પંજાબી ફૂડ માટે આ જગ્યા જૈનોમાં ખાસ ફેમસ થઈ રહી છે પણ અહીંની ઇટાલિયન, મેક્સિકન અને ચાઇનીઝ વાનગીઓ પણ ખાવા જેવી છે
ફૂડ રિવ્યુ
પાંજાબી કિચન હોટેલની વાનગીઓ
સાઉથ મુંબઈમાં ફાઇન ડાઇન રેસ્ટોરાંમાં જાઓ તો ખિસ્સું ખાસ્સું હળવું થઈ જાય, પણ અહીં કેટલાક ઑપ્શન્સ નવા ખૂલ્યા છે જે ટેસ્ટી ફૂડ તો પીરસે જ છે ને સાથે રીઝનેબલ પણ છે. પંજાબી ફૂડ માટે આ જગ્યા જૈનોમાં ખાસ ફેમસ થઈ રહી છે પણ અહીંની ઇટાલિયન, મેક્સિકન અને ચાઇનીઝ વાનગીઓ પણ ખાવા જેવી છે
હવે કોઈ પણ રેસ્ટોરાં ચોક્કસ ક્વિઝીનને સમર્પિત હોય એ ટ્રેન્ડ છે. જેમ કે ચાઇનીઝ, જૅપનીઝ, મેક્સિકન, ઇટાલિયન, મિડલ-ઈસ્ટર્ન એમ ક્વિઝીન બેઝ્ડ રેસ્ટોરાંની બોલબાલા વધી છે. જોકે આવાં ફાઇન ડાઇન તો જ ફાવે જો આખા પરિવારને એક જ ક્વિઝીન ભાવતું હોય અથવા તો એ દિવસે એક જ ક્વિઝીન ખાવું હોય. એ જ કારણોસર હવે તમે જોયું હોય તો રેસ્ટોરાંઓ પોતાનું સ્પેક્ટ્રમ ફેલાવેલું રાખે છે જેમ કે એશિયન, યુરોપિયન વગેરે. જોકે જ્યારે સામાન્ય રીતે આખો પરિવાર બહાર જમવા જવાનું નક્કી કરતા હોઈએ છીએ ત્યારે દરેકને એક જ પ્રકારનું ફૂડ ભાવે એ જરૂરી નથી જ. એ જ કારણોસર હવે નાની ફાઇન ડાઇન રેસ્ટોરાંઓએ વચલો રસ્તો કાઢ્યો છે. ભલે એક ટાઇપનાં ક્વિઝીનનું મેનુ મુખ્ય હોય, પણ બીજી ટાઇપનાં ક્વિઝીનની પણ મુખ્ય કહેવાય એવી ડિશો પણ સાથે રાખવાની. આવા જ ફ્યુઝનમાંથી જન્મ થયો છે ગિરગામની પંજાબી કિચનનો. દક્ષિણ મુંબઈમાં રહેતા હો તો લગભગ એક-દોઢ દાયકાથી ત્યાં ચાલતી લેમન ઍન્ડ સ્પાઇસ વિશે તો જાણતા જ હશો. આ જ રેસ્ટોરાંના માલિકોએ પંજાબીઓને સમર્પિત અને છતાં ફ્યુઝન પીરસતી પ્યૉર વેજ રેસ્ટોરાં ખોલી છે ‘પંજાબી કિચન.’
ADVERTISEMENT
ગયા અઠવાડિયે એક બપોરે સાઉથ મુંબઈનું કામ પતાવીને અમે પહોંચ્યા પંજાબી કિચનમાં. બે જ પાનાંનું મેનુ છે. રેગ્યુલર હોય એમ સૂપ, સૅલડ, સ્ટાર્ટર્સ. સ્ટાર્ટર્સમાં એશિયન અને વેસ્ટર્ન એમ બે ભાગ છે. વેસ્ટર્ન સ્ટાર્ટરમાં ચીઝ ચિલી ગાર્લિક બ્રેડ, ટાકોઝ, ચીઝ બૉલ્સ જેવી ચીજો ઉપરાંત હમણાં નવી જ ઉમેરાયેલી ડિશ હતી જે ભાગ્યે જ કોઈ રેસ્ટોરાંમાં મળતી હશે. એ હતી ક્રિસ્પી ચિલી પટેટો સ્કિન. નામ મુજબ ખરેખર એમાં બટાટાની છાલ જ પીરસવામાં આવી છે. કડક બેક્ડ અને કુરર્રમ કુરર્રમ અવાજ આવે એવી ક્રિસ્પી અને જીભને ચટપટી કરાવી જાય એટલી તીખી. બેઠાં-બેઠાં વાતોમાં આ ડિશ ક્યાં ખતમ થઈ જશે એની ખબર જ નહીં પડે. આઇ મસ્ટ સે, આ ડિશ માટે આ જગ્યાએ આવવું વર્થ છે. અહીંનું બીજું એક સ્ટાર્ટર બેસ્ટ સેલર છે એનું નામ છે શેઝવાન માર્બલ. ચાઇનીઝ ટેસ્ટ ભાવતો હોય તો આ બેસ્ટ રહે. એક પ્રકારના ચીઝ બૉલ્સ જ છે જે બહારથી મસ્ત ક્રિસ્પી છે. લિટરલી માર્બલ જેવા જ લાગે, પણ એને તોડતાં જ મોઝરેલા ચીઝનું ઝરણું વહેવા લાગે. ટેસ્ટમાં પણ સરસ. સેઝવાન સૉસ હોવા છતાં રંગ આંખને વાગે એવા લાલચટક નથી જે બતાવે છે કે અહીં કલર માટે રંગો વાપરવામાં નથી આવતા. એવું કહેવાય છે કે કોઈ પણ રેસ્ટોરાંની ફૂડ ક્વૉલિટી ચેક કરવી હોય તો એનું પનીર ચાખવું જોઈએ. એ જ દૃષ્ટિકોણથી અમે પનીરનું સૌથી કૉમન ગણાય અેવું પનીર 65 સ્ટાર્ટર ચાખ્યું. અને પનીરની ક્વૉલિટી પરીક્ષામાંથી પાસ. સૉફ્ટનેસ જાણે તોફુ હોય અેવી અને છતાં અંદર પનીરની કણીઓ તમને મમળાવવી ગમે એવી.
આ બધાની સાથે એક સરપ્રાઇઝ કરાવે એવી ડિશની વાત તો રહી જ ગઈ. ઑર્ડર શું આપવો એ નક્કી કરતાં પહેલાં અમે મસાલા પાપડ અને ખીચિયા મસાલા પાપડ ટેસ્ટ કર્યા હતા. આમ તો અેમાં કશું યુનિક નહોતું. ટેસ્ટમાં સરસ અને ક્રિસ્પી પાપડ પર ભરપૂર સૅલડ અને સેવ ભભરાવેલાં હતાં, પણ એની સાથે જે ગ્રીન ચટણી પીરસવામાં આવેલી અે આંગળાં ચાટીને ખાવાનું મન થાય અેવી. ગ્રીન કોથમીર-ફુદીનાની આ ચટણી થોડીક ગળચટી હતી. સર્વ કરનારા વેઇટરને પૂછ્યું કે આ ચટણી તીખી અને મીઠી કેમ છે? તો કહે એમાં ચપટીક ગોળ નાખવામાં આવેલો છે અેટલા માટે. આપણા ગુજરાતી ટેસ્ટ બડ્સને ભાવે એવી અને છતાં ખૂબ જ માઇલ્ડ ગોળનું ગળપણ આ ચટણીને પૂરા ૧૦૦ માર્ક્સ આપવા પ્રેરે છે.
કેટલાક વાચકોએ જ અમને રેકમન્ડ કરેલું કે અહીંનું પંજાબી ફૂડ બહુ જ સરસ છે એટલે એ પણ ટ્રાય તો કરવાનું જ હતું. જો વેજિટેબલ્સ અને થિક ગ્રેવી ભાવતાં હોય તો મને લાગે છે તરતરાહટ નામનું શાક લેવું. અને પનીરના શોખીનો માટે પનીર પેશાવરી ઇઝ બેસ્ટ. દમ બિરયાની પણ સુપર્બ છે. બિરયાનીની કડાઈ પર રોટલી ઢાંકીને આપવામાં આવેલો દમ શેકાયેલી રોટલી કાપતાં જ મસ્ત સોડમ રિલીઝ કરે છે.
ફૂડનો રિવ્યુ કરવા જઈઅે ત્યારે સમસ્યા એ થાય કે પેટની ક્ષમતાને તમારે એ દિવસ પૂરતી બાજુએ મૂકવી પડે. પેટમાં બધાં જ ક્વિઝીનનો શંભુમેળો કરવો પડે. અહીં બીજી કઈ વાનગીઓ સારી છે એના પણ ખાંખાંખોળા કરવાનાં જ હતાં. મેક્સિકન ડિશની મોસ્ટ કૉમન ડિશ નાચોઝ અમે ટ્રાય કરી. નામ છે બિગ નાચોઝ. નામ મુજબ લિટરલી સ્મૉલ ચોરસ પાપડની સાઇઝના નાચોઝ છે જે ક્રીમી ચીઝ સાથે હોઠ ચાટતા રહી જઈએ એવા છે.
બાળકોની ચૉઇસની ધ્યાનમાં રાખીને અમે કંઈક હટકે પીત્ઝા કે પાસ્તા ટ્રાય કરવાનું વિચાર્યું અને નજર પડી મેનુમાં લખાયેલા બબલ પીત્ઝા પર. કોરિયન બબલ ટી અને બોબા શેક જેવું કંઈ હશે કે શું? હકીકત શું છે એ નજરે જોવા અમે ઑર્ડર કરી જ લીધો. એક વાત છે કે જો તમે ચીઝના શોખીન હો તો અને તો જ આ પીત્ઝા ઑર્ડર કરવો. કેમ કે એમાં ઉપર-નીચે અને અંદર બધે જ ચીઝ જ ચીઝ છે અને એ પણ લિક્વિડ ચીઝ. પીત્ઝાના બેઝને વચ્ચેથી કાપીને એની અંદર કૉર્ન, કૅપ્સિકમ અને અન્ય વેજિટેબલ્સનું પૂરણ જેવું બનાવીને પાથરવામાં આવ્યું છે. એના ઉપર છીણેલું ચીઝ પાથરીને એના ઉપર કાપેલા પીત્ઝાનું પડ મૂકી દીધું છે અને એને એક ખાસ બબલ ડિશમાં મૂકીને બેક કરવામાં આવ્યું છે. એને કારણે પીત્ઝા આખો ચોમેરથી દબાઈ જાય છે અને રોટલા પર બબલની જેમ ફૂલી ફોડલા ફૂલી આવ્યા હોય એવું લાગે છે. સુપર ક્રિસ્પી પડની ઉપર લેમન યલો રંગનું લિક્વિડ ચીઝ ભરપૂર રેડવામાં આવ્યું છે. તમે ભૂખ્યા પેટે આવ્યા હો તોય એક જણથી અડધો જ પીત્ઝા પૂરો થાય એટલી હેવી ડિશ છે.
આ ટ્રાય કર્યા પછી બીજું કશું જ ટેસ્ટ કરવાની હિંમત બચી જ નહોતી. બાકી અહીંની ઇટાલિયન પાંઉભાજી અને મલેશિયન પનીર ચિલી ટ્રાય કરવાની ઇચ્છા હતી, પણ ફરી ક્યારેક એમ વિચારીને મન મનાવ્યું.
છેક છેલ્લે સ્વીટ ડિશ તો હોવી જ જોઈએ. સિઝલિંગ બ્રાઉની હવે કૉમન થઈ ગઈ છે એટલે કૅરૅમલ કસ્ટર્ડ પર પસંદગી ઉતારી. સ્મૉલ ડિશ પણ કહેવાય. પસંદગી સફળ રહી. પારસીઓ પણ આંગળાં ચાટવા લાગે એવું કસ્ટર્ડ કૅરૅમલ છે આ. જમ્યા પછી પણ તમે એકલા જ એ પૂરું કરી દઈ શકો એટલું ટેસ્ટી.
ક્યાં? : જગન્નાથ શંકર શેઠ રોડ, ઑપેરા હાઉસ
બે વ્યક્તિ માટે : ૬૦૦ રૂપિયા