Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > મારો ગોલ છે કે જ્યારે હું ૩૫ વર્ષનો થઈશ ત્યારે મને ૩૫ ભાષા આવડતી હોવી જોઈએ

મારો ગોલ છે કે જ્યારે હું ૩૫ વર્ષનો થઈશ ત્યારે મને ૩૫ ભાષા આવડતી હોવી જોઈએ

10 June, 2024 03:30 PM IST | Mumbai
Rajul Bhanushali

જુદા-જુદા પંદર દેશોનાં રાષ્ટ્રગીતો, આપણાં પુરાણોમાંથી અનેક સ્તોત્ર અને લગભગ ડઝનેક ભાષાઓ શીખનારો થાણેનો દેવ શાહ બાવીસ વર્ષનો છે અને ભાષાઓ શીખવા માટેનું તેનું ગાંડપણ ગજબ સ્તરે છે

દેવનું કહેવું છે કે કોઈ પણ ભાષા શીખવી હોય તો પહેલાં એ ભાષાનાં ગીતો સાંભળવાનાં. ભલે ન સમજાય તો પણ. ટીવીમાં આવતા કાર્યક્રમો જોવાના, મૂવીઝ જોવાની. સબટાઇટલ્સ સાથે ફિલ્મો અને સિરીઝો જોવાની

દેવનું કહેવું છે કે કોઈ પણ ભાષા શીખવી હોય તો પહેલાં એ ભાષાનાં ગીતો સાંભળવાનાં. ભલે ન સમજાય તો પણ. ટીવીમાં આવતા કાર્યક્રમો જોવાના, મૂવીઝ જોવાની. સબટાઇટલ્સ સાથે ફિલ્મો અને સિરીઝો જોવાની


૨૦૨૦ના વર્ષમાં પૅન્ડેમિકને પગલે ફરજિયાતપણે આવી પડેલા વેકેશનને કારણે ઘણાની જિંદગીમાં પૉઝિટિવ બદલાવ પણ આવ્યા. થાણેમાં રહેતા ૨૨ વર્ષના દેવ શાહના જીવનમાં પણ આ જ દિવસો દરમિયાન એક જુદો વળાંક આવ્યો. પોતાના એ વળાંક વિશે ઉત્સાહથી વાત કરતાં દેવ કહે છે, ‘લૉકડાઉનના સમયમાં મને અલગ-અલગ ભાષાઓ શીખવાની ધુનકી ચડી. થયું એવું કે એ વખતે ટીવીમાં પૌરાણિક સિરિયલોનું રી-ટેલિકાસ્ટ થતું હતું એ હું જોતો. એમાં બોલાતું શુદ્ધ હિન્દી મને ખૂબ ગમવા લાગ્યું. અમે હાલારી કચ્છી છીએ. ઘરમાં ગુજરાતી બોલીએ, પણ બા સાથે કચ્છીમાં જ વાત કરવાની. મારું એજ્યુકેશન ઇંગ્લિશમાં થયું છે. હિન્દી અને મરાઠી જેવી ભાષા સ્કૂલમાં વિષય તરીકે ભણ્યા હોઈએ એટલે એ પણ આવડે. એટલે આમ ડઝનેક ભાષા તો સહેજે આવડતી, પણ આ સિરિયલો જોતી વખતે ધ્યાનમાં આવ્યું કે ભણવામાં જે હિન્દી આવતું એ અને આ પૌરાણિક સિરીયલોમાં આવતું હિન્દી તદ્દન જુદું હતું. મને એ એટલુંબધું ગમવા લાગ્યું કે હું હિન્દી સાહિત્યના વાંચન તરફ વળ્યો અને કવિતા લખતો થયો.’


મરાઠીમાં માસ્ટર



લૉકડાઉનમાં દેવ પાસે પુષ્કળ સમય હતો જેણે તેને રીજનલ ચૅનલો જોવા તરફ વાળ્યો. તે કહે છે, ‘સોની મરાઠી પર ‘મહારાષ્ટ્રા ચી હાસ્ય જત્રા’ નામે સિરિયલ આવતી. હું એ રેગ્યુલરલી જોવા લાગ્યો અને મારી મરાઠી પાક્કી થતી ગઈ. જેમ આપણી ગુજરાતી ભાષામાં દરેક પ્રાંતની અલગ-અલગ બોલીઓ છે એમ મરાઠીમાં પણ છે. આ સિરિયલમાં જ માલવણી અને ઐરણી બોલીનો ખૂબ ઉપયોગ થતો. એ પણ મને બરાબર સમજાવા લાગી. સ્કૂલમાં ભાષા શીખેલી એટલે લિપિથી પરિચિત હતો. હું સોમૈયા કૉલેજમાં ભણું છું. ત્યાં જુદી-જુદી ભાષાનાં સાહિત્ય મંડળ ચાલતાં હોય છે. એમાં જોડાયો. ત્યાં હું ભાષા લખતાં-વાંચતાં શીખી ગયો. હું બારમા સુધી અંગ્રેજી મીડિયમમાં ભણ્યો હતો, પણ મને ગુજરાતી લખતાં-વાંચતાં બહુ જલદી સરસ રીતે આવડી ગયું. પછી મેં ગ્રૅજ્યુએશન માટે હિન્દી સાહિત્ય રાખ્યું અને અત્યારે મરાઠી સાહિત્ય સાથે MA કરી રહ્યો છું.’


ભાષા શીખવાનો ચસકો

હિન્દી અને મરાઠી પછી અન્ય ભાષાઓનો ચસકો કઈ રીતે લાગ્યો એ વિશે પણ દેવ પાસે મજાની વાર્તા છે. દેવ કહે છે, ‘કૉલેજમાં મને બહુભાષી વાતાવરણ મળ્યું. મેં હિન્દી પરિસભા પણ જૉઇન કર્યું. સંસ્કૃતમાં મને વિશેષ રસ પડ્યો. મેં સંસ્કૃત સભાના કાર્યક્રમમાં કામ કર્યું છે અને નાટકો પણ ભજવ્યાં છે. કૉલેજમાં જ્યારે કાર્યક્રમ હોય તો એમાં મેં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે સરને હેલ્પ પણ કરી છે. મેં ‘હિન્દી પરિસભા’ અને ‘સંસ્કૃત સભા’ પણ જૉઇન કર્યું. એના કાર્યક્રમમાં કામ કર્યું અને નાટકો પણ ભજવ્યાં છે. કૉલેજમાં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે સરને હેલ્પ પણ કરી છે. પરિસભા જૉઇન કર્યા પછી મને વ્રજ અને અવધી પણ શીખવા મળી. જેમ મરાઠીમાં ઊંડા ઊતર્યા બાદ આહીર અને માલવણી આવડી, એવી જ રીતે  હિન્દીમાં થોડાક ઊંડા ઊતર્યા બાદ અવધી અને વ્રજભાષા આવડી. આ ભાષાઓને ભગિની ભાષા કહી શકાય. એકાદ આવડે એટલે બીજી પણ સરળ લાગવા માંડે. મરાઠી સાહિત્યમાં માસ્ટર્સ પૂરું કર્યા પછી ઍકૅડેમિક્સમાં તો આગળ વધવાનો વિચાર નથી, પરંતુ હું નવી-નવી ભાષાઓ ચોક્કસ શીખતો રહીશ. આજે મારી ઉંમર ૨૨ વર્ષની છે પરંતુ મારો ગોલ છે કે જ્યારે હું ૩૫ વર્ષનો થઈશ ત્યારે મને ૩૫ ભાષા આવડતી હોવી જોઈએ.’


ભાષા શીખવાની ફૉર્મ્યુલા

હાલ કન્નડા ભાષા શીખી રહેલો દેવ કહે છે, ‘અત્યાર સુધી મને જે પણ ભાષા આવડતી હતી એ બધી નૉર્થ ઇન્ડિયન હતી. એટલે નેક્સ્ટ ભાષા સાઉથની હોવી જોઈએ એવું નક્કી કર્યું અને કન્નડા પર પસંદગી ઉતારી. ભાષાઓ શીખવા માટે મેં પોતાની અલગથી ટેક્નિક વિકસાવી છે. એ સાચી છે કે ખોટી એ વિશે તો નહીં કહું, પણ મારો અનુભવ છે એ પ્રમાણે કહું તો કોઈ પણ ભાષા શીખવી હોય તો પહેલાં એ ભાષાનાં ગીતો સાંભળવાનાં. ભલે ન સમજાય તો પણ. ટીવીમાં આવતા કાર્યક્રમો જોવાના, મૂવીઝ જોવાની. આજે ઇન્ટરનેટને લીધે બધું થોડું સરળ થઈ ગયું છે. હું સબટાઇટલ્સ સાથે ફિલ્મો અને સિરીઝો જોઉં. ગીતો સાંભળું તો ગૂગલ પરથી એના લિરિક્સ શોધું અને પછી ટ્રાન્સલેટરમાં નાખીને એનું ટ્રાન્સલેશન જોઈ લઉં. મહારાષ્ટ્ર અને કર્ણાટકની બૉર્ડર એક છે. ત્યાંની ભાષામાં અનેક મરાઠી શબ્દોનો સમાવેશ થયેલો છે. કન્નડા શીખવા માટે એક ફાયદો એ થયો કે બન્ને ભાષાના વ્યાકરણના નિયમો સરખા છે. સાઉથ ઇન્ડિયન ભાષાઓ શીખવામાં થોડી અઘરી છે, કારણ કે એ તદ્દન જુદી છે. પહેલાં મેં શીખવા માટે નેક્સ્ટ ભાષા તરીકે પંજાબી પર પસંદગી ઉતારી હતી. એ શીખી હોત તો ખૂબ જલદી શીખી જાત, પરંતુ મને એમ થયું કે બધી જ ભાષા નૉર્થની શીખવા કરતાં વચ્ચે-વચ્ચે સાઉથની ભાષાઓ પર પણ ધ્યાન આપવું જોઈએ. કન્નડા પછી પંજાબી પર જઈશ. સાઉથની ભાષાઓનો પરિવાર જુદો છે એટલે અઘરી પડે છે.’

પંદર દેશોની નૅશનલ ઍન્થમ કડકડાટ  

લૉકડાઉનમાં વિવિધ ભાષા શીખવાનું શરૂ કર્યું એ સાથે દેવે જુદા-જુદા દેશોનાં રાષ્ટ્રગીતો પણ કંઠસ્થ કર્યાં છે. તે કહે છે, ‘મેં દુનિયાના પંદર દેશોની નૅશનલ ઍન્થમ યાદ કરેલી છે. જેમ કે નેપાલ, બંગલાદેશ, પાકિસ્તાન, USA, ઑસ્ટ્રેલિયા, કૅનેડા અને યુનાઇટેડ કિંગડમ વગેરે. આ સાથે જ આપણાં પુરાણો અને ગ્રંથોમાં જે અમુક સ્તોત્ર છે એ પણ અર્થ સમજીને કંઠસ્થ કર્યા. શિવતાંડવ સ્તોત્ર હોય કે પછી મહિષાસુર મર્દિની સ્તોત્ર હોય, મને એ કંઠસ્થ કરતી વખતે ખૂબ-ખૂબ મજા પડી હતી. એમનો લય એટલો અદ્ભુત છે કે એ પકડી લો તો સરળતાથી યાદ કરી શકાય. એ ઉપરાંત ગુરુપાદુકા સ્તોત્ર, નિર્વાણશતકમ સ્તોત્ર પણ કંઠસ્થ કર્યા. હિન્દી ભાષાના પ્રખ્યાત કવિ રાષ્ટ્રકવિ શ્રી રામધારીસિંહ ‘દિનકર’નું પુસ્તક ‘રશ્મિરથી’, જે કર્ણના જીવન પર આધારિત છે, એમાં મહાભારતનો અંશ છે. એ પુસ્તકના ત્રીજા સર્ગનો બીજો ખંડ ‘કૃષ્ણ કી ચેતાવની’ પણ મેં યાદ કરેલું છે. ભાષામાંનો રસ મને અહીં સુધી લઈ ગયો! ભાષામાં રસ હતો એટલે જ હું આ બધું સાંભળતો હતો. ઇનિશ્યલ સ્ટેજ પર કંઠસ્થ કરવાનો હેતુ નહોતો, પણ ઘરમાં કશુંક કામ કરતી વખતે મમ્મીને મદદ કરવા હું ઘરમાં પોતાં કરી આપતો એ કરતાં-કરતાં આ બધું સાંભળતો અને સાંભળતાં-સાંભળતાં યાદ રહી ગયું.’

દેવ પટેલના લિસ્ટમાં છે આ ૩૫ ભાષાઓ

૩૫ વર્ષની ઉંમર સુધીમાં ૩૫ ભાષા શીખવાનો ટાર્ગેટ બનાવનારા દેવ પટેલને અત્યારે ગુજરાતી, હિન્દી, મરાઠી, સંસ્કૃત, ઉર્દૂ, કચ્છી, ઇંગ્લિશ, અવધી, વ્રજ, માલવણી અને આહિર આવડે છે. અત્યારે કન્નડા શીખી રહ્યો છે. એ પછી પંજાબી, બંગાળી, મૈથિલી, તેલુગુ, મલયાલમ, તામિલ, સ્પૅનિશ, જર્મન, ઉડિયા, આસામીઝ, કાશ્મીરી, અરેબિક, પશ્તો જેવી ભાષાઓ તેના બકેટ લિસ્ટમાં છે. હજી બીજી દસેક ઉમેરવાની છે.

Whatsapp-channel Whatsapp-channel

10 June, 2024 03:30 PM IST | Mumbai | Rajul Bhanushali

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK