જો કામના કારણે જાત માટે સમય નહીં કાઢી શકતા હો તો યાદ રાખજો કે કામ તો જીવનના છેલ્લા શ્વાસ સુધી રહેશે
મારી વાત
પ્રતીકાત્મક તસવીર
છેલ્લા થોડા સમયથી મને સતત થયા કરે છે કે હું મને, મારી જાતને સમય નથી ફાળવી શકતો. એકધારું કામ, શૂટિંગ, રાઇટિંગ, પ્રોડક્શન/કાસ્ટિંગ, કંપનીનાં બીજાં બધાં કામો સતત ચાલતાં રહેતાં હોવાને લીધે મારે જે મને સમય આપવો જોઈએ એ આપવાનું હું ચૂકતો આવ્યો છું. ઘણા એવી આર્ગ્યુમેન્ટ પણ કરે કે તમને તો તમારા કામમાં જ બધું જાણવા-શીખવા મળી જતું હશે, જે અમુક અંશે સાચું છે પણ પૂર્ણ સત્ય નથી. માણસે પોતાની જાતને નર્ચર કરવા માટે સમય આપવો પડે. એમાં એવું પણ બને કે તે દેખીતી રીતે કદાચ કશું ન શીખે તો પણ એક માણસ તરીકે તે વધુ સમૃદ્ધ થાય, જે બહુ જરૂરી છે.
ફિલ્મો બનાવવી મને બહુ ગમે એટલે નૅચરલી એમાં સમય ક્યાં પસાર થઈ જાય એની ખબર ન પડે. રાઇટિંગ પણ પૅશન છે એટલે એ પણ પૂરતો સમય લઈ લે તો પણ તમને ચચરાટ ન થાય. પણ હમણાં-હમણાં મને સમજાયું છે કે આ બધું કરવામાં હું, મને જે કરવું છે એ કરવાનો તો સમય જ નથી કાઢતો. મને સ્વિમિંગ બહુ ગમે પણ કેટલાય સમયથી મેં એ છોડી દીધું છે. ફિલ્મો જોવી ગમે. લર્નિંગ પર્પઝથી નહીં પણ નિજાનંદ માટે, પણ એ પણ મારાથી નથી થઈ શકતું. તમે માનશો, મારે જોવી હોય એવી ફિલ્મોનું મેં લિસ્ટ બનાવ્યું છે; જે બસ્સો ઉપર પહોંચી ગયું છે. મારે ઘણુંબધું વાંચવું છે. એવું જેનો ઉપયોગ મારે સિનેમૅટિક લેવલ પર ન કરવાનો હોય અને એ પછી પણ મારા અંગત જીવનમાં ખૂબ જરૂરી હોય, પણ હું એના માટે પણ સમય નથી ફાળવી શકતો.
ADVERTISEMENT
ન્યુ યર કે સાલ મુબારકના દિવસે મોટા ભાગના લોકો રેઝલ્યુશન લેતા હોય છે, પણ હું તો માનું છું કે જાગ્યા ત્યારથી સવાર. મેં હજી શનિવારે મારા દિવસનું ટેન્ટેટિવ ટાઇમટેબલ બનાવ્યું છે, જેને હવે હું ફૉલો કરવાનો છું. મેં નક્કી કર્યું છે કે મિનિમમ આવતા છ મહિના સુધી તો મારે એ ફૉલો કરવું જ કરવું. હું દરરોજ એક ફિલ્મ જોઈશ અને દરરોજ મિનિમમ એક કલાક મને ગમતાં રીડિંગને ફાળવીશ. એ ટાઇમટેબલ બનાવ્યા પછી મારામાં જે ઉત્સાહ આવ્યો એ અનુભવીને મને થયું કે મારે આ વાત તમારી સાથે શૅર કરવી જોઈએ અને તમને પણ કહેવું જોઈએ કે કામ તો કાયમ રહેવાનું જ છે. જો કામના કારણે જાત માટે સમય નહીં કાઢી શકતા હો તો યાદ રાખજો કે કામ તો જીવનના છેલ્લા શ્વાસ સુધી રહેશે. કામ વચ્ચે કેવી રીતે આપણા માટે સમય કાઢવો અને કેવી રીતે જાતને નર્ચર કરવી એ જોવાની જવાબદારી આપણી છે અને એ શક્ય પણ છે. દિવસ દરમ્યાન આપણે એટલોબધો સમય ફાલતુ રીતે પસાર કરી દેતા હોઈએ છીએ કે એની આપણને જાણ પણ નથી હોતી. પસાર થતા સમયને ઑબ્ઝર્વ કરશો તો તમને સમજાશે કે તમે ક્યાંથી સમય બચાવી શકો એમ છો.
- અભિષેક શાહ (‘હેલ્લારો’માં નૅશનલ અવૉર્ડ મેળવનારા અભિષેક શાહ રાઇટર-ડિરેક્ટર, પ્રોડ્યુસર અને કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે જાણીતા છે.)