મંદિર માટે રાજવી પરિવારોએ પોતાને જ નહીં, સ્વજનોને પણ ગુમાવ્યા હોય એના અઢળક કિસ્સાઓ આપણા ઇતિહાસમાં છે. આ કિસ્સાઓ મંદિરનું અદકેરું મહત્વ વધારે સારી રીતે ઉજાગર કરે છે
ફાઇલ તસવીર
એક વાચકમિત્ર પૂછે છે કે આપણે ત્યાં મંદિરોનું આટલું મહત્ત્વ શું કામ છે?
આપણી વાત ચાલી રહી હતી સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર વિશે અને એ વાત દરમ્યાન આપણે મહારાણી અહલ્યાબાઈ હોલકરે તેમના શાસનકાળ દરમ્યાન દેશમાં કરેલાં અનેક મંદિરોના જીર્ણોદ્ધાર વિશે વાત શરૂ કરી. અહલ્યાબાઈ હોળકરના કાર્યની વાત કરતાં-કરતાં આપણે વારાણસીના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના જીર્ણોદ્ધારની વાતો પર હતા અને એ જ દરમ્યાન એક વાચકમિત્રએ આ સવાલ પૂછ્યો એટલે થયું કે પેલી બધી વાતો થોડી વાર પછી કરીએ, પહેલાં એ જાણી કે મંદિરોને આપણે ત્યાં કેમ આટલું મહત્ત્વ મળે છે. જીવનમાં સકારાત્મકતા લાવવાનું કામ જો કોઈ એક સ્થળેથી હંમેશાં થતું રહ્યું હોય તો એ મંદિર છે. મંદિરો સકારાત્મકતાની સાથોસાથ જીવન પર અંકુશ લાવવાનું કામ પણ કરે છે અને એ ઉપરાંત મંદિરો દ્વારા જીવનમાં પ્રકાશ પણ પથરાય છે, જે સાચો માર્ગ શોધવાની દિશામાં વ્યક્તિને મદદ કરે છે.
ADVERTISEMENT
મંદિર શું કામ એ સવાલ પૂછવાનું જેમને પણ મન થાય છે તેમણે જાતને પહેલાં એ સવાલ પૂછી લેવો જોઈએ કે મૉલ અને મલ્ટિપ્લેક્સ શું કામ? જો એ આજના સમયની અગત્યતા હોય તો કહેવું જ રહ્યું કે મંદિરો પણ આજના સમયે સૌથી મહત્ત્વનાં છે. વિશ્વના સૌથી પુરાણા કહેવાય એવા હિન્દુ ધર્મમાં જેટલું મંદિરનું મહત્ત્વ છે એટલું વિશ્વના અન્ય કોઈ ધર્મોમાં નહીં હોય. તમે જુઓ, આપણે ત્યાં મંદિરોની રક્ષા ખાતર સેંકડો રાજાઓ તન, મન, ધનથી ન્યોછાવર થયા છે તો અનેક રાજવી પરિવારોએ પોતાનું સઘળું મંદિર પાછળ ખર્ચ્યું પણ છે. અત્યારે જે મહારાણી અહલ્યાબાઈ હોલકરની વાત ચાલી રહી છે એમાં પણ એ જ વાત છે, જુઓ તમે.
કાશી વિશ્વનાથ મંદિરના જીર્ણોદ્ધાર માટે મહારાણીએ પોતાની સુખ-સાહ્યબી છોડી દીધી હતી અને પ્રજાને પણ તેમણે મંદિરલક્ષીય બનાવવાનું કામ કર્યું હતું. જો તમે ઇતિહાસ જોશો તો તમને ખબર પડશે કે મહારાણીના કાર્યકાળમાં માત્ર હોલકર પરિવારે જ નહીં, ઇન્દોરમાં રહેતા અનેક શ્રીમંત પરિવારોએ પણ મંદિરો પાછળ પુષ્કળ ધન ખર્ચ્યું હતું. રાજસ્થાનમાં પણ એવું જ રહ્યું છે અને આજે પણ એવું જ છે. તમે જુઓ, જૈન સમાજથી લઈને લોહાણા સમાજ અને અન્ય સમાજોમાં આખેઆખું મંદિર ઊભું કરવાની જવાબદારી એક જ પરિવાર સંભાળી લે છે અને કરોડો રૂપિયાના ખર્ચે મંદિરનું નિર્માણ કરવામાં આવે છે. આ જ મંદિરોમાં ઉત્સવ ઊજવવા માટે પણ ક્યારેય કોઈ જગ્યાએ હાથ લાંબો કરવો નથી પડતો. માત્ર ટહેલ આપવામાં આવે અને કલાકોમાં કરોડો રૂપિયા મંદિરની દાનપેટીમાં આવી ગયા હોય છે.
કાશી વિશ્વનાથ મંદિરના જીર્ણોદ્ધાર સમયે જ્યારે આર્થિક તંગી દેખાવી શરૂ થઈ ત્યારે એક સમયે તો મહારાણીએ પોતાના રાજ્યમાં દાનપેટી પણ ફેરવી હતી કે જે કોઈ કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરમાં દાન આપવા ઇચ્છતું હોય તે દાન આપી શકે છે. દાનપેટી પણ ફેરવવામાં આવી અને રાજ્યના મુખ્ય માર્ગ પર મહત્ત્વના ચોક-વિસ્તારમાં પણ દાનપેટી મૂકવામાં આવી.
તમને જાણીને નવાઈ લાગશે કે એ સમયે અનેક ફૅમિલી એવી હતી જેમણે પોતાનું તમામ ધન દાનમાં આપી દીધું હતું. મહાદેવ પ્રત્યેની શ્રદ્ધા અને સાથોસાથ મહારાણી પ્રત્યેના આદર વચ્ચે તેમણે એ કાર્ય કર્યું હતું. માત્ર કપડાં અને અનાજ રાખવા સિવાય ઘરમાં હતું એ તમામ ધન મંદિરમાં દાન આપનારા પરિવારોને ખબર સુધ્ધાં હતી કે કોઈને તેમના નામની ખબર સુધ્ધાં નથી પડવાની અને એ પછી પણ તેમની એ તૈયારી હતી. આ અને આવી જે કોઈ વાતો છે એ મંદિરનું મહત્ત્વ દર્શાવે છે, ધર્મનું મહત્ત્વ દેખાડે છે.
કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના જીર્ણોદ્ધારનું કામ ઑલમોસ્ટ નવેક વર્ષ ચાલ્યું હતું, જે નવ વર્ષ દરમ્યાન કામ એક પણ વખત બંધ નહોતું રહ્યું એ સહેજ તમારી જાણ ખાતર. મંદિરના નકશીકામના કારીગરોની અછત હોવાને લીધે કામ લંબાયું હતું. મહારાણી અહલ્યાબાઈ હોલકર દ્વારા મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યા પછી ચારેક વર્ષે મહારાણીની પાસે સોમનાથ મહાદેવના મંદિરની વાત આવી એટલે એ મંદિરની અવસ્થા જોવા માટે ખુદ મહારાણી સોમનાથ આવ્યાં અને તેમણે એ આખી જગ્યા જોઈ નક્કી કર્યું કે અહીં ફરી વખત મંદિર બનશે અને સોમનાથ મહાદેવની સ્થાપના કરવામાં આવશે.

