આજે વર્લ્ડ લાફ્ટર ડે નિમિત્તે હાસ્યનો પ્રચાર-પ્રસાર કરનારાઓની ખડખડાટ દુનિયામાં ડોકિયું કરીએ
કમલેશ મસાલાવાલા
અત્યારે જે લેવલનું સ્ટ્રેસ અને ટેન્શન લઈને આપણે ભમી રહ્યા છીએ એમાં તો હસતે-હસતે કટ જાયે રસ્તેની ફૉર્મ્યુલા નહીં અપનાવી તો જીવવું ભારે જ પડે એમ છે. એવા સમયે છેલ્લાં અઢાર વર્ષથી દુનિયાભરમાં ખૂલેલી લાફ્ટર યોગ ક્લબો ખરેખર કોઈ મંદિરથી કમ નથી. સાચું-ખોટું પણ ખડખડાટ હસો છો ત્યારે શરીરમાં ઉત્પન્ન થતાં પૉઝિટિવ હૉર્મોન્સ કઈ રીતે શરીર અને મનમાં નવી ઊર્જા ભરવાનું કામ કરે છે એ આજે વર્લ્ડ લાફ્ટર ડે નિમિત્તે જાણીએ અને હાસ્યનો પ્રચાર-પ્રસાર કરનારાઓની ખડખડાટ દુનિયામાં ડોકિયું પણ કરીએ...
‘હું એવા લોકોનો ભરોસો નથી કરી શકતી જેઓ ક્યારેય હસતા નથી.’
ADVERTISEMENT
જેમણે પોતાના જીવનમાં સાત બાયોગ્રાફી લખી એવાં અમેરિકન કવયિત્રી, ડાન્સર, સિંગર, ઍક્ટિવિસ્ટ અને લિટરેચરમાં સ્કૉલર કક્ષાની પ્રતિભા ધરાવતાં માયા એન્જલના આ શબ્દો છે. હાસ્ય તમારા ચહેરાનું ઘરેણું છે અને ડરને ડરાવવાની સૌથી સહજ રીતે અવેલેબલ એવી દવા છે. ગમે તેવી કંગાળ વ્યક્તિ હાસ્યની દૃષ્ટિએ ધનવાન છે અને જેટલું આપો એટલું એ વધે છે. એમાં પણ બાળકની જેમ ખડખડાટ હસી શકતી વ્યક્તિના જીવનમાં સંતાપ ક્યાં ટકી શકે. સ્કોપ જ નથી. ૧૯૯૫થી હાસ્ય યોગનો એક નવો ચીલો ચાતરવાનું શ્રેય મુંબઈના એમબીબીએસ ડૉ. મદન કટારિયાના ફાળે જાય છે. વિશ્વના લગભગ ૧૨૦ કરતાં વધુ દેશોમાં લાફ્ટર ક્લબની સ્થાપના થઈ છે; એટલું જ નહીં, વિશ્વભરમાં લાફ્ટરની શરીર પર શું અસર થાય છે એ વિષય પર ૧૦૦થી વધુ રિસર્ચ પેપર પબ્લિશ થઈ ચૂક્યાં છે અને ડાયાબિટીઝ, હાઈ બ્લડ-પ્રેશર, અસ્થમા, ડિપ્રેશન, ઍન્ગ્ઝાયટી જેવા ઢગલાબંધ રોગોમાં હાસ્યની પૉઝિટિવ અસર થતી હોવાનું સાબિત થઈ ચૂક્યું છે. હાસ્ય એટલે જ દુનિયાની સૌથી મોટી ઇબાદત છે. જુઓને, નિદા ફાઝલી પોતાની એક ગઝલમાં કહે છે, ‘ઘર સે મસ્જિદ હૈ બહુત દૂર ચલો યૂં કર લે, કિસી રોતે હુએ બચ્ચે કો હંસાયા જાયે!’ જી, રડતા બાળકના ચહેરા પર સ્મિત પાથરવાનું પુણ્ય કોઈ પણ મસ્જિદ, ગુરુદ્વારા, મંદિરમાં કરેલી ઇબાદત કે પ્રાર્થના કરતાં ચડિયાતું છે ત્યારે હાસ્યનો પ્રચાર-પ્રસાર કરી રહેલો લોકોના જીવનમાં શું બદલાવ આવ્યા છે, તેમના પોતાના જીવનમાં લાફ્ટરે કેવાં પરિવર્તનો સરજ્યાં છે એ વિષય પર ચર્ચા કરીશું.
શરૂઆત થઈ આ રીતે

હસવું એ કંઈ નવી બાબત નથી; પરંતુ હસવાને એક્સરસાઇઝ, યોગ, પ્રાણાયામ વગેરે સાથે જોડીને પદ્ધતિસર સ્વરૂપમાં મૂકવાનું અને હાસ્યનું મહત્ત્વ લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું હાસ્ય યોગના ફાઉન્ડર ડૉ. મદન કટારિયાએ. આમ તો ડૉ. મદન કટારિયા જનરલ ફિઝિશ્યન છે અને તેઓ તેમનાં પત્ની માધુરી સાથે મળીને હેલ્થ મૅગેઝિન ચલાવતા હતા એમાંથી જ તેમને હાસ્ય યોગનો આઇડિયા આવ્યો. વાતની શરૂઆત કરતાં ડૉ. મદન કહે છે, ‘અંધેરીના લોખંડવાલામાં મારું ક્લિનિક ચાલતું અને સાથે જ અમે ‘માય ડૉક્ટર’ નામનું મેગેઝિન ચલાવતા. એનો પર્પઝ માત્ર એટલો કે લોકોમાં હેલ્થ અને વેલનેસને લગતી અવેરનેસ આવે. એ મૅગેઝિનના કામનું એટલું પ્રેશર રહેતું કે અમે બન્ને એકદમ સ્ટ્રેસ્ડ થઈ જતાં. અમે પોતે જ આર્ટિકલ લખતાં અને અમને પોતાને જ રિયલાઇઝ થયું કે આપણે જ આપણા સ્ટ્રેસને મૅનેજ નથી કરી શકતા તો કંઈક રસ્તો શોધવો જોઈએ. એવામાં ક્યાંક અમારા વાંચવામાં આવ્યું કે લાફ્ટરથી સ્ટ્રેસ જાય છે. જોકે એમાં કારણ સાથે હસવાની વાત હતી. એટલે કે તમે કોઈ જોક સાંભળ્યો અથવા તો તમે કોઈક એવી રમૂજભરી ઘટના જોઈ કે પછી કંઈક એવું બન્યું અને તમે હસી પડ્યા. કૉમેડી થાય અને હસો તો સ્ટ્રેસ ભાગે, પરંતુ કોઈ પણ કૉમેડી વગર ખોટેખોટું હસીએ તો પણ સ્ટ્રેસ ભાગે? આ પ્રશ્નના જવાબમાંથી જ લાફ્ટર ક્લબના આઇડિયાનો જન્મ થયો. પહેલી વાર પાર્કમાં જઈને લોકો સમક્ષ આ વાત મૂકી ત્યારે લોકોને લાગ્યું કે આ ડૉક્ટરનું ચસકી ગયું છે. કેટલાકે તો પૂછ્યું પણ ખરું કે સાહેબ, ઠેકાણે તો છેને? જોકે મેં લોકોની પરવા કર્યા વિના હસવાની શરૂઆત કરી અને ધીમે-ધીમે લોકો પણ પોતાની હસીને રોકી શક્યા નહીં. શરૂઆત જોક્સથી કરી હતી અને પછી વિધાઉટ રીઝન લાફ્ટર શરૂ કર્યું અને લોકો એમાં જોડાતા ગયા. આ અખતરામાં એટલું સમજાયું કે તમે કારણ વગર ખુશ રહેવાની કોશિશ કરો તો પણ તમારા બ્રેઇનમાં તો રિયલ હૅપીનેસનાં જ સિગ્નલ પહોંચે છે અને એનાથી પણ તમને થાય તો સરખો જ લાભ છે. ખોટે-ખોટે ખુશ રહેવાથી બ્રેઇનમાં સાચે-સાચે પૉઝિટિવ હૉર્મોન્સનું સિક્રેશન થાય છે. પછી ધીમે-ધીમે એક્સરસાઇઝના ફૉર્મમાં હસવાનું શરૂ કર્યું. હસવાની સાથે બ્રીધિંગ અને પ્રાણાયામને જોડી દીધાં. પ્રાણાયામની થિયરી લાફ્ટરમાં સાર્થક થતી દેખાઈ. એમાં એવું કહેવાય છે કે તમે શ્વાસ લો એના કરતાં બમણો શ્વાસ તમારે બહાર છોડવો જોઈએ. એનું બાયોલૉજિકલ કારણ એ હતું કે કોઈ પણ સમયે તમારાં ફેફસાંમાં લગભગ દોઢ લિટર જેટલી હવા રિઝર્વ રહે છે. જ્યારે તમે નાભિમાંથી ખડખડાટ હસો છો ત્યારે એ હવા બહાર નીકળીને નવો ઑક્સિજન ત્યાં સ્ટોર થવા માટે પહોંચે છે. બસ, પછી તો લોકોની જિજ્ઞાસા વધી, લાભ દેખાયો અને આજે પરિણામ આપણી સામે છે.’
જોરદાર રિસ્પૉન્સ
આજે દુનિયાના ૧૨૦ કરતાં વધુ દેશોમાં લાફ્ટર ક્લબ ચાલે છે. આ આઇડિયાને રિસ્પૉન્સ મળ્યો અને આજે પણ લોકો એમાં એટલો જ રસ લે છે એનું કારણ છે આજનો માહોલ. દેશ-વિદેશમાં લાફ્ટર યોગની ટ્રેઇનિંગ આપવા માટે જતા ડૉ. મદન કહે છે, ‘બીજાની વાત કરતાં પહેલાં હું મારી વાત કરું. લાફ્ટર યોગમાં જોડાયા પછી મને યાદ નથી કે હું છેલ્લે બીમાર ક્યારે પડેલો. ડૉક્ટર હોવા છતાં દર વખતે સીઝન ચેન્જ થાય એટલે શરદી-ખાંસી થઈ જતી. જોકે છેલ્લાં અઢાર વર્ષમાં હાર્ડ્લી બે કે ત્રણ વાર મને સીઝનલ શરદી થઈ હશે. અત્યારની લાઇફમાં વ્યક્તિ પાસે હસવાનાં કારણો સતત ઘટી રહ્યાં છે અને કારણ વિના હસવાની આપણને ટેવ નથી. એ આદત ડેવલપ કરવાનું કામ અમે કરી રહ્યા છીએ અને લોકોમાં અદભુત પરિવર્તન પણ જોયું છે અમે. હસતી વ્યક્તિ બીમાર નથી પડતી એ સદીઓની માન્યતા છે. બીજી વાત. અમે એને લાફ્ટર યોગનું નામ આપ્યું, કારણ કે નૉર્મલ હાસ્ય તમે ત્રીસ સેકન્ડથી એક મિનિટ સુધી વધુમાં વધુ ચલાવી શકો, પરંતુ જ્યારે એમાં અમુક કસરતો ઉમેરીને કન્ટિન્યુ કરો તો એ પંદર મિનિટ સુધી સ્ટ્રેચ થઈ શકે અને પછી જ એના જાદુઈ ફાયદાઓનો પણ અનુભવ થાય. હસવાના લાભ લેવા હોય તો કમસે કમ સાત મિનિટ સુધી એ લંબાવું જોઈએ.’
અનેક ઇનોવેશન

હાસ્ય યોગના અભ્યાસમાં એની પ્રૅક્ટિસ કરતા લોકોની પહેલી ડિસ્કવરી એ હતી કે બ્રેઇનને ખબર નથી પડતી કે તમે સાચે હસો છો કે હસવાની ઍક્ટિંગ કરો છો અને એટલે જ હસવાની ઍક્ટિંગ કરવાથી પણ એ જ પ્રકારના લાભ થાય જે તમને ખરેખર હસવું આવતું હોય ત્યારે થાય. જોકે જેમ-જેમ લોકો સમક્ષ આ કન્સેપ્ટ આવતો ગયો એમ-એમ લોકો એમાં ઇનોવેશન પણ લાવતા ગયા. હાસ્ય યોગને નેક્સ્ટ લેવલ આપવાનું કામ કર્યું સાઉથ મુંબઈમાં રહેતા કિશોર કૂવાવાલાએ. બૅન્કમાં ઑફિસર તરીકે સક્રિય, ક્રિકેટ ચૅમ્પિયન કિશોર કૂવાવાલા હાસ્યમાં ડાન્સિંગ, સિન્ગિંગ, પ્રેયર એમ ઘણું બધું ઉમેરતા ગયા. તેમણે એને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે ડે-ટુડેની ઍક્ટિવિટીને લાફ્ટર સાથે જોડી દીધી. લાફ્ટર યોગના પોતાના અનુભવો શૅર કરતાં કિશોરભાઈ કહે છે, ‘૧૯૯૫માં લાફ્ટર યોગની ખબર પડી અને પ્રિયદર્શિની પાર્કમાં ત્યારથી સેન્ટર શરૂ કરીને અમે એની નાવીન્યતા સાથે પ્રૅક્ટિસ કરીએ છીએ. આ કન્સેપ્ટમાં એક્સરસાઇઝ, પ્રેયર, પૉઝિટિવ સ્લોગન્સ, અફર્મેશન જેવી બધી જ બાબતો અમે ઉમેરી દીધી છે. હવે લાફ્ટર યોગ અમારા માટે ફિઝિકલ પ્રૅક્ટિસ નહીં પણ મેન્ટલ, ઇમોશનલ અને સ્પિરિચ્યુઅલ પ્રૅક્ટિસ બની ગઈ છે. અમારી સાથે જોડાયેલા સેંકડો લોકોને લાફ્ટર યોગને કારણે પારાવાર પૉઝિટિવિટી મળી છે. મારા પોતાના જીવનમાં એનર્જીનો જાણે વિસ્ફોટ થયો હોય એટલો ઍક્ટિવ રહું છું. અમારા પરિવારમાં એકબીજા પ્રત્યે આદર-માનસન્માન વધ્યાં છે, સંપ વધ્યો છે. લાફ્ટરને કારણે લોકોનાં ઘર નંદનવન જેવાં બની ગયાં છે. લોકોની સહનશક્તિ વધી છે, ધીરજ વધી છે. હાસ્ય દ્વારા અમે હૅપી અને હેલ્ધી સમાજનું, શહેરનું, રાષ્ટ્રનું અને વિશ્વનું નિર્માણ કરવાની દિશામાં પ્રયાસો કરી રહ્યા છીએ.’
અહીં ઉલ્લેખનીય છે કે કિશોરભાઈએ લાફ્ટરની સાથે ઘણા વર્લ્ડ રેકૉર્ડ પણ બનાવ્યા છે અને આજે ૭૫ની ઉંમરે પણ નિયમિત લાફ્ટરને લગતા કાર્યક્રમો તેઓ કરતા રહે છે. દેશ-વિદેશની અગ્રણી સંસ્થાઓમાં, મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં, સ્પોર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટમાં તેઓ લાફ્ટર યોગની ટ્રેઇનિંગ આપી ચૂક્યા છે.
ટર્નિંગ પૉઇન્ટ
સુરતની સ્કૂલોમાં બાળકોમાં લાફ્ટર યોગનું ઘેલું લગાડવાનું શ્રેય જાય છે વિશ્વના પહેલા લાફ્ટર ટીચર કમલેશ મસાલાવાલાને. અનાયાસ લાફ્ટર ક્લબ સાથે જોડાયેલા અને પછી બાળકોના એક્ઝામના સ્ટ્રેસ સામે લાફ્ટર નામની દવાથી લડવાનું બીડું ઉપાડનારા કમલેશભાઈ અત્યાર સુધીમાં સ્કૂલનાં હજારો બાળકોને હસાવી ચૂક્યા છે. લાફ્ટર માટે IIMમાં ભારતના ટ્રેઇનર અને ‘ટેડ ટૉક’માં હિસ્સો લઈ ચૂકેલા કમલેશભાઈ કહે છે, ‘બહુ અભ્યાસ નહોતો કર્યો અને સાચું કહું તો ભણવામાં ડોબો હતો. મમ્મી-પપ્પાનું નામ રોશન કરવા માટે શું ખાસ કરીશ એ સમજાતું નહોતું. એ દરમ્યાન એક વાર એક હોર્ડિંગ પર નજર પડી. સુરતમાં હાસ્ય યોગની એક-બે દિવસની શિબિર યોજાવાની હતી. શનિ-રવિની શિબિરમાં શું હશે એ કુતૂહલથી હું એક વાર ગયો. ત્યાં લોકોને ગાંડાની જેમ હસતા જોઈને હું બહુ જ મૂંઝાઈ ગયો. એક દિવસ તો છુપાઈને બધું જોયું, પણ મનોમન એ જોઈને ખૂબ મજા આવી હતી. બીજા દિવસે મનની છોછ મૂકીને હું પણ બધાની સાથે ખડખડાટ હસ્યો અને શું કહું પણ જાણે હળવો ફૂલ બની ગયો હોઉં એવી શાંતિ થઈ. પછી તો સુરતના જ એક પાર્કમાં નિયમિત લાફ્ટર ક્લબમાં જવાનું શરૂ કર્યું. એમાં રસ જોઈને મને ત્યાંના ટ્રેઇનરે પોતાના અસિસ્ટન્ટ જેવો બનાવી દીધો. એમાં જ ધીમે-ધીમે મનમાં વિચાર ચાલ્યો કે જો વડીલોને લાભ થાય છે તો એક્ઝામના ડરથી આપઘાત સુધી પહોંચી જતાં બાળકોને આનાથી કેવો લાભ થઈ શકે. એમાં ને એમાં રસ્તો નીકળ્યો અને એક ગાર્ડનમાં બાળકોને શીખવવાનું શરૂ કર્યું. અદભુત રિસ્પૉન્સ મળ્યો. પછી સામેથી જ સ્કૂલમાં જઈને બાળકોને હસાવવા માટે મને પંદર મિનિટ આપો એવું કહેતો તો શરૂઆતમાં કોઈ મારો ભાવ નહોતું પૂછતું. એક દિવસ કોઈ શિક્ષક ગેરહાજર હતા અને મારા પૂછવાથી કંટાળીને ત્યાંના ટીચરોએ માત્ર લપ છોડાવવા મને વર્ગ આપ્યો. એ દિવસે પંદર મિનિટ બાળકો જે ખડખડાટ હસ્યાં છે તો શિક્ષકો પણ બારીમાંથી જોવા માંડ્યા. તેમને જલસો પડી ગયો. બસ, એ પછી તો ગાડી સડસડાટ ચાલવા માંડી. એક સ્કૂલે તો મને રીતસર હાસ્યશિક્ષક તરીકે અપૉઇન્ટ કર્યો. એમાં મને પાછળથી ખબર પડી કે દુનિયાનો હું પહેલવહેલો હાસ્યશિક્ષક હતો જેને કોઈ સ્કૂલે અપૉઇન્ટ કર્યો હોય.’
બાળકોનો અખૂટ પ્રેમ કમલેશભાઈને મળ્યો છે. બાળકોની સાથે અનેક સંસ્થાઓમાં, અનેક કૉર્પોરેટ હાઉસમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં પણ તેમણે હાસ્યનો ગુલાલ કર્યો છે. આજે ઈશ્વરે તેમને માધ્યમ બનાવીને લોકોના જીવનમાં આનંદની પળો ઉમેરવાની તક આપવા બદલ તેઓ જોરદાર અનુગ્રહ અનુભવતા હોય છે.
કૉર્પોરેટનો અનુભવ

કમલેશભાઈ જેવી જ સ્ટોરી મહિલા લાફ્ટર ટ્રેઇનર અર્ચના રાવની છે. એચઆર તરીકે કામ કર્યા પછી પોતાની રિક્રૂટમેન્ટ એજન્સી શરૂ કરનારાં અર્ચના રાવ અત્યારે મહિલા લાફ્ટર કોચ તરીકે અનેક કૉર્પોરેટ હાઉસમાં તેમની જરૂરિયાત મુજબ કસ્ટમાઇઝ્ડ ટ્રેઇનિંગ આપે છે. અર્ચના કહે છે, ‘અત્યારે આપણી રોજબરોજની જિંદગી જાણે ક્રાઇસિસ મૅનેજમેન્ટની જ રહી છે. જેમાં નૉર્મલ હાસ્ય પણ ગાયબ છે ત્યાં સમય કાઢીને એક્સરસાઇઝ માટે હસવાની તો વાત જ નથી આવતી, પરંતુ એ જરૂરી છે. હું પોતે પર્સનલ અને પ્રોફેશનલ ફ્રન્ટ પર ક્રાઇસિસમાંથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક અઢાર મિનિટનો એક વિડિયો મારી સામે આવ્યો જે લાફ્ટર યોગ પર હતો. એ જોઈને હું એટલી મનથી શાંત અને ફ્રેશ થઈ ગઈ કે ન પૂછો વાત. મને નૅચરલી જ ક્યુરિયોસિટી થઈ કે આ શું છે? પોતાના માટે શીખવાનું શરૂ કર્યું એટલે જાણે નવો જન્મ થયો હોય એમ તરોતાજા થઈ ગઈ. એ દરમ્યાન જ સોશ્યલ ગ્રુપમાં શીખવવાનું શરૂ કર્યું. એમાં ઊડતી-ઊડતી વાત મારા પરિચિત કૉર્પોરેટ્સ સુધી પહોંચી તો તેમણે મને અપ્રોચ કર્યો કે અમારે ત્યાં લેને આવાં સેશન. બસ, એ રીતે મારી લાફ્ટર કોચ તરીકેની જર્ની શરૂ થઈ. મારી દૃષ્ટિએ અત્યારે ઉતાર-ચડાવથી ભરેલા આપણા જીવનમાં લાફ્ટરની ખૂબ જ જરૂર છે અને અત્યારના સમયમાં તો એ જ સૌથી મોટી પૂજા છે અથવા તો પવિત્ર બાબત છે.’
આટલી ચર્ચા અને જાત-ભાતના લોકો સાથે વાતો કર્યા પછી એટલું તો પ્રૂવ થાય છે કે હાસ્ય એક એવી સંજીવની બૂટી છે જે વ્યક્તિમાં જીવન ઊર્જાને બમણી કરવા સમર્થ છે. સુખદુખથી ઘેરાયેલા જીવનને સહજ રીતે જીવી લેવા માટે હાસ્ય બહુ જ મોટો સહારો બની શકે છે અને સતત આગળ વધતા રહેવા માટે વ્યક્તિને તાજગી પણ બક્ષી શકે છે. તો પછી હો જાયે... હા... હા... હા...
ટ્રાય કરજો આ લાફ્ટર યોગની પ્રૅક્ટિસ
આમ તો લાફ્ટર યોગના શિક્ષકોએ પોતપોતાની અનુકૂળતા, આવશ્યકતા અને ક્રીએટિવિટીના આધારે લાફ્ટરની ઘણી પદ્ધતિઓ ડેવલપ કરી છે જેથી લોકો એક જ પ્રકારના હાસ્યથી કંટાળે નહીં. હાસ્ય યોગના ટ્રેઇનરોએ શૅર કરેલી વિવિધ પદ્ધતિઓમાંથી કેટલીક અહીં પ્રસ્તુત છે.
હાસ્ય પ્રણામ : બન્ને હાથ જોડીને તમારી સામે રહેલા લોકો સામે જોરજોરથી હસતાં-હસતાં તમે નમસ્કાર મુદ્રામાં હાસ્ય કરી શકો.
તૂતૂ-મૈંમૈં હાસ્ય : એક આંગળી સામેવાળાને દેખાડીને અને પછી પોતાની તરફ પણ હાથ લઈ જઈને તું ખોટો અને હું સાચો જેવો ડોળ કરતાં-કરતાં ખડખડાટ હસતા જવું. જીવનમાં સંઘર્ષમાં પણ હાસ્ય સાથે હળવાશ રાખી શકાય.
મિરર લાફ્ટર : ડાબા હાથને જાણે કે અરીસો હોય એમ એમાં જોવાનો અને પોતે કેવા સુંદર લાગે છે એવું પ્રતીત કરતાં-કરતાં હા... હા... હા... હા... હા... કરીને હસવાનું. કોઈ પૂર્ણ નથી અને એ અધૂરપ વચ્ચે પણ સૌંદર્યને માણવાનું આ લાફ્ટર એક્સરસાઇઝમાં ફીલ કરવાનું હોય છે.
અપૉલૉજી લાફ્ટર : ડાબા હાથથી જમણા કાનની બૂટ અને જમણા હાથથી ડાબા કાનની બૂટ પકડીને સૉરી કહીને હા... હા... હા... હા.. કરીને હસવાનું. માણસ માફી માગવામાં અને માફી આપવામાં હંમેશાં પાછો પડતો હોય છે. હાસ્ય દ્વારા એ છોછ અને અહંકારનું વિસર્જન થાય અને માફીની હળવાશ આવતી હોય છે. સૉરી લાફ્ટર શીખવે છે કે ભૂલની માફી માગવી એે તદ્દન સ્વાભાવિક બાબત છે.
અપ્રિશિએશન લાફ્ટર : આપણા માટે સારું કરનારાને આપણે અપ્રિશિએટ કરીએ ત્યારે તેનો આપણા માટેનો પ્રેમ, આદર અને ઉત્સાહ વધી જતો હોય છે. હાથથી અતિ સુંદરવાળી ઍક્શન કરીને અથવા તો વ્યક્તિની પીઠ થાબડીને હસાવવામાં આવે છે.
ડિંગો લાફ્ટર : નાનપણમાં બાળકો જેમ એકબીજા સાથે ઝઘડે અને ડિંગો દેખાડે એમ અહીં માથા પર બિલાડીની જેમ હાથ મૂકી, જીભ બહાર કાઢીને ચાળા પાડતાં-પાડતાં હસવાનું હોય છે. એ પણ ખડખડાટ.
બાય-બાય લાફ્ટર : કોઈક બહારગામ જતું હોય અને આપણે ટ્રેનમાં મૂકવા ગયા હોઈએ તો છેક સુધી ટ્રેન પ્લૅટફૉર્મ પરથી જાય નહીં ત્યાં સુધી આપણે હાથ ઊંચો કરી-કરીને તેમને બાય કહેતા હોઈએ છીએ. આ લાફ્ટર પ્રૅક્ટિસમાં પણ એ જ રીતે હાથ ઊંચો કરીને બાયની સાઇન દેખાડતાં-દેખાડતાં ખડખડાટ નાભિમાંથી હાસ્ય છૂટે એમ હસવાનું હોય છે.
કેવા ફાયદા થાય?
લાફ્ટર યોગના લાભ વર્ણવતાં ડૉ. મદન કટારિયા કહે છે, ‘તાત્કાલિક તમારો મૂડ સુધરી જાય એ મારે કહેવાની જરૂર નથી. શરીરમાં એન્ડોર્ફિન નામના હૉર્મોન્સનું સિક્રેશન વધવાની સાથે મૂડની ઇમ્યુનિટી પણ સુધરે. ઑક્સિજન સપ્લાય બૉડીમાં સારો થાય. ઑક્સિજનનું ઍબ્સૉર્બ્શન વધે. ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર, ડિપ્રેશન જેવા સાઇકોસોમેટિક કૅટેગરીમાં આવતા લગભગ રોગોની તીવ્રતા ઘટે અને વ્યક્તિ સારું ફીલ કરે. લાફ્ટર વગર પૈસાની દવા છે. જુઓ, એની અકસીરતા ન હોત તો સૌથી વધુ સાયન્ટિફિક માઇન્ડસેટ સાથે ચાલતા અમેરિકા, જર્મની અને જપાનમાં લાફ્ટર યોગની પૉપ્યુલરિટી આટલી ન હોત. મેં જે ફાયદા ગણાવ્યા છે એના પર આ દેશોના નાગરિકોએ વૈજ્ઞાનિક ઢાંચામાં સંશોધન પણ કર્યાં છે.’


