Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પોતાની રીતે પાત્રો સિલેક્ટ કરતા થ્યા, પણ સાચું કહેજો કે એ કરીને પરિણામો શું લાવ્યા?

પોતાની રીતે પાત્રો સિલેક્ટ કરતા થ્યા, પણ સાચું કહેજો કે એ કરીને પરિણામો શું લાવ્યા?

20 November, 2022 08:27 AM IST | Mumbai
Sairam Dave | feedbackgmd@mid-day.com

છેડાછેડીને છૂટાછેડામાં કન્વર્ટ કરતા થયા. હા, આ સાવ સાચું છે. પૂછજો તમારાં દાદા-દાદીને. એ લોકોએ તો મોઢાં પણ નહોતાં જોયાં અને એ પછી પણ તેમને સિવિલ કોર્ટના દરવાજા જોવાનું આવ્યું નહીં, જ્યારે આપણે...

પ્રતીકાત્મક તસવીર

લાફ લાઇન

પ્રતીકાત્મક તસવીર


એ વડીલોને પણ એકબીજા માટે ફરિયાદો અને અસંતોષ હતાં. છતાં તેમણે પોતાનાં પાત્રોને એમની તમામ મર્યાદા સાથે સ્વીકાર્યાં. પડ્યું પાનું નિભાવીને જીવનભર સહન કર્યું, કારણ કે એ દંપતીઓ માટે એમના પર્સનલ ઇગો ને જરૂરિયાતો કરતાં એમના કુટુંબની આબરૂનું મૂલ્ય વધુ હતું.

હિમાદાદાનાં ધર્મપત્ની શાંતિકાકી અમારી સોસાયટીનું ઍન્ટિક નજરાણું છે. આ બન્ને દંપતીનો દીકરો પરસોતમ લંડનમાં વેલ-સેટ છે અને આંયા આગળપાછળ કોઈ છે નહીં એટલે આ બન્ને જણ ગામ, ગુજરાત ને વિશ્વની ઘટનાઓની આગળપાછળ ફર્યા કરે.



દરેક સવાલના શાંતિકાકી પાસે પોતીકા ઉત્તર હોય અને કાકી કરતાં ડબલ હિમાદાદા પાસે એના જવાબો હોય. શાંતિકાકી ‘મિસ વર્લ્ડ’નો અર્થ એવો કરે કે જેને આખું વર્લ્ડ મિસ કરે એ મિસ વર્લ્ડ. કાકી ફિક્સિંગ અને બૉક્સિંગ બે’યને સરખા ગણે. તેમના મતે બૉક્સિંગમાં એક જણો ઘુંબો સહન કરે ને ફિક્સિંગમાં બધાય જણ કરોડોને ઘુંબો મારે! શાંતિકાકી દેખાવે દેશી પણ વિચારે વિદેશી.


સાવરણી અને વેલણ એ શાંતિકાકીનાં શસ્ત્રો. પોતાના ઘરમાં શું રસોઈ બનાવવી એના કરતાં કાકીને આજુબાજુવાળીઓએ શું-શું બનાવ્યું છે એની ખબર વધુ હોય. પોતાના ઘરે ભલેને કોઈ ન આવતું હોય, પણ શેરીમાં કોના ઘરે કોણ આવ્યું ને કોણ ગ્યુ ઈ કાકીને ખબર હોય. શાંતિકાકી અમારી શેરીની જીવતી-જાગતી ન્યુઝ-ચૅનલ છે. નાનીએવી વાતને એટલી મોટી કરીને શેરીમાં ૨જૂ કરે કે જાણે આભ તૂટી પડે. કાકી પાસે શબ્દભંડોળ માંડ પાંચસો શબ્દોનું, પણ ટર્નઓવર પાંચ હજા૨ શબ્દોનું!

શાંતિકાકીની કરકસર આખા ગામમાં વખણાય. કાકી સાબુ પણ ધોઈને વાપરે એવા સ્વચ્છતાના આગ્રહી ને નહાતાં પે’લાં પણ હાથપગ ધોઈને નહાવા જાય એટલાં શંકાશીલ. કાકીની કરકસર કદાચ ખુદ કરકસર કરતાં પણ વધુ અસરદાયક છે. વરસમાં એકાદ વાર હિમાદાદા ગાયત્રીયજ્ઞ કરે. કાકી યજ્ઞમાં કાકા સાથે બેસે તો ખરાં, પણ હવનકુંડના અગ્નિ ઉપર કુકર મૂકીને ખીચડી ચડાવી લ્યે. હિમાદાદા ખિજાય તો તાડૂકીને કઈ દયે, તમે શ્લોક બોલોને! માતાજીને ખીચડી પકાવવામાં વાંધો નથી તે તમને શેનો વાંધો લ્યો છે? કાકીના આ યજ્ઞને હવે લોકો ‘ખીચડીયજ્ઞ’થી જ સંબોધે છે.


શાંતિકાકી પણ ક્યારેક-ક્યારેક ભોળાભાવે બહુ અઘરા સવાલ કરી નાખે. આ કપલ કદી લોકલ બસ સિવાય ગોંડલની બહાર નીકળતું નથી ને છતાંય બેયને પ્લેનનાં ભાડાં વધે એની ઉપાધિ સતત હોય. એક દિવસ કાકીએ મને પૂછેલું કે આપણા ગામમાં પોસ્ટમાસ્તર ટપાલ, દૂધવાળો દૂધ ને શાકવાળો શાક લઈને આવે તો પછી ફાયર બ્રિગેડવાળો ‘પાણી’ લઈને શું કામ આવે છે? તે પણ ‘ફાય૨’ લઈને જ આવવો જોઈએને?

શાંતિકાકીને મુંબઈ બોવ વાલ્લું લાગે. એનું કારણ ઈ કે ‘મુંબઈ’ના અંગ્રેજી સ્પેલિંગમાં મોમ + આઈ + બઈ એમ ત્રણ ભાષાનો માતૃપ્રેમ સમાયેલો છે એટલે મુંબઈમાં સ્ત્રીઓનું સન્માન જળવાયું છે.

એ પણ સત્ય છે કે હિમાદાદા અને શાંતિકાકી લગનના ફોટોના આલબમ સિવાય એક પણ વાતમાં સહમત નથી થ્યા. હું આ બન્ને વડીલોના અગત્યના બિનજરૂરી સવાલોના જવાબો આપવા કરતાં એમને સામા સવાલો કરીને એમના સવાલો ભુલાવી નાખું છું. હમણાં શાંતિકાકીને મેં પૂછેલું, ‘તમારાં લગન વખતે હિમાદાદાને વિશ કરવા કેટલા લોકો આવેલા?’

કાકીએ દાઢમાંથી જવાબ આપ્યો, ‘ચાર-પાંચ જણે અભિનંદન આપેલા અને આખી સોસાયટીએ તારા કાકાનો લગ્ન કરી લેવા બદલ આભાર માનેલો.’

વાત એ પણ એટલી જ સાચી કે વડીલોના ઉંમરની પેઢીના જમાનામાં કન્યા જોવાની સિસ્ટમ નહોતી એ પ્રથા સાચી હતી. હું કાયમ ડાયરામાં કહું છું કે ‘કૂવામાં પડવું જ છે પછી એની ઊંડાઈ માપવાની જરૂર શું?’

એક જમાનામાં ઘરની ગૃહલક્ષ્મી કોને બનાવવી એ મા-બાપ અને પરિવારજનો નક્કી કરતા. એવા ઘણા મુરબ્બીઓ અટાણે કદાચ આ વાંચતા પણ હશે જેમણે સુહાગરાતે ઘૂંઘટ ઉઠાવ્યો ત્યારે તેમને ખબર પડી કે આપણું નસીબ....!

મૉરલ ઑફ સ્ટોરી ઈ કે એ વડીલોને પણ એકબીજા માટે ફરિયાદો અને અસંતોષ હતાં. છતાં તેમણે પોતાનાં પાત્રોને એમની તમામ મર્યાદા સાથે સ્વીકાર્યાં. પડ્યું પાનું નિભાવીને જીવનભર સહન કર્યું, કારણ કે એ દંપતીઓ માટે એમના પર્સનલ ઇગો ને જરૂરિયાતો કરતાં એમના કુટુંબની આબરૂનું મૂલ્ય વધુ હતું. એ માટે એ લોકોએ આજીવન ભરણપોષણના કેસ નથી કર્યા. આપણા અભણ વડીલોની કુટુંબ માટેની નૈતિક જવાબદારી અને સમજદારીને સલામ! આપણે અટાણે ખૂબ ભણ્યા, પોતાની રીતે પાત્રો સિલેક્ટ કરતા થ્યા; પણ સાચેસાચું કહેજો કે એ કરીને પરિણામો શું લાવ્યા? ડિવૉર્સના લાખો કેસ કોર્ટમાં સડી રહ્યા છે. કરોડો વ્યથિત પુરુષો અને સ્ત્રીઓનાં જીવન લગ્નમાં ભંગાણ પડવાથી નર્ક જેવાં થઈ ગયાં છે.

સગાઈટાણે દરેક પરિવાર એવું જ ગામને કહે છે કે અમારે જોતું’તું એવું મળી ગયું. આ તો વહુ માથા ફરેલી નીકળે પછી જ કુટુંબને ખબર પડે છે કે આ નમણું નાગરવેલ જેવું ચીભડું વાડને ગળી ગયું. સગાઈ પછી હાથમાં કલમ પકડી-પકડીને જેને પત્રો લખ્યા હોય તેના પર પછી વધુમાં વધુ કોર્ટની કલમો લાગે એવા પ્રયત્નો શરૂ થાય છે. જેની યાદમાં ઉજાગરા કર્યા હોય તેના નામે જ આબરૂના ધજાગરા થાય છે. જેના માટે રોયા હોય તેની પાછળ રોવાનો સમય આવી જાય. જેને દિલની અગણિત લાગણીઓથી દિલ ફાડીને પ્રેમ કર્યો હોય તેના ઘરમાંથી જ કરિયાવરની વસ્તુઓ ગોતી-ગોતીને અને ગણી-ગણીને લઈ જવામાં આવે.

છેડાછેડી અને છૂટાછેડામાં હાર્ડલી એક અક્ષર અને માત્રાનો જ તફાવત છે, પણ છેડાછેડીથી છૂટાછેડા સુધીની યાત્રા બહુ દર્દનાક હોય છે. જાણે કે કોઈ ડૉક્ટર ઍનેસ્થેસિયા વગર તમારું હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ કે બાયપાસનું ઑપરેશન કરી રહ્યો છે. ‘ડિવૉર્સ’ આપણી સુધરેલી પેઢીની બાય-પ્રોડક્ટ છે. આવો, આપણી ધી૨જ વધારીએ. પરિવાર માટે કમાવું જેટલું મહત્ત્વનું છે એટલું જ જતું કરીને સહન કરવું પણ મહત્ત્વનું છે; કારણ કે પહેલાં દીવાલોમાં ઘર હતાં, હવે ઘર વચ્ચે દીવાલો છે. આપણને સગા ભાઈ કરતાં વધુ સાળાની ફિકર છે, સગી બહેન કરતાં સાળી વધુ સચવાઈ રહી છે. પૈસાની આ દોડમાં પરિવારની ભાવના દફન થઈ ચૂકી છે. પહેલાં આપણે મા-બાપ સાથે રહેતા, હવે મા-બાપ આપણી સાથે રહેવા લાગ્યાં છે. શું આ વિકાસ છે? કે વિનાશ તરફની દિશા છે? 
દોસ્તો, યાદ રાખજો કે આ પ્રગતિ નથી ૫રગતિ છે!

Whatsapp-channel Whatsapp-channel

20 November, 2022 08:27 AM IST | Mumbai | Sairam Dave

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK