તમને ખબર છે, માણસ માત્રની કમનસીબી છે કે તે એ જ જોયા કરે છે જે તેને નથી મળ્યું.

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
વાહ, આજે ફરી આંખ ઊઘડી.
આજની આ સવાર દુનિયાના હજારો લોકો જુએ એ પહેલાં જ તેમણે દુનિયાને અલવિદા કહી દીધી છે. ઊંઘમાં જ, આંખો મીંચાયેલી અવસ્થામાં જ. તમારી સાથે એવું નથી થયું. તમે આજે જાગી શક્યા. આજે તમે ફરી એક નવા દિવસના સાક્ષી બની શક્યા છો. તમે ફરી આજે એટલી જ સ્વસ્થતા સાથે જીવી શકો એવી તક તમને ઈશ્વરે આપી છે. આ વાત આશીર્વાદથી સહેજ પણ ઓછી ઊતરતી લાગે છે ખરી?
ADVERTISEMENT
તમને ખબર છે, માણસ માત્રની કમનસીબી છે કે તે એ જ જોયા કરે છે જે તેને નથી મળ્યું. અભાવને જોવાનો સ્વભાવ વ્યક્તિને ક્યારેય સુખની ક્ષણો માણવા નથી દેતો. સાચું કહેજો, તમારો જન્મ માત્ર દુખી રહેવા માટે કે શું નથી પામી શકાયું એના અફસોસમાં દેવદાસ બનીને રહેવા માટે જ થયો છે કે નહીં? સાચું કહેજો, એક આખા દિવસમાં એક ક્ષણ પણ એવી નથી હોતી જેને માટે તમને ઈશ્વરનો પાડ માનવાનું મન થાય? દરિદ્રમાં દરિદ્ર માણસ પાસે પણ કંઈક તો એવું હોય જ જેને માટે તેણે પ્રકૃતિનો આભાર માનવો પડે. બહુ જ ખરાબ રીતે કીમતી જીવનને આપણે ‘શું નથી’ એના દુઃખમાં અને એની પાછળ દોડવામાં એવું બરબાદ કરી નાખીએ છીએ, જેને લીધે ‘શું કરવા જેવું હતું’ અથવા તો ‘કઈ રીતે જીવવું તમારે માટે શક્ય હતું’ એ દિશામાં વિચારતા જ નથી.
ચાલો, આજથી નિશ્ચય કરીએ કે રોજનો એક કલાક જાત માટે જીવીશું. રોજનો એક કલાક પોતાને ગમે એ પ્રવૃત્તિમાં પસાર કરીશું. તમને વાંચન ગમે તો વાંચન કરો, તમને ફિલ્મોનો શોખ હોય કે તમને સંગીતનો શોખ હોય તો એમાં સમય પસાર કરો, તમને મિત્રો સાથે સમય પસાર કરવાનું ગમતું હોય તો મિત્રોને મળો અને તમને પેઇન્ટિંગ ગમતું હોય તો એ કરો, પણ હા, તમારી પાસે પ્લાનિંગ હોવું જોઈએ કે મારા જે પણ સંજોગો છે એમાંથી પણ એક કલાકનો સમય હું એ પ્રવૃત્તિમાં પસાર કરીશ, જેમાં મને આનંદ આવશે, જે મારા ચહેરા પર સ્મિત અને હૃદયમાં સંતુષ્ટિ પાથરી દેતું હશે.
જો ૨૪ કલાકમાંથી એક કલાક તમે તમારી જાતને નિખારતી ઍક્ટિવિટીને ન ફાળવી શકતા હો તો ધૂળ પડી તમારા જીવનમાં અને મહેરબાની કરીને, ‘મારું તો કામ જ મારું વેકેશન છે અને હું તો વર્કને જ મારું પૅશન માનું છું’ જેવી ઠાવકાઈથી જાતને છેતરવાનું બંધ કરજો. બની શકે તમને તમારું કામ ખૂબ આનંદ આપતું હશે, પણ સાથે મોનોટોની પર થતું કામ ત્રાસ પણ આપવાનું કામ કરે છે. ધારો કે તમે લેખક છો. લખવું એ તમારું પૅશન છે, પણ જાતને પૂછી જુઓ કે અત્યારે હું જે લખું છું એમાં મજા આવે છે મને? પ્રામાણિક જવાબ જે આવે એને ફૉલો કરો. જો જવાબ હકારમાં હોય તો કરો એ જ લેખનકાર્ય, પણ જો જવાબ ના આવે તો જાતને પૂછો કે આના સિવાય બીજા કયા પ્રકારના લેખનકાર્યમાં મને મજા આવશે? લેખન સિવાય બીજું શું કરીશ જેમાં મને આનંદ આવે. એક કલાક તમારે પોતાને આપવાનો છે, જેમાં તમને આનંદ આવતો હોય.
બહુ જરૂરી છે આ અને અનિવાર્ય પણ એટલું જ છે.

