ઘડિયાળના અભાવે સમયને પ્રકૃતિ પાસેથી માપી લેતા. ફળિયામાં ઊગેલા કરેણના ઝાડનો પડછાયો ક્યાં સુધી પહોંચ્યો, સૂર્યનો તડકો ખોરડા ઉપરથી ઊતરીને ઓસરીમાં ક્યાં સુધી આવ્યો એ સમયનું માપ હતું
પ્રતીકાત્મક તસવીર
સમયને માપી શકાય ખરો? કાળ વિશે એવું કહેવાય છે કે એ અનંત અને અનાદિ છે. ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં પૂરો થાય છે એ આપણી ગણતરી છે. સાડાસાત થયા કે સવાબાર થાય એ આપણી સગવડનું માપ છે. સમયને પોતાને કોઈ માપ નથી.
લોલકવાળું ઘડિયાળ આ શબ્દ નવી પેઢીમાંથી બહુ ઓછાએ સાંભળ્યો હશે. લોલક શબ્દ કદાચ કેટલાકને નહીં સમજાય. દીવાલ ઉપર ઘડિયાળ નીચે લોલક આમતેમ ફરતું હોય છે. આ ફરતા લોલકને ત્યારે સમય કહેતા. સમય ખરેખર ઘડિયાળના કાંટા વચ્ચે ફરતા કાંટા મારફત જાણી શકાતો. પણ ખરેખર બનતું એવું કે લોલકની હરફરને આધારે સમય વિશે અંદાજ કઢાતો.
ADVERTISEMENT
સમય એટલે શું?
થોડા દસકા પહેલાં આપણી પાસે ઘડિયાળો નહોતાં. ઘડિયાળના અભાવે સમયને પ્રકૃતિ પાસેથી માપી લેતા. ફળિયામાં ઊગેલા કરેણના ઝાડનો પડછાયો ક્યાં સુધી પહોંચ્યો, સૂર્યનો તડકો ખોરડા ઉપરથી ઊતરીને ઓસરીમાં ક્યાં સુધી આવ્યો એ સમયનું માપ હતું. સવારે અને સાંજે નજીકના ઍરપોર્ટ પરથી હવાઈ જહાજ પસાર થતું એનો અવાજ સમયનું માપ હતું. ‘વિમાન ગયું’ અથવા ‘તડકો નીચે ઊતરી ગયો’ એના આધારે સવાર-બપોર-સાંજ નક્કી થઈ જતાં. આ સવાર-બપોર-સાંજમાં ઋતુ પણ ભળતી. ઋતુચક્ર અને આ માપમાં આગળ-પાછળ ભેળવી દેવામાં આવતું અને આમ સમય નિશ્ચિત થઈ જતો.
લોલકવાળું ઘડિયાળ હવે નજરે પડતું નથી. અથવા બહુ ઓછું નજરે પડે છે. બાળકો લોલક સામે ટગર-ટગર જોયા કરે. દીવાલ પર કાંટા જોવા કરતાં લોલક વધારે રસપ્રદ લાગે. કાંટા ફરતા દેખાય અને ન પણ દેખાય. કાંટાની ગતિને માપવા માટે થોડુંક થોભવું પડે, પણ લોલકની ગતિ આપોઆપ એ જ ક્ષણે મપાઈ જાય. દીવાલ ઉપર લટકતી ઘડિયાળ નીચે ક્યારેક એક નાનકડી પટ્ટી ચીટકાડવામાં આવતી. આમાં લખ્યું હોય- ‘ચાવી દર બુધવારે દેવી.’ અને પછી બુધવારે પહેલું કામ ઘરના વડીલ આ ઘડિયાળને ચાવીનો પ્રાણવાયુ પૂરો પાડવાનું કરતા.
ઘડિયાળ ક્યાંથી ક્યાં સુધી?
આજે લોલકવાળું ઘડિયાળ હવે કદાચ ઍન્ટિક પીસ બની ગયું છે. એને ઍન્ટિક પીસ ન કહીએ તો પણ એને એક વિશેષ દરજ્જો તો મળી જ ગયો છે. આ છેડેથી પેલે છેડે એકધારા ગતિમાન રહેતા લોલક સામે ક્યારેય પાંચ-દસ મિનિટ તાકીને જોયું છે? આ મિનિટને માપવા માટે પણ જરૂર તો લોલકની જ પડવાની.
એક જમાનામાં કાંડા ઘડિયાળ માત્ર ફૅશન જ નહીં, વૈભવ પણ ગણાતું. ૧૯૪૬માં દસેક વરસની ઉંમરે પિતાજીએ પહેલી જ વાર મને કાંડા ઘડિયાળ અપાવેલી. આ કાંડા ઘડિયાળ સાથે ચેતવણી પણ આપવામાં આવેલી કે ઘડિયાળ કાંડે બાંધીને જ્યાં-ત્યાં નહીં ફરવાનું. એનો કાચ ફૂટી જાય-મશીન બગડી જાય- કાંડેથી સરકી જાય અને ખબર પણ ન પડે. આવી બધી પૂર્વશરતો સાથે ઘડિયાળને કબાટમાં મૂકી દેવામાં આવ્યું. ક્યારેક જોવાનું મન થાય તો વડીલોની હાજરીમાં કાંડે બાંધીને જોઈ લેવાનું. આ જોવા સાથે મુશ્કેલી એ હતી કે આ કાંડા ઘડિયાળને રોજ ચાવી પણ દેવાની હોય. આ ચાવી દેવાનું વસમોટું કામ આપણને તો આવડે નહીં, વડીલ ચાવી દે પણ ક્યારેક ચાવી ભુલાઈ જાય તો સમય થંભી જાય. આ થંભેલા સમયને પુનર્જીવિત કરવા માટે ખાસ પ્રક્રિયા કરવી પડે. આડોશ-પાડોશમાં ક્યાંય ઘડિયાળ હોય તો તેની પાસેથી ખાતરીબંધ સમય ઉછીનો લેવો પડે અને પછી આ ઉછીના સમયને સંભાળીને આપણી ઘડિયાળના કાંટા વચ્ચે ગોઠવી દેવો પડે.
૧૯૪૬માં ખરીદાયેલું આ ઘડિયાળ ૧૯૭૬ સુધી સુરક્ષિત ચાલ્યું હતું. પછી કાંડે બાંધવાની છુટ્ટી મળી ગઈ હતી. કાંડે બંધાયેલું આ ઘડિયાળ ઘડી-ઘડી જોવાની ભારે મજા આવતી. ૧૦ મિનિટ પહેલાં ઘડિયાળમાં જોયું હોય તોય ફરી વાર નજર ત્યાં જ પહોંચી જાય. પાંચ-દસ મિનિટ માટે આગળ-પાછળ ગયા એનું પણ મનોમન માપ લેવાતું. આમ માપનો પણ ભારે સંતોષ હતો. ૧૯૭૬માં રેલવેના ડબ્બામાં પાસે બેઠેલા સહપ્રવાસી મિત્રે ઉત્સાહમાં પોતાનો મજબૂત હાથ ઉછાળ્યો અને આ ઉછાળાએ મારી ૩૦ વર્ષ જૂની મૈત્રીને કાંડેથી છૂટી પાડી દીધી. ઘડિયાળ તૂટી ગયું. આ વિદેશી ઘડિયાળનો તૂટેલો ભાગ પછી તો ક્યાંય મળ્યો નહીં એટલે એક ડબ્બામાં પૂરીને આજેય સાચવીને રાખ્યું છે. એને કાઢી નાખવું ગમતું નથી. એની ઉપર વહાલ થઈ ગયું છે.
સમયને જેણે પહેલી વાર માપ્યો હશે એ આપણા લાખ પ્રણામના અધિકારી છે. અનાદિ અને અનંતને પણ એક જ ક્ષણ આપણી સામે સ્થિત કરી દેવાનો યશ તેમને આપવો જોઈએ. સમય ગઈ કાલ નથી, આજ નથી અને આવતી કાલ પણ નથી. સમય તો માત્ર છે, છે અને છે જ! આ સમયના ‘છે’ને જે સમજી જાય છે એને ઘડિયાળની જરૂર નથી પડતી. ઘડિયાળ તો તેમને માટે એક સાધન છે કે જે યાદ કરાવે છે - ‘ભૂલતો નહીં, હું અહીં છું અને અહીં જ છું.’
સમયનું બંધન પ્રાકૃતિક કે અપ્રાકૃતિક?
સમયને માપ્યા વિના તો ચાલે જ નહીં. સમયને જો માપી ન શકીએ તો સમય આપણને માપી લે. જાત જોડે સંવાદ કરીને સહજ મનોમન ઊંડા ઊતરીએ ત્યારે ખબર પડે કે આપણે સમયના હાથે કેવા બંધાઈ ગયા છે. સમયનું આ બંધન પ્રાકૃતિક છે કે અપ્રાકૃતિક એવો સવાલ પણ મનમાં થાય. કાંડા ઘડિયાળ હવે જુનવાણી થઈ ગયા છે. મુઠ્ઠીમાં પકડેલા મોબાઇલમાં સમય કેદ થઈ ગયો છે. હવે મોબાઇલને અગાઉથી કહી દેવામાં આવે છે કે અમુક દિવસે, અમુક સમયે, અમુક વાતની મને યાદ અપાવજે. પછી સમય જોવો નથી પડતો. આજ્ઞાંકિત મોબાઇલ બરાબર સમયસર પોકારી ઊઠે છે- ટ્રિન-ટ્રિન, ટ્રિન-ટ્રિન!
(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકના છે, ન્યુઝપેપરના નહીં)

