Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અસત્ય વિના ચાલી શકશે ખરું?

અસત્ય વિના ચાલી શકશે ખરું?

21 May, 2023 01:35 PM IST | Mumbai
Kana Bantwa

શુદ્ધ સત્ય માણસથી જીરવાતું નથી, અસત્ય વિના કામ ચાલતું નથી. સત્ય બોલવું એ આદર્શ બાબત છે; પણ સદાય શુદ્ધ, નિર્ભેળ સત્ય ઉઘાડછોગ બોલવાથી તો ભુક્કા નીકળી જાય, લાયર લાયરની જેમ

પ્રતીકાત્મક તસવીર

કમ ઑન જિંદગી

પ્રતીકાત્મક તસવીર


મહાભારતનો ખૂબ જ જાણીતો પ્રસંગ દ્રોણાચાર્યના વધનો છે. દ્રોણ શસ્ત્રો ત્યાગી દે તો જ હણી શકાય. કૃષ્ણએ પાંડવોને અસત્ય બોલવા માટે પ્રેર્યા. અશ્વત્થામા હણાયો એવું ભીમે કહ્યું ત્યારે તો દ્રોણાચાર્યએ એ માન્યું નહીં. બાદમાં તેમણે યુધિષ્ઠિરને પૂછ્યું. ધર્મરાજ યુધિષ્ઠિર ક્યારેય ખોટું ન બોલે એવી તેમની પ્રતિષ્ઠા હતી અને આ સત્યવાદીપણાને લીધે યુધિષ્ઠિરનો રથ જમીનથી ચાર આંગળ ઊંચો ચાલતો હતો. દ્રોણે જ્યારે યુધિષ્ઠિરને પૂછ્યું કે ભીમે કહ્યું એ સાચું? અશ્વત્થામા સાચે જ મરાયો? ત્યારે યુધિષ્ઠિર સાચું ન બોલી જાય એ ડરથી કૃષ્ણએ ધર્મરાજને ખોટું બોલવા માટે સમજાવ્યા. યુધિષ્ઠિરને જૂઠ બોલ્યાનો વસવસો ન રહે અથવા અસત્ય બોલવાનું બહાનું મળી રહે એ માટે કૃષ્ણએ જે દલીલ આપી એ આપણો આજનો મૂળ મુદ્દો છે. ‘ક્યારેક સત્ય કરતાં અસત્ય વધુ કલ્યાણકારી હોય છે. પ્રાણોની રક્ષા કરવા માટે કોઈ અસત્ય બોલે તો તેને અસત્યનું પાપ નથી લાગતું.’ કૃષ્ણની આ દલીલ કોઈ સત્યવાદીના ગળે ઊતરે એમ નથી છતાં ધર્મરાજના ગળે ઊતરી ગઈ. આમેય દ્રોણાચાર્યને કેવી રીતે મારી શકાય એનું કારણ પૂછવા પણ ધર્મરાજ જ ગયા હતા અને કૃષ્ણએ જ્યારે અશ્વત્થામા નામના હાથીને ભીમ દ્વારા મરાવ્યા પછી દ્રોણાચાર્ય પાસે જઈને તેમનો પુત્ર અશ્વત્થામા મૃત્યુ પામ્યો હોય એ રીતે આ સમાચાર આપવાનું આખું આયોજન ઘડ્યું ત્યારે યુધિષ્ઠિરે એમ કરવાની સહમતી આપી જ દીધી હતી એટલે તેમને તો પોતાના અસત્ય બોલવાના કૃત્યનું જસ્ટિફિકેશન જોઈતું હતું, બહાનું જોઈતું હતું. સત્તાની લાલચે અસત્ય બોલવા માટે તો તેઓ તૈયાર થઈ જ ગયા હતા. આપણે તો કૃષ્ણએ કહેલી વાતને ચર્ચવી છે.

કૃષ્ણનો સમય અને આજનો સમય અલગ છે. બંને સમયની સમજમાં ઘણો તફાવત છે. બંને જમાનાના માપદંડો ખૂબ અલગ છે. બંને યુગના નિયમો અને માન્યતાઓ વેગળી છે. છતાં સત્ય બાબતે જે સ્થિતિ ત્યારે હતી એ જ અત્યારે પણ છે. એટલું જ નહીં, આવનારા સમયમાં પણ એવી જ રહેવાની છે. એનું કારણ છે. શુદ્ધ સત્ય માણસથી જીરવાતું નથી, અસત્ય વિના કામ ચાલતું નથી. સત્ય બોલવું એ આદર્શ બાબત છે; પણ સદાય શુદ્ધ, નિર્ભેળ સત્ય ઉઘાડછોગ બોલવાથી તો ભુક્કા નીકળી જાય. એવું પણ નથી કે જમાનો બદલાઈ ગયો છે એટલે હવે સત્ય બોલી શકાય એમ નથી. અમુક સંજોગોમાં અસત્ય અનિવાર્ય બની ગયું છે. પાંચ હજાર વર્ષ પહેલાં પણ અસત્ય અનિવાર્ય હતું, કારણ ભલે અધર્મ સામે લડવાનું હોય. પાંચ હજાર વર્ષ પહેલાં જ નહીં, પચાસ હજાર વર્ષ પહેલાં પણ એ જ સ્થિતિ હતી જ્યારે ઇન્દ્રએ અસત્ય બોલીને વૃત્રને માર્યો હતો, અહલ્યાને જૂઠ કહીને વ્યભિચાર કર્યો હતો. આ બંનેમાં તો ધર્મને બચાવવાની પણ વાત નહોતી. અબ્રાહમે પોતાની પત્નીને જૂઠ બોલવા મજબૂર કરી હતી. સ્થિતિ ત્યારે પણ આવી જ હતી, સત્યની બાબતમાં. સત્ય બોલવું જોઈએ એ સાચું. અસત્ય ન બોલવું જોઈએ એ પણ એટલું જ સાચુ. પરંતુ અસત્ય બોલવું જ પડે એવી સ્થિતિ ભગવાનની પણ થઈ છે એ યાદ રાખવું પડે. સમસ્યા ત્યારે થાય છે જ્યારે માણસ સાવ ક્ષુલ્લક વાતે ખોટું બોલવા લાગે, ખોટું બોલવાની ટેવ પડી જાય. કેવી નાની-નાની વાતે આપણે ખોટું બોલતા હોઈએ છીએ, જરૂર ન હોય તો પણ ખોટું બોલી દેતા હોઈએ છીએ. બજારમાં જ જઈ રહ્યા હોઈએ ને કોઈ પૂછે તો કંઈક ભળતો જ ઉત્તર આપી દઈએ. સામેવાળો આપણું મન, આપણી પ્રવૃત્તિ જાણી ન જાય એ માટે કેટલું અસત્ય ઉચ્ચારતા રહીએ છીએ? પોતાના મનોભાવ છુપાવવા એ તો જાણે માણસનો સ્વભાવ બની ગયો છે. ખૂલીને વ્યક્ત થવાનું જ ભુલાઈ ગયું છે. વ્યક્ત થતાં પહેલાં અનેક ગણતરીઓ માંડી લેવામાં આવે અને પછી નિર્ણય કરવામાં આવે. કોઈને કશું કહેતાં પહેલાં તે શું વિચારશે, તે શું માનશે, આ વાત કહી દેવાથી શું અસર પડશે, શું વાતો થશે એવાં અનેક સમીકરણો બેસાડ્યા પછી નક્કી કરવામાં આવે કે આને સાવ ખોટું કહેવું, થોડું સાચું કહેવું, સાચું લાગે એવું ખોટું કહેવું, સાચા-ખોટાનું એવું મિશ્રણ કહેવું કે નક્કી જ ન કરી શકાય કે સાચું શું અને ખોટું શું, સત્ય સિવાય ગમે તે કહેવું. કોઈ મહત્ત્વની બાબત હોય, અસત્ય બોલવા સિવાય છૂટકો ન હોય, સાચું બોલવાથી નુકસાન થવાનું હોય અને ખોટું બોલવાથી હાનિ થવાની ન હોય એવી સ્થિતિમાં અસત્ય એ વાસ્તવમાં જૂઠ રહેતું નથી એવું કૃષ્ણનું કહેવું છે. કારણ વગર ખોટું બોલવાની છૂટ માધવ આપતા નથી. પિનોકિયોની વાર્તા તો સાંભળી જ હશે. તે જેટલી વખત જૂઠ બોલે એટલું તેનું નાક લાંબું થઈ જાય. આવું માણસને થતું હોત તો? દરેકનું હાથીની સૂંઢ જેવું નાક જમીનને અડી જાય એટલું લાંબું હોત. એમાં પણ રાજકારણીઓનાં નાક તો એટલાં લાંબાં થઈ ગયાં હોત કે વીંટલો વાળીને ઉપાડવાં પડતાં હોત. ‘લાયર લાયર’ નામની જિમ કેરીની એક મજાની ફિલ્મ આવી હતી. એમાં જિમ કેરીને જૂઠું બોલવાની ટેવ હતી. તે સત્ય બોલતો જ નહીં, જૂઠ જ બોલતો અને એને લીધે વકીલ તરીકેની તેની કારકિર્દી જબરદસ્ત સફળતાથી ચાલતી હતી. જૂઠ બોલીને તે મુશ્કેલ કેસ પણ જિતાડી દેતો. કેરીએ પોતાની પત્નીથી છૂટાછેડા લીધા હતા, પણ પુત્ર મૅક્સ પ્રત્ય તેને ખૂબ જ લગાવ હતો. જોકે લગાવ છતાં તે પુત્રને મળવાના કે અન્ય કોઈ વાયદા પાળતો નહીં અને જૂઠું બોલીને સમજાવી દેતો. જૂઠ બોલવાની કેરીની ટેવથી પુત્ર અને ભૂતપૂર્વ પત્ની બંને ત્રાસી ગયાં હતાં. પુત્ર મૅક્સના જન્મદિવસની પાર્ટીમાં પણ જિમ કેરી પ્રમોશનના લોભે ગયો નહીં અને બઢતી માટે તેની મહિલા બૉસ સાથે રાત ગાળી. પુત્રને અષ્ટમપષ્ટમ જૂઠું બોલીને મનાવ્યો-પટાવ્યો. પિતાનાં જૂઠાણાંઓથી વાજ આવી ગયેલા મૅક્સે ઈશ્વર પાસે એવી ઇચ્છા વ્યક્ત કરી કે પિતા એક દિવસ સુધી જૂઠું બોલી જ શકે નહીં. એ વિશ તરત જ સાચી પડી ગઈ. જિમ કેરી ઇચ્છે તો પણ જૂઠું બોલવા સમર્થ રહ્યો નહીં. જૂઠું લખવાનો પણ તેના હાથે ઇનકાર કરી દીધો. એ એક દિવસમાં કેરીની સેક્રેટરી તેને છોડીને ચાલી ગઈ, જેની સાથે રાત ગાળી હતી તે મિરાન્ડાએ તેને તજી દીધો કારણ કે એ રાત વિશે તે સાચું બોલી ગયો. પોતે ટ્રાફિકના નિયમોનો અત્યાર સુધી જે ભંગ કર્યો હતો એ બધા કબૂલી લીધા અને તેની કાર પણ જપ્ત થઈ ગઈ. કોર્ટમાં જૂઠું બોલી ન શકવાથી તે પોતાનો કેસ હારવાની અણી પર આવી ગયો. ગમે એટલો પ્રયત્ન કરવા છતાં અસત્ય નહીં જ બોલી શકવાથી તેની સાથે એટલી બધી ઘટનાઓ બની જેની તેણે કલ્પના જ નહોતી કરી. જે કેસ લડતો હતો એમાં એક સાચી કડી મળી જતાં કેસ તો જીત્યો, પણ જે મહિલાનો કેસ જીત્યો હતો તે મહિલાનું પોતાના પતિ અને પુત્ર સાથેનું વર્તન જોઈને તેને એટલું લાગી આવ્યું કે અદાલતને ચુકાદો ઉલટાવી નાખવા માટે કહ્યું. જજ સાથે એટલી માથાકૂટ કરી કે જજે તેની ધરપકડ કરાવી. ૨૪ કલાકમાં તેણે જૂઠનો પ્રભાવ પણ જોઈ લીધો. અંતે તે સત્યનો સમર્થક બની ગયો.


 વાર્તાઓ, ફિલ્મી અને રિયલ લાઇફમાં પણ અંતે સત્યનો જ વિજય હોય છે. સત્યમેવ જયતે, પણ એ વિજય અંતે હોય છે. ઘણી મુશ્કેલીના અંતે સત્યનો વિજય સંભવે છે. અસત્યનો વિજય ભલે ન થતો હોય, પણ અસત્ય વગર ચાલતું નથી. એક પ્રાયો એકલા જ, કોઈને કહ્યા વગર કરી જોવા જેવો છે. એક દિવસ માટે માત્ર સત્ય જ બોલવાનો પ્રયત્ન કરી જોવો. આખો દિવસ તો શું, આખો કલાક પણ અસત્ય વગર નહીં રહી શકાય. માણસ જો માત્ર બિનજરૂરી કે ક્ષુલ્લક કારણોસર અસત્ય બોલવાનું બંધ કરી દે તો પણ ખૂબ મોટું પરિવર્તન આવી શકે.


Whatsapp-channel Whatsapp-channel

21 May, 2023 01:35 PM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK