Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઊભાં રસોડાં સારાં કે બેઠાં?

ઊભાં રસોડાં સારાં કે બેઠાં?

18 April, 2023 03:21 PM IST | Mumbai
Falguni Jadia Bhatt | feedbackgmd@mid-day.com

જો બેઠાં રસોડાં એટલાં જ સારાં હતાં તો પછી ઊભાં રસોડાં આવ્યાં ક્યાંથી? અને શું એ ખરેખર એટલાં હાનિકારક છે જેટલાં માનવામાં આવે છે?

બેઠાં રસોડામાં કામ કરી રહેલાં લોકગાયિકા ગીતા રબારી.

સ્પેશ્યલ સ્ટોરી

બેઠાં રસોડામાં કામ કરી રહેલાં લોકગાયિકા ગીતા રબારી.


પહેલાંના સમયમાં બેઠાં રસોડાંમાં કામ કરી ચૂકેલી બહેનોને આ સવાલ પૂછીએ તો જવાબ એ જ આવશે કે બેઠાં રસોડાં સારાં. જો બેઠાં રસોડાં એટલાં જ સારાં હતાં તો પછી ઊભાં રસોડાં આવ્યાં ક્યાંથી? અને શું એ ખરેખર એટલાં હાનિકારક છે જેટલાં માનવામાં આવે છે? ચાલો જરા ચર્ચા કરી જોઈએ

એક સમય હતો જ્યારે આપણા બધાનાં ઘરોમાં બેઠાં રસોડાં હતાં, જ્યાં એકસાથે ૨૦-૩૦ માણસોની રસોઈ થતી હતી. આવાં રસોડાંમાં બેઠાં-બેઠાં કામ કરવાથી બહેનોનું સ્વાસ્થ્ય સારું રહેતું હતું એવું કહેવામાં આવે છે. છતાં આગળ જતાં લોકો પોતાનાં ઘરોમાં ઊભાં રસોડાં બનાવવા માંડ્યા અને એમાં પણ હવે તો જમાનો આવી ગયો છે મૉડ્યુલર કિચન્સનો. તો આ પરિવર્તન પાછળનું કારણ શું? હવે લોકોનું જીવન પહેલાંની સરખામણીમાં વધુ બેઠાડુ બની ગયું છે તેથી ઊભા રહીને કામ કરવું વધુ સારું એવું કહેવામાં આવી રહ્યું છે. તો પછી બેઠાં રસોડાંઓ પાછળનું સાયન્સ શું? ઊભાં રસોડાં સારાં કે બેઠાં? ચાલો આજે આ વિષય પર થોડી છણાવટ કરી જોઈએ.મૂળ જોટાણા ગામનાં બોરીવલીના નિમિષા ઝવેરીના ઘરમાં અન્યોની જેમ રસોડું સ્ટૅન્ડિંગ જ છે, પરંતુ ૩૫ માણસોના સંયુક્ત પરિવારમાં ઊછરેલાં નિમિષાબહેને લગ્ન પહેલાં પોતાની કિશોરાવસ્થામાં વર્ષો સુધી બેઠા રસોડામાં કામ કર્યું છે. એ દિવસોની યાદોને વાગોળતાં તેઓ કહે છે, ‘ઘરના સભ્યોની સાથે મહેમાનો અને ઘરે કામ કરનારા કામવાળા વગેરે મળીને અમારા ઘરે રોજ ૪૦ માણસોની રસોઈ બનતી. ૧૫ કિલો ઘઉંના લોટનો ડબ્બો દોઢ દિવસમાં જ ખતમ થઈ જતો એટલી રોટલીઓ બનતી છતાં અત્યાર જેટલો થાક લાગતો નહીં. જમવાનું બનાવતાં-બનાવતાં એટલી બધી વાર ઊઠબેસ કરવી પડતી કે અન્ય કોઈ પ્રકારની કસરતની જરૂર જ પડતી નહીં. પરિણામે કોઈને ઘૂંટણના કે કમરના દુખાવા થતા નહીં. કોઈએ સિઝેરિયન કરાવવા પડતાં નહીં એટલું જ નહીં, ડિલિવરી બાદ કોઈનાં પેટ પણ ફૂલી જતાં નહીં. હવે માણસ નીચે બેસતો જ બંધ થઈ ગયો છે. રસોડામાં ઊભા-ઊભા કામ કરવાનું, જમવા માટે ડાઇનિંગ ટેબલ પર બેસવાનું, બાથરૂમમાં પણ વેસ્ટર્ન કમોડ આવી ગયાં. પરિણામે હવે લોકોની પલાંઠી વાળીને બેસવાની આદત જ છૂટી ગઈ છે. તેથી લોકોએ યોગ અને પ્રાણાયમ કરવા જવું પડે છે. ડૉક્ટરો પાસે દોડવું પડે છે. એમાં ફાયદો માત્ર બહારના લોકોને થાય છે અને આપણા શરીરની બરબાદી થાય છે.’


છેલ્લાં ૪૦ વર્ષથી બોરીવલીમાં આયુર્વેદ એક્સપર્ટ તરીકે લોકોની સેવા કરતા પ્રબોધ ગોસ્વામી પણ કહે છે, ‘આયુર્વેદમાં ઊભાં અને બેઠાં રસોડાં વચ્ચે કોઈ તફાવત કરવામાં આવ્યો નથી, છતાં લૉજિકલી વિચારો તો એટલું ચોક્કસ કહી શકાય કે જ્યારે તમે બેસીને કોઈ કામ કરો છો ત્યારે એ વધુ સારું થાય છે. તેથી ભોજન બનાવવાનું કામ બેસીને કરવામાં આવે તો વધુ સારું. પહેલાંના જમાનામાં ચૂલા પર બધું કામ થતું. જ્યારે રસોડાનો અન્ય સામાન ઉપરની બાજુએ રહેતો. તેથી બહેનોએ ઊઠવા-બેસવાની જરૂર વધારે પડતી, જે તેમના માટે કસરતની ગરજ સારતી. ઊભાં રસોડાંઓમાં આ કસરત હવે સાવ નામશેષ થઈ ગઈ છે. બાકી રહી ગયું હોય તેમ હવેના સમયમાં બહેનોનાં મોટા ભાગનાં કામ મશીનોએ લઈ લીધાં છે. બધાનાં રસોડાંમાં કુકર, મિક્સર, બ્લેન્ડર આવી ગયાં છે. આમ આપણે સગવડ વધારી શારીરિક શ્રમ ઘટાડ્યો છે, પરંતુ એનું પરિણામ શારીરિક મેદસ્વિતા બની રહ્યું છે. બહેનોમાં કમરના, પીઠના, ઘૂંટણના અને સાંધાના દુખાવા પહેલાં ક્યારેય નહોતા એ હદે વધી ગયા છે.’

આ પણ વાંચો : અજનબીઓ સાથેની વાતો તમારું માનસિક સ્વાસ્થ્ય સુધારે છે


જો આ વાત સાચી હોય તો છેલ્લા કેટલાક સમયથી ઊભાં રહીને કામ કરવાનો મહિમા કેમ આટલો વધી ગયો છે? બેઠાં રસોડાં સ્વાસ્થ્ય માટે એટલાં જ સારાં હતાં તો ઊભાં રસોડાં શોધાયાં જ કેમ? માત્ર અજાણ્યા જ નહીં, સમજદાર લોકોએ પણ કેમ ઊભાં રસોડાં બનાવવા માંડ્યાં? આ સવાલોના જવાબ આપતાં સાંતાક્રુઝમાં રહેતાં ઇન્ટીરિયર ડિઝાઇનર શીતલ ભોજાણી કહે છે, ‘પહેલાંના સમયમાં નાનાં ઘરોનાં પણ રસોડાં મોટાં રહેતાં હતાં. ચાલી સિસ્ટમમાં વન રૂમ-કિચનવાળાં ઘરોનાં રસોડાં પણ અત્યારની સરખામણીમાં મોટાં રહેતાં હતાં. આ રસોડાંઓમાં સંયુક્ત પરિવાર માટે ભોજન બનતું, જે ક્વૉન્ટિટીમાં વધુ રહેતું હોવાથી ઘરના મહિલા વર્ગે લાંબો સમય કિચનમાં કામ કરવાનું રહેતું હતું. આવામાં બેસીને કામ કરવું સ્વાભાવિક રીતે જ સરળ રહેતું. વળી ત્યારનાં રસોડાંઓમાં અત્યારની જેમ સિન્ક નહોતી રહેતી બલકે ચોકડી રહેતી, જે વાસણો ધોવા માટે વપરાતી. એ ચોકડીઓ રસોડાનો ઘણો એરિયા પચાવી લેતી. બીજી બાજુ લોકોનો ખોરાક સાદો હતો તેથી તેમને વધુ સામગ્રીઓ સ્ટોર કરવી પડતી નહીં. એવી જ રીતે કિચનમાં વધુ ઉપકરણો પણ નહોતાં રહેતાં. આજે મોટા-મોટા ફ્લૅટ્સમાં પણ કિચન નાનાં હોય છે, જેમાં ફૅન્સી જમવાનું બનવા માંડ્યું છે. આવું ભોજન બનાવવા માટે અવનવા ઇન્ગ્રીડિયન્ટ્સ વસાવવાં પડે છે, જેને સ્ટોર કરવા માટે સ્ટોરેજની જરૂર પડે છે, જે ઊભાં રસોડાંમાં જ શક્ય છે. આ સાથે હવે લોકોને કિચનમાં મિક્સર અને બ્લેન્ડર બંને જોઈએ છે. માઇક્રોવેવ અને અવન બંનેની જરૂર પડે છે. આ બધું રાખવાની ગોઠવણ પણ માત્ર ઊભાં રસોડાંમાં જ થઈ શકે છે. વધુમાં હવે મોટા ભાગે લોકો વિભક્ત કુટુંબમાં રહે છે અને મહિલાઓ વર્કિંગ વુમન બની ગઈ છે. આવી મહિલાઓને લાંબો સમય કિચનમાં રહેવાનું પરવડતું નથી. તેમને સવારે ફટાફટ ટિફિન ભરી ઑફિસ પહોંચવાનું હોય છે અને સાંજે થાકીને આવતી હોવાથી ઈઝી અને ક્વિક મીલ બનાવવાં હોય છે. આવું ઝડપી કામ ફક્ત ઊભાં રસોડાંમાં જ થઈ શકે છે. આ અને આવાં બીજાં અનેક કારણોસર હવે કોઈના ઘરે બેઠાં રસોડાં જોવા મળતાં નથી.’

હવે કિચનમાં ફૅન્સી જમવાનું બનવા માંડ્યું છે. એ માટે અવનવાં ઇન્ગ્રીડિયન્ટ્સ વસાવવાં પડે છે, જેને સ્ટોર કરવા માટે સ્ટોરેજની જરૂર પડે છે, જે ઊભાં રસોડાંમાં જ શક્ય છે. શીતલ ભોજાણી, ઇન્ટીરિયર ડિઝાઇનર

પોશ્ચર જાળવવા માટે ઊભાં રસોડાં સારાં

શું જીવનશૈલીમાં આવેલા આ પરિવર્તનો તથા નિતનવી સગવડોને પગલે બનેલાં ઊભાં રસોડાં સ્વાસ્થ્ય માટે ખરેખર હાનિકારક છે? જો એટલાં જ હાનિકારક હોય તો અસ્તિત્વમાં આવ્યાં જ શા માટે? અહીં કાંદિવલી ખાતેના ઑર્થોપેડિક ડૉ. ઉત્પલ શેઠ કહે છે, ‘ઊભાં રસોડાં સારાં કે બેઠાં, આ સવાલનો વાસ્તવમાં તો કોઈ સ્ટાન્ડર્ડ જવાબ હોઈ શકે નહીં. તેમ છતાં મારા મતે આજના સમયને ધ્યાનમાં રાખતાં ઊભાં રસોડાં સારાં, કારણ કે એમાં જમીન પરથી વારંવાર ઊઠવામાં શરીરને જે શ્રમ પડે છે એ ઘટી જાય છે. એમાંય જો પ્લૅટફૉર્મની ઊંચાઈ વપરાશકર્તાની હાઇટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે તો શરીરનું પૉશ્ચર પણ સારું જળવાઈ રહે છે. સાથે જ સ્ટૅન્ડિંગ કિચનમાં બહુ લાંબો સમય ઊભા રહેવાથી લાગતા થાકને દૂર કરવા થોડો સમય ખુરશી પર બેસી જવાનો વિકલ્પ પણ રહે છે. આમ સતત ઊભા રહેવું એક પડકાર ખરો, પરંતુ સતત જમીન પર બેઠા રહેવા કરતાં ઓછો. તેથી બેઠાં રસોડાં કરતાં તો ઊભાં રસોડાં જ સારાં.’

Whatsapp-channel Whatsapp-channel

18 April, 2023 03:21 PM IST | Mumbai | Falguni Jadia Bhatt

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK