Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હોમવર્કનો આટલો હાઉ કેમ?

હોમવર્કનો આટલો હાઉ કેમ?

14 October, 2022 01:10 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

એક વિદેશી શિક્ષિકાએ હોમવર્ક કરાવવાની આ રીતને ખોટી કહી છે ત્યારે સવાલ એ કે હોમવર્ક કરાવવાનો સાચો સમય કયો? હોમવર્કનો જે હાઉ ઊભો થયો છે એ વિશે ચર્ચા કરીએ

પ્રતીકાત્મક તસવીર સ્પેશ્યલ સ્ટોરી

પ્રતીકાત્મક તસવીર


સંતાનોને હોમવર્ક કરાવવામાં મમ્મીઓનો દમ નીકળી જાય છે. આ પરિસ્થિતિ માત્ર ભારતમાં નહીં, આખા વિશ્વમાં જોવા મળે છે. આજના સ્પર્ધાત્મક વાતાવરણમાં સંતાનને રિમાર્ક ન મળે એવા આગ્રહના લીધે મમ્મીઓ સ્કૂલમાંથી આવતાંવેંત તેમને હોમવર્ક કરવા બેસાડી દે છે. એક વિદેશી શિક્ષિકાએ હોમવર્ક કરાવવાની આ રીતને ખોટી કહી છે ત્યારે સવાલ એ કે હોમવર્ક કરાવવાનો સાચો સમય કયો? હોમવર્કનો જે હાઉ ઊભો થયો છે એ વિશે ચર્ચા કરીએ

મહારાષ્ટ્ર સરકાર ચોથા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે હોમવર્ક સિસ્ટમ બંધ કરવાનું વિચારી રહી હતી. જોકે હવે આ વાત ખોરંભે ચડી ગઈ છે. હોમવર્ક પૂરું કરવાના પ્રેશરમાં બાળકોને રમવાનો સમય નથી મળતો એવી દલીલ હંમેશાં થતી આવી છે. ઘણા લોકોનું માનવું છે કે વિદેશની એજ્યુકેશન સિસ્ટમમાંથી આપણે શીખવું જોઈએ. જોકે ભારત હોય કે વિદેશ, હોમવર્કનું બર્ડન નવી વાત નથી. પેરન્ટિંગ એજ્યુકેટર, લેખિકા અને ભૂતપૂર્વ સ્કૂલટીચર લૉરા લીન નાઇટે સોશ્યલ મીડિયાના માધ્યમથી મમ્મીઓને સલાહ આપી છે કે બાળક સ્કૂલમાંથી આવે કે તરત તેને હોમવર્ક કરવા ન બેસાડો. પોતાનો અનુભવ શૅર કરતાં લૉરા કહે છે, ‘મને લાગતું હતું કે શિક્ષક હોવાના નાતે મારાં બાળકોના હોમવર્કને સરળતાથી મૅનેજ કરી લઈશ, પરંતુ મમ્મી બન્યા બાદ સમજાયું કે શિક્ષક અને વાલીનો રોલ જુદો છે. સંતાનોને હોમવર્ક કરાવવા મમ્મીઓને ઘણો સંઘર્ષ કરવો પડે છે. સ્કૂલમાંથી આવ્યા પછી બાળકોનાં બ્રેઇન અને બૉડીને રિલૅક્સેશનની જરૂર હોય છે એવું સમજાતાં વ્યવસ્થિત યોજના બનાવી. ઘરે આવી, નાસ્તો કરી ફ્રેન્ડ્સ સાથે રમવાનું. ત્યાર બાદ હોમવર્ક કરી ડિનર લઈને સૂઈ જવાનું. ટાઇમટેબલ બનાવ્યા બાદ રૂટીન સેટ થયું.’  આ વિષય પર શિક્ષકો અને મમ્મીઓ સાથે ચર્ચા કરીએ. પાછળ પડવું પડે


જિનલ ગાલા દીકરી પીહુ સાથે.


પ્રાઇમરીમાં ભણતા સ્ટુડન્ટ્સ માટે હોમવર્ક સિસ્ટમ બંધ થઈ શકે છે એવા સમાચાર વિશે જાણકારી નથી, પરંતુ હાલમાં તો મમ્મીઓ માટે ટાસ્ક છે. ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી ઘાટકોપરની પીહુ ગાલાનાં મમ્મી જિનલ કહે છે, ‘આ ગ્રેડમાં ભણતા સ્ટુડન્ટ્સને વધુ હોમવર્ક આપવામાં નથી આવતું એમ છતાં બાળકો સ્કૂલમાંથી હજી આવ્યાં હોય ત્યાં મમ્મીઓના વૉટ્સઍપ ગ્રુપમાં હોમવર્કની ચર્ચા શરૂ થઈ જાય. આજે કૉમ્પિટિશનનો જમાનો છે. નાનાં બાળકો ઘણી વાર પૂરું લખીને નથી આવતાં તેથી સ્કૂલમાં શું કરાવ્યું ને આવતી કાલે શું સબમિટ કરવાનું છે એની મમ્મીને જાણકારી હોવી જોઈએ. પીહુ બે વાગ્યે ઘરે આવે અને જમીને ટીવી જોવા બેસી જાય. પાંચ વાગ્યે તેનું ટ્યુશન હોય. ત્યાંથી આવીને રમવા જાય. સાંજના રમીને થાકી ગયા બાદ એનર્જી ખતમ થઈ જતાં સ્કૂલમાંથી આવ્યા પછી થોડી વારમાં જ હોમવર્ક માટે પાછળ પડવું પડે. અગાઉ તેને પાસે બેસાડીને હું હોમવર્ક કરાવતી હતી પણ સેકન્ડ ચાઇલ્ડ આઠ મહિનાનું હોવાથી અત્યારે સમય નથી મળતો. વાસ્તવમાં હોમવર્કના બર્ડનને કારણે ટ્યુશનમાં મોકલવી પડે છે. જેમ-જેમ ઉપરના ગ્રેડમાં જશે સ્ટડીનું પ્રેશર વધવાનું છે. સંતાન સમયસર પોતાની જાતે હોમવર્ક કરવા બેસી જાય એવો પ્રયાસ બધી મમ્મીઓએ કરવો પડે છે.’

લખવાની પ્રૅક્ટિસ જરૂરી

આરતી ભટ્ટ દીકરી શ્રિયા સાથે.

કવિ તુષાર શુક્લએ ખૂબ સરસ કહ્યું છે કે ઘરે આવીને બાળકોએ જે ગૃહકાર્ય કરવાનું છે એ જુદું છે. હું કોઈ દિવસ હોમવર્ક કરીને નથી ગયો. જોકે વર્તમાન વાતાવરણમાં એ પ્રૅક્ટિકલી શક્ય નથી. સાતમા ધોરણમાં અભ્યાસ કરતી ઘાટકોપરની શ્રિયા ભટ્ટનાં મમ્મી આરતી કહે છે, ‘સંતાનને હોમવર્ક કરાવવું મમ્મીઓ માટે ખરેખર ચૅલેન્જિંગ છે. બહુ નાનાં હોય ત્યારે પાછળ પણ પડવું પડે. હાઈ સ્કૂલમાં આવ્યા બાદ તેઓ સમજીને જાતે કરી લેતાં હોય એમ છતાં ક્યારેક કહેવું પડે, કારણ કે સંતાનનું પોતાનું શેડ્યુલ ખૂબ જ હેક્ટિક હોય છે. શ્રિયા સ્કૂલમાંથી બે વાગ્યાની આસપાસ ઘરે આવે. જમીને ફ્રેશ થાય ત્યાં ટ્યુશનનો ટાઇમ થઈ જાય. ત્યાંથી આવીને થોડી વાર ટાઇમપાસ કરીને હોમવર્ક કરવા બેસી જાય. અઠવાડિયામાં બે દિવસ તેના ભારતનાટ્યમના ક્લાસ પણ હોય. સવારે સાડાસાતની ગઈ હોય તે રાતે છેક આઠ વાગ્યે ઘરે આવે. ઝોકાં ખાતાં-ખાતાં હોમવર્ક પૂરું કરે એવું ઘણી વાર થયું છે. હોમવર્ક માટે ટાઇમ ફિક્સ કરવો પૉસિબલ નથી હોતું. વાસ્તવમાં બે વર્ષ ઑનલાઇન સ્ટડીના કારણે મોટા ભાગના વિદ્યાર્થીઓની લખવાની સ્પીડ ધીમી થઈ જતાં હોમવર્ક કરવામાં સમય વધુ લાગે છે. જોકે સ્કૂલમાં જે ભણ્યા હોય તેને ફરીથી સમજવા, લખવાની સ્પીડ વધારવા તેમ જ સ્કિલ એન્હૅન્સ થાય એ માટે ડ્રૉઇંગ અને ક્રાફ્ટ સહિત દરેક વિષયનું હોમવર્ક આપવું જોઈએ.’

મમ્મીઓ શું કામ પાછળ પડે છે?

બાળક ઘરે પહોંચે કે હાથ-પગ ધોઈને, જમીને સીધા હોમવર્ક કરવા બેસાડી દેવાં જરૂરી નથી એવી જ રીતે આ કાર્ય મમ્મીએ પોતાના માથે લેવાની જરાય જરૂર નથી એવી સલાહ આપતાં બોરીવલી (ઈસ્ટ)ની જી. એચ. હાઈ સ્કૂલ ઍન્ડ જુનિયર કૉલેજનાં પ્રિન્સિપાલ ચેતના હેમંત ઓઝા કહે છે, ‘મોટા ભાગના વાલીઓ હોમવર્કનો અર્થ સમજતા નથી. મમ્મીઓએ પાછળ શું કામ પડવું છે? તમે ક્યારેક સપોર્ટ નહીં કરી શકો તો પાંગળું બની જશે અને તમારી મહેનત પર પાણી ફરી વળશે. ભણતરનો ઉદ્દેશ પણ નહીં રહે. અભ્યાસક્રમના નિયમો અને ઉદ્દેશ વિદ્યાર્થીઓ માટે છે, મમ્મી માટે નથી બનાવવામાં આવ્યા. શિક્ષકે વર્ગમાં જે માર્ગદર્શન આપ્યું એને તમારું સંતાન ઘરે આવીને સમજવાની કોશિશ કરે એ અગત્યનું છે. તેનામાં પોતાનું કાર્ય પૂર્ણ કરવાની જવાબદારીનો ગુણ વિકસે એવા હેતુથી સિસ્ટમ બનાવવામાં આવી છે. આ કાર્ય તેમને જાતે કરવા દો. નહીં આવડે તો બીજા દિવસે સ્કૂલમાં આવીને શિક્ષકને પૂછશે. રાજકારણીઓ ભાષણ આપતાં પહેલાં હોમવર્ક કરે છે. કૉર્પોરેટ મીટિંગ અટેન્ડ કરતાં પહેલાં કર્મચારીઓ હોમવર્ક કરે છે. કોઈ પણ ક્ષેત્રમાં ટાસ્ક પૂરો કરવા હોમવર્ક અનિવાર્ય છે એમ વિદ્યાર્થીઓ માટે પણ આ પ્રક્રિયા ફરજિયાત હોવી જોઈએ. જોકે શિક્ષકોએ પણ સમજવાનું છે. ગણિતમાં ત્રીસ દાખલા હોય એમાંથી બે સ્કૂલમાં કરાવવા અને અઠ્ઠાવીસ દાખલા હોમવર્કમાં આપી દે એવું ન થવું જોઈએ. અમારી સ્કૂલમાં દરેક ધોરણના વિદ્યાર્થીઓ દોઢ કલાકમાં પોતાનું હોમવર્ક પૂરું કરી શકે એવી રીતે આયોજન કરવામાં આવ્યું છે.’

ટ્યુશનના ટાઇમે હોમવર્ક

આજકાલ બધી મમ્મીઓ વર્કિંગ હોય છે. સંતાનોને આઇસીએસસી બોર્ડમાં ભણાવવાનો ટ્રેન્ડ પણ પૉપ્યુલર છે. એવામાં વિદ્યાર્થીઓને હોમવર્ક કરાવવાનો ભાર ટ્યુશન-ટીચરના માથા પર આવી ગયો છે એવી વાત કરતાં કાંદિવલીનાં ટ્યુટર જસ્મિના શાહ કહે છે, ‘આઇસીએસઈ બોર્ડની સ્કૂલોનો ટાઇમ વિચિત્ર છે. મોટા ભાગના સ્ટુડન્ટ્સ સાડાત્રણથી સાડાછની વચ્ચે ઘરે આવે છે. ફ્રેશ થઈને તરત તેઓ ટ્યુશન-ટીચરના ઘરે પહોંચી જાય છે. અગાઉ મમ્મીઓ હોમવર્ક કરાવતી તેથી ટ્યુશનમાં વિદ્યાર્થીઓને પાઠ્યક્રમ ભણાવતા. મમ્મી જ ઘરે ન હોય તેથી આ કામ હવે અમે કરીએ છીએ. એક-દોઢ કલાકની જગ્યાએ ટ્યુશનનો ટાઇમ અઢી કલાકનો થઈ ગયો છે. હોમવર્ક કરાવ્યા પછી ખરો અભ્યાસ અને રિવિઝન થાય. કમ્પેટિટિવ વર્લ્ડમાં સંતાન પાછળ ન રહી જાય એ માટે મમ્મીઓ તેમને બીજી ઘણીબધી પ્રવૃત્તિઓ માટે મોકલતી હોય છે. હોમવર્ક પૂરું કરવાના ચક્કરમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ કૉપી-પેસ્ટ કરતા હોય છે. સ્કૂલટીચર્સ માત્ર શુક્રવારે હોમવર્ક આપે તો વીક-એન્ડની રજામાં વિદ્યાર્થીઓ પ્રેશર વગર એને સમજીને પૂરું કરી શકે.’

Whatsapp-channel Whatsapp-channel

14 October, 2022 01:10 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK