સત્યમ્ શિવમ્ સુંદરમ્ એ ત્રણ શબ્દોની નિસબત માત્ર ધર્મ કે અધ્યાત્મ સાથે નથી, પરંતુ જીવન સાથે જોડાયેલી છે
પ્રતીકાત્મક તસવીર
સત્યમ્ એટલે સત્ય - જેટલું આપણું શ્વાસ લેવું સત્ય છે, જેટલું આપણું જીવન અને મૃત્યુ સત્ય છે એટલું યથાર્થ છે આપણો સૃષ્ટિ સાથેનો સંબંધ. જેમ આપણે શ્વાસ લેવા, સારા સ્વાસ્થ્ય માટે શુદ્ધ હવા ઇચ્છીએ છીએ એટલા જ જરૂરી છે શુદ્ધ વિચારો મનના સ્વાસ્થ્ય માટે. સત્ય એટલે મારું જ કહેલું, મારું જ માનેલું કે મારું જ સમજેલું એ નહીં, પરંતુ સત્ય એ એક સદ્ગુણ છે જે આપણે જાતે વિકસાવવાનો છે. સત્ય હંમેશાં કડવું જ હોય એવું નથી, સત્યને સ્વીકારી એને પચાવવાની શક્તિ હોવી જોઈએ.
સત્યમ્ શિવમ્ સુંદરમ્ એ ત્રણ શબ્દોની નિસબત માત્ર ધર્મ કે અધ્યાત્મ સાથે નથી, પરંતુ જીવન સાથે જોડાયેલી છે. આપણા વેદોથી લઈને અત્યાર સુધી આપણા રોજિંદા જીવનમાં એનું સાતત્ય જળવાઈ રહ્યું છે. સત્ય એટલે શિવ જે કલ્યાણકારી છે, જે શુભ છે, જે પવિત્ર છે અને આધ્યાત્મિક દૃષ્ટિએ સત્ય એટલે મોક્ષ તરફ પ્રયાણ.
ADVERTISEMENT
જેનું મન પવિત્ર હોય અને એ માટે સતત સજાગ, પ્રયત્નશીલ રહે તેને માટે કશું ધૂંધળું, સંકુલ, અસ્પષ્ટ નથી. જેમ આપણને દરેક જગ્યાએ સ્વચ્છ વાતાવરણમાં રહેવાનું ગમે છે એમ આપણી આસપાસની સજીવ સૃષ્ટિ માટે પણ સ્વચ્છ વાતાવરણ રાખી શકીએ. જ્યારે પણ આપણે જગતકલ્યાણ વિશે વિચારીએ છીએ, એને અમલમાં મૂકીએ છીએ ત્યારે આપણે ખરા અર્થમાં શિવનો અંશ બનીએ છીએ.
સુંદરતા માત્ર આંખોથી દેખાતી, અનુભવાતી, ઓળખાતી નથી. જોઈ ન શકતો માણસ પણ બીજી ઇન્દ્રિયો થકી સુંદરતા અનુભવી શકે છે. સુંદરતા એક અનુભૂતિ છે. જ્યારે, જે ક્ષણે સંતોષનો, તૃપ્તતાનો ભાવ મનમાં થાય એ ક્ષણ સુંદર છે અને એ ત્યારે થાય જ્યારે મનમાં કોઈ ફરિયાદ, ક્રોધ, અણગમો, ખટરાગ, આડંબર, રાગ-દ્વેષ, અહમ્, હતાશા, નિરાશા, અપેક્ષા ન હોય.
આપણી ભારતીય સંસ્કૃતિએ હંમેશાં મનની સુંદરતા પર ભાર મૂક્યો છે. માણસનું મન ચંચળ છે, મનમાં ક્યારેક સારા તો ક્યારેક ખરાબ વિચાર આવે છે; પણ આ ખરાબ વિચારોની પાછળ ડર, ચિંતા, અહમ્ હોય છે. આથી મનના અનિષ્ટ વિચારોને પાછળ ધકેલી દેવા માનવે પ્રયત્નશીલ રહેવાનું ઘટે. કુવિચારોને ખાતર-પાણી આપીને ઉછેરવાના નથી, બલકે એની ઉપેક્ષા કરી સારા વિચારોને આગળ લાવવાના છે. પોતાના મનને સમજવાનું છે.
હવે આપણે જાતે નક્કી કરવાનું છે કે આપણા જીવનમાં સત્ય, શિવ અને સુંદરને કઈ રીતે અપનાવવાનાં છે.
- બીના અપૂર્વ દેસાઈ

