ભારતીય ભોજનમાં મહત્ત્વનું સ્થાન ધરાવતા મસાલાઓમાંના એક એવા જીરાના ભાવમાં આ વર્ષે રેકૉર્ડબ્રેક તેજી વર્તાઈ રહી છે ત્યારે એનું કારણ શું છે એ જાણીએ. આ મહત્ત્વના સ્પાઇસની માત્ર ભારતની જ નહીં, એશિયાની સૌથી મોટી માર્કેટ છે ઉત્તર ગુજરાતમાં મહેસાણા નજીક આવેલા
જીરાના ભાવમાં થયેલો ભડકો ઠરશે કે વધુ ભડકશે?
ગુજરાતી જ નહીં, ભારતભરની મહિલાઓના રસોડાનું એક મહત્ત્વનું સ્પાઇસ અને ઔષધીય ગુણો ધરાવતું જીરું આ વર્ષે રેકૉર્ડબ્રેક મોંઘું છે. જીરાની ગણતરી ભલે મસાલામાં થાય, એની જરૂરિયાત અનાજ જેટલી ભલે ન હોય; પણ એ ભારતીય રસોડાનું એક મહત્ત્વનું સ્પાઇસ ચોક્કસ છે. જીરાના ભાવમાં આ વર્ષે આવેલી મરચાંથી પણ વધુ તીખી અને લાલચોળ તેજીનું કારણ શું છે? શું આ વખતે જીરાનો પાક ઓછો થયો છે? માર્કેટમાં આ માલ ઓછો આવ્યો છે? એક્સપોર્ટ વધુ થઈ છે કે બીજું કોઈ કારણ એ માટે જવાબદાર છે? જીરાના ઊંચા ભાવથી કોણ ખુશ છે અને કોણ નાખુશ? આ જીરું છે શું એ પણ જાણીએ.
જીરાના વઘાર વિનાની કે ધાણાજીરા વિનાની રસોઈની કલ્પના ભારતીયો કરી શકે? જરાય નહીં. એટલે જીરું મોંઘું છે તો આ વરસે નહીં ખરીદીએ એવું તો જરાય નથી થવાનું. હા, એમ બની શકે કે વરસે બે-અઢી કિલો જીરું લેતા હોઈએ તો આ વરસે અડધો કિલો ઓછું લઈને ચલાવીશું, પણ લીધા વિના તો નહીં જ ચાલે. ભારત જ નહીં, દુનિયાના લોકો માટે પણ મહત્ત્વનું સ્પાઇસ મનાતા જીરાની એશિયાની સૌથી મોટી માર્કેટ મહેસાણાથી ૨૬ કિલોમીટર અને અમદાવાદથી ૧૦૨ કિલોમીટર ઉત્તરે આવેલા ઊંઝાની APMC (ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી) એટલે કે કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ છે. ઊંઝાની આ મંડી એટલે કે માર્કેટયાર્ડ એશિયાની સૌથી મોટી મસાલા માર્કેટ છે જ્યાંથી દેશવિદેશમાં મુખ્યત્વે જીરું, વરિયાળી, મેથી, તલ, સુવાદાણા, સરસવ, ધાણા, અજમો જેવા મસાલા, તેલીબિયાં અને ઇસબગુલનો વેપાર થાય છે.
હજી ભાવ વધશે
ADVERTISEMENT
જીરાના ભાવ હજી ૧૦,૦૦૦ રૂપિયા સુધી (૨૦ કિલોના) જશે એવું લાગી રહ્યું છે એમ જણાવતાં ઊંઝા વિધાનસભાની બેઠક પર બીજેપી તરફથી પાંચ ટર્મ જીતીને વિધાનસભ્ય બનેલા ભાજપના ભૂતપૂર્વ વિધાનસભ્ય, બે વખત પ્રધાન રહેલા અને ૧૪ વર્ષ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ, ઊંઝાના ચૅરમૅન રહી ચૂકેલા ભૂતપૂર્વ ચૅરમૅન નારણભાઈ પટેલ કહે છે, ‘જીરામાં આ વર્ષે ૧૦,૦૦૦ના ભાવ સુધી તેજીનું માઇન્ડ લાગેલું છે. મલ્ટિ-કૉમોડિટી એક્સચેન્જ (MCX)નું તેજીવાળું ગ્રુપ ભાવને આટલે સુધી લઈ જશે એવું લાગી રહ્યું છે.’
ગયા વર્ષે જીરાનો ભાવ ૩,૨૦૦થી ૩,૫૦૦ હતો એ આ લખાય છે ત્યારે ૯,૦૦૦ સુધી પહોંચી ગયો છે. નારણભાઈનું કહેવું છે કે આવતા વર્ષે જીરાનું વાવેતર લગભગ બેગણું હશે. જીરાના પાક અંગે માહિતી આપતાં તેઓ કહે છે, ‘એક ખેતરમાં સતત જીરું વાવવામાં આવે તો બીજા વર્ષે પાકનો ઉતારો ઓછો થઈ જાય. તેથી બીજા વર્ષે ત્યાં બીજો પાક લેવો પડે. આજે દેશ જ નહીં, વિદેશમાં પણ અહીંથી એકસપોર્ટ થઈ રહેલા જીરાની વાવણીની શરૂઆત મહેસાણા જિલ્લામાં થઈ હતી. એ પહેલાં અહીં જીરું નહોતું થતું, પણ એ પછી અહીં એનું સતત વાવેતર થાય છે.’
ભાવ કેમ વધ્યા?
રસોઈમાં જીરું જોઈએ ઓછું, પણ દેશવિદેશમાં એનું સ્થાન મહત્ત્વનું છે એમ કહીને જીરાના ભાવવધારા વિશે વાત કરતાં APMC, ઊંઝાના ચૅરમૅન દિનેશ પટેલ કહે છે, ‘આ વખતે પાક ઓછો હતો અને ઊગવામાં તકલીફ હતી. ગયા વર્ષે જીરાની ૮૦ લાખથી ૯૦ લાખ બોરી (એક બોરી ૫૫થી ૬૦ કિલોની હોય) આવી હતી. એને બદલે આ વરસે માંડ ૫૦ લાખ બોરી પણ નથી આવી. બીજું, ચાર-પાંચ વારના માવઠાને કારણે બધા જ શિયાળુ પાકને નુકસાન થયું છે. આમાં જીરું વધુ સેન્સિટિવ પાક હોવાથી જીરાના દાણાની અરોમા, કલર વગેરેમાં ફરક પડી ગયો જેને લઈને ઍબ્નૉર્મલ હાઈ ભાવ થઈ ગયા.’
_e.jpg)
જીરું ઉગાડતા વિસ્તારોમાં હીટ વેવે ખેડૂતો માટે બગાડની ભૂમિકા ભજવી હતી. સદભાગ્યે, નિકાસ માટે પ્રોત્સાહક માગ છે જે ખેડૂતોને તેમના જીરાના પાક માટે સારો ભાવ આપી રહી છે.
દિનેશ પટેલ, ચૅરમૅન, APMC, ઊંઝા
આ બાબતે વધુ માહિતી આપતાં નારણભાઈ પટેલ કહે છે, ‘દર વર્ષે જીરાનો સ્ટૉક માર્કેટમાં બફર રહેતો હોય છે જેથી માલ ઍવરેજ આવે તો પણ ભાવ ઊંચકાતો નહોતો, પણ આ વખતે બફર સ્ટૉક નથી. વાવેતર ગયા વર્ષની સરખામણીમાં થોડું વધુ છે, પણ સતત માવઠાને કારણે નુકસાની થઈ. બીજું, અમેરિકા, તુર્કી વગેરે દેશોમાં પાક સાવ ઓછો થયો અને ચાઇના, પશ્ચિમ બંગાળ સહિત વિદેશોની માગ વધી ગઈ.’
જીરાનો છોડ કેટલો નાજુક હોય છે એની વાત કરતાં APMC, ઊંઝાના ભૂતપૂર્વ ડિરેક્ટર કનુભાઈ ટી. પટેલ કહે છે, ‘પવન સાથે વરસાદ હોય તો જીરાનો છોડ મૂળિયાં સાથે ઊખડી પડે. ચારથી પાંચ વખત માવઠું થવાને કારણે જીરાના દાણા કાળા પડી ગયા. વરસાદ નહીં, વાદળછાયું વાતાવરણ રહે તો પણ જીરાનો દાણો કાળો પડી જાય અને પાતળો થઈ જાય, ભરાવદાર ન રહે. આવાં જોખમોને કારણે ખેડૂતો જીરાની ખેતી કરવાનું પ્રિફર ઓછું કરે છે. વળી એક વરસે જીરું પકવે તો બીજા વર્ષે પાક ઓછો આવે. ત્રણ વર્ષ પહેલાં જીરાનો પાક સારો થયો હતો, પણ છેલ્લાં બે વર્ષથી એ ઓછો થતો ગયો છે.’
APMC, ઊંઝાના ચૅરમૅન દિનેશ પટેલ કહે છે કે ‘જીરાનો પાક હવામાન અને રોગ પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોવાથી રાજસ્થાન અને ગુજરાતના ખેડૂતો કપાસ, સરસવ, મગફળી, સોયાબીન અને ધાણા સહિતના માગ ધરાવતા અન્ય પાકો તરફ વળ્યા હતા. આ ઉપરાંત જીરું ઉગાડતા વિસ્તારોમાં હીટ વેવે ખેડૂતો માટે બગાડની ભૂમિકા ભજવી હતી. સદભાગ્યે, નિકાસ માટે પ્રોત્સાહક માગ છે જે ખેડૂતોને તેમના જીરાના પાક માટે સારો ભાવ આપી રહી છે.’
ભાવ બાબતે અગાઉ જણાવી એ ઉપરાંતની વાત દેશવિદેશમાં જીરાનો વેપાર કરતા એક્સપોર્ટર વેપારી સુપ્રીત પટેલે કરી. તે કહે છે, ‘દર વર્ષે માર્ચ-એપ્રિલમાં ઊંઝાની માર્કેટમાં માલ વેચાવા આવી જાય છે. આ વખતે પણ આવી તો ગયો, પણ કૅરી ફૉર્વર્ડ માલ હતો જ નહીં તેથી બજારમાં માલ આવતાં જ કિલો પર સવાસો રૂપિયા ભાવ વધી ગયો હતો. આ બે મહિના ડોમેસ્ટિક અને ઇન્ટરનૅશનલ માર્કેટમાં ડિમાન્ડ હોય છે, પણ વરસાદ થાય પછી મે મહિનામાં એ ઘટી જાય છે અને સાથે ખેડૂતો ભાવ મળવાથી સાચવી રાખેલો માલ બજારમાં લાવે છે ત્યારે ડિમાન્ડ ઓછી થવાથી બજાર મંદી તરફનું થશે.’
ક્યાં પાકે જીરું?
ભારતમાં રાજસ્થાનના જોધપુર અને નાગૌર જિલ્લાઓ જીરાની ખેતીનાં મુખ્ય ક્ષેત્રો છે. ગુજરાતમાં રાજસ્થાન સરહદના વિસ્તારોમાં બનાસકાંઠા તથા કચ્છ અને સૌરાષ્ટ્ર-રાજકોટ, જામનગર, બોટાદમાં જીરું પાકે છે. આ બંને રાજ્યોના ખેડૂતો અને વેપારીઓ તેમનો પાક વેચવા માટે ઊંઝા આવે છે. ઊંઝા ખાતે જીરાની કુલ આવકમાંથી લગભગ ૬૦ ટકા રાજસ્થાનથી અને બાકીના ૪૦ ટકા ગુજરાતના વિવિધ ભાગોમાંથી આવે છે.
જીરાનો પાક સેન્સિટિવ ખરો, પણ એની ખેતીમાં વધુ ખર્ચ નથી એમ જણાવતાં સુપ્રીત પટેલ કહે છે, ‘આ પાકને સૂકું વાતાવરણ જોઈએ, પાણી અને દવા પણ ઓછી જોઈએ; પણ જો હવામાન બગડ્યું તો જીરાની ક્વૉલિટી વીક થઈ જાય અને ભારે નુકસાન વેઠવું પડે. આ વખતે જીરું ઉપરાંત વરિયાળી અને ઇસબગુલને ભારે નુકસાન થયું છે.’
વેચાણ
માર્કેટમાં આવતા જીરામાંથી ૫૦ ટકા ભારતમાં વેચાય છે અને ૫૦ ટકા એક્સપોર્ટ થાય છે એમ જણાવતાં ઊંઝાના નિકાસકાર સુપ્રીત પટેલ કહે છે, ‘બે વર્ષ પહેલાં એક્સપોર્ટ થયું હતું એના કરતાં ગયા વર્ષે ૨૦ ટકા ઓછું થયું અને આ વર્ષે પણ ૧૫ ટકા ઓછું એક્સપોર્ટ થયું છે જેનું કારણ એની ઊંચી કિંમત છે. ભારતમાં પણ ઊંચી કિંમતને કારણે ખપત ઓછી રહી છે.’
પશ્ચિમ એશિયા, દક્ષિણ-પૂર્વ એશિયા, અમેરિકા અને યુરોપિયન બજારોમાં જીરાની ખૂબ માગ છે. મસાલાની કૉમોડિટી ઊંઝાથી વિશ્વના લગભગ ૪૦ દેશોમાં નિકાસ કરવામાં આવે છે. અમેરિકા, યુરોપ, ચીન અને લૅટિન અમેરિકન દેશો પછી ગલ્ફ દેશોમાં સૌથી વધુ નિકાસ થઈ રહી છે. પાકિસ્તાન, સિંગાપોર, મલેશિયા, બંગલા દેશમાં પણ નિકાસ થાય છે. જીરુંના આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતનો હિસ્સો ૭૫ ટકાથી વધુ છે. ભારત ઉપરાંત અફઘાનિસ્તાન, ઈરાન, ઇરાક, સિરિયા અને તુર્કી જીરાનું ઉત્પાદન અને નિકાસ કરે છે. જોકે ભારતીય જીરુંની ગુણવત્તા વિશ્વના અન્ય કોઈ પણ રાષ્ટ્ર કરતાં શ્રેષ્ઠ છે. જીરાના ઉત્પાદન અને વેચાણમાં ભારત વર્લ્ડમાં મોખરે છે અને દેશમાં જીરાનું ૯૦ ટકા ઉત્પાદન રાજસ્થાન અને ગુજરાતમાં જ થાય છે.
APMC, ઊંઝા એશિયાની સૌથી મોટી મસાલા માર્કેટ
ખેડૂતોની પ્રોડક્ટ્સને વેચવા માટે ઊંઝાની આ માર્કેટ સૌથી મોટું ટ્રેડિંગ પ્લૅટફૉર્મ છે, એની ખાસિયતો વિશે જણાવતાં ચૅરમૅન દિનેશ પટેલ કહે છે, ‘ઊંઝાની આસપાસના ૮૦૦થી ૯૦૦ કિલોમીટરના વિસ્તારમાંથી ખેડૂતો તેમનો માલ વેચવા અહીં આવે છે. ગુજરાત અને રાજસ્થાન જ નહીં, એમપીથી પણ ખેડૂતો આવે છે. ૧૦ ખેડૂત, ચાર વેપારી, બે સરકારી વ્યક્તિ અને લોકલ ઑથોરિટીનું મળીને એક બૉડી બને જેમાંના એક ચૅરમૅન હોય અને એક સંચાલક હોય છે જે સમિતિની સિસ્ટમને ચલાવે છે.’
ખેડૂતો પણ પોતાનો બધો માલ તરત વેચી નથી દેતા, પણ થોડો વેચે અને બાકીના માટે ઊંચો ભાવ મળે એની રાહ જુએ છે એમ જણાવતાં કનુભાઈ પટેલ કહે છે કે ‘ખાસ કરીને માર્ચ-એપ્રિલમાં ૬૦થી ૭૦ ટકા માલ બજારમાં આવી જાય છે. ખેડૂત તેનો માલ મંડીના કોઈ વેપારી કે જ્યાં તે હંમેશાં માલ ઉતારતો હોય. એ પછી જાહેર હરાજી થાય જેમાં સરકારી માણસ અને APMCનું લાસઇન્સ હોય એ લોકો જ ભાગ લઈ શકે. હરાજીમાં ઊંચા ભાવ બોલાય અને એ ભાવ પણ ખેડૂતને સંતોષકારક લાગે તો તે માલ વેચે, નહીં તો આડતિયાના ગોડાઉનમાં માલ મૂકી રાખે. અહીં ખેડૂત સાથે કોઈ ચીટિંગ નથી થઈ રહીને એનું પણ ધ્યાન રાખવામાં આવે છે. કિસાન કમિશન તો હવે નીકળી ગયું છે, પણ માલની આડત પણ કિસાને નથી ચૂકવવી પડતી અને બધું બર્ડન આડતિયા પર હોય છે એવું કહેતા કનુભાઈનું માનવું છે કે હરાજી સિસ્ટમ ખેડૂતોના ફાયદામાં છે.’
અહીંના વેપારમાં ફુલ પારદર્શિતા છે એમ જણાવતાં દિનેશભાઈ કહે છે, ‘ખેડૂતનો ગમે એટલો માલ હોય, પણ એ વેચાઈ ચોક્કસ જાય છે અને ન વેચાય તો પણ તેણે જે વેપારીને ત્યાં માલ રાખ્યો છે એ વેપારી ૭૦ ટકા પૈસા તેને તરત આપી દે છે. બાકીના પૈસા માલ વેચાય ત્યારે આપે છે. આમ ખેડૂતને પૈસાની જરૂર હોય તો તેને એ તરત મળી જાય છે. માલ ન વેચ્યો હોય અને પૈસાનો ઉપાડ જોઈતો હોય તો પણ મળી જાય છે.’
આ માર્કેટ ખેડૂતોના ફાયદામાં છે એવું કનુભાઈનું કહેવું છે, કારણ કે ખેડૂતે તો પોતાના ખેતરથી મંડી સુધી માલ લાવે એટલો જ ખર્ચ કરવાનો છે. મંડીના વેપારીઓ તેની ખાણી-પીણીની અને રોકાણની પણ વ્યવસ્થા કરે છે.
માર્કેટની પ્રામાણિકતા વિશે જણાવતાં નારણભાઈ કહે છે, ‘આ માર્કેટની પ્રામાણિકતાને કારણે ખેડૂતો એના પર વિશ્વાસ કરે છે. ખેડૂતના માલનો કાંટો અહી તસુભાર પણ પાછો નથી થતો. આડતિયા વિના મંડીમાં માલ વેચવાનું અહીં શક્ય નથી.’
હરાજીમાં પણ ખેડૂતોને ફાયદો છે એવું માનવું છે સુપ્રીત પટેલનું. તે કહે છે, ‘હરાજી સમયે ભાવ બોલાય ત્યારે એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવે છે કે ખેડૂત સાથે ચીટિંગ નથી થતીને. ભાવ નક્કી થયા પછી પણ ખેડૂતને પૂછવામાં આવે છે કે તેને સંતોષ છેને? અહીંની બજાર કૅશ મંડી છે. તરત માલના પૈસા મળી જાય છે. MCXને કારણે ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે. સિસ્ટમની સરળતાને કારણે આ માર્કેટ સૌથી મોટી મસાલા માર્કેટ બની છે.’
ખેડૂતે વેચેલો માલ પછી ક્લીનિંગ પ્લાન્ટમાં ક્લીન થાય છે. રોજની એક લાખ બોરી આ મશીનોમાં ક્લીન થાય છે. એ પછી ફિનિશિંગ, સોર્સિંગ અને ગ્રેડિંગ થાય અને પછી માર્કેટમાં વેચાવા આવે છે.
ઊંઝામાં આવેલી કૃષિ ઉત્પન્ન બજાર સમિતિમાં મસાલાનું ઉત્પાદન કરતા લગભગ ૮૦૦ વ્યવસાયો છે. સમિતિની સ્થાપના મોહનભાઈ હરિભાઈ પટેલ દ્વારા ૧૯૫૪માં કરવામાં આવી હતી. જીરુંની વાવણી ઑક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન થાય છે અને કાપણી ફેબ્રુઆરીમાં થાય છે.
બોક્સ
ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) એ ભારતમાં રાજ્ય સરકારો દ્વારા સ્થપાયેલું માર્કેટિંગ બોર્ડ છે જે ખેડૂતોને મોટા છૂટક વિક્રેતાઓ દ્વારા શોષણથી સુરક્ષિત રાખવાની સાથે-સાથે ખેતરમાં છૂટક ભાવનો ફેલાવો અતિશય ઊંચા સ્તરે ન પહોંચે એની ખાતરી કરવા માટે છે. એપીએમસીને રાજ્યો દ્વારા ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટિંગ રેગ્યુલેશન (APMR) ઍક્ટ અપનાવીને નિયંત્રિત કરવામાં આવે છે.


