Zeptoના વૅલ્યુએશનનો આ આંકડો કુલ ૯૫ ડાર્ક સ્ટોર્સ કરતાંય વધુ સ્ટોર્સને કારણે છે. તો ધારણા મૂકી શકો કે ૧૧ શહેરોમાં કામ કરતી આ કંપની જ્યારે એના કામકાજનું ક્ષેત્ર હજી વધારશે તો ક્યાં હશે? પરંતુ ઊભા રહો... આપણે ધારણા મૂકવાની કોઈ જરૂર જ નથી, આ વાતનો જવાબ પણ એના માલિકે આપી જ દીધો છે.
બિઝનેસ એવો ચાલી પડ્યો કે સ્ટૅનફર્ડનું ઍડ્મિશન ભુલાઈ ગયું અને ફરી ત્યાં ભણવા જવાનું પણ. આજે પુરજોશમાં કામ કરી રહેલી Zepto એની આ સફર કયા ગજા સુધી વિસ્તારી શકશે અને આગળ કઈ રીતે કામ કરશે એનો જવાબ તો ભવિષ્યના ખોળે છે, પરંતુ આ સાહસિક સકારાત્મક કામ કરનારા બન્ને યુવાનો બીજા અનેક યુવાનો માટે પ્રેરણાસ્રોત બની રહ્યા છે એમાં કોઈ બેમત નથી.

