પોલીસો માને છે ચાર રસ્તા કે બીઝી રહેતાં સ્થળો પર બેસતા ફેરિયાઓ પડી રહેલી કારની માહિતી ચોરને આપે છે.
બિન્દાસ બોલ
પ્રતીકાત્મક તસવીર
વાહનોની ચોરી આપણે ત્યાં સામાન્ય બાબત બનતી જાય છે. વાહનચોરોની નજર જૂના વાહનના બદલે નવા વાહન પર વધુ હોય છે. વાહનચોરો માટે નવાં વાહનો વેચવા બહુ આસાન હોય છે. કહેવાય છે કે દિલ્હીમાં દર ૧૪ મિનિટે એક વાહન ચોરાય છે. ૨૦૨૨ની જગ્યાએ ૨૦૨૩માં વાહનચોરીની ઘટનામાં અઢી ગણો વધારો થયો છે. પહેલા લોકો બહારગામ જતા ત્યારે નજીકમાં રહેતા પાડોશીઓને કહીને જતા કે મારા ઘરનું ધ્યાન રાખજો, પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. લોકો ઘર અને ગાડી બન્નેનું ધ્યાન રાખવાનું કહીને જાય છે.
જો તમે ગાડી પાર્કિંગ સિવાયનાં અન્ય સ્થળો પર મૂકી હોય તો ત્યાં ફાંફાં મારતા કારચોરો ગમે ત્યારે એના પર ત્રાટકી શકે છે. પોલીસો માને છે ચાર રસ્તા કે બીઝી રહેતાં સ્થળો પર બેસતા ફેરિયાઓ પડી રહેલી કારની માહિતી ચોરને આપે છે. કારચોરો બહુ ઓછા સમયમાં એની કળા કરીને કારને ઉઠાવી લે છે. જેમ ફેરિયાઓ કારચોરને રિંગ મારે છે એમ કદાચ ઘરચોરો પણ પોલીસને રિંગ મારતા હોય કે અમે આ જગ્યાએ આવવાના છીએ, તમે અહીં ફરતા નહીં. જ્યારે કાર ચોરાય છે પછી પોલીસ જો રસ લે તો જ કા૨ચોર સુધી પહોંચી શકીએ છીએ. બધા પોતાની કાર સાચવતા હોય છે, પરંતુ ઉતાવળમાં ક્યારેક નો પાર્કિંગવાળી જગ્યા પર પાર્ક કરી દે છે અને ચોરો આ મોકાનો લાભ ઉઠાવીને કાર ચોરી જાય છે. શહેરમાં ઢગલાબંધ CCTV કૅમેરા હોવા છતાં ચોરો ભાગ્યે જ પકડાય છે. આ CCTV લગાડવાનો મતલબ જ શું છે? લગાડી દીધા છે, પરંતુ એને જોવાવાળી કોઈ સિસ્ટમ બની જ નથી?
ADVERTISEMENT
કારચોરો પણ આધુનિક બની ગયા છે. ખરેખર તો વાહનચોરીના આવા નેટવર્કને પકડવાની ખૂબ જ જરૂર છે. વાહન ચોરી લીધા બાદ આવી ગાડીઓ કોણ લે છે? એ પણ પકડાવું ખૂબ જ જરૂરી છે. ચોરો બાઇક અને ટૂ-વ્હીલરને નજીકનાં ગામોમાં વેંચી મારે છે અથવા તો મહત્ત્વના પાર્ટ્સ કાઢી વાહનને ભઠ્ઠીમાં પીગાળી દે છે. દર ચાર રસ્તા પર CCTV કૅમેરા હોવા છતાં આવા કારચોરો કાર ચોરીને જતા રહે છે. પોલીસો માટે આ શરમજનક બાબત છે. પોલીસ ફરિયાદ કર્યા બાદ પણ ભાગ્યે જ કાર મળતી હોય છે. માટે હું સરકારને ખરેખર એવી અપીલ કરીશ કે જેટલો ખર્ચો CCTV કૅમેરા અને ટેક્નૉલૉજી ખરીદવા પાછળ કરવામાં આવે છે એની સામે એ જ ટેક્નૉલૉજીનો ઉપયોગ સરખી રીતે થાય અને એનો લાભ ચોર-લૂંટારાથી બચવા માટે થાય ત્યારે જ આ ટેક્નૉલૉજીનો ખર્ચો સફળ થાય અન્યથા હું તો કહીશ કે તો પછી CCTV કૅમેરા બેસાડવાની જરૂર જ નથી.
શબ્દાંકનઃ ભાવિની લોડાયા