સંવાદ, સમજદારી, સ્નેહ અને સંતોષ જેવા મુદ્દાઓ સુખી લગ્નજીવન માટે જરૂરી છે
પ્રતીકાત્મક તસવીર
સુખી લગ્નજીવનનાં સાત તત્ત્વો છે સંવાદ, સંયમ, સ્નેહ, સંતોષ, સમજદારી, સાથસહકાર અને શાંતિ.
સંવાદ : આખો દિવસ સોશ્યલ મીડિયામાં ઍક્ટિવ રહેવા આપણી પાસે ટાઇમ છે, પણ સ્વજનો સાથેના સંબંધો માટે ટાઇમ નથી. આ સંવાદના અભાવે અણબનાવ વધી રહ્યા છે, જે છૂટાછેડા સુધી પહોંચે છે.
ADVERTISEMENT
સંયમ : આજે ટેન્શન અને ફ્રસ્ટ્રેશનમાં માણસ પોતે પિસાતો જાય છે અને પછી ગુસ્સો પોતાનાં જીવનસાથી, બાળકો અને માબાપ પર ઉતારે છે. એને લીધે છેવટે મામલો કોર્ટે પહોંચે છે. એટલે પોતાના ગુસ્સા પર સંયમ પણ પોતે જ લાવવાનો છે.
સ્નેહ અને સંતોષ : સુખી લગ્નજીવનમાં એકબીજા પ્રત્યે પ્રેમ હોવો ખૂબ જ જરૂરી છે. આત્મીય પ્રેમ સાથે શારીરિક પ્રેમ એટલે સંભોગ અને સંતોષ લગ્નજીવન ટકાવવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઝઘડાળુ સાસુ કે ઓછો કમાતો પતિ હોય તો ચાલશે, સુખ-સાહ્યબી નહીં હોય તો પણ ચાલશે; પણ જો આત્મીયતા સાથેનો સંભોગ અને સંતોષ નહીં હોય તો સો ટકા લગ્નજીવન નહીં ટકે. આ સંબંધિત સમસ્યા માટે વહેલી તકે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે, નહીં તો આવાં લગ્નો ફૅમિલી કોર્ટમાં રદબાતલ ઠેરવવામાં આવે છે.
સમજદારી: જે વ્યક્તિમાં સમજદારી નથી તે પોતે અને પોતાના જીવનસાથીની જિંદગી પાયમાલ કરે છે. આ માટે માતાપિતાએ પોતાનાં સંતાનોના ઉછેરમાં સજાગ રહેવું જરૂરી છે.
સાથસહકાર: કમાતી પત્નીના પૈસાની અપેક્ષા છે તો ઘરકામમાં પત્નીને સાથસહકાર આપવો જોઈએ. મોટું ઘર, મોજશોખ, ફૉરેન ટૂરની જિંદગી જોઈએ છે તો પત્નીએ પણ કમાવા જવું જોઈએ અને પતિને સાથસહકાર આપવો જોઈએ. બાળકોનો ઉછેર બન્નેએ મળીને કરવો જોઈએ. સંબંધોમાં કોઈ વખત સાથસહકાર ન હોવાથી વાદવિવાદ વધતાં પોલીસ-સ્ટેશન પહોંચી કે કોર્ટે ચડી જમાઈને ‘બતાવી દેવાની’ કોઈ જરૂર હોતી નથી. આવા પગલાને કારણે પોતાની દીકરીનાં ઘર ભાંગવામાં માતાપિતા જ કારણભૂત બને છે. એવી રીતે જ સાસરિયા પક્ષે પણ વહુને મહેણાંટોણા મારીને કાંઈ મળશે નહીં, પણ પોતાના પુત્રના લગ્નજીવનમાં ભંગાણ પાડી તેના છૂટાછેડા માટેનાં બીજ રોપવા જેવાં ખરાબ કર્મોના ભાગીદાર થવાશે.
શાંતિ : ઘરમાં શાંતિ હશે તો બાળકોનો ઉછેર સારો થશે અને સારા નાગરિક બની શકાશે. શાંતિ આત્મીય સંતોષથી આવે છે. ઘણા પૈસા, મોટું ઘર, મોટી ગાડી વગેરે મેળવવાના પ્રયત્નોમાં આપણે સંવાદ, સંતોષ, સ્નેહ, સમજદારીને તિલાંજલિ આપી, અશાંતિ ઘરમાં લાવીને શું સુખી લગ્નજીવન મેળવી શકીશું?
આમ આ બધા જ મુદ્દાઓ સુખી લગ્નજીવન માટે જરૂરી છે.
- ભાવના ધરોડ જાધવ (ભાવના ધરોડ જાધવ જાણીતાં ઍડ્વોકેટ છે અને કચ્છી વીસા ઓસવાળ સેવા સમાજની મધ્યસ્થી સમિતિ સાથે સંકળાયેલાં છે.)

