Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કભી કભી મંઝિલ સે ઝ‍્યાદા સફર ખૂબસૂરત હોતી હૈ...

કભી કભી મંઝિલ સે ઝ‍્યાદા સફર ખૂબસૂરત હોતી હૈ...

15 January, 2023 02:04 PM IST | Mumbai
Alpa Nirmal

યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા પહોંચવા મીઠાના સફેદ રણમાંથી પસાર થતા જે બે નવા શૉર્ટ રોડ બની રહ્યા છે એ હજી અન્ડર-કન્સ્ટ્રક્શન છે, પણ એની રીલ્સ ઇન્સ્ટા પર ધૂમ મચાવી રહી છે

કભી કભી મંઝિલ સે ઝ‍્યાદા સફર ખૂબસૂરત હોતી હૈ...

ગુજરાત નહીં દેખા

કભી કભી મંઝિલ સે ઝ‍્યાદા સફર ખૂબસૂરત હોતી હૈ...


તમને ભલે પુરાતનકાળના પાણા અને પથ્થરોમાં રસ ન હોય. છતાં જીવનમાં એક વખત કચ્છના ધોળાવીરા જજો જ, કારણ કે આપણું મૂળ અને કુળ ત્યાંનું છે. આપણે ક્યાંથી આવ્યા અને ક્યાં જઈશું એ જાણવાની બહુ પરવા ન હોય તોય ધોળાવીરા જજો, કારણ કે અહીં પહોંચવા જે બે નવા રૂટ બન્યા છે એ ઓપન થવા પહેલાં ‘રોડ ટુ હેવન’નું બિરુદ પામી ચૂક્યા છે. આજની ટ્રાવેલ-સ્ટોરી આ અદ્ભુત રોડ સહિત આપણે ત્રણ ભાગમાં ડિવાઇડ કરીશું, કારણ કે ત્રણેની ખાસિયતો અને સુંદરતા ભિન્ન-ભિન્ન છે. તો શરૂ કરીએ રોડ ટુ હેવનથી.

અ રોડ બિયોન્ડ હેવન - ઘણી વખત આપણે જ્યાં પહોંચવાનું હોય એ સ્થળ કરતાં એ સ્થળે જવાનો રસ્તો વધુ અદભુત હોય છે. ધોળાવીરા પહોંચવાના બેઉ નવા શૉર્ટકટ એવા જ છે. અત્યારે જો ગુજરાતના મહા જિલ્લા કચ્છના પાટનગર ભુજથી ધોળાવીરા જવું હોય તો ભુજથી ભચાઉ, રાપર થઈને કુલ ૨૪૦ કિલોમીટર અને ૬ કલાકની રોડ-જર્ની બાદ આ ઇન્ડસવૅલી હેરિટેજ સાઇટ પર પહોંચાય છે. જોકે હવે બૉર્ડર રોડ વિકાસ અંતર્ગત જે ગડુલી-સાંતલપુર હાઇવે બની રહ્યો છે એના એક પાર્ટરૂપે ખાવડા (જેના ખાસ માવા-મીઠાઈ વિશે આપણે પહેલાં જાણી ચૂક્યા છીએ)થી ધોળાવીરા જવા નવો માર્ગ તૈયાર થઈ રહ્યો છે. એ ૩૦ કિલોમીટર મીઠાના રણની વચ્ચેથી પસાર થાય છે અને આ રસ્તાની રીલ્સે જ અત્યારે ઇન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી છે. આઠ મહિના સમુદ્રની ભરતીના પાણીની વચ્ચેથી અને ચાર મહિના એ પાણીના મીઠામાં પરિવર્તિત થતા મીઠાના રણને ચીરતા જવાનો જે રોમાંચ છે એ અવર્ણનીય છે. આમ તો ૨૦૧૮માં આ રોડ બનાવવાનું કામ શરૂ થયું છે, પણ લૉકડાઉન સાથે વેધરની વિષમતાને કારણે રસ્તો હજી પૂર્ણપણે તૈયાર નથી થયો. જોકે સ્થાનિક લોકો પોતાના ટૂ-વ્હીલર પર આ રસ્તે આવનજાવન કરે છે એટલે કોઈક રોમાંચપ્રેમી ધુમક્કડે આ વાટ પકડી હશે અને એનો વિડિયો સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો હશે. ત્યારથી અનઑફિશ્યલી આ રસ્તો સાઇટ-સીઇંગમાં ઍડ્વેન્ચરસ રાઇડનું એક ફીચર બની ગયો છે. બાકાયદા ઓપનિંગ સેરેમની નથી થઈ છતાં એ રસ્તે જવામાં પાબંદી નથી. હા, હજી નિર્માણ હેઠળ હોવાથી એ ઉબડખાબડ છે અને જેસીબી મશીનો, રોડરોલર, ટ્રકોને કારણે ડ્રાઇવિંગ થોડું સંભાળીને કરવું પડે છે. જોકે આ તકલીફો સાવ નગણ્ય છે જ્યારે તમે એની બ્યુટી જુઓ છો અને અનુભવો છો ત્યારે.આવો જ બીજો રસ્તો બની રહ્યો છે ભચાઉથી ડાયરેક્ટ ખડીર બેટનો. ધોળાવીરાથી ખડીર બેટનું ડિસ્ટન્સ આમ તો ફક્ત નવ કિલોમીટર છે અને આપણે આ જ સ્ટોરીના થર્ડ સેગમેન્ટમાં ત્યાં જવાનું પણ છે, પરંતુ જ્યારે ખૂબસૂરત રસ્તાની વાત કરી રહ્યા છીએ ત્યારે આ માર્ગની વાત પણ કરી જ લઈએ. ખડીર બેટ ભચાઉ તાલુકાનું ગામ હોવાથી બધાં સરકારી કાર્યો માટે લોકલ લોકોએ દોઢસો કિલોમીટર દૂર ભચાઉ આવવું પડતું. આ નવો રસ્તો બનવાથી એ અંતર અડધું થઈ ગયું છે અને આ પોણોસો કિલોમીટરના ૧૮ કિલોમીટર પેલા રોડ ટુ હેવન સમાન સફેદ રણની છાતી ચીરીને જ પસાર થાય છે.


આ સેન્સેશનલ શૉર્ટ રૂટની પાછળ ખૂબ મહેનત અને પૈસા લાગ્યાં છે, કારણ કે મીઠાના કણ ધરાવતી પોચી માટી પર પર્મનન્ટ અને મજબૂત રસ્તો બનાવવો સહેલો નહોતો. મૉડર્ન ટેક્નૉલૉજી અને સ્પેશ્યલ મટીરિયલથી આ ૧૮ અને પેલી ૩૦ કિલોમીટરની સડક બની છે. વરસાદ વખતે અને પછી ક્યારેક ભેજવાળા વાતાવરણને કારણે મહિનાઓ સુધી અહીં કરેલું બાંધકામ સુકાય નહીં કે ક્યારેક વહી પણ જાય છે. ખેર, તેમનું એ હાર્ડ વર્ક રંગ લાવવાનું છે, કારણ કે ભારતની અમૂલ્ય ધરોહર સમું ધોળાવીરા હવે બે મુખ્ય શહેરોથી નજીક થવાનું છે અને ભવિષ્યમાં અહીં બનનારા સોલર વિન્ડ હાઇબ્રિડ પાવર જનરેશન પાર્કથી રોજગારી પણ વધવાની છે.

ધોળાવીરાની ધરતી પુકારે આ... રે... આ... રે... આ... રે... ૫,૦૦૦ વર્ષ પૂર્વે કોટડા તરીકે જાણીતું આ સુનિયોજિત નગર ભારતના ઇતિહાસનાં સમૃદ્ધ શહેરોમાંનું એક હતું. ઇતિહાસકારો કહે છે, ‘અત્યારે ૧૨૦ એકરમાં ફેલાયેલું ધોળાવીરા ઇજિપ્તના પિરામિડોથી પણ પ્રાચીન છે. દોઢ હજાર જેટલાં વર્ષ જીવંત રહેલું આ નગર સિંધુ ખીણપ્રદેશનો એક ભાગ હતો. દુનિયાને જ્યારે ગણિત, સિવિલ એન્જિનિયરિંગ, ટ્રિગ્નોમેટ્રી, હાઇડ્રોલૉજી, જિયોલૉજીની જાણ નહોતી ત્યારે અહીંના લોકો ચૂનાના પથ્થરોથી બનેલા કિલ્લેબંધ સિટીમાં રહેતા હતા. અહીં ચોમાસાના પાણીને ભરવાની વૉટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ શહેરની ઉત્તરે મન્સર અને દક્ષિણે વહેતી મનહર નદીના જળને અન્ડરગ્રાઉન્ડ વૉટર ટૅન્કમાં અને કૂવામાં ભરવાની સિસ્ટમ હતી. એ જ રીતે ભૂતળ ગટર સિસ્ટમ, નગરમાં વચ્ચોવચ મેદાન સાથે એક બાજુ રાજાનો આવાસ જે અન્યોથી ઊંચા સ્તરે રહેતો જેથી સંપૂર્ણ નગર પર નજર રાખી શકાય અને બીજી બાજુ વેપારીઓ, મધ્યમવર્ગીઓ અને મજૂરોની વસાહતો હતી. આજે આ બધું અવશેષોરૂપે અહીં દેખાય છે, પણ એ કાળે આ એરિયા ન્યુ યૉર્કના મૅનહટન જેવો હશે. શહેરનાં ૧૭ દ્વાર સહિત અનાજને સંગ્રહવા કોઠારની વ્યવસ્થા પણ હતી. પૃથ્વીના પેટાળમાં સતત ચાલતી હલનચલન, સમુદ્રમાં આવતી સુનામી જેવી વિનાશક હોનારતોએ આખેઆખાં શહેરોને જમીનમાં ધરબી દીધાં. એ સાથે જ ધરબાઈ ગયું અહીંનું જ્ઞાન, સમૃદ્ધ કળાવારસો, લિપિ અને માણસો. ૧૯૬૦ના દાયકામાં અહીં ખેતી કરતા ખેડૂતોને ખેતર ખેડતી વખતે આ સંસ્કૃતિના અવશેષો વારંવાર મળવા લાગ્યા એટલે સરકારે એ પથ્થરોને લૅબ ટેસ્ટિંગ માટે મોકલ્યા અને ત્યારે જાણ થઈ કે આ તો હડપ્પન સંસ્કૃતિના ટાઇમના છે. ત્યાર પછી અહીં ખોદકામ શરૂ થયું, જેમાંથી ૧૯૯૦માં આપણને ધોળાવીરાનું આખું નગર મળ્યું.’


સંકુલમાં પ્રવેશતાં જ મ્યુઝિયમ છે જેના બે ભાગમાં માટીનાં વાસણો, ઘરેણાં, શસ્ત્રો, ગાડાં સહિત અનેક વસ્તુઓ છે. આ જગ્યાના ખોદકામ દરમિયાન ૧૦ જેટલી સફેદ પથ્થરની તકતીઓ મળી હતી. એમાં એ સમયની ભાષામાં કાંઈ લખ્યું છે. જોકે અહીં શું લખ્યું છે એ કોઈ કળી શકતું નથી, કારણ કે આ લખાણ કે ભાષા અત્યારે કોઈ જાણતું નથી.

વૃક્ષોનો અશ્મિ પાર્ક - ખડીર બેટ. જુરાસિક પાર્ક નામની અંગ્રેજી ફિલ્મે આપણને કરોડો વર્ષો પૂર્વેના ડાયનોસૉરથી અવગત કરાવી દીધા. ત્યારે સૃષ્ટિ પર આવાં પ્રાણીઓ હતાં. એમની શારીરિક રચના, જીવનશૈલી, વાતાવરણમાં બદલાવ જેવા અનેક વિષયોનું જ્ઞાન આપણને આ સિનેમા દ્વારા મળ્યું. જોકે તમે ક્યારેય વિચાર્યું છે કે એ સમયે પણ સૃષ્ટિ હતી, વાતાવરણ હતું તો એ જીવો સાથે વૃક્ષો પણ હશે. હા, તે હોય જ અને એ સમયનાં વૃક્ષોનાં અશ્મિ ધોળાવીરાથી ફક્ત નવ કિલોમીટર દૂર આવેલા ખડીર બેટ પર છે. કચ્છનો વિસ્તાર જ એક મોટો જુરાસિક પાર્ક જેવો છે. એનું પેટાળ એક કરોડ વર્ષોથી જૂનાં ડાયનોસૉર અને વૃક્ષોના ફોસિલોથી ભર્યો પડ્યો છે. એમાંથી થોડાં વૃક્ષોના ફોસિલ ખડકો સાથે એકરૂપ થઈને વિશેષ રાખક ફૉર્મેશનરૂપે અહીં જોવા મળે છે. સાતથી દસ મીટર લાંબા અને ત્રણ-ચાર મીટર પરિઘના પોડોકાપેર્સિયા કુળનાં જીમ્નોસમેસ પ્રકારનાં વૃક્ષોનાં હાડપિંજરો અહીં છે, જે જાળીની આડશે જોઈ શકાય છે. વિરાટ સફેદ રણના કિનારે વસેલો આ દ્વીપ ૧૯૮૬થી વાઇલ્ડલાઇફ સૅન્ક્ચ્યુઅરી તરીકે ઘોષિત થયો છે. ૨૭.૪૦ હેક્ટરની ફૉરેસ્ટ લૅન્ડમાં ચિંકારા અને નીલ ગાય જેવાં પ્રાણીઓ સહિત ફ્લૅમિંગોની મોટી કૉલોની છે. ખાસ ઇકોલૉજિકલ સિસ્ટમ ધરાવતો આ બેટ બર્ડ્સ માટે પૅરૅડાઇઝ છે. ચાર ઇંચનાં ચકલી જેવાં નાનાં બર્ડ્સથી લઈને વજનદાર ઘોરાડ જેવાં પક્ષીઓ તથા અન્ય સેંકડો જાતિ, પ્રજાતિના ગગનમાર્ગીઓ તમને આ વિસ્તારમાં જતી વખતે જ જોવા મળશે. અહીંનાં આ પક્ષીઓની બ્યુટી પેજન્ટ યોજાય તો મારા મતે વિનર ઇઝ ફ્લૅમિંગો. પાતળી સોટી જેવા ગુલાબી પગોની જોડી ધરાવતાં આ વાઇટ ઍન્ડ પિંક બર્ડ્સ સેંકડોની સંખ્યામાં કચ્છના સમુદ્રના ખારા છીછરા પાણીમાં જોવા મળે ત્યારે એમ જ થાય કે યાર, આને ઘરે લઈ જઈએ. આમ તો સતત લાંબી ડોક નીચી કરીને પાણીમાંથી ખોરાક શોધતું આ પંખી જ્યારે એની મરોડદાર ડોક ઊંચી કરીને પાછળ જુએ ત્યારે તો રૂપાળી કન્યા તેની નાજુક ડોકને વાળીને તમારી સામે જુએ અને તમને જે ગુલાબી ફીલિંગ આવે ડિટ્ટો એવી જ ફીલિંગ ફ્લૅમિંગો જુએ ત્યારે થાય.

ખડીર બેટ અને ધોળાવીરાની વચ્ચે છે સનસેટ પૉઇન્ટ. અહીં કરણી માતાનું મંદિર છે અને સનસેટના વ્યુ માટે એકરોની એકરો ખુલ્લી જગ્યા છે. શહેરોની સરખામણીએ કચ્છનો સૂરજ અસ્ત થવામાં બહુ સમય લે છે. એને પણ એમ થતું હશે કે શહેરીજનોને ક્યાં ફરક પડે છે હું આથમું કે ઊગું? પણ પ્રદેશનાં મારાં પંખીડાંઓ ઠેકાણે પહોંચે એ માટે મારે વધુ રોકાઈ જવું જોઈએ. ઍન્ડ ખરેખર, સૂરજની સમતોલે ઊડતાં ખચ્ચરોનું ઝુંડ જોતાં એક તબક્કે એવો જ વિચાર આવી જાય છે કે આ પક્ષીઓનું ધણ સૂરજને અસ્ત થતાં રોકવા તો નથી આવી પહોંચ્યુંને.

સમ યુઝફુલ પૉઇન્ટ્સ

  • ધોળાવીરા અને ખડીર બેટ જવાનો રસ્તો તો અમે બતાવી દીધો. ઈવન એ ઇન્ફિનિટી રોડની વાત પણ ખૂબ કરી.જોકે તમે અહીં ભુજ અને ભચાઉ બેઉ ટાઉનથી જઈ શકો. હાલમાં ભચાઉથી જવાવાળા રોડથી લોકો જતા નથી, પણ રાપર થઈને ધોળાવીરા અને ખડીર બેટ પહોંચી શકાય છે. આ બેઉ શહેરોથી ભાડા પર વાહનો મળી રહે છે.
  • ખડીર બેટ અને ધોળાવીરા બેઉ પ્લેસ પર હૉલિડે રિસૉર્ટ અને ટેન્ટ સિટી છે ઍન્ડ વી રેકમેન્ડ કે એક રાત અહીં રહો. ‘હાય-હાય, અહીં રહેવાનું કેટલું મોંઘું છે. એક રૂમના પાંચ-દસ હજાર અપાય?’ ઓ વાલીડાઓ, વિદેશોમાં અને દેશના અન્ય સ્થળે ફાઇવસ્ટાર પ્રૉપર્ટી પાછળ પૈસા ખર્ચો છોને? અહીં તારાંકિત સ્ટે નથી તો શું થઈ ગયું? લોકેશન તો સેવન સ્ટારથી પણ હાઈ ગ્રેડ છેને!
  • દરેક જગ્યાએ ગાઇડ મળી રહે છે. સ્થાનિક લોકો પણ મળતાવડા છે. તેમની જાત-જાતની અને ભાત-ભાતની વાતોમાં મજા આવશે.
  • સનસેટ પૉઇન્ટ પર ક્યારેક પૅરાગ્લાઇડિંગ અને ઊંટસવારી કરવા મળી જાય છે.
  • અહીં ફરતી વખતે દરેક જગ્યાનું સાઇન બોર્ડ વાંચવું જોઈએ, કારણ કે એનાથી આ સ્થળનું મહત્ત્વ સમજાય છે અને ફરવામાં રસ પડે છે.
  • રસ્તા બહુ સારા છે, સારા બની રહ્યા છે. છતાં અહીં આવો ત્યારે એવા ફુટવેઅર પહેરજો જેમાં તમે કલાકો સુધી ચાલી શકો અને ઊભા રહી શકો.
Whatsapp-channel Whatsapp-channel

15 January, 2023 02:04 PM IST | Mumbai | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK