એ પણ ખૂબ કિફાયતી દામમાં. મહાવીરનગરમાં થોડાક સમય પહેલાં જ ખૂલેલા નાનકડા આઉટલેટ ફ્રાન્કોઝ પીત્ઝેરિયાની ખાસિયત એ છે કે અહીં ગૉર્મે સ્ટાઇલ પીત્ઝા તમારી નજર સામે બનાવી આપવામાં આવે છે
ભલભલી ચેઇન રેસ્ટોરાંને ટક્કર મારે એવા પીત્ઝા મળશે અહીં
ગૉર્મે ક્વિઝિનની સ્વાદયાત્રા મોંઘી બહુ હોય છે એવું કેટલાકને લાગે છે. વાચકોની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને આ વખતે આપણે એવી જગ્યાની સફર કરીશું જે ખિસ્સાને પરવડે એવી તો છે જ, સાથે સ્વાદમાં પણ ગૉર્મે ફીલ અપાવે એવી છે.
કોઈ તમને કહે કે ૨૪૯ રૂપિયામાં તમને અનલિમિટેડ પીત્ઝા મળશે તો? એ પણ ડૉમિનોઝ, ૧૪૪૧ પીત્ઝેરિયા, પીત્ઝા હટ જેવી ચેઇન ફાસ્ટ ફૂડ રેસ્ટોરાંને ટક્કર મારે એવા હોય તો? મોટા ભાગે જ્યારે આવી ઑફર મુકાતી હોય છે ત્યારે એનો સીધો આશય કસ્ટમર્સને આકર્ષવાનો હોય એ બહુ સ્વાભાવિક છે. હવે સવાલ એ આવે કે કસ્ટમર્સને ખેંચી લાવવાની લાયમાં તૈયાર કરેલી ઑફરથી ફૂડની ક્વૉલિટી પર અસર પડે કેમ? અમે આ વાતની ખરાઈ કરવા પહોંચ્યા મહાવીરનગરના રુબી ક્લાસિકમાં આવેલા ફ્રાન્કોઝ પીત્ઝેરિયામાં. કહેવાની જરૂર નથી કે મહાવીરનગરમાં પશ્ચિમ મુંબઈની નવી ખાઉગલી બની ગઈ છે અને અહીં તમે જે માગો એ મળી રહેશે. રવિવારની બપોર હતી, પણ હજીયે નજીકમાં આવેલી ફરસાણની દુકાને ફાફડા-જલેબી માટે ગુજરાતીઓની લાંબી લાઇન લાગેલી.
પહેલાં ફૂડ ટ્રાય કરીશું અને પછી જો મજા આવશે તો ઓનર સાથે વાત કરીશું એમ વિચારીને અમે પહેલાં મેનુ તરફ નજર માંડી. જો તમે મોટી રેસ્ટોરાંમાં જઈને ખાવાના શોખીન હો તો આ મેનુમાં દરેક પીત્ઝાની નીચે કયાં ઇન્ગ્રિડિયન્ટ્સ છે એ મૅન્શન કરેલાં જોઈને જ સમજી જશો કે ભલે આ આઉટલેટ નાનું છે, પણ મેનુ વિઝનપૂર્વક બનાવાયું છે. એનું કારણ અમને પાછળથી ઓનર ઍન્થની નેઇસરી સાથે વાત કરતાં સમજાયું. કરીઅરની શરૂઆતમાં સ્ટુઅર્ટ તરીકે કામ કરનારા ઍન્થનીભાઈએ નહીં-નહીં તો પાંચેક મોટી પીત્ઝા ચેઇન રેસ્ટોરાંમાં કામ કર્યું છે. લૉકડાઉનમાં જ્યારે ફૂડ ઇન્ડસ્ટ્રીને મોટો ફટકો પડ્યો ત્યારે ઍન્થનીભાઈએ અનુભવને કામે લગાડીને પોતાનું આઉટલેટ ખોલવાનું સાહસ કર્યું છે.
હવે ફરી વાત કરીએ ફૂડની. અમે વિચાર્યું કે બન્ને પ્રકારના પીત્ઝા ટ્રાય કરીએ. પેપી પનીર, ગાર્ડન ફ્રેશ જેવી બીજે પણ સહેલાઈથી મળતી હોય એવી વરાઇટી અને હવાઇન તેમ જ પેરી પેરી વેજીસ જેવી નવી વરાઇટી. અને પીત્ઝા આવે ત્યાં સુધીમાં ઝટપટ બની જાય અને મન્ચિંગ શરૂ થઈ શકે એ માટે સ્ટાર્ટરમાં ફ્રાન્કોઝ સિગ્નેચર ગાર્લિક બ્રેડ મગાવી. આશ્ચર્ય વચ્ચે પહેલા જ બૉલમાં સિક્સર વાગી. પાતળી અને ક્રિસ્પી બ્રેડની ઉપર પ્રમાણસર ચીઝ પથરાયેલું. ઑરેગૅનોની સાથે કાળાં મરીનો પાઉડર મિક્સ કરેલું સીઝનિંગ અફલાતૂન!
હજી એનો સ્વાદ વાગોળતા હતા એવામાં હવાઇન પીત્ઝા (૨૭૯ રૂપિયા) આવ્યા. એમાં પાઇનૅપલ અને સ્વીટ કૉર્ન હોવાને કારણે એ થોડોક સ્વીટ ટેસ્ટ ધરાવે. જોકે આલપીનો અને ગ્રીન પેપરને કારણે સહેજ ખાટો અને તીખો સ્વાદ પણ આવે. મોઝરેલા ચીઝ અને અગેઇન કાળાં મરીવાળા સીઝનિંગ પાઇનૅપલની સ્વીટનેસને કારણે મોંમાં રસના ફુવારા ઉડાડશે એ નક્કી.
મીઠાશવાળો પીત્ઝા ટ્રાય કર્યા પછી પેરી પેરી વેજીસ પીત્ઝા (૪૯૯ રૂપિયા) આવ્યો. આ એકદમ ઑપોઝિટ હતો. પેરી પેરીને કારણે ધમધમાટ તીખાશ એમાં હતી. સ્ટાર્ટરમાં આપણે જે ખાઈએ છીએ એ પટેટો વેજીસનું ડ્રેસિંગ એના પર હતું. જોકે આ પીત્ઝાની બીજી ખાસિયત એ હતી કે એ થિન ક્રસ્ટ હોવાની સાથે ચીઝ બર્સ્ટ પણ હતો. મોટા ભાગના ચીઝ બર્સ્ટ પીત્ઝામાં બ્રેડનો પાર્ટ બહુ જ જાડો હોય અને કિનારીએથી પણ બ્રેડના ડૂચા વાળવા પડે એમ હોય, પણ આ પીત્ઝા થિન ક્રસ્ટ હોવા છતાં ચીઝ બર્સ્ટ હતો. જ્યારે પીત્ઝા સર્વ થયો ત્યારે એની જાડાઈ જોઈને લાગ્યું નહીં કે અંદર ચીઝ ભરેલું હશે, પણ જેવી એની એક સ્લાઇસ ઉપાડી કે અંદરથી મેલ્ટ થયેલું પીળા રંગનું ચેડર ચીઝ ઊભરાઈને બહાર આવી ગયું. ચીઝની ક્રીમીનેસ, પેરી પેરીની તીખાશ, વેજીસનો ક્રન્ચ અને આલપીનોની ખટાશ, આહા... આજની જનરેશન માટે તો જન્નત જેવો જલસો.
અમારે વધુ ફ્લેવર્સ ટ્રાય કરવી હોવાથી હાફ-હાફ વરાઇટી સાથે મળે એવું વિચારતા હતા. એવામાં ઍન્થનીભાઈ મદદે આવ્યા. તેમણે પીત્ઝાની ફ્લેવર પૅલેટ, બેકિંગ માટે લાગતો સમય વગેરેની ગણતરી કરીને અમને હાફ ગાર્ડન ફ્રેશ અને હાફ પેપી પનીર ટ્રાય કરવાનું સૂચન કર્યું. હૅન્ડ ટોસ્ડ પીત્ઝાની આ બન્ને વરાઇટી અહીં સૌથી વધુ ઊપડે છે. અમે સ્મૉલ સાઇઝમાં બીજા બે પીત્ઝા મગાવ્યા. એક મુંબઈ ચોપાટી (૧૯૯ રૂપિયા) અને એક્ઝૉટિક ફાઇવ ચીઝ (૧૨૯ રૂપિયા). મુંબઈ ચોપાટી અમે ઘઉંના પીત્ઝા બેઝ પર ટ્રાય કર્યો. જ્યારે ફાઇવ ચીઝમાં મોઝરેલા, ચેડર, મોન્ટરી જૅક, કોલ્બી ચીઝ અને ચેડર ચીઝ સૉસનું બ્લૅન્ડ હતું. પાંચ પ્રકારનાં ચીઝનું કૉમ્બિનેશન એટલું સરસ છે કે મોંમાં રસના ફુવારા જરૂર ઊડે છે, પણ ચીઝથી મોં ભાંગી નથી જતું.
જો તમે જાતે આવીને પાર્સલ લઈ જાઓ તો અહીં એક પર એક પીત્ઝા ફ્રીની ઑફર પણ છે. પીત્ઝાની સાથે અહીં નાચોઝ, પાસ્તા અને સૅન્ડવિચ પણ છે, પણ એના તરફ નજર દોડાવવાની જરાય જરૂર નથી.
જૈનો માટે જન્નત
અહીં દરેક પીત્ઝા તમને જૈન વરાઇટીમાં મળી જશે. મોટા ભાગે જૈનના નામે લોકો પીત્ઝા સૉસને બદલે કેચપ યુઝ કરી લેતા હોય છે, પણ ઍન્થનીએ ખાસ જૈન પીત્ઝા સૉસ બનાવ્યો છે. એમાં ગાર્લિક કે અન્યનને બદલે પન્જન્ટ ટેસ્ટ માટે મસ્ટર્ડ ઑઇલનો ઉપયોગ થયો હોવાથી સ્વાદમાં એકદમ નૉર્મલ સૉસ જેવો જ લાગે છે. અને હા, નાચોઝની સાથે પીરસાતા સાલ્સામાં તો ગાર્લિક હોય જ એવું આપણે ધારી લઈએ છીએ, પણ અહીંનો સાલ્સા પ્યૉર જૈન જ છે. નૉન-જૈનો પણ એને આંગળાં ચાટીને ખાઈ જાય છે.
ADVERTISEMENT
મિની બર્ગર પીત્ઝા
ફ્રાન્કોઝમાં જ બનેલા મિની બર્ગર બન્સની અંદર પીત્ઝાનું ટૉપિંગ, વેજિટેબલ્સ અને સૉસીઝનું બ્લૅન્ડ કરીને સ્મૉલ અને ક્યુટ મિની બર્ગર્સ (૬૯ રૂપિયાના બે) હાલમાં જ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યાં છે. આજે વડાપાંઉ ૩૦ રૂપિયાનાં મળે છે ત્યારે આ મિની બર્ગર્સ વડાંપાઉ કરતાં વધુ ટેસ્ટી અને ફિલિંગ છે.


