ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

shot-button

હોમ > કૉલમ > > > પ્રેરણાસ્રોત ગાંધીજી કોનાથી પ્રભાવિત હતા?

પ્રેરણાસ્રોત ગાંધીજી કોનાથી પ્રભાવિત હતા?

30 January, 2023 10:33 AM IST | Mumbai
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

દેશની એકતા અને અખંડિતતાના પ્રહરી તેમ જ પોતાની નીડરતા, સાદગી, ત્યાગ અને સમર્પણની ભાવનાથી દેશવિદેશના અનેક લોકોના હૃદયમાં સ્થાન મેળવનાર સરદાર વલ્લભભાઈ પટેલ માટે ગાંધીજીને કાયમ માન હતું. 

પ્રેરણાસ્રોત ગાંધીજી કોનાથી પ્રભાવિત હતા? Shaheed Diwas

પ્રેરણાસ્રોત ગાંધીજી કોનાથી પ્રભાવિત હતા?

સ્વરાજની ચળવળ દરમ્યાન લાખો લોકોને પોતાના વિચારો અને જીવનથી પ્રેરણા પૂરી પાડનારા મહાત્મા ગાંધીને જીવનમાં ડગલે ને પગલે ક્યાંથી ઇન્સ્પિરેશન મળી હતી? બાપુની આત્મકથા અને સાબરમતી આશ્રમમાં તેમના જીવનને અપાયેલા શબ્દદેહ થકી આજે જાણીએ તેમને નવતર વિચારોથી પ્રેરિત કરનારા લોકો અને પ્રસંગો વિશે

દેશની એકતા અને અખંડિતતાના પ્રહરી તેમ જ પોતાની નીડરતા, સાદગી, ત્યાગ અને સમર્પણની ભાવનાથી દેશવિદેશના અનેક લોકોના હૃદયમાં સ્થાન મેળવનાર સરદાર વલ્લભભાઈ પટેલ માટે ગાંધીજીને કાયમ માન હતું. 

 


આપણા દેશની આઝાદીના લડવૈયા, સત્ય અને અહિંસાના પૂજારી એવા મહાત્મા ગાંધી દેશ અને વિદેશના લાખો લોકો માટે પ્રેરણારૂપ રહ્યા છે. કંઈ કેટલાય લોકો માટે ગાંધીબાપુનું જીવન પ્રેરણાનું ઝરણું બની રહ્યું છે પરંતુ મોહનદાસ કરમચંદ ગાંધી પણ આખરે એક માણસ હતા, તેમને પણ લાગણીઓ હતી, તેમની પણ વેદના-સંવેદના હતી તો આ વિશ્વ વિભૂતિ કોનાથી પ્રભાવિત હતી? તેમના જીવનના કયા-કયા પડાવે કોણે સ્થાન મેળવ્યું હતું? તેમની નિરાશાના સમયે કયો ધાર્મિક ગ્રંથ તેમને સહાય કરતો? કોણ તેમના અહિંસક અસહકારની કળાના આચરણના ગુરુ હતા? કયું નાટક વાંચીને તેઓ પ્રભાવિત થયા હતા? કોને તેમણે તેમના રાજકીય ગુરુ તરીકે ઓળખાવ્યા હતા? કોના બહોળા આત્મજ્ઞાન, શુદ્ધ ચરિત્ર અને આત્મદર્શન કરાવવાની ધગશથી તેઓ પ્રભાવિત થયા હતા? બાપુએ પોતાને કોના સૈનિક ગણાવ્યા હતા? કયા પુસ્તકે બાપુના ચિત્ત પર ઘેરી અસર કરી હતી? આ બધા પ્રશ્નો નિરુત્તર નથી.

ગાંધીજીએ લખેલા ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ પુસ્તક તેમ જ બાપુએ અમદાવાદમાં સ્થાપેલા સાબરમતી આશ્રમમાં મહાત્માના પ્રેરણાસ્રોતની આવી તો કંઈ કેટલીયે વાતો નોંધાયેલી છે. બાપુએ લખેલા તેમની આત્મકથાના પુસ્તક અને સાબરમતી આશ્રમમાં મોહનદાસ કરમચંદ ગાંધીના જીવનની એવી ઘણીબધી બાબતોને શબ્દદેહ અપાયો છે કે એ આજે પણ અન્યોના જીવનને ઉત્કૃષ્ટતા બક્ષી રહ્યો છે, જીવન ઘડતર કરી રહ્યો છે. આજે ગાંધીજીનો નિર્વાણદિન છે ત્યારે આવો મહાત્મા ગાંધીજીની આ સાઇડ પર કરીએ એક નજર.


૧. રામનામ અમોઘ શક્તિ 

રામ નામનું બીજ ગાંધીબાપુના મનમાં બચપણથી રોપાયું હતું અને એ અમોઘ શક્તિ બની રહ્યું હતું. બાપુના કાકાના દીકરાએ બાપુ અને તેમના ભાઈ માટે રામરક્ષાનો પાઠ શીખવવાનો પ્રબંધ કર્યો હતો અને તેઓ રામનામના પાઠ શીખતા હતા. રામાયણની પારાયણે બાપુના મન પર ઊંડી છાપ પાડી હતી. તેમના પિતા પોરબંદરમાં રામજી મંદિરમાં રોજ રાત્રે રામાયણ સાંભળતા હતા. બીલેશ્વરના લાધા મહારાજનો કંઠ મીઠો હતો. તેઓ દોહા-ચોપાઈ ગાતા ને અર્થ સમજાવતા. મહારાજ પોતે એના રસમાં લીન થઈ જતા અને શ્રોતાજનોને લીન કરી મૂકતા. ગાંધીજીને મહારાજના વાંચનમાં ખૂબ રસ આવતો હતો. આ રામાયણ શ્રવણ તેમના રામાયણ પરના અતિ પ્રેમનો પાયો હતો. તુલસીદાસની રામાયણને ભક્તિમાર્ગનો સર્વોત્તમ ગ્રંથ બાપુ ગણતા હતા.

૨. ભગવદ્ગીતા ગ્રંથે નિરાશામાં સહાય કરી 

ભગવદ્ગીતા એવો ગ્રંથ છે જે વાંચીને ધર્મરસ ઉત્પન્ન કરી શકાય એવું બાપુ માનતા હતા. બાપુ જ્યારે વિદેશમાં હતા ત્યારે બે થિયોસોફિસ્ટ મિત્રોની ઓળખાણ થઈ હતી. તેમણે બાપુને ગીતાજીની વાત કરી એ સમયે ગીતાજીનું વાંચન કરતા બીજા અધ્યાયના છેલ્લા શ્લોક ‘ધ્યાયતો વિષયાન્ પુંસઃ સંગસ્તેષૂપજાયતે...’ આ શ્લોકે બાપુના મન પર ઊંડી અસર કરી. એના ભણકારા તેમના કાનમાં વાગ્યા જ કરે. એ સમયે તેમને લાગ્યું કે ભગવદ્ગીતા અમૂલ્ય ગ્રંથ છે અને એ માન્યતા ધીમે-ધીમે વધતી ગઈ અને તત્ત્વજ્ઞાનને સારુ એને તેઓ સર્વોત્તમ ગ્રંથ ગણવા લાગ્યા અને તેમની નિરાશાના સમયે ગીતા ગ્રંથે તેમને અમૂલ્ય સહાય કરી હોવાનું નોંધ્યું છે. એક સમયે ગાંધીજી સવાર-સવારમાં દીવાલ પર ગીતાના શ્લોક લખીને ચોંટાડતા અને એ જરૂર પ્રમાણે જોતા અને ગોખતા હતા અને પાકા કરતા હતા. આમ કરીને ગાંધીજીએ તેર અધ્યાય મોઢે કરી લીધા હતા. ગીતા ગ્રંથ બાપુ માટે આચારનો એક પ્રૌઢ માર્ગદર્શક થઈ પડ્યો હતો. ‘ટ્રસ્ટી’ શબ્દનો અર્થ બાપુ ગીતાજીના અભ્યાસના કારણે વિશેષ સમજ્યા હતા. કાયદાના શાસ્ત્રને વિશે માન વધ્યું હતું.

૩. શ્રવણ અને હરિશ્ચંદ્ર નાટકની ઊંડી છાપ પડી 

ગાંધીજીના બાળપણના સમયમાં તેમના પિતાએ ખરીદેલું શ્રવણ પિતૃભક્તિ નાટક પુસ્તક તેમની નજરે ચડ્યું હતું. તેમને એ નાટક વાંચવાનું મન થયું અને એ નાટક તેઓ રસપૂર્વક વાંચી ગયા. એ દિવસોમાં કાચમાં ચિત્રો દેખાડનારા પણ આવતા હતા. તેમની પાસે શ્રવણ પોતાનાં માતા-પિતાને કાવડમાં બેસાડીને યાત્રા કરવા લઈ જાય છે એ દૃશ્ય બાપુએ જોયું હતું. આ બન્ને વસ્તુની તેમના પર ઊંડી છાપ પડી હતી. આ સમયમાં હરિશ્ચંદ્ર આખ્યાન નાટક આવ્યું હતું એ જોયું હતું. બાપુના મનમાં સેંકડો વખત એ નાટક ભજવાયું હતું. તેમને હરિશ્ચંદ્રનાં સપનાં આવે ને એમ થતું કે બધા હરિશ્ચંદ્ર જેવા સત્યવાદી કેમ ન થાય? આ ધૂન બાપુના મનમાં ચાલી હતી. હરિશ્ચંદ્ર ઉપર પડેલી એવી વિપત્તિઓ ભોગવવી ને સત્યનું પાલન કરવું એ જ ખરું સત્ય. જેવી નાટકમાં લખેલી એવી જ વિપદો હરિશ્ચંદ્રને પડી હશે એમ બાપુએ માની લીધું હતું. બાપુ મોટા થયા ત્યારે પણ તેમને મન હરિશ્ચંદ્ર અને શ્રવણ જીવતા હતા. હરિશ્ચંદ્રની સત્ય પ્રત્યેની પરાયણતાથી બાપુ ખૂબ જ પ્રભાવિત થયા હતા.

૪. કસ્તુરબા પાસેથી બાપુએ અહિંસાના પાઠ શીખ્યા 

કસ્તુરબા

પતિ-પત્નીનો સંબંધ દામ્પત્યજીવનને વધુ મજબૂત કરે એવું હેલ્ધી રિલેશન ગાંધીજી અને કસ્તુરબા વચ્ચે હતું. તેઓ વચ્ચે ખટમીઠી નોકઝોક પણ થતી હતી. બાપુએ નોંધ્યું હતું કે ‘હું અહિંસાનો પાઠ મારી પત્ની પાસેથી શીખ્યો. હું તેને હંમેશાં મારી ઇચ્છા આગળ નમાવવા મથતો. એ એક તરફથી મારી ઇચ્છાનો નિશ્ચયપૂર્વક સામનો કરતી અને બીજી બાજુએથી હું મારી જડતાનો માર્યો તેના પર જે કંઈ વિતાડું એ બધું શાંતિપૂર્વક બરદાસ કરતી. તેના આ શાંતિમય વિરોધે અંતે મારી આંખ ઉઘાડી, મને મારી શરમનું ભાન કરાવ્યું અને હું એના પર ધણીપણું ચલાવવા સારુ જન્મ્યો છું એ મૂર્ખાઈભર્યા વિચારમાંથી ઊગરી ગયો. તેણે મારામાં લીન બનવાનું પસંદ કર્યું. પરિણામે તે સાચે જ મારું શુભતર અર્ધાંગ બન્યાં. તે હંમેશાં બહુ મજબૂત ઇચ્છાશક્તિવાળી સ્ત્રી હતાં, જેને નવપરિણીત દશામાં હું ભૂલથી હઠીલાં ગણી કાઢતો પણ મજબૂત ઇચ્છાશક્તિને લીધે તે અજાણમાં જ અહિંસક અસહકારની કળાના આચરણમાં મારાં ગુરુ બન્યાં.’

૫. સરદાર પટેલના સૈનિક ગાંધીજી 

સરદાર વલ્લભભાઈ

દેશની એકતા અને અખંડિતતાના પ્રહરી તેમ જ પોતાની નીડરતા, સાદગી, ત્યાગ અને સમર્પણની ભાવનાથી દેશવિદેશના અનેક લોકોના હૃદયમાં સ્થાન મેળવનાર સરદાર વલ્લભભાઈ પટેલ માટે ગાંધીજીને કાયમ માન હતું. તેઓ તેમની નિકટ હતા. ગાંધીજી સાથે મુલાકાત થયા બાદ દેશની આઝાદી માટેની બાપુની વાતોથી સરદાર પટેલમાં દેશદાઝ વધુ મજબૂત થઈ હતી. કહેવાય છે કે બાપુ સાથે સરદાર પટેલનો સંપર્ક થયા બાદ ગાંધીજીની બધી પ્રવૃત્તિઓમાં લડતોના આગેવાન સરદાર વલ્લભભાઈ પટેલ રહેતા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની હેઠળ બારડોલી સત્યાગ્રહની શરૂઆત થઈ હતી અને ગાંધીજીએ દૂર રહીને આ લડતને દોરવણી આપી હતી. ગાંધીજી જ્યારે બારડોલી જવા નીકળ્યા ત્યારે કહ્યું હતું કે ‘સરદારના સૈનિક તરીકે જાઉં છું.’ ગાંધીજી દાંડીયાત્રા યોજવાના હતા એના માટે લોકજાગૃતિ અને એનો પ્રચાર સરદાર પટેલ કરી રહ્યા હતા ત્યારે ૭ માર્ચ, ૧૯૩૦ના રાસમાં સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. એના બીજા દિવસે નદીકિનારે ભરાયેલી સભામાં ગાંધીજી બોલ્યા હતા કે ‘વલ્લભભાઈએ મીઠાનો ભંગ કર્યો ન હતો છતાં તેમને પકડી સરકારે મારી જમણી બાંય તોડી નાખી.’ 

આ પણ વાંચો : Shaheed Diwas: મહાત્મા ગાંધીના આ અમૂલ્ય વિચારો હંમેશા કરશે લોકોનું માર્ગદર્શન

૬. ગોખલે રાજકીય ગુરુ હતા ગાંધીજીના 

ગોપાલકૃષ્ણ ગોખલે

ગોપાલકૃષ્ણ ગોખલેને મળીને ગાંધીજીને લાગ્યું કે તેઓ ગંગા જેવા છે. ગાંધીજીએ ગોખલેને તેમના રાજકીય ગુરુ તરીકે ઓળખાવ્યા હતા. ૧૯૧૫માં જ્યારે કાયમી વસવાટ માટે ગાંધીજી ભારત આવ્યા એ પહેલાં ગોખલેએ ગાંધીજી પાસેથી વચન લીધું હતું કે એક વર્ષ સુધી જાહેર પ્રશ્ન પર બોલવું નહીં. ૧૯૧૫ના ફેબ્રુઆરીમાં અમદાવાદના નાગરિકો સમક્ષ ગાંધીજીએ કહ્યું હતું કે ‘મને મારા પૂજય ગુરુ મિ. ગોખલેએ એક શિખામણ આપી છે કે જે માણસ હિન્દુસ્તાનની બહાર પચીસ વર્ષ રહ્યો હોય તેણે હિન્દુસ્તાનના સંબંધમાં બરાબર અભ્યાસ કર્યા વગર બોલવુ જોઈએ નહીં તેથી હું મારા કાન ખુલ્લા રાખું છું અને મોઢું બંધ કરું છું.’ ગાંધીજીએ એવું પણ નોંધ્યું છે કે ‘રાજ્યપ્રકરણી ક્ષેત્રમાં જે સ્થાન ગોખલેએ જીવતાં હૃદયમાં ભોગવ્યું અને મૃત્યુ પછી પણ ભોગવે છે એ કોઈ ભોગવી શક્યું નથી.’

૭. આધ્યાત્મિક ભીડમાં બાપુ શ્રીમદ્ રાજચંદ્રનો આશ્રય લેતા 

શ્રીમદ્ રાજચંદ્ર

મહાત્મા ગાંધીજીને શ્રીમદ્ રાજચંદ્રનો પરિચય ૧૮૯૧માં થયો હતો. તેમનું બહોળું શાસ્ત્રજ્ઞાન, તેમનું શુદ્ધ ચરિત્ર અને તેમની આત્મદર્શન કરવાની ભારે ધગશથી ગાંધીજી ખૂબ પ્રભાવિત થયા હતા અને તેમના પર મુગ્ધ થયા હતા. તેઓ શતાવધાની ગણાતા હતા અને એનો પરિચય પણ બાપુને થયો હતો. શ્રીમદ્ રાજચંદ્રની ધર્મવાર્તામાં બાપુને રસ પડતો. દરેક ધર્મના આચાર્યોને ગાંધીબાપુએ મળવાનો પ્રયત્ન કર્યો હતો પણ જે છાપ તેમના પર શ્રીમદ્ રાજચંદ્રએ પાડી એ બીજા કોઈ નથી પાડી શક્યા. તેમનાં ઘણાં વચનો સોંસરાં ઊતરી જતાં. તેમની બુદ્ધિ અને પ્રામાણિકતા વિશે બાપુને માન હતું અને એટલે જ બાપુ જાણતા હતા કે તેઓ બાપુને ઇરાદાપૂર્વક આડે રસ્તે નહીં દોરે ને પોતાના મનમાં હશે એવું જ કહેશે. એટલે ગાંધીબાપુ તેમની આધ્યાત્મિક ભીડમાં શ્રીમદ્ રાજચંદ્રનો આશ્રય લેતા હતા. 

૮. ટોલ્સટોય અને રસ્કિનના પુસ્તકથી ગાંધીજી થયા ચકિત  

ગાંધીજીના જીવન ઉપર ઊંડી છાપ પાડનારા ત્રણ મનુષ્યો હતા, જેમાંના એક શ્રીમદ્ રાજચંદ્રએ તેમના જીવંત સંસર્ગથી, બીજા ટોલ્સટોયે તેમના ‘વૈકુંઠ તારા હૃદયમાં છે’ નામના પુસ્તકથી અને ત્રીજા રસ્કિને ‘અન્ટુ ધ લાસ્ટ – સર્વોદય’ નામના પુસ્તકથી ગાંધીજીને ચકિત કર્યા હતા. ટોલ્સટોયનાં પુસ્તકોનું બાપુએ વાંચન વધાર્યું હતું અને તેમનાં ગૉસ્પેલ્સ ઇન બ્રીફ (નવા કરારનો સાર), વૉટ ટુ ડૂ (ત્યારે કરીશું શું ?) વગેરે પુસ્તકોએ ગાંધીબાપુના મન પર ઊંડી છાપ છોડી હતી. વિશ્વપ્રેમ મનુષ્યને ક્યાં લગી લઈ જઈ શકે છે એ બાપુ વધારે સમજવા લાગ્યા. 

આમની વફાદારી પર હતો ગાંધીબાપુને પૂરો વિશ્વાસ 

જોહનિસબર્ગમાં ઑફિસમાં ગાંધીજીને શૉર્ટહૅન્ડ રાઇટરની જરૂર હતી અને મિસ શ્લેશિન ત્યાં કામ કરવા આવી. તેના મનમાં ક્યાંય રંગદ્વેષ નહોતો. તેને કોઈની પરવા નહોતી. પોતાના મનમાં જેને વિશે જે વિચાર આવે એ કહેતાં સંકોચ ન રાખે. તેની વફાદારી પર પૂર્ણ વિશ્વાસ હોવાથી તેણે ટાઇપ કરેલા ઘણા કાગળોમાં ગાંધીજી ફરી તપાસ્યા વગર સહી કરી દેતા. તેની ત્યાગવૃત્તિ જેવી તીવ્ર હતી એવી જ તેની હિંમત હતી. સ્ફટિકમણિ જેટલી પવિત્રતાવાળી અને ક્ષત્રિયને અંજાવે એવી વીરતાવાળી આ બહેનને મળવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું એવું ખુદ ગાંધીબાપુએ નોંધ્યું છે. 

એક લટાર મારી તો જુઓ અમદાવાદના સાબરમતી આશ્રમમાં કે પછી મહાત્મા ગાંધીએ લખેલી તેમની આત્મકથાના પુસ્તકનાં પાનાંઓ ફેરવી તો જુઓ, કંઈક એવું આપના જીવનમાં શુભત્વ બની શકે છે, શાંતિનો એહસાસ થઈ શકે છે, સત્યનો રાહ દેખાઈ શકે છે, ચહેરાઓને ઓળખતા થઈ શકો છો અને કદાચ આપનું જીવન બદલાઈ પણ શકે છે.

(બાપુની ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ પુસ્તકમાં તેમ જ સાબરમતી અશ્રમમાં આ વાતોની નોંધ છે.)

મહાત્મા ગાંધીજીએ દીકરી દત્તક લીધી હતી

લક્ષ્મીબહેન

અમદાવાદમાં સત્યાગ્રહ આશ્રમમાં રહેતાં દાનીબહેન અને દુદાભાઈની દીકરી લક્ષ્મી એક વર્ષની હતી ત્યારે માતાપિતા સાથે આશ્રમમાં આવી હતી. લક્ષ્મીનો ઉછેર ગાંધીજીના સાંનિધ્યમાં થયો હતો. તેની કેળવણી પ્રત્યે બાપુ વિશેષ ધ્યાન આપતા હતા. ઑક્ટોબર, ૧૯૨૦માં ગાંધીજીએ લક્ષ્મીને દત્તક લીધી હતી. ૧૯૩૩માં ગાંધીજીની સંમતિથી લક્ષ્મીબહેનનાં લગ્ન મારુતિ શર્મા સાથે થયાં હતાં. લક્ષ્મીબહેનનું લગ્ન પછીનું જીવન પણ મહદ્ અંશે આશ્રમમાં જ વીત્યું હતું. 

ગરીબીનો સાક્ષાત્કાર

ચંપારણની લડત વખતે એક દિવસ ગાંધીજીની સૂચનાથી કસ્તુરબાએ ભીતિહરવા ગામની બહેનોને તેમનાં મેલાં કપડાં ધોવાનું કહ્યું. એમાંની એક બહેન બાને પોતાની ઝૂંપડીમાં લઈ ગઈ અને કહ્યું કે ‘તમે જુઓ, અહીં કંઈ પેટી-કબાટ નથી કે જેમાં કપડાં હોય. મારી પાસે આ મેં પહેરી છે એ જ સાડી છે, એને હું કઈ રીતે ધોઉં? મહાત્માજીને કહેજો કે તે કપડાં અપાવે એટલે હું રોજ નહાવા અને કપડાં બદલવા તૈયાર થઈશ.’  ગાંધીજીને આ વાત બાએ કરી ત્યારે તેમને ભારતની ગરીબીનો સાક્ષાત્કાર થયો.

30 January, 2023 10:33 AM IST | Mumbai | Shailesh Nayak

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK