Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ચીનનું વધુ એક છાસિયું : ગલવાન પછી તવાંગ કેમ?

ચીનનું વધુ એક છાસિયું : ગલવાન પછી તવાંગ કેમ?

18 December, 2022 12:02 PM IST | Mumbai
Raj Goswami

હિમાચલમાં ચીનનો મુખ્ય રસ તવાંગમાં છે, કારણ કે વ્યૂહાત્મક રીતે એ ચીનને ભારતના ઉત્તર-પૂર્વી હિસ્સામાં સરસાઈ આપે છે. બીજી રીતે વાત કરીએ તો, અરુણાચલ એકમાત્ર જગ્યા એવી છે જ્યાંથી ભારતના મિસાઇલને ચીન સૌથી નજીકમાં પડે છે

ચીનનું વધુ એક છાસિયું : ગલવાન પછી તવાંગ કેમ?

ક્રૉસલાઇન

ચીનનું વધુ એક છાસિયું : ગલવાન પછી તવાંગ કેમ?


એટલે ચીનની હિમાચલ અને ખાસ તો તવાંગ પર નજર છે. તવાંગ જો હાથમાં હોય તો તિબેટ પર તેના દાવાને બળ મળે એમ છે

ભારત સાથેની અમારી ભાંજગડમાંથી છેટા રહેજો એવી ‘ધમકી’ ચીને અમેરિકાને આપી હતી તેના એક અઠવાડિયા પછી અરુણાચલ પ્રદેશની સીમા પરથી સમાચાર આવ્યા છે કે ત્યાં ભારત અને ચીનની સેના વચ્ચે અથડામણ થઈ છે અને બન્ને પક્ષે સૈનિકોને ‘સાધારણ ઈજાઓ’ થઈ છે. ભારતની સીમા પર ચીનની લશ્કરી ગતિવિધિઓ વધારવાના પ્રયાસ પર યુએસ મિલિટરી હેડક્વૉર્ટર પેન્ટાગૉને પહેલી ડિસેમ્બરે યુએસ કૉન્ગ્રેસને એક રિપોર્ટ સુપરત કર્યો હતો. એમાં કહેવામાં આવ્યું હતું કે ચીની સેના ભારતને અમેરિકાની નજીક જતું રોકવા માગે છે અને એ માટે તે સીમા (લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કન્ટ્રોલ) પર તનાવ ઓછો કરવાના સંભવિત પ્રયાસ કરી રહી છે, પરંતુ એ દરમ્યાન તેને અમેરિકાની દખલઅંદાજી પસંદ નથી આવી. ચીની સેનાએ અમેરિકન અધિકારીઓને ચીમકી આપી છે કે તેઓ ભારત સાથે ચીનના સંબંધોમાં ટાંગ ન અડાવે.



રિપોર્ટ અનુસાર, ‘ભારત અને ચીન એકબીજાનાં ક્ષેત્રોમાં આક્રમક ઘૂસપેઠનો આરોપ લગાવી રહ્યાં છે. ૨૦૨૦ની અથડામણ પછી ચીને લગાતાર સૈનિકબળની હાજરી બનાવી રાખી છે અને બીજી તરફ સીમા પર નક્કર બાંધકામ પણ ચાલુ રાખ્યું છે.’ અગાઉ, ૨૦૨૧માં, પેન્ટાગૉનના એક રિપોર્ટમાં ચેતવણી અપાઈ હતી કે ચીને અરુણાચલમાં સીમા પર તવાંગ પ્રદેશમાં એક ગામ વસાવ્યું છે અને સેનાની ચોકી પણ ખોલી છે.


એ પછી ભારતીય સેના પણ અલર્ટ હતી અને એણે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું હતું. ૯ ડિસેમ્બરે અહીં બન્ને સેનાઓની પૅટ્રોલિંગ ટુકડીઓ વચ્ચે અથડામણ થઈ હતી. ઘટનાના ચાર દિવસ પછી, ૧૩ ડિસેમ્બરે, સંસદમાં અધિકૃત બયાનમાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે, ‘૯ ડિસેમ્બર, ૨૦૨૨એ, પીએલએ (પીપલ્સ લિબરેશન આર્મી)ના સૈનિકોએ તવાંગ સેક્ટરમાં યોંગ્ત્સે ક્ષેત્રમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર અતિક્રમણ કરીને યથાસ્થિતિને બદલવાનો એકતરફી પ્રયાસ કર્યો હતો. આપણી સેનાએ એનો બહાદુરીથી મુકાબલો કર્યો હતો અને તેમને તેમની ચોકીઓમાં પાછા જવા ફરજ પાડી હતી. આ અથડામણમાં બન્ને પક્ષના સૈનિકોને ઈજાઓ થઈ છે. એમાં ન તો કોઈનું મોત થયું છે કે ન તો કોઈને ગંભીર ઈજા થઈ છે.’
૧૯૬૨ના યુદ્ધમાં, ચીને તવાંગના અમુક ઇલાકાઓ પર કબજો કર્યો હતો. ૧૯૮૬-૮૭માં, તવાંગ નજીક સુમદોરોંગ ઘાટીમાં ચીને ઘૂસપેઠ કરી હતી, પણ એમાં કશું હાંસલ થયું નહોતું. એ પછી ૩૬ વર્ષ પછી ભારત અને ચીનની સેનાઓ વચ્ચે અથડામણ થઈ છે. એ સાથે જ, અરુણાચલનો મામલો સમાચારોમાં આવ્યો છે. ૨૦૨૦માં, તિબેટમાં ગલવાન ઘાટીમાં બન્ને સેનાઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં ભારતના 20 સૈનિકો શહીદ થયા હતા. ચીને પણ એના ૪-૫ સૈનિકો ગુમાવ્યા હતા. 
ત્યારથી વાસ્તવિક નિયંત્રણ રેખા પર બન્ને સેનાઓની જબ્બર જમાવટ થઈ છે. એક સંખ્યા પ્રમાણે, એકલા તિબેટમાં જ ભારતના ૫૦,૦૦૦ સૈનિકો ચીન સામે આંખમાં આંખ નાખીને ઊભા છે. ચીન સાથે મંત્રણાઓના લગભગ ૧૬ દોર પછી પણ ગતિવિધિઓમાં કમી નથી આવી. ભારતીય સેનાના વડા મનોજ પાંડેએ તાજેતરમાં એકરાર કર્યો હતો કે સીમા પર ચીને એના સૈનિકબળોમાં ઘટાડો કર્યો નથી. તેમણે કહ્યું હતું કે સીમા પર ચીનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામકાજ વિના રુકાવટ ચાલુ જ છે. જનરલ પાંડેએ કહ્યું હતું કે ત્યાં ‘પરિસ્થિતિ સ્થિર, પણ અણધારી છે.’

આ ‘અણધારી સ્થિતિ’ એટલે અરુણાચલની લેટેસ્ટ અથડામણ. લગભગ ચાર હજાર કિલોમીટર લાંબી વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત અને ચીન વચ્ચે બે મોટા અને નાના-નાના અનેક સીમાવિવાદો છે. પહેલો મોટો વિવાદ અક્સાઈ ચીનમાં છે, જે ચીનના વહીવટ હેઠળ છે. ભારત તેને લદાખનો હિસ્સો ગણે છે. બીજો મોટો વિવાદ મેકમેહોન લાઇન પર છે, જે હવે અરુણાચલ પ્રદેશ કહેવાય છે. બ્રિટિશ ઇન્ડિયા અને તિબેટ વચ્ચે ૧૯૧૪માં જે સંધિ થઈ હતી તેમાં મેકમેહોન લાઇનનો સમાવેશ થતો હતો, પણ એવું કહીને તેને માનવા ઇનકાર કરે છે કે સંધિ થઈ ત્યારે તિબેટ સ્વતંત્ર નહોતું.


૧૯૬૨નું યુદ્ધ, આ બન્ને મોરચે લડાયું હતું. એ પછી બન્ને દેશો વચ્ચે શ્રેણીબદ્ધ મંત્રણાઓ અને કરારોના પગલે ૨૦૧૭ સુધી સીમા પર અપેક્ષિત શાંતિ જળવાઈ રહી હતી. ૨૦૧૭માં, ચીને ભૂતાનના એક રોડને દોખલામ સુધી લંબાવ્યો હતો. ભારતે સૈનિકો મોકલીને બાંધકામ અટકાવ્યું હતું અને પછી બન્ને દળો પાછાં હટી ગયાં હતાં. એ પછી, ૨૦૨૦માં, લદાખમાં ભારતના એક રોડ નિર્માણના પગલે ટકરાવ શરૂ થયો હતો અને જૂન મહિનામાં મોટી હિંસક હાથાપાઈ થઈ હતી.

ગયા મહિને, બીજિંગમાં ચીનની રાષ્ટ્રીય સંસદ ગ્રેટ વૉલ ઑફ પીપલની મીટિંગમાં, રાષ્ટ્રપતિ શી જિનપિંગે ત્રીજી વાર રાષ્ટ્રપતિનો કાર્યભાળ સંભાળ્યો, ત્યારે મંચ પર તેમના આગમન પહેલાં પડદા પર ગલવાન ઘાટીની અથડામણનો વિડિયો પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિની પસંદગી કરવાના દેશના સૌથી મોટા પ્રસંગમાં ગલવાન સંકટને યાદ કરે તે જ બતાવે છે કે ચીન તે ઘટનાને અને સીમાવિવાદને કેટલું ગંભીરતાથી લે છે.

તેને ગંભીરતા કહો, આક્રમકતા કહો, દુ:સાહસ કહો, ‘અટકચાળું’ કહો કે પછી ગાંડપણ કહો, હકીકત એ છે કે ચીન ભારતની સીમાને સળગતી રાખવા માગે છે. સીમા પરથી અત્યાર સુધી જેટલા મીડિયા રિપોર્ટ્સ આવ્યા છે એ કહે છે કે ત્યાં ભારતીય સેનાનો એવી ચાઇનીઝ ગતિવિધિઓ સામે પનારો પડી રહ્યો છે જેમાં એવા કોઈ સંકેતો નથી જે એવું આશ્વાસન આપે કે આ બધું કામચલાઉ છે. સાદી ભાષામાં કહેવું હોય તો યુદ્ધની સ્થિતિ ઊભી થાય ત્યારે મોટી સંખ્યામાં અને ઝડપથી લશ્કરી સહાયતાઓ સક્રિય કરવામાં મદદ થાય તેવી કાયમી વ્યવસ્થાઓ ત્યાં ઊભી કરવામાં આવી રહી છે.

સ્વાભાવિક રીતે જ, ભારતની સેના પણ કોઈ બાબતને હળવાશથી નથી લઈ રહી. લદાખ અને હિમાચલમાં ચીની સૈનિકોને વધુ ‘સળીઓ’ કરતાં રોકવા માટે ભારતે વધારાનાં જમીની દળો ખડક્યાં છે અને ચીનની જેમ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભાં કર્યાં છે. એવું કહેવાય છે કે ૬૨ના યુદ્ધ પહેલાં, ત્યાં લશ્કરી દળો અને સહાયતાઓને એકઠી કરવામાં ચીનને ત્રણ-ચાર મહિના લાગ્યા હતા. આજે એવી સ્થિતિ છે કે ૨૪ કલાકમાં અહીંથી ત્યાં મોટા પ્રમાણમાં હેરફેર થઈ શકે તેમ છે.

ચીન તેની સત્તાવાર નીતિ પ્રમાણે પૂરા અરુણાચલને ચીનનો હિસ્સો ગણે છે. તેના ૯૦,૦૦૦ કિલોમીટરના વિસ્તારને તે ચીની ભાષામાં ‘ઝગ્નન’ તરીકે ઓળખે છે અને ક્યારેક તેને ‘કથિત અરુણાચલ પ્રદેશ’ પણ કહે છે. ગયા વર્ષે ચીને અરુણાચલની ૧૫ જગ્યાઓનું નામકરણ ચીની ભાષામાં કર્યું હતું. ગયા વર્ષે, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયાનાયડુ હિમાચલ પ્રદેશની મુલાકાતે ગયા હતા ત્યારે ચીને તેની સામે વાંધો ઉઠાવ્યો હતો અને ભારતે પણ એ વાંધાને ડૂચો મારીને કચરાટોપલીમાં નાખી દીધો હતો.

હિમાચલમાં ચીનનો મુખ્ય રસ તવાંગમાં છે, કારણ કે વ્યૂહાત્મક રીતે તે ચીનને ભારતના ઉત્તર-પૂર્વી હિસ્સામાં સરસાઈ આપે છે. બીજી રીતે વાત કરીએ તો, અરુણાચલ એકમાત્ર જગ્યા એવી છે જ્યાંથી ભારતના મિસાઇલને ચીન સૌથી નજીકમાં પડે છે. એટલે ચીનની હિમાચલ અને ખાસ તો તવાંગ પર નજર છે. તવાંગ જો હાથમાં હોય તો તિબેટ પર તેના દાવાને બળ મળે તેમ છે.

તવાંગને તે તિબેટનો હિસ્સો ગણે છે અને સીમાવિવાદની મંત્રણાઓમાં તો તે તવાંગનું નામ પણ સામેલ કરવા તૈયાર નથી. ત્યાંના તવાંગ મઠમાં છઠ્ઠા દલાઈ લામાનો ૧૬૮૩માં જન્મ થયો હતો, ત્યારથી ચીન માટે તે વિસ્તાર મહત્ત્વનો બની ગયો છે. હાલના દલાઈ લામા (૮૭)ના ઉત્તરાધિકારીનો પ્રશ્ન ઊભો થશે, ત્યારે તવાંગ પર ચીનનું ફોકસ વધવાનું છે. ચીન ઇચ્છે છે કે નવા દલાઈ લામાની પસંદગી તિબેટની બહારથી ન થાય. તવાંગનો બૌદ્ધ મઠ દુનિયાનો સૌથી મોટો મઠ છે અને તિબેટી બૌદ્ધવાદનું તે કેન્દ્ર છે. ૧૯૫૯માં, ચીનની દાદાગીરીથી બચવા માટે વર્તમાન દલાઈ લામા તિબેટમાંથી પલાયન થઈ ગયા હતા, ત્યારે તેઓ પહેલાં તવાંગ મઠમાં રહ્યા હતા અને પછી ત્યાંથી ભારતમાં આવતા રહ્યા હતા.

ચીનને ડર છે નવા લામા તવાંગમાંથી આવશે. સત્તાવાર રીતે ભારત દલાઈ લામાની વરણીમાં પડતું નથી, પરંતુ ચીનને શંકા છે ભારત જે રીતે દલાઈ લામાને છાવરે છે એ જોતાં તે પાછલા બારણે નવા લામા તેના કહ્યામાં હોય તેવા પસંદ કરાવશે. ગયા વર્ષે, દલાઈ લામાના જન્મદિવસ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ફોન કરીને શુભેચ્છા આપી હતી તેને ચીન અગત્યનો સંકેત માને છે, કારણ કે એ પહેલાં કોઈ વડા પ્રધાને સાર્વજનિક રીતે દલાઈ લામાને ફોન નથી કર્યો.

આ બધાં બૅકગ્રાઉન્ડને ધ્યાનમાં રાખીને જોઈએ તો, ૯ ડિસેમ્બરે ચીની સેનાએ ભારતની સેનામાં અતિક્રમણ કર્યું એ અકસ્માત્ નથી, પણ વ્યૂહાત્મક છે. એક વાત સ્પષ્ટ છે કે પહેલાં ગલવાન અને હવે હિમાચલમાં ઊંબાડિયું મૂકીને ચીને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તે સીમાવિવાદને ઠંડો પાડવાના મૂડમાં નથી. વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ અને ન્યુક્લિયર સત્તાઓ લદાખ અને હિમાચલમાં એકબીજાને નહોરિયાં ભરવા માટે તૈયાર બેઠી છે તે વિશ્વ માટે ચિંતાનો વિષય છે, પણ તવાંગમાં જો કારગિલવાળી થાય તો દુનિયા તેની સામે આંખ આડા કાન કરશે કે ચીનને ઠપકારશે તેનો કોઈ સ્પષ્ટ ઉત્તર ભારત પાસે પણ નથી.

લાસ્ટ લાઇન

‘તિબેટ સદીઓથી ચીનનો હિસ્સો છે એવું હું કહું એમ ચીન ઇચ્છે છે. હું એવું કહું તો પણ લોકો હસશે. મારા કહેવાથી ઇતિહાસ નથી બદલાઈ જવાનો. ઇતિહાસ ઇતિહાસ છે.’ - દલાઈ લામા

Whatsapp-channel Whatsapp-channel

18 December, 2022 12:02 PM IST | Mumbai | Raj Goswami

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK