એ હિંસાને કારણે મહિનાઓ સુધી દરિયાકિનારો પણ રક્તરંજિત રહ્યો. દરિયાની ભરતી અને ઓટ પણ એ લોહીને સાફ કરી શક્યું નહોતું
સોમનાથ મંદિર
અલાઉદ્દીન ખીલજીના સેનાપતિ ઉલુઘ ખાને સોમનાથ પર હુમલો કર્યો અને એમાં બેફામ લૂંટફાટ ચલાવી તો સાથોસાથ આજુબાજુમાં આવેલાં મંદિરો પર પણ હુમલો કરી ત્યાં પણ લૂંટફાટ ચલાવી. અગાઉ કહ્યું એમ, સોમનાથની આજુબાજુમાં આવેલાં જે મંદિરો હતાં એમાં પણ લૂંટફાટ ચલાવવામાં આવી હતી, એ મંદિરોની સમૃદ્ધિ એવી નહોતી કે આ ખીલજીના ખજાનામાં વધારો થાય, પણ મંદિરો તોડવા એ મુસ્લિમ શાસકોનો વિકૃત આનંદ હતો અને એ જ કામ ઉલુઘ ખાને કર્યું હતું.
વર્ષો સુધી ખીલજી સાથે રહેનારો ઉલુઘ ખાન પણ ખીલજી જેવો જ નિષ્ઠુર અને ક્રૂર હતો. સોમનાથ મંદિરને લૂંટતું બચાવવા માટે જેકોઈ વચ્ચે પડ્યું એ બધાને શરૂઆતમાં તો તેણે હણવાનું કામ જ કર્યું. એ પછી પણ લોકો મંદિરને બચાવવા આવતા રહ્યા એટલે થાકી-હારીને તેણે સૌને પકડી-પકડીને બંદી બનાવ્યા અને બંદીવાનોમાંથી અમુકને છેલ્લે એકસાથે સળગાવ્યા તો અમુકને જાહેરમાં ફાંસી આપી દીધી અને અમુકનો જાહેરમાં શિરચ્છેદ કર્યો. આ જે સજાની પ્રક્રિયા હતી એ પ્રક્રિયા ઑલમોસ્ટ એક મહિનો ચાલી એવું પણ ઇતિહાસકારો કહે છે.
ઉલુઘ ખાને મંદિરમાં જે લૂંટફાટ કરી એમાં તેણે સીસમના જે પિલર હતા એ પણ રહેવા નહોતા દીધા. એ પિલર પણ તે પોતાની સાથે લઈ ગયો અને પાછો જતી વખતે રસ્તામાં જ્યાં પણ રાતવાસો કરતો ત્યાં તે એ સીસમના પિલર સળગાવીને તાપણું કરતો. લૂંટાયેલા મંદિરમાંથી જે હીરા-ઝવેરાત લીધાં હતાં એનાં ૧૦૦ ગાડાં ભરાયાં હતાં તો મંદિરમાંથી મળેલા સોનાના ૮૦ ગાડાં ભરાયાં હતાં. સોમનાથ છોડતાં પહેલાં ઉલુઘ ખાને શિવલિંગને પણ નુકસાન પહોંચાડ્યું અને એ તૂટેલુંફૂટેલું શિવલિંગ પણ ગાડામાં તે પોતાની સાથે દિલ્હી લઈ ગયો હતો. જે સોમનાથ મંદિરની જાહોજલાલીની વાતો દુનિયાભરમાં થતી હતી એ મંદિર ફરી વેરાન થઈ ગયું અને મંદિરની બહારના વિસ્તારમાં રીતસર લોહીની નદીઓ વહેવા માંડી હતી. કહે છે કે મંદિર બચાવવા માટે જે લોકોની હત્યા થઈ એનું લોહી દરિયામાં ભળ્યું અને મહિનાઓ સુધી કિનારાનું પાણી રક્તરંજિત રહ્યું. ભરતી અને ઓટ પણ એ રક્તરંજિત પાણીને પૂરેપૂરું અંદર ખેંચી નહોતું શક્યું.
ઉલુઘ ખાનના એ કૃત્ય પછી ફરી મંદિર જાગતું થયું જૂનાગઢના રાજવી રા’નવઘણના રાજમાં.
ઈસવી સન ૧૩૦૮થી ૧૩૨૫ના સમયગાળામાં રા’નવઘણ (ચોથા)એ સોમનાથ મંદિરની વાતો સાંભળીને નક્કી કર્યું કે તે એ મંદિર ફરી બનાવશે, પણ એ ગાળામાં લાંબો સમય દુષ્કાળ રહેતાં તેમણે માત્ર લિંગની પ્રતિષ્ઠા કરાવી અને મંદિરમાં પૂજાપાઠ નવેસરથી શરૂ કરાવ્યાં. મહાદેવની નવેસરથી સ્થાપના થતાં કાઠિયાવાડના રાજવી મહિપાળદેવે આગેવાની લીધી અને તેમણે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ધીમે-ધીમે મંદિરમાં સમૃદ્ધિ પાછી આવવાની શરૂ થઈ, પણ એમ છતાં હજી અહીં એક તકલીફ અકબંધ હતી.
ઉલુઘ ખાન પોતાનો હાકેમ અહીં મૂકીને ગયો હતો. એ જે હાકેમ હતો એ ગીરના જંગલમાં રહેતો અને સમયાંતરે પોતાની નાની સેના લાવીને મંદિરમાં લૂંટફાટ કરતો. આશ્વાસનરૂપ કહેવાય એવી એક વાત એ હતી કે એ હાકેમને માત્ર હીરા-ઝવેરાત અને સોનામાં જ દિલચસ્પી હતી એટલે તે સોમનાથ મહાદેવની મૂર્તિને કોઈ પ્રકારની ઈજા પહોંચાડતો નહીં, પણ હા, તે જ્યારે પણ આવતો ત્યારે મહાદેવને પહેરાવેલાં આભૂષણો લઈ જતો એટલે દર વખતે એ આભૂષણ નવેસરથી કરાવવાં પડતાં. એક સમય એવો આવી ગયો હતો કે મંદિરની વ્યવસ્થા સંભાળતા લોકોએ નિર્ણય કરી લીધો કે મહાદેવને માત્ર બીલી અને બીલીપત્રનાં જ આભૂષણ પહેરાવવાં. જોકે એવું કરવામાં પણ ડર એ હતો કે લૂંટ માટે આવતા હાકેમના હાથમાં કશું ન આવે અને તે ગુસ્સામાં શિવલિંગને નુકસાન કરી બેસે. હાકેમ નુકસાન ન કરે એવા ભાવથી પણ સોમનાથ મહાદેવને આભૂષણ પહેરાવવામાં આવતાં અને હાકેમને એ બહાને ખુશ રાખવામાં આવતો. જોકે આ હાકેમથી પણ ડરવાનું લાંબો સમય બન્યું નહીં.
ઈસવી સન ૧૩૪૮માં રાજા રા’ખેંગાર (ચોથા)એ સોમનાથને હજી પણ અર્ધ-તાબામાં રાખતાં એ મુસ્લિમ હાકેમને હરાવ્યો અને પછી એનો વધ કરવાને બદલે તેને છેક આજના રાજસ્થાન સુધી મૂકી આવ્યો. આમ હાકેમના તાબામાંથી સોમનાથ આઝાદ થયું, પણ આઝાદીનો એ તબક્કો પણ લાંબો સમય ટક્યો નહીં અને સોમનાથ મહાદેવ પર ફરી હુમલો થયો. એ હુમલો કોણે કર્યો અને એમાં શું થયું એની અચરજ પમાડે એવી વાતો હવે આપણે જાણીશું આવતા રવિવારે...

