સોશ્યલ મીડિયા કંપનીઓને ડર છે કે ભારતમાં તેમની સ્થિતિ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર જેવી થઈ શકે છે, જેમાં સરકાર કાયદો અને વ્યવસ્થાનું કારણ આગળ ધરીને ગમે ત્યારે ઇન્ટરનેટ સર્વિસ બંધ કરી દે છે
સોશ્યલ મીડિયા v/s સરકારની ગોલા લડાઈ
ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયા કોઈ પણ પ્રકારના અંકુશ વગર ચાલે છે. તેમના પર કોઈક અંશે દાબ રાખવાનું ચલણ વિશ્વભરમાં વધતું જાય છે. સોશ્યલ મીડિયા કંપનીઓને ડર છે કે ભારતમાં તેમની સ્થિતિ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર જેવી થઈ શકે છે, જેમાં સરકાર કાયદો અને વ્યવસ્થાનું કારણ આગળ ધરીને ગમે ત્યારે ઇન્ટરનેટ સર્વિસ બંધ કરી દે છે
ઇન્ટરનેટ અને વિશેષ તો ઇન્ટરનેટની તાકાત પર તગડી થયેલી ટ્વિટર, ફેસબુક, વૉટ્સઍપ અને ઍમેઝૉન જેવી ટેક્નૉલૉજિકલ કંપનીઓ માટે ચીન નર્ક સમાન છે અને ભારતમાં તેઓ સ્વર્ગની સાહ્યબી ભોગવે છે એવી માન્યતા હજી થોડા વખત પહેલાં માત્ર ભારતમાં જ નહીં, ચીનમાં પણ પ્રચલિત હતી. જોકે પાછલા અમુક મહિનાઓથી અચાનક આ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. અત્યારે આ કંપનીઓ અને ભારત સરકાર વચ્ચે તુમુલ યુદ્ધ છેડાયું છે.
તમને જો યાદ હોય તો ૨૬ મે ૨૦૨૧ના રોજ નવા ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (ઇન્ટરમિડિયરી ગાઇડલાઇન્સ ઍન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) રૂલ્સ અમલી બન્યા ત્યારે સોશ્યલ મીડિયા પર અનેક પોસ્ટ્સ અને રિપોર્ટ્સ ફરતા થયા હતા કે આ નવા નિયમો હેઠળ ટ્વિટર અને ફેસબુક પર પ્રતિબંધ મુકાશે.
કોરોનાની બીજી લહેરે ભારતમાં જે ઘાતકી સપાટો બોલાવ્યો ત્યારે આ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ અનેક લોકો માટે મુશ્કેલીઓને ઉજાગર કરવાનું, મદદ માગવાનું, સરકારના ગેરવહીવટને ખુલ્લા પાડવાનું સાધન બન્યું હતું. સરકારનો આરોપ હતો કે સોશ્યલ મીડિયા પર કોઈ નિયંત્રણ નથી એટલે તે ફેક ન્યુઝનો સોર્સ બની ગયું છે, એટલે તેમના પર નિયમોનો ગાળિયો કસવો દેશના હિતમાં છે.
ચાર મહિના પહેલાં ખેડૂત આંદોલન વખતે પણ ટ્વિટર અને ફેસબુક સામે સરકારે આવી જ ફરિયાદ કરી હતી કે આ પ્લૅટફૉર્મના કારણે આ આંદોલનને વિશ્વભરમાં પ્રસિદ્ધિ મળી હતી અને એનો લાભ લઈને ‘દેશવિરોધી’ તત્ત્વો એમાં કૂદી પડ્યાં છે. સરકારે ત્યારે ગ્રેટા થુનબર્ગ અને રિહાના જેવી સેલિબ્રિટીઝ સામે કેસ પણ દર્જ કર્યો હતો. સરકારે ત્યારે ટ્વિટરને આંદોલન સંબંધિત અનેક પોસ્ટ ઉતારી લેવાનો આદેશ કર્યો હતો. ટ્વિટરે અમુક પોસ્ટમાં એ આદેશનું પાલન કર્યું હતું, અમુકમાં અભિવ્યક્તિની આઝાદીના નામે પાલન કર્યું નહોતું.
એ વખતે ટ્વિટરને પાઠ ભણાવવા માટે ભારતીય સત્તાવાળાઓએ અપ્રમેય રાધાકૃષ્ણન નામના બિઝનેસમૅનની ૧૦ મહિના જૂની માઇક્રોબ્લૉગિંગ સાઇટ ‘કૂ’ને પ્રમોટ કરવાનું ચાલુ કર્યું હતું. સરકારના અનેક પ્રધાનોએ ટ્વિટર પરથી ‘કૂ’ પર સ્થળાંતર કરવાની જાહેરાત કરી હતી. એવું લાગતું હતું કે ભારત સરકાર ચીનની પોતાની આગવી સાઇટ ‘વેઇબો’ જેમ ‘કૂ’ને ભારતની માઇક્રોબ્લૉગિંગ સાઇટ બનાવવા માગે છે.
નવા ઇન્ટરમિડિયરી રૂલ્સ એની જ આગલી કડી છે. આ રૂલ્સ દ્વારા સરકાર સોશ્યલ મીડિયા પર આવતી સામગ્રીને નિયંત્રિત કરવા માગે છે અને એને કાયદો-વ્યવસ્થાના દાયરામાં લાવીને સોશ્યલ મીડિયાના અધિકારીઓને પોલીસ કાર્યવાહી માટે ઉત્તરદાયી ઠેરવવા માગે છે. નવા નિયમ પ્રમાણે દેશી-વિદેશી સોશ્યલ મીડિયા કંપનીઓએ સ્થાનિક અધિકારીની નિમણૂક કરવી પડશે, જેની સાથે ભારતીય કાનૂની સત્તાવાળાઓ સંપર્ક કરી શકે, સાઇટ માટે ફરિયાદો આવે તો એના ઉકેલ માટેની વ્યવસ્થા ગોઠવવી પડશે અને સરકાર નોટિસ આપે એના ૩૬ કલાકમાં સામગ્રી ઉતારવી પડશે. સત્તાવાળા ઇચ્છે ત્યારે સોશ્યલ મીડિયા કંપનીએ ‘સૌથી પહેલાં માહિતી ક્યાંથી આવી હતી’ એ જાહેર કરવું પડશે.
ટ્વિટરે હજી આ નિયમોનું પાલન નથી કર્યું અને સરકાર પાસે વધુ સમય માગ્યો છે. ટ્વિટરે એક નિવેદનમાં કહ્યું હતું કે ‘અત્યારે તો અમારી ચિંતા ભારતમાં અમારા કર્મચારીઓ અને લોકોની અભિવ્યક્તિની આઝાદીની છે.’
કૉન્ગ્રેસ પાર્ટીની એક કથિત ટૂલકિટના મામલે તો દિલ્હી પોલીસની એક ટીમ દિલ્હીની ટ્વિટર ઑફિસમાં આંટો પણ મારી આવી હતી. બીજેપીના પ્રવક્તા સંબિત પાત્રાએ એક ટ્વીટમાં કૉન્ગ્રેસની ટૂલકિટનો ‘પર્દાફાશ’ કર્યો હતો કે કૉન્ગ્રેસ પક્ષે કોવિડ મહામારીનું નામ લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ દેશને બદનામ કરવાનું કાવતરું બનાવ્યું છે. કૉન્ગ્રેસના બે નેતાઓએ તો એની સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરી હતી કે બીજેપીને જ નેતાઓએ ટૂલકિટ બનાવી છે. ટ્વિટરે તો પાત્રાની ટ્વીટને ‘મૅનિપ્યુલેટેડ મીડિયા’ની કૅટેગરીમાં મૂકી હતી એટલે સરકાર ઔર ગિન્નાઈ હતી અને ટ્વિટરને એ ‘બિરુદ’ હટાવી લેવાનો આદેશ કર્યો હતો.
ટ્વિટર અને સરકાર વચ્ચેની ટસલ ૨૫ જૂને તો માહિતી અને પ્રસારણપ્રધાન રવિ શંકર પ્રસાદના ટ્વિટર અકાઉન્ટ પર પહોંચી હતી. તેમણે એક વિડિયો પોસ્ટ કર્યો હતો અને ટ્વિટરે અમેરિકામાં કૉપીરાઇટના ભંગ બદલ એક કલાક માટે તેમનું અકાઉન્ટ બંધ કર્યું હતું. એના એક અઠવાડિયા અગાઉ એક વાઇરલ વિડિયોના મામલે ટ્વિટરના ભારતીય અધિકારી સામે ગાઝિયાબાદ પોલીસે એફઆઇઆર દર્જ કર્યો હતો.
ફેસબુકની માલિકીના વૉટ્સઍપે પણ સરકારના નવા નિયમોને દિલ્હીની વડી અદાલતમાં પડકારીને કહ્યું છે કે આ નિયમો પ્રમાણે તે જો એન્ક્રિપ્ટેડ મેસેજ સુધી સરકારી એજન્સીઓને જવા દે તો એનાથી લોકોની પ્રાઇવસીના અધિકારનો ભંગ થાય છે. વૉટ્સઍપમાં મેસેજની થતી આપ-લે કાયદાની પહોંચની બહાર છે અને સરકાર દેશવિરોધી અને આતંકી કૃત્યોને રોકવા માટે એ મેસેજમાં દખલ માગે છે. ૫૦ લાખથી વધુ યુઝર્સવાળા વૉટ્સઍપમાં કયો મેસેજ ક્યાંથી આવ્યો છે એનો રેકૉર્ડ રાખવાનું સરકારે કહ્યું છે, જેથી સરકાર માગે ત્યારે એ ઉપલબ્ધ કરી શકાય.
ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયા કોઈ પણ પ્રકારના અંકુશ વગર ચાલે છે. એમના પર કોઈક અંશે દાબ રાખવાનું ચલણ વિશ્વભરમાં વધતું જાય છે. સોશ્યલ મીડિયા કંપનીઓને ડર છે કે ભારતમાં તેમની સ્થિતિ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર જેવી થઈ શકે છે, જેમાં સરકાર કાયદો અને વ્યવસ્થાનું કારણ આગળ ધરીને ગમે ત્યારે ઇન્ટરનેટ સર્વિસ બંધ કરી દે છે.
ભારત જેવા નિયમો પાકિસ્તાન અને વિયેતનામમાં છે. બ્રાઝિલ, પોલૅન્ડ, તુર્કી અને જર્મની જેવા દેશોમાં પણ આવા નિયમો લાગુ કરાવવામાં આવી રહ્યા છે. તુર્કીએ જર્મનીની દેખાદેખી એક નિયમ બનાવ્યો છે જે અંતર્ગત સોશ્યલ મીડિયામાં સ્થાનિક અધિકારીની નિમણૂક કરવાની હોય છે. કાનૂનની એજન્સીઓ જરૂર પડે ત્યારે આ અધિકારીનું ગળું પકડી શકે. આ ઉપરાંત એજન્સીના આદેશ પર ૪૮ કલાકમાં વાંધાજનક સામગ્રી હટાવી લેવાની હોય છે. અમેરિકામાં ડોનલ્ડ ટ્રમ્પના તંત્રએ પણ ટ્વિટર અને ફેસબુક જેવી કંપનીઓ પર લગામ કસવાનો પ્રયાસ કર્યો હતો. નાઇજીરિયાએ ગયા મહિને જ ટ્વિટર પર પ્રતિબંધ લગાવીને ભારતના ‘કૂ’ને પ્રમોટ કર્યું છે.
હકીકતમાં આ મુદ્દો કોઈ રાજકીય નેતાઓ કે સોશ્યલ મીડિયાના દિગ્ગજો વચ્ચેનો નથી, પણ લોકતંત્ર અને ટેક્નૉલૉજિકલ કંપનીઓ વચ્ચેના ટકરાવનો છે. આ કંપનીઓની પાસે તાકાત એટલી વધી ગઈ છે અને કરોડો લોકોને એટલા નશીલા બનાવી દીધા છે કે તેઓ ધારે તો દુનિયાને પોતાની આંગળીઓ પર નચાવી શકે છે. ભારતના કિસ્સામાં મહત્ત્વની વાત એ છે કે ચીન પછીનું એ સૌથી મોટું બજાર છે. ચીનમાં તો પહેલેથી જ દરવાજા બંધ છે અને સખત કાનૂનો છે, પણ ભારત જેવા વિશાળ અને લોકતાંત્રિક દેશમાં જો સોશ્યલ મીડિયા પર સરકારી અંકુશ આવે તો દુનિયામાં બીજે ઠેકાણે પણ એનું ઉદાહરણ આપવામાં આવે એમ છે.
ડિજિટલ આઝાદી માટે કામ કરતા ધી ઇલેક્ટ્રૉનિક ફ્રન્ટિયર ફાઉન્ડેશને એક લેખમાં લખ્યું હતું કે ‘ભારતે એના નિયમોમાં કઠોર ફેરફારો કર્યા છે, જેનાથી નાગરિકો પર નજર રાખવાની નવી સંભાવનાઓ ઊભી થઈ છે. આંતરરાષ્ટ્રીય માનવાધિકારની બુનિયાદ પર ઊભા થયેલા મુક્ત અને ખુલ્લા ઇન્ટરનેટ માટે આ નિયમો જોખમી છે.’ બીજી તરફ ભારત સરકારનો મત એવો છે કે સોશ્યલ મીડિયા પર સરકારની ટીકા થાય એનો વાંધો નથી; પરંતુ કાયદો-વ્યવસ્થા બગડે, બાળ-પૉર્નોગ્રાફીને પ્રોત્સાહન મળે અને અત્યાચારના વિડિયો વાઇરલ થાય એવી બાબતો માટે સોશ્યલ મીડિયાની જવાબદારી બનવી જોઈએ.
ભારતમાં ફેક ન્યૂઝનું દૂષણ છેલ્લાં કેટલાંક વર્ષોથી ખૂબ વધ્યું છે. એક અબજથી વધુની વસ્તીવાળા દેશમાં બહુમતી વર્ગ એવો છે જે સાચી-ખોટી માહિતીનો ભેદ કરી શકતો નથી. ૨૦૧૮માં આ મુદ્દો બહુ ચગ્યો હતો જ્યારે વૉટ્સઍપ પર ફૉર્વર્ડ થતી અફવાઓને કારણે દેશમાં લિન્ચિંગની અનેક ઘટનાઓ બની હતી. વૉટ્સઍપે ત્યારે ફૉર્વર્ડ મેસેજની સંખ્યા સીમિત કરી નાખી હતી.
ભારતમાં અગાઉ કામ કરી ચૂકેલા ફેસબુકની પબ્લિક પૉલિસીના ભૂતપૂર્વ વડા કેટી હરબાથે બ્લૂમબર્ગ ઑનલાઇન મૅગેઝિનને કહ્યું હતું કે ‘મને લાગે છે કે મોદીના મનમાં ચીનનો દાખલો છે અને તેમને લાગે છે કે ભારત પણ આર્થિક સમૃદ્ધિ હાંસલ કરવાની સાથે-સાથે અભિવ્યક્તિ પર નિયંત્રણ મૂકી શકે એમ છે. ભારત કઈ દિશામાં જાય છે એ જોવાનું રહેશે.’
સોશ્યલ મીડિયા કંપનીઓ માટે પણ ભારતે બનાવેલા નિયમોને નજરઅંદાજ કરવા આસાન નથી. મહત્ત્વની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીને જેટલી જરૂર સોશ્યલ મીડિયાની છે એટલી જ જરૂર સોશ્યલ મીડિયા કંપનીઓને ભારત જેવા વિશાળ બજારની છે. આ કંપનીઓ ભારતમાં કેવો અભિગમ અપનાવે છે એની અસર બીજા દેશોમાં એમના અભિગમ પર પણ પડવાની છે. અત્યારે તો સ્થિતિ એવી છે કે બે બળિયા પોતપોતાની બોડમાંથી એકબીજાને ઘુરકિયાં કરી રહ્યા છે અને બહાર આવીને ‘જોઈ લેવા’ની ધમકી આપી રહ્યા છે. ખરેખર એવું થશે કે પછી ઘુરકિયાં શાંત થઈ જશે એનો એક સંકેત ઉત્તર પ્રદેશની ચૂંટણી અગાઉ સોશ્યલ મીડિયા પર કેવી સામગ્રી આવે છે અને સરકાર શું કરે છે એમાંથી મળશે.
ADVERTISEMENT
ભારતમાં સોશ્યલ મીડિયાનું બજાર
વૉટ્સઍપ - ૫૩૦ મિલ્યનથી વધુ યુઝર્સ
યુટ્યુબ - ૪૫૦ મિલ્યનથી વધુ યુઝર્સ
ફેસબુક - ૪૧૦ મિલ્યનથી વધુ યુઝર્સ
ઇન્સ્ટાગ્રામ - ૬૯ મિલ્યનથી વધુ યુઝર્સ
ટ્વિટર - ૧૭.૫ મિલ્યન યુઝર્સ
ટિકટૉક (હવે પ્રતિબંધિત) - ૨૦૦ મિલ્યન યુઝર્સ
ઇન્ટરનેટ યુઝર્સ - ૬૨૪ મિલ્યન
મોબાઇલ કનેક્શન - ૧.૧૦ બિલ્યન


