‘શોલે’ના ડબલ છાપ વાઘવાળા સિક્કાથી લઈને પ્રૂફ કૉઇન, લાખી સિક્કો કે પછી બ્રોકેજ કૉઇન કોને કહેવાય અને એ કઈ રીતે બનતા હોય છે એની રોચક વાતો
ભારતની અદભૂત સુવર્ણમુદ્રાઓ
પ્રૂફ કૉઇન - રાજા વિલિયમના સિક્કાની બીજી બાજુ. ખજૂરીનું ઝાડ અને સિંહનું આકર્ષક ચિહ્ન. પ્રૂફ કૉઇન - ઈ.સ. ૧૮૩૫નો રાજા વિલિયમનો એક મહોરનો અદ્ભુત સિક્કો.
સિક્કાઓની દુનિયા અગાધ છે. કોઈ મહાસાગર જેવી વિશાળ. દેશી-વિદેશી સિક્કાઓ નોટ્સ કોઈ અફાટ અર્ણવ જાણે. રસ-રુચિ હોય તેને માટે તો કદાચ એક જિંદગી ઓછી પડે એટલી વિશાળ અને ગહન. આખા જગતમાં કેટલા દેશો, એનો ઇતિહાસ, એનાં ચલણ, પ્રાચીન, અર્વાચીન. કેટલું જાણવું? કેટલું ભેગું કરવું? ઇતિહાસ તો ખરા જ, પરંતુ મુદ્રાઓ, સિક્કાઓ તો વળી વિશેષ કહી શકાય. દરેકને આટલા ઊંડાણમાં ઊતરવું ન પણ ગમે અને એટલે જ આ શ્રેણીમાં ખાસ સુવર્ણમુદ્રાઓ પર જ ફોકસ કર્યું અને એ પણ ફક્ત આપણા ભારત દેશની ઐતિહાસિક મુદ્રાઓ. વિષય પણ સચવાઈ જાય અને વાચકોનો રસ પણ જળવાઈ રહે. આવા વિષયોમાં જો મૉનોટોની આવી જાય તો સમય જતાં વિષય શુષ્ક, નીરસ અને કંટાળાજનક બની રહે એ નક્કી. દેશનાં અલગ-અલગ રાજ્યોની, અંગ્રેજોની સુવર્ણમુદ્રાઓ પર લખ્યું અને બને એટલું વૈવિધ્ય પીરસવાનો પ્રયત્ન કર્યો.