એક તરફ સરકાર પર્યાવરણ બચાવવાનો પ્રયત્ન કરવાની ઝુંબેશ ચલાવી રહી છે, પરંતુ બીજી તરફ મૉડર્ન સિટી બનાવવાના બિલ્ડરોનાં સપનાં પૂરાં કરવા માટે વૃક્ષોને કાપવાની ખુલ્લેઆમ છૂટ મળી રહી છે.
બિન્દાસ બોલ
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ અને આજુબાજુનાં સ્થળોએ ઘાસનાં મેદાન અને ઘટાટોપ-લીલાંછમ વૃક્ષો અદૃશ્ય થઈ રહ્યાં છે. ખરેખર તો નાના કદનાં વૃક્ષો, છોડવા, ઘાસનાં મેદાન પક્ષીઓનાં ઘર છે. જોકે મુંબઈમાં થઈ રહેલાં વિકાસ કાર્યો અને તળાવ નજીકના સુશોભીકરણને કારણે વૃક્ષો અને ઘાસનાં મેદાનો ઓછાં થઈ રહ્યાં છે. મુંબઈમાં માણસોનાં રહેઠાણ બનાવવાની હોડમાં આપણે પંખીઓનું ઘર એવાં વૃક્ષો કાપી રહ્યાં છીએ. ઘાસનાં મેદાનો પણ સાવ જ ઘટી ગયાં છે.
મેદાનો, નાના કદનાં વૃક્ષો, વનસ્પતિ-છોડવા પર ચકલી, કાબર, કબૂતર, પોપટ, કાગડો વગેરે પક્ષીઓ રહે છે. વૃક્ષોને પક્ષીઓનું આશ્રયસ્થાન માનવામાં આવે છે. પક્ષીઓની હાજરી અને ગેરહાજરી દ્વારા જે-તે વિસ્તારમાં પર્યાવરણની જાળવણી કેવી છે એનો અંદાજ આવે છે. મુંબઈ અને નજીકના પરિસરમાં ચારેતરફ સિમેન્ટ-કૉન્ક્રીટનાં જંગલો થઈ ગયાં હોવાથી ઘાસનાં મેદાન, નાનાં વૃક્ષો-વનસ્પતિ, છોડવા વગેરેનો મોટાપાયે નાશ થયો છે. આ પરિસ્થિતિ ખરેખર બહુ ચિંતાજનક છે.
ADVERTISEMENT
ખરેખર તો ઘાસનાં મેદાન, વૃક્ષો, વનસ્પતિ વગેરે પંખીઓનાં કુદરતી ઘર હોવા છતાં એને વેસ્ટ લૅન્ડ ગણવામાં આવે છે. પરિણામે એવા વિસ્તારોમાંથી વૃક્ષો, ઘાસનાં મેદાન હોય એવા વિસ્તારોમાં જતા રહે છે.
આજથી ૨૦-૨૫ વર્ષ પહેલાં સંજય ગાંધી નૅશનલ પાર્કમાં લક્કડખોદ પક્ષીની બધી જ પ્રજાતિ જોવા મળતી. વળી વિવિધ પ્રજાતિઓનાં પંખીઓ પણ જોવાં મળતાં. એક સમય હતો જ્યારે પંખીઓના મીઠા કલરવથી નૅશનલ પાર્કમાં જાણે કે સંગીતમય વાતાવરણ સર્જાતું. હવે તો નૅશનલ પાર્કમાં પણ બહુ જ ઓછાં પક્ષીઓ જોવા મળે છે. મુંબઈ નજીકના થાણે, નવી મુંબઈ, ઉરણમાં પણ વેસ્ટ લૅન્ડ્સનો નાશ થઈ રહ્યો છે. આજથી બે દાયકા પહેલાં આ જ સ્થળોએ ૧૭૮ પ્રજાતિનાં પક્ષીઓ ઊડાઊડ કરતાં જોવાં મળતાં. આજે આ જ સ્થળોએ પણ રંગબેરંગી પક્ષીઓ જોવાં નથી મળતાં.
એક તરફ સરકાર પર્યાવરણ બચાવવાનો પ્રયત્ન કરવાની ઝુંબેશ ચલાવી રહી છે, પરંતુ બીજી તરફ મૉડર્ન સિટી બનાવવાના બિલ્ડરોનાં સપનાં પૂરાં કરવા માટે વૃક્ષોને કાપવાની ખુલ્લેઆમ છૂટ મળી રહી છે. મારા વિચાર પ્રમાણે આ બાબતો પર સરકારે વિશેષ ધ્યાન આપવાની જરૂરત છે અને પૂઠાં, લાકડાંમાંથી બનાવવામાં આવતાં પક્ષીઓનાં ઘરો વિશે જાગૃતિ લાવવાની જરૂરિયાત છે, જેથી કરીને પક્ષીઓને રહેઠાણ માટે ઘર મળી શકે.
શબ્દાંકન : ભાવિની લોડાયા