‘સર, શાહનવાઝ તેની વૅનિટી વૅનમાં નથી અને આખા સેટ પર પણ નથી. તે ક્યારે ગાયબ થઈ ગયો એ ત્યાં પણ કોઈને ખબર જ ન પડી.’
પ્રતીકાત્મક તસવીર
‘સર, શાહનવાઝ તેની વૅનિટી વૅનમાં નથી અને આખા સેટ પર પણ નથી. તે ક્યારે ગાયબ થઈ ગયો એ ત્યાં પણ કોઈને ખબર જ ન પડી.’
આંગ્રે ઉચાટ અને તનાવભર્યા અવાજે વાઘમારેને ફોન પર કહી રહ્યો હતો. તેને ટેન્શન થઈ ગયું હતું કે ક્યાંક તેની સાથે આવેલો કોઈ જુનિયર પોલીસમૅન વાઘમારે સરને એ વાતની જાણ ન કરી દે કે તે વચ્ચે એક જગ્યાએ ‘કલેક્શન’ કરવા અને ચા-પાણી માટે રોકાઈ ગયો હતો એને કારણે તેને શાહનવાઝની ફિલ્મના સેટ પર પહોંચતાં મોડું થયું હતું!
‘વૉટ?’ વાઘમારેને આંચકો લાગ્યો.
‘હા, સર. તે અહીં નથી.’ આંગ્રેએ સહેજ થોથવાતા અને દબાતા
અવાજે કહ્યું.
એ સાથે વાઘમારેનો ગુસ્સો દબાયેલી સ્પ્રિંગની જેમ ઊછળ્યો. તેમણે કહ્યું, ‘તમારા લોકોથી એક કામ સરખી રીતે નથી થઈ શકતું! તમને લોકોને અક્કલ છે કે ઉપરથી કેટલું પ્રેશર છે!’
વાઘમારે પર કમિશનર સલીમ શેખનું પ્રેશર હતું અને કમિશનર પર ચીફ મિનિસ્ટર હરિભાઉનું પ્રેશર હતું. હરિભાઉ પર પૃથ્વીના પિતા પ્રતાપરાજનું પ્રેશર વધી રહ્યું હતું.
‘સૉરી સર.’
આંગ્રે ડરતાં-ડરતાં બોલ્યો.
‘શું સૉરી? તમારે લોકોએ માત્ર સૉરી બોલીને છટકી જવું છે. જવાબ મારે આપવો પડશે.’ વાઘમારેનો અવાજ ઓર ઊંચો થઈ ગયો.
‘પૃથ્વી, હું પ્રેગ્નન્ટ છું. મને હમણાં જ ખબર પડી...’
પૃથ્વીરાજના બેડરૂમમાં સોફિયા ઉચાટભર્યા અવાજે કહી રહી હતી. તેને કલ્પના પણ નહોતી કે હજી થોડા સમય પહેલાં જ પૃથ્વી પાયલ સાથે બેડ પર હતો!
‘વાઓ! ગ્રેટ ન્યુઝ!’ પૃથ્વીએ કહ્યું.
‘ગ્રેટ ન્યુઝ! તને આ ગ્રેટ ન્યુઝ
લાગે છે? મને ભયંકર ટેન્શન થઈ ગયું છે અને તું...’ સોફિયાનો અવાજ તરડાઈ ગયો.
‘હા, તો એમાં ટેન્શન કરવા જેવું શું છે! આમ પણ આપણે તો થોડા સમયમાં જ મૅરેજ કરી લેવાનાં છીએને. એવું હોય તો થોડા દિવસોમાં જ પરણી જઈએ.’ સોફિયાએ કહેલી વાત જાણે અત્યંત સહજ અને સામાન્ય હોય એવી રીતે પૃથ્વીરાજે કહ્યું.
‘અરે, પણ મારી કરીઅરનું શું?’
સોફિયાના અવાજમાં આઘાતની લાગણી હતી.
‘હા તો બાળકને જન્મ આપીને થોડા સમય બાદ પાછી ઍક્ટિંગ શરૂ કરી દેજે. એમાં શું મોટી વાત છે! અને આમ પણ હવે તો કેટલીયે ઍક્ટ્રેસ લગ્ન કરે છે, બાળક પેદા કરે છે અને પાછી કામે વળગી જાય છે.‘ પૃથ્વીરાજે ઠંડા કલેજે કહ્યું.
‘પૃથ્વી, તને સમજાય છે કે તું શું બોલી રહ્યો છે! મારે હજી જિંદગીને માણવી છે. અને મારી ઉંમર જ શું છે? મારે આ ઉંમરે મા નથી બનવું. અને આપણે લગ્ન કરીએ એના થોડા મહિનામાં જ હું બાળકને જન્મ આપું તો એનો અર્થ શું થાય?’ અકળાઈ ઊઠેલી સોફિયાએ સવાલ કર્યો.
‘એનો સિમ્પલ મીનિંગ એ કે આપણી વચ્ચે ફિઝિકલ રિલેશન હતાં અને તું લગ્ન પહેલાં જ પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી! કમ ઑન! લોકોને જે માનવું હોય એ માને! લોકોની બહુ પરવા નહીં કરવાની! આમ પણ બધાને ખબર છે કે આપણી વચ્ચે કેવો સંબંધ છે...’
તેને વચ્ચેથી જ અટકાવીને સોફિયા ઉશ્કેરાટભર્યા અવાજે બોલી ઊઠી, ‘પૃથ્વી, તું મને શું સમજે છે? મારી લાગણીનું, મારી કરીઅરનું તારા મનમાં કશું જ મૂલ્ય નથી. હું તારા માટે એક ચીજ જ છું જેનો તું મન થાય ત્યારે મનફાવે એ રીતે ઉપયોગ કરી શકે?’
સોફિયાના અવાજમાં હવે આક્રોશ ભળી ગયો હતો.
‘સોફિયા, આપણે આ વિશે પછી શાંતિથી વાત કરીએ. અત્યારે મારું મગજ ખરાબ ન કર. હમણાં મારે હૉલીવુડના ડિરેક્ટરને મળવા માટે ‘મૅરિયટ’માં પહોંચવાનું છે.’ પૃથ્વીરાજ પણ સહેજ અકળાઈ ગયો. તે ઊભો થઈ ગયો અને બેડરૂમમાંથી નીકળીને લિવિંગ રૂમના દરવાજા તરફ જવા માટે ઉતાવળે ચાલતો થયો.
‘યુ, @`#@`$%!’ સોફિયાએ પિત્તો ગુમાવ્યો.
તે ચીસો પાડતાં-પાડતાં પૃથ્વીની પાછળ લિવિંગ રૂમમાં ધસી ગઈ અને તેણે પોતાનો મોબાઇલ ફોન પૃથ્વીના મસ્તક પર ફેંક્યો!
સોફિયાએ મોબાઇલ ફોન ફેંકવા હાથ ઊંચો કર્યો એ જ વખતે પૃથ્વીની મૅનેજર સીમા લિવિંગ રૂમમાં પ્રવેશી. તેણે બૂમ પાડી : ‘સોફિયા, વૉટ આર યુ ડૂઇંગ!’
પૃથ્વી ચમક્યો અને પાછળ
તરફ ફર્યો.
સીમાએ તેને ચેતવવા બૂમ પાડી, ‘પૃથ્વી, બી કૅરફુલ!’
પૃથ્વી અચાનક પાછળ ફર્યો એટલે તે તો સોફિયાના મોબાઇલ ફોનના પ્રહારથી બચી ગયો પણ એ ફોન તેની નજીક દોડી આવેલી સીમાના કપાળમાં વાગ્યો.
સીમા તમ્મર ખાઈને નીચે બેસી પડી!
lll
‘સર, શાહનવાઝ ગાંડા થયેલા હાથીની જેમ કંઈ પણ કરી શકે છે. તે વિજય સિંહાની હત્યા કરવી શકતો હોય તો રશ્મિની હત્યા પણ થઈ જ શકે છે. રશ્મિનો જીવ જોખમમાં છે. રશ્મિ મારી ફ્રેન્ડ છે એટલે નહીં પણ તેની જગ્યાએ કોઈ પણ પત્રકાર હોત તો મેં આ જ રીતે વિચાર્યું હોત...’
રશ્મિન વાઘમારેને કહી રહ્યો હતો.
વાઘમારે કશુંક બોલવા ગયા એ જ વખતે તેમના મોબાઇલ ફોન પર કમિશનર શેખનો કૉલ આવી ગયો એટલે તેમણે એ કૉલ રિસીવ કરવો પડ્યો અને રશ્મિન સામે જોઈને માત્ર અંગૂઠો ઊંચો કર્યો અને તેઓ કમિશનર શેખ સાથે વાત કરવા લાગ્યા.
વાઘમારેએ જમણા હાથનો અંગૂઠો ઊંચો કર્યો એટલે રશ્મિને એનું અર્થઘટન એવું કર્યું કે તેમણે તેને કંઈ પણ કરવા માટે ગ્રીન સિગ્નલ આપી દીધું છે.
તે ફટાફટ વાઘમારેની કૅબિનની બહાર નીકળ્યો.
વાઘમારે તેને રોકવા ઇચ્છતા હતા, પણ કમિશનરનો કૉલ હોય ત્યારે જુનિયર ઑફિસર માટે એનાથી વધુ અગત્યનું કશું ન હોઈ શકે અને અત્યારે તો વળી શેખ ગુસ્સો ઠાલવી રહ્યા હતા એટલે તેમનું તમામ ધ્યાન શેખ સાથેની વાત પર કેન્દ્રિત થઈ ગયું હતું.
વાઘમારેને કલ્પના નહોતી કે પોતે અંગૂઠો ઊંચો કરશે એ સાથે રશ્મિન ચાલતો થઈ જશે. તેમણે રશ્મિનને રોકવા માટે હાથ ઊંચો કર્યો, પરંતુ એ દરમિયાન તો રશ્મિન ચાલતો થઈ ગયો હતો!
lll
‘શાહનવાઝને કોઈ પણ રીતે શોધી કાઢો. શાહનવાઝ બહાર હશે તો બીજા ક્રાઇમ કરશે-કરાવશે અને તેણે જે રીતે દુશ્મનો ઊભા કર્યા છે એ જોતાં તેના પોતાના પર પણ મોટું જોખમ તોળાઈ રહ્યું છે.’
અકળાયેલા શેખ વાઘમારેને કહી રહ્યા હતા.
lll
કમિશનર શેખ વાઘમારેને ખખડાવી રહ્યા હતા એ વખતે શાહનવાઝ સાઉદી અરેબિયા જવા રવાના થવા જેમાં બેઠો હતો એ ચાર્ટર્ડ ફ્લાઇટ ટેક ઑફ માટે રનવે પર ધસમસી રહી હતી!
પ્લેન ટેકઑફ થયું એ સાથે શાહનવાઝે અટ્ટહાસ્ય કર્યું અને પછી તેની બાજુમાં બેઠેલા તેના અંગત સહાયક રોશનને કહ્યું, ‘મને ફૅન્સ મળવા આવ્યા છે એવો ડોળ કરીને તેમની સાથે બુરખામાં તેમની કારમાં રવાના થઈ જવાનો તારો આઇડિયા બ્રિલિયન્ટ હતો!’
lll
‘તું ફટાફટ આપણા ચાર-પાંચ માણસોને લઈને ‘સહી ન્યુઝ’ ચૅનલના હેડક્વૉર્ટરની બહાર પહોંચ. હમણાં જ. આગળની ઇન્સ્ટ્રક્શન હું તને ફોન પર આપું છું.’
રશ્મિન સબ ઇન્સ્પેક્ટર વાઝેને સૂચના આપી રહ્યો હતો. તેણે ત્વરિત નિર્ણય લઈને ઍક્શન શરૂ કરી દીધી હતી.
તેણે ફટાફટ ત્રણ જુનિયર્સને સાથે લીધા અને તે તેની પ્રાઇવેટ ફૉર્ચ્યુનરમાં રશ્મિની ઑફિસ તરફ જવા માટે રવાના થયો. તે ઑફિસમાંથી બહાર નીકળતો હતો એ જ વખતે તેના યુનિટમાં અસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતી વૈશાલી સાલગાંવકર દરવાજામાં પ્રવેશી. તેને જોઈને રશ્મિનના મગજમાં એક વિચાર ઝબકી ગયો.
તેણે કહ્યું, ‘વૈશાલી, ચાલ મારી સાથે. કમ ઑન. ક્વિક. તારે ફ્રેશ થવું હોય તો ફટાફટ થઈ જા. તારી પાસે માત્ર દોઢ મિનિટ છે અને સાંભળ...’
lll
‘બે સશસ્ત્ર પોલીસમેનને ‘સહી ન્યુઝ’ ચૅનલના હેડક્વૉર્ટરના ગેટ પર અને બે કૉન્સ્ટેબલને રશ્મિ માથુરની કૅબિન બહાર તહેનાત કરી દો, હમણાં જ...’
રશ્મિન તેના પોલીસ ઑફિસર દોસ્ત આડેને કહી રહ્યો હતો. ફૉર્ચ્યુનર ગતિમાં આવી એ સાથે તે મોબાઇલ ફોનથી કૉલ્સ લગાવીને ધડાધડ આદેશ અને સૂચનાઓ આપવા લાગ્યો હતો.
‘ઉગાલે, ગાડી ભગાઓ.’ રશ્મિને ફૉર્ચ્યુનર ચલાવી રહેલા કૉન્સ્ટેબલને તાકીદ કરી.
ઉગાલે ટ્રાફિક વચ્ચે ઑલરેડી શક્ય એટલી ઝડપે ફૉર્ચ્યુનર દોડાવી રહ્યો હતો, પરંતુ રશ્મિને કહ્યું એટલે તેણે ઍક્સેલરેટર પર પગ દબાવ્યો અને ગતિ વધારી દીધી.
એ દરમિયાન રશ્મિને સબ ઇન્સ્પેક્ટર તરુણ કોયલને કૉલ લગાવીને કહ્યું, ‘કોયલ, હમણાં ને હમણાં થોડા માણસોને લઈને રશ્મિ માથુરની સોસાયટી બહાર પહોંચી જા. હું તને લોકેશન અને ઍડ્રેસ મોકલાવું છું. વિજય સિંહા પછી રશ્મિની હત્યા પણ થઈ શકે છે. કોઈ પણ હિસાબે રશ્મિને બચાવવાની છે...’
lll
‘રશ્મિ, આપણે એક જોખમ ઉઠાવવું પડશે. હું થોડી વારમાં તારી ઑફિસે પહોંચું છું. એ પછી તારી કાર બહાર નીકળશે...’
રશ્મિન ફોન પર રશ્મિને સૂચના આપી રહ્યો હતો.
lll
‘વાઝે, હું ‘સહી ન્યુઝ’ ચૅનલના હેડક્વૉર્ટરના એક દરવાજા બહાર ઊભો રહીશ. તું બીજા દરવાજા બહાર ઊભો રહેજે અને રશ્મિની કાર બહાર નીકળે એ વખતે એમાં રશ્મિનો ડ્રેસ પહેરેલી, રશ્મિ જેવો બાંધો ધરાવતી આપણી વૈશાલી પાછળની સીટ પર બેઠી હશે. વૈશાલીએ બુલેટપ્રૂફ જૅકેટ પહેરેલું હશે. કોઈ પણ સંજોગોમાં વૈશાલીને કશું જ ન થવું જોઈએ. તેને કંઈ થશે તો વાઘમારે સર અને સીપી સર મને ગોળી જ મારી દેશે! શૂટર્સે જે રીતે વિજય સિંહાની કાર બહાર નીકળી એ સાથે તેની કાર અટકાવીને તેની હત્યા કરી નાખી એવું જ રશ્મિ સાથે પણ થઈ શકે છે. એટલે તકેદારીરૂપે તેની કારમાં વૈશાલી બેઠી હશે...’
સામેથી વાઝેએ કશુંક પૂછ્યું એટલે રશ્મિન અકળાઈ ઊઠ્યો. તેણે કહ્યું, ‘હા, વિજય સિંહાની જયાં હત્યા થઈ ત્યાંના સીસીટીવીનું ફુટેજ ઑલરેડી મેં મગાવી લીધું છે, પણ એ ફુટેજ જોવાનો સમય પણ નથી અને એનો કોઈ મતલબ પણ નથી! શૂટર્સ એટલા મૂર્ખ તો ન જ હોય કે તેઓ એ જ મોટરસાઇકલ સાથે અને એવાં જ કપડાંમાં અને એવા જ ગેટઅપમાં રશ્મિનું ખૂન કરવા આવે! વિજય સિંહાના ખૂનને કારણે પોલીસ અલર્ટ થઈ ગઈ છે એટલી તો એ *&%$#@ શૂટર્સને અક્કલ હોય જ.’
‘પણ...’ વાઝે કશુંક બોલવા ગયો, પરંતુ રશ્મિને તેને વચ્ચેથી જ અટકાવતાં કહ્યું: ‘પહેલાં હું કહું એટલું સાંભળી લે! એક ટીમ ‘સહી ન્યુઝ’ ચૅનલના એક દરવાજે ઊભી રહેશે, જેને હું લીડ કરીશ. એક ટીમ બીજા દરવાજે હશે, જેને તું લીડ કરજે અને એક ટીમ રશ્મિના ઘરની બહાર હશે, જેને કોયલ લીડ કરશે. મોટા ભાગે તો રશ્મિની કાર બહાર નીકળે એટલે એ કાર ઓળખીને શૂટર્સ તેની નજીક જઈને અવરોધ ઊભો કરીને રશ્મિની હત્યાની કોશિશ કરશે. શૂટર્સ મોટા ભાગે બાઇક પર આવશે, કારણ કે તેમને ભાગવામાં સહેલું પડે. એવી શકયતા રહેશે જ નહીં કે એ શૂટર્સ છટકી જાય કે બચી જાય, પણ એ શૂટર્સ છટકી જાય તો તેઓ રશ્મિની કારનો પીછો કરશે. એટલે એ વખતે તેમનો પીછો કરવાનો છે અને રસ્તામાં જ તેમને આંતરી લેવાના છે. અને કદાચ તેઓ સ્માર્ટનેસ બતાવીને ‘સહી ન્યુઝ’ હેડક્વૉર્ટર બહાર ન આવે અને સીધા રશ્મિની સોસાયટી બહાર પહોંચે તો ત્યાંની ટીમ હાજર હશે. અને ત્યાં પણ બીજી એક ટીમ બૅકઅપ માટે મોકલી રાખ.’
રશ્મિને જડબેસલાક પ્લાન બનાવી રાખ્યો હતો. તેણે તમામ શક્યતાઓ વિચારી લીધી હતી. જોકે તેને કલ્પના નહોતી કે શોએબ શાતિર દિમાગ ધરાવતો ગૅન્ગસ્ટર હતો અને રશ્મિન કે મુંબઈનો બીજો કોઈ પણ પોલીસ ઑફિસર વિચારી શકે એનાથી વધુ તેજ રીતે વિચારવા માટે તેનું દિમાગ સક્ષમ હતું.
રશ્મિન આ બધા ઉધામા કરી રહ્યો હતો એ વખતે તેને એવો સહેજ પણ અંદાજ પણ નહોતો કે રશ્મિને બચાવવા જતાં તે કેટલી મોટી મુશ્કેલીમાં મુકાઈ જવાનો હતો!
વધુ આવતા શનિવારે...


