Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ‘પ્યાસા’નું કયું ગીત સચિન દેવ બર્મનને બદલે રાહુલ દેવ બર્મને સ્વરબદ્ધ કર્યું?

‘પ્યાસા’નું કયું ગીત સચિન દેવ બર્મનને બદલે રાહુલ દેવ બર્મને સ્વરબદ્ધ કર્યું?

Published : 23 March, 2024 02:00 PM | IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

સચિનદા સાથે આ પહેલાં ગુરુ દત્ત ‘બાઝી’ અને ‘જાલ’માં કામ કરી ચૂક્યા હતા એટલે તેમને લાગ્યું કે આ ફિલ્મને સચિનદા યોગ્ય ન્યાય આપી શકશે

હમ કિસીસે કમ નહીંઃ યુવાન પુત્ર પંચમ પિતા સચિન દેવ બર્મન સાથે

વો જબ યાદ આએ - ગુરુ દત્ત સ્પેશ્યલ

હમ કિસીસે કમ નહીંઃ યુવાન પુત્ર પંચમ પિતા સચિન દેવ બર્મન સાથે


‘પ્યાસા’ના નિર્માણ સમયે પડદા પાછળની અનેક ઘટનાઓ ઓછી જાણીતી હોવા છતાં એટલી જ રસપ્રદ છે. આ ફિલ્મ માટે તેમણે ‘આરપાર’ અને ‘મિસ્ટર ઍન્ડ મિસિસ 55’ના સફળ સંગીતકાર ઓ. પી. નૈયરને બદલે એસ. ડી. બર્મનને શા માટે પસંદ કર્યા? એનું કારણ એ હતું કે એ દિવસોમાં ઓ. પી. નૈયરની ઇમેજ ‘રિધમ કિંગ’ તરીકે સ્થાપિત થઈ ચૂકી હતી. ‘પ્યાસા’ એક ધીરગંભીર વિષય પર બનતી હતી. સાહિર લુધિયાનવીના કાવ્યસંગ્રહ ‘પરછાઇયાં’માંની અમુક રચનાઓ ફિલ્મમાં લેવાની હતી, જેને સ્વરબદ્ધ કરતી વખતે રાબેતા મુજબની ફિલ્મી પદ્ધતિ ચાલે એમ નહોતી. અમુક ગીતોમાં કેવળ નામપૂરતું સંગીત જરૂરી હતું, જે ગીતના ભાવને વિકસિત કરી શકે. સચિનદા સાથે આ પહેલાં ગુરુ દત્ત ‘બાઝી’ અને ‘જાલ’માં કામ કરી ચૂક્યા હતા એટલે તેમને લાગ્યું કે આ ફિલ્મને સચિનદા યોગ્ય ન્યાય આપી શકશે. એક બીજું કારણ એ હતું કે સાહિર લુધિયાનવી હંમેશાં એમ માનતા કે ગીતની સફળતા માટેનું પ્રથમ શ્રેય ગીતકારને મળવું જોઈએ. સામે પક્ષે ઓ. પી. નૈયરનું માનવું હતું કે પ્રથમ શ્રેય સંગીતકારને મળવું જોઈએ. ગુરુ દત્તને એ વાતનો ડર હતો કે ફિલ્મના શૂટિંગ દરમ્યાન બે વ્યક્તિઓના અહમનો ટકરાવ થાય તો કામ કરવું મુશ્કેલ બને. તેમના માટે સાહિરની કવિતાઓ ફિલ્મ માટે વધુ અગત્યની હતી એટલે સંગીતકાર તરીકે સચિનદાને પસંદ કર્યા.

શરૂઆતમાં ‘પ્યાસા’માં જૉની વૉકરની ભૂમિકા વિજયના કૉલેજ મિત્રની હતી. એ ભૂમિકામાં થોડા નેગેટિવ શેડ્સ હતા, જ્યારે જૉની વૉકર કૉમેડિયન તરીકે જાણીતા હતા. શૂટિંગ થયું ત્યારે ગુરુ દત્તને લાગ્યું કે આ ભૂમિકામાં એક હાસ્ય અભિનેતાનો પ્રેક્ષકો સ્વીકાર કરશે કે કેમ? તેમણે અબ્રાર અલવીને કહ્યું, ‘અબ્રાર, જૉનીભાઈ કાંઈ આ ભૂમિકામાં ચાલે એમ નથી. એમને બદલે આપણે બીજા કોઈને લેવો જોઈએ.’ અને આમ એ ભૂમિકા માટે શ્યામ કપૂરને લેવામાં આવ્યો.



પછી પ્રશ્ન ઉપસ્થિત થયો કે જૉની વૉકરનું શું? એક રીતે જોઈએ તો તે ગુરુ દત્તનો ‘વીક પૉઇન્ટ’ હતા. બન્ને નિકટના મિત્રો હતા. ‘આરપાર’થી ગુરુ દત્ત સાથે તેમનો જે પ્રવાસ શરૂ થયો એ ‘સી.આઇ.ડી.’ સુધી ચાલતો રહ્યો. ગુરુ દત્તને કોઈ પણ હિસાબે ફિલ્મમાં જૉની વૉકરને લેવા હતા. તેમણે અબ્રાર અલવીને કહ્યું, ‘ગમેતેમ કરીને જૉનીભાઈ માટે કોઈ સારી ભૂમિકા આપણે નિર્માણ કરવી જ જોઈએ.’


‘બધી ભૂમિકાઓ લખાઈ ગઈ છે અને વહેંચી દેવામાં આવી છે. હવે જૉનીભાઈ માટે નવું પાત્ર ક્યાંથી શોધું?’ અલવીએ પૂછ્યું.

‘એ તું જાણે. કોઈ પણ રીતે જૉનીભાઈને ફિલ્મમાં ફિટ કર. તેમના વિના મજા નહીં આવે.’ ગુરુ દત્તનો જવાબ સાંભળી અલવી વિચારમાં પડ્યા. તેમને કલકત્તાના દિવસો યાદ આવ્યા. ત્યાંની બદનામ ગલીઓમાં રાતના સમયે અનેક માલિશવાળા ફરતા હતા. એમાંનો એક માલિશવાળો બનાવીને સત્તારભાઈની ભૂમિકા જૉની વૉકર માટે ઊભી કરી અને આમ ગુરુ દત્તની ઇચ્છા પૂરી થઈ.


ફિલ્મની પૂરી વાર્તા તૈયાર થઈ ગયા પછી અને અડધાથી વધારે ફિલ્મનું શૂટિંગ થયા બાદ આ પાત્ર લખવામાં આવ્યું હોવાથી આ ભૂમિકા એક રીતે ઉપરછલ્લી હતી પરંતુ એને ફિલ્મમાં અલવીએ એટલી સરસ રીતે ગૂંથી લીધી હતી કે એ નાની ભૂમિકા હોવા છતાં બીજાં પાત્રોની સાથે અગત્યની ભૂમિકા બની ગઈ એટલું જ નહીં, જૉની વૉકર પર ફિલ્માંકન થયેલું ‘સર જો તેરા ચકરાએ, યા દિલ ડૂબા જાએ, આ જા પ્યારે પાસ હમારે, કાહે ગભરાએ’ અત્યંત લોકપ્રિય થયું.

એક આડવાત. આ ગીતને સ્વરબદ્ધ કરવા માટે સચિનદાએ ચોખ્ખી ના પાડી દીધી. તેમની દલીલ હતી કે આટલા ગંભીર વિષયની ફિલ્મમાં આવું ‘સસ્તું’ ગીત મૂકવાની કોઈ જરૂર નથી. ગુરુ દત્ત અને સહાયકોની વાતમાં દમ હતો કે એક માલિશવાળો આવી રીતે અને આવું જ ગીત ગાય. આ તરફ સચિનદા પોતાની વાત પર મક્કમ હતા.

એ દિવસોમાં યુવાન રાહુલ દેવ બર્મન સચિનદા સાથે કામ કરતા હતા. તેમણે ગુરુ દત્તને કહ્યું, તમે ચિંતા ન કરો. હું આ ગીતની ધૂન બનાવીશ. (૧૯૫૬માં ફિલ્મ ‘ફન્ટુશ’ માટે તેમણે સ્વરબદ્ધ કરેલું ‘કલી કે રૂપ મેં ચલી હો ધૂપ મેં કહાં’ અત્યંત લોકપ્રિય થયું હતું, જેનું શ્રેય સંગીતકાર સચિનદાને મળ્યું) તેમની ધૂન સૌને એટલી ગમી કે એને રેકૉર્ડ કરવાનું નક્કી થયું. આ સાંભળી સચિનદાએ ધમકી આપી, ‘જો આ ગીત ફિલ્મમાં લેવાશે તો સંગીતકાર તરીકે મારું નામ ન આવવું જોઈએ. આવા ફાલતુ ગીતને ઑડિયન્સ કદી પસંદ નહીં કરે. આવા વાહિયાત ગીત સાથે મારું નામ જોડાય એમ હું નથી ઇચ્છતો.’ વાત આટલી આગળ વધી ગઈ એટલે ગુરુ દત્તે વચલો રસ્તો કાઢ્યો. તેમણે સચિનદાને ઠંડા પાડતાં કહ્યું, ‘ફિલ્મને રિલીઝ થવા દો. એક અઠવાડિયા પછી ઑડિયન્સનો રિસ્પૉન્સ નેગેટિવ આવશે તો આપણે ગીતને કાપી નાખીશું.’

બન્યું એવું કે ભારેખમ વિષયવાળી ‘પ્યાસા’ શરૂઆતમાં લોકોને પસંદ નહોતી આવી. હા, કેવળ આ ગીત આવતું ત્યારે એના પર લોકો સીટી મારતા અને તાળીઓ પાડતા. આમ આ ગીતને કારણે ફિલ્મને પબ્લિસિટી મળી અને ત્યાર બાદ બીજાં ગીતો લોકપ્રિય થયાં અને ફિલ્મને ગતિ મળી.

‘સર જો તેરા ચકરાએ’ ઉપરાંત ‘હમ આપકી આંખોં મેં ઇસ દિલ કો બસા દે તો’ અને બીજાં ગીતો ફિલ્મ માટે ખાસ લખવામાં આવ્યાં હતાં. હીરો વિજય કવિ હોવાને કારણે ગીતોને સ્વરબદ્ધ કરતી વખતે સચિનદાએ એ વાતનો ખાસ ખ્યાલ રાખ્યો કે ફિલ્મના સંગીતને એક કાવ્યાત્મક ઊંચાઈ આપવી પડશે. એટલા માટે અમુક ગીતોમાં તેમણે નામમાત્ર સંગીત આપ્યું છે. એક વાત જાણવા જેવી છે. ‘તંગ આ ચૂકે હૈં કશમકશે ઝિંદગી સે હમ’ (મોહમ્મદ રફી) એ કવિતાનું પઠન મુશાયરામાં સંગીતના સાથ વિના થાય છે. સાહિરની આ જ રચના થોડા સમય બાદ ફિલ્મ ‘લાઇટહાઉસ’માં સંગીતકાર એન. દત્તાએ આશા ભોસલેના સ્વરમાં રેકૉર્ડ કરી હતી. 

‘પ્યાસા’માં મીનાની ભૂમિકા માલા સિંહાએ સાકાર કરી. આ પહેલાં તેણે ‘બાદશાહ’, ‘હૅમલેટ’, ‘એકાદશી’, ‘રંગીન રાતેં’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ ફિલ્મોને ખાસ સફળતા નહોતી મળી એટલે અભિનયક્ષમતા હોવા છતાં તેની ગણના સફળ અભિનેત્રીઓમાં નહોતી થતી. વર્ષો પહેલાં દુર્ગાપૂજામાં એક નાટકમાં ગુરુ દત્તે માલા સિંહાને પહેલી વાર જોઈ ત્યારે જ તેમણે નક્કી કર્યું હતું કે ભવિષ્યમાં મારી ફિલ્મમાં તેને રોલ આપીશ. ‘પ્યાસા’માં મીનાની ભૂમિકા મળ્યા બાદ એની સફળતાને કારણે માલા સિંહ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ જમાવી શકી.

ગુરુ દત્તની આવી જ એક દૂરંદેશીનું પ્રમાણ એટલે મીનાના પતિ ઘોષબાબુ માટે અભિનેતા રહમાનની પસંદગી. ગુરુ દત્ત અને રહમાન પ્રભાત ફિલ્મ્સમાં સાથે હતા. એ દિવસોમાં રહમાન ફિલ્મોમાં હીરો તરીકે કામ કરતા અને ગુરુ દત્ત નવા નિશાળિયા ડાન્સ-ડિરેક્ટર અને અસિસ્ટન્ટ ડિરેક્ટર હતા. બન્ને વચ્ચે સારી મૈત્રી થઈ. સમય જતાં રહમાનને હીરોના રોલ મળતા બંધ થયા અને ડિરેક્ટર અને અભિનેતા તરીકે ગુરુ દત્તની ચડતી થવા લાગી. વર્ષો બાદ એક પાર્ટીમાં બન્નેની મુલાકાત થઈ અને પ્રભાતની જૂની મૈત્રીના નવા અંકુર ફૂટ્યા. એક જૂનો મિત્ર આજે ફિલ્મોની દુનિયામાં કંઈ જ નથી એ જોઈને ગુરુ દત્ત વ્યથિત  થઈ ગયા.

એ દિવસોમાં ‘પ્યાસા’ની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. ગુરુ દત્તે પાર્ટીમાં સાથે આવેલા અબ્રાર અલવીને કહ્યું, ‘આપણી ફિલ્મમાં મીનાના પતિ મિસ્ટર ઘોષનો જે રોલ છેને એ કાલે રહમાનને સંભળાવજે.’ બીજા દિવસે રહમાન આવ્યો. જોકે તેનું વર્તન એક હીરો જેવું જ હતું.  રોલ સાંભળીને તેને થયું કે આમાં ખાસ દમ નથી. આવી ગૌણ ભૂમિકામાં કામ કરવામાં તેની ઇમેજને નુકસાન થાય એમ છે. સાથે હાથમાં કામ નહોતું એ પણ હકીકત હતી. રોલ સ્વીકારવામાં તેને સંકોચ થતો હતો, પણ ગુરુ દત્તે તેને ભૂમિકાનું મહત્ત્વ સમજાવ્યું. અંતે રહમાને હા પાડી. ‘પ્યાસા’માં ઘોષબાબુની ભૂમિકાએ ચરિત્ર અભિનેતા તરીકે રહમાનની કારકિર્દીને એક જુદી જ દિશા આપી. આ પહેલાં તે એક હીરો હતો, પરંતુ તેની લોકપ્રિયતા ઘટી ગઈ હતી અને તે બિલકુલ વિસરાઈ ગયો હતો. ‘પ્યાસા’એ તેને અંધારામાંથી બહાર કાઢીને એક નવો પ્રકાશ આપ્યો. ત્યાર બાદ રહમાનની એક ચરિત્ર અભિનેતા તરીકેની બીજી ઇનિંગ્સ શરૂ થઈ, જે વર્ષો સુધી સફળતાપૂર્વક ચાલી.

ફિલ્મના હીરો તરીકે ગુરુ દત્ત અસમંજસમાં હતા. આદતવશ તે નક્કી નહોતા કરી શકતા કે વિજયના રોલ માટે કયા કલાકારને પસંદ કરવા. અંતે તેમણે નક્કી કર્યું કે આ પાત્ર પોતે જ ભજવશે. ફિલ્મનાં થોડાં દૃશ્યોનું શૂટિંગ થયા બાદ એની ટ્રાયલ જોઈ તેમને લાગ્યું કે પોતે આ ભૂમિકા કરે તો છે, પણ વાત બનતી નથી. એટલે તેમણે નક્કી કર્યું કે હીરો તરીકે બીજા કલાકારને પસંદ કરવો પડશે.

એ માટે તેમણે ઇન્ડસ્ટ્રીના એક દિગ્ગજ કલાકારનો સંપર્ક કર્યો. એ કલાકાર કોણ હતા જેણે પહેલાં હા પાડ્યા બાદ છેલ્લી ઘડીએ વિચાર બદલી નાખ્યો, જેના કારણે નાછૂટકે ગુરુ દત્તે જ હીરોનો રોલ કરવો પડ્યો એ વાત આવતા શનિવારે.

Whatsapp-channel Whatsapp-channel

23 March, 2024 02:00 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK