‘આધ્યાત્મિકતા’ શું છે? અનુભવી અને જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે આત્મા પોતે પોતાનો શત્રુ અને મિત્ર છે
પ્રતીકાત્મક તસવીર
આજકાલ ‘આધ્યાત્મિક’ શબ્દ બહુ વપરાય છે. આધ્યાત્મિકતાના નામે યોગ, ધ્યાન, ભક્તિ વગેરે ઘણા પ્રયોગ ચાલે છે અને વ્યાખ્યાનો તથા શિબિરો પણ યોજાય છે. એ માટે ગુરુઓનો રાફડો ફાટ્યો છે. કેટલાકે સારી જમાવટ પણ કરી દીધી છે. માણસનું જીવન વર્તમાનમાં ખૂબ વ્યસ્ત છે. એમાંથી સુખ અને શાંતિનો કોઈ માર્ગ મળતો હોય તો એને માટે તે દોડાદાડ કરતો રહે છે. આપણે ત્યાં કેટલીક કુશળ વ્યક્તિઓએ ઘણા લોકોને આકર્ષ્યા છે.
‘આધ્યાત્મિકતા’ શું છે? અનુભવી અને જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે આત્મા પોતે પોતાનો શત્રુ અને મિત્ર છે. મોટા ભાગે માણસ પોતાની પ્રકૃતિથી સુખ-દુ:ખ પ્રાપ્ત કરે છે અને બીજાને સુખી કે દુખી કરે છે. આ પ્રકૃતિ એટલે વ્યક્તિના રાગ અને દોષ, વાસનાઓ, પરિગ્રહ, મોહ, લોભ. ઇન્દ્રિય સુખોપભોગની લાલસા મનને વિક્ષુબ્ધ અને ચંચળ બનાવે છે, તેની બુદ્ધિને ભ્રમિત કરે છે. આધ્યાત્મિકતા એટલે રાગ-દ્વેષ ઓછા કરવા અને વાસનાઓ પર અંકુશ રાખવો. આટલું થાય તો ચિત્તની અને બુદ્ધિની સ્થિરતા પ્રાપ્ત થાય. ધ્યાન, યોગ, ભક્તિ એમાં સહાયભૂત થાય, પણ સંયમ ન હોય; પરિગ્રહમોહ અને સુખોપભોગની અભિલાષા ઓછી ન થાય તો આવાં ધ્યાન, યોગ, તપ કે ભક્તિ સફળ થતાં નથી. વ્યાખ્યાનો-પ્રવચનો માર્ગદર્શક થાય છે, પણ આચરણ ન હોય તો મિથ્યા છે.
ADVERTISEMENT
માણસ મોટા ભાગે સ્વાર્થી-સ્વલક્ષી હોય છે. બીજાનાં સુખ-દુ:ખની પરવા કરતો નથી. આવો સ્વાર્થભાવ ઓછો કરવાનો સરળ માર્ગ છે કોઈ પ્રકારનું સેવાનું કામ કરવું, બીજાનાં સુખ-દુ:ખના સાથી બનવું, આધ્યાત્મિકતાના નામે અત્યારે જે ચાલે છે એ ભ્રમજાળ છે, સાચી સાધના નથી. માનવસેવા કરનાર જ આધ્યાત્મિક માર્ગમાં આગળ વધી શકતો હોય છે. કોઈના પર ઉપકાર કરીએ છીએ એ ભાવ સદંતર નીકળી જવો જોઈએ. આ કહીએ કે લખીએ છીએ એટલું સહેલું નથી. માણસનો સાચો વિકાસ (આંતરિક) બીજાનાં સુખ-દુ:ખમાં અને ખાસ કરીને દુ:ખમાં ભાગીદાર થવામાં છે. સંસારનું સૌથી મોટું અનિષ્ટ દુ:ખ નથી, સ્વાર્થ છે. માણસ પોતાનું હૃદય કેટલું વિશાળ કરી શકે છે એ દરેક વ્યક્તિની પ્રકૃતિ, સંસ્કાર અને સાધના પર આધાર રાખે છે. આવી સેવા કરવી સહેલી નથી. અંતરના ભાવ શુદ્ધ હોય પણ સંજોગો પ્રતિકૂળ હોય, ઈર્ષા કે ખટપટ હોય, મતભેદો હોય. સંસ્થા કે સમૂહમાં કામ કરતા હોઈએ ત્યારે સૌને સાથે રાખીને કામ કરવાની કુશળતા જોઈએ. દરેક વ્યક્તિ મોટી થવા અથવા મોટી દેખાવાની ઇચ્છા વ્યક્ત કરે છે. સેવા કરનાર કુશળ વ્યક્તિ એ જ ગણાય જે તેના સાથી-કાર્યકરો પ્રત્યે આદર રાખે અને પોતાનું વર્તન એવું હોય કે બીજાને પોતાના પ્રત્યે આદર થાય. શુદ્ધ સેવાભાવ કોઈ પણ અપેક્ષા વિનાનો વિરલ હોય છે. સેવાધર્મ ગહન છે. યોગીઓને પણ અગમ્ય છે.
- હેમંત ઠક્કર (લેખક જાણીતા પ્રકાશનગૃહ એન.એમ. ઠક્કરની કંપનીના સૂત્રધાર છે)

