Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બિન ફેરે હમ તેરે માન્ય કે અમાન્ય?

બિન ફેરે હમ તેરે માન્ય કે અમાન્ય?

13 May, 2024 11:08 AM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

સુપ્રીમ કોર્ટે એક કેસના સંદર્ભમાં ચુકાદો આપ્યો છે કે હિન્દુ કાયદા મુજબ વિધિ-ફેરા વિનાનાં લગ્ન અમાન્ય કહેવાય, ત્યારે સવાલ ઊઠ્યો છે કે...

પ્રતીકાત્મક તસવીર

યે જો હૈ ઝિંદગી

પ્રતીકાત્મક તસવીર


થોડા સમય પહેલાં અલાહાબાદની એક કોર્ટે એક ચુકાદામાં કહેલું કે વિધિમાં સાત ફેરા લીધા હોય એટલું પૂરતું છે, કન્યાદાન અનિવાર્ય નથી. તો વળી સુપ્રીમ કોર્ટે માત્ર લગ્નનું સર્ટિફિકેટ ધરાવતા અને ડિવૉર્સ લેવા આવેલા યુગલને કહી દીધું કે તમારાં લગ્ન જ માન્ય નથી તો છૂટાછેડા લેવાની શી જરૂર? લગ્ન એ બે પરિવારોને જોડતું સામાજિક બંધન છે ત્યારે કાયદાકીય માન્યતા માટે ધાર્મિક વિધિની અનિવાર્યતા ખરેખર કેટલી હોવી જોઈએ એ વિશે જુદા-જુદા દૃષ્ટિકોણથી આજે સમજવાની કોશિશ કરીએ

કમર્શિયલ પાઇલટ તરીકે કામ કરતાં એક યુવક-યુવતીએ થોડા સમય પહેલાં લગ્નવિધિ કરાવ્યા વિના જ લગ્નનું સર્ટિફિકેટ મેળવ્યું અને પછી થોડા સમય બાદ સાથે રહેવાનું ન ફાવતાં તેમણે છૂટાછેડા માટે અરજી કરી. એમાં દલીલ કરી કે તેમણે હિન્દુ વિધિ કરી ન હોવાથી તેમને ડિવૉર્સ આપવામાં આવે. આ મુદ્દે હિન્દુ ધર્મમાં લગ્નની વિધિની અનિવાર્યતા સમજાવતાં એ કપલને ફટકાર લગાવવાની સાથે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી. વી. નાગરત્નાએ ચુકાદામાં કહ્યું હતું કે ‘હિન્દુ લગ્ન પવિત્ર સંસ્કાર છે. એને ભારતીય સમાજમાં મહાન મૂલ્ય સંસ્થાનો દરજ્જો મળવો જોઈએ. અમે યુવક-યુવતીઓને વિનંતી કરીએ છીએ કે લગ્નસંસ્થામાં પ્રવેશતાં પહેલાં ઊંડાણપૂર્વક વિચાર કરો. લગ્ન એ ગાવા-નાચવા અને પાર્ટી કરવા માટેનું સામાજિક આયોજન કે દહેજ-ભેટોની માગણી કરવાનો પ્રસંગ નથી. જ્યાં સુધી હિન્દુ ધર્મના વિધાન મુજબ લગ્નની વિધિ ન થઈ હોય ત્યાં સુધી એ લગ્ન માન્ય ન ગણી શકાય.’ એક કેસના ચુકાદામાં અપાયેલો આ નિર્દેશ અનેક સવાલો ઉઠાવે છે. લગ્નવિધિ વિના મૅરેજ સર્ટિફિકેટ ન આપવું જોઈએ એમ છતાં બોગસ સર્ટિફિકેટો બને છે અને લગ્નની વિધિના બોગસ પુરાવાઓ પણ ઊભા થાય છે. જાણવાની કોશિશ કરીએ કે કાયદાકીય રીતે, ધાર્મિક રીતે અને સામાજિક રીતે લગ્નસંસ્થાનું પૂરું માન જળવાય એ માટે શું થઈ શકે.

વિવાદ થાય ત્યારે જ વિધિ અને કાયદો વચ્ચે આવે, બાકી તો સુખી યુગલોને યાદ પણ નહીં હોય કે તેમની પાસે મૅરેજ સર્ટિફિકેટ છે કે નહીં :  દીપેશ મહેતા, સેલિબ્રિટી ઍડ્વોકેટવિધિની અનિવાર્યતા દર્શાવતા સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં ઘણા લોકોને ગેરસમજણ થઈ છે એમ જણાવતાં સેલિબ્રિટી ઍડ્વૉકેટ દીપેશ મહેતા કહે છે, ‘લૉર્ડશિપનું કહેવું છે કે હિન્દુ કે ગાંધર્વ વિવાહની વાત હોય ત્યારે માત્ર ગળામાં હાર પહેરાવી દેવાનું પૂરતું નથી. કોઈ કહે કે અમે એકબીજાને હાર પહેરાવી દીધો છે કે મંગળસૂત્ર પહેરાવી દીધું છે એટલે અમારાં લગ્ન થઈ ગયાં છે એ કમ્પ્લીટ હિન્દુ લગ્ન નથી. એમાં અગ્નિની સાક્ષી, સપ્તપદી, મંગળસૂત્ર અને સિંદૂર ભરવાનું જેવી ચારેક મહત્ત્વની વિધિઓ આવશ્યક છે. જેમ મુસ્લિમના નિકાહમાં માત્ર કબૂલ હૈ બોલી લેવું પૂરતું નથી, એ વખતે મૌલવીની હાજરી જરૂરી છે એવું જ હિન્દુ લગ્નમાં પણ પૂરી શાસ્ત્રોક્ત વિધિનાં ચારેક પરિમાણો નક્કી કરવામાં આવ્યાં છે એ કરવાં જરૂરી છે અને એના પુરાવાઓ હોય તો જ લગ્ન રજિસ્ટર થઈ શકે છે. માત્ર ફૉર્મ સાઇન કરી નાખો એવું નહીં, આજકાલ કેટલાક શૉર્ટકટિયા વકીલો લોકોને મિસગાઇડ કરે છે. ઘરાક જોઈને પૈસા નક્કી કરી લે અને પુરાવાઓ અને યોગ્ય પ્રોસીજર વિના જ લગ્નનું સર્ટિફિકેટ કઢાવી આપે છે. વીસ-બાવીસ વર્ષે પ્રેમમાં ગળાડૂબ યુવક-યુવતીઓ તો એકબીજા માટે જાન આપી દેવાનો જુવાળ ધરાવતાં હોય એટલે તેમને તો સાચું, ખોટું, લાંબા ગાળાની અનિવાર્યતાની સમજણ નથી હોતી. જ્યારે લગ્નની પ્રૉપર કાયદાકીય પ્રોસીજર ન થઈ હોય અને જો આવાં લગ્નોમાં વિવાદ થાય તો જ મુશ્કેલી આવે. ઘણી વાર છોકરો કે છોકરીમાંથી કોઈ પક્ષ પાવરફુલ હોય તો પોઝિશનનો દુરુપયોગ કરીને દીકરા-દીકરી પર દબાણ ઊભું કરે છે. એવામાં જો લગ્નના કાયદાકીય પુરાવાઓ ન હોય તો યુગલ મુશ્કેલીમાં મુકાય એ સ્વાભાવિક છે. લગ્ન વખતે ઉન્માદમાં ‘સારી દુનિયા છોડછાડ કે’ ભાગી જવાનું પગલું લઈ લીધું અને પછી થોડાં જ અઠવાડિયાં કે મહિનાઓમાં સમજાઈ જાય કે આ તો ખોટું પગલું હતું ત્યારે પણ વિવાદ થાય છે. ઘણી વાર મેં જોયું છે કે એક વાર કોર્ટ મૅરેજ કરી લીધા પછી  ફૅમિલીના પ્રેશરમાં છોકરી ફરી જાય કે મને તો ફોસલાવીને સહી કરી લેવામાં આવેલી ત્યારે પણ છોકરાના પક્ષે પુરાવાઓ કામ લાગે છે. કેટલીક વાર ખોટી દાનતથી છોકરીને ફસાવવા માટે કોઈ લગ્ન કરવાની લાલચ આપે છે ત્યારે પણ અધૂરા પુરાવાઓ સાથેનાં ખોટાં લગ્નના સર્ટિફિકેટના સ્કૅમનો ભોગ છોકરીઓ બનતી હોય છે. કાયદો અને વિધિ બન્નેની જરૂરિયાતો પૂરી કરેલી હોય એ વિવાદના સમયે એ કામ લાગે છે. બાકી આપણા સમાજમાં લગ્ન એ કાયદાકીય કરતાંય વધુ સામાજિક માન્યતાનો વિષય છે. તમારી આસપાસના દસ યુગલોને પૂછજો તેમના મૅરેજ સર્ટિફિકેટ વિશે. દસમાંથી પાંચ જણને ખબર નહીં હોય કે તેમણે સર્ટિફિકેટ લીધેલું કે નહીં અને લીધેલું તો ક્યાં મૂક્યું હશે. એ શોધવું પડશે.’

અગ્નિ, બ્રાહ્મણ અને સમાજની સાક્ષીએ વિવાહસંસ્કારનો અર્થ થાય છે કમિટમેન્ટ. : શાસ્ત્રી ભૌતેષ જોશી, વૈદિક કર્મકાંડી પંડિત

વિવિધ વૈદિક કર્મકાંડ પર ઊંડો અભ્યાસ કરનારા અને લગભગ બે દાયકાથી ગુજરાતી, હિન્દી ઉપરાંત અંગ્રેજીમાં પણ વિધિ કરાવતા શાસ્ત્રી ભૌતેષ જોશી કહે છે, ‘લગ્નની વિધિ કરવા ખાતર નથી કરવાની. એ વિધિ પાછળનું હાર્દ સમજીને કરવામાં આવે એ જરૂરી છે. લગ્નને સનાતન ધર્મમાં પાણીગ્રહણ સંસ્કાર કે વિવાહ સંસ્કાર કહેવાય. એને આજની ભાષામાં સમજીએ તો એ કમિટમેન્ટ છે. સનાતનધર્મમાંથી જ બીજી સંસ્કૃતિઓ પણ વિકસી છે એટલે જ આવા કમિટમેન્ટની વિધિ મ‌ુસ્લિમ અને કૅથલિક મૅરેજમાં પણ જોવા મળે છે. એમાં કન્યાદાનની વિધિ કમિટમેન્ટ આપવા અને લેવાની પ્રક્રિયા છે. વિવાહસંસ્કારમાં કન્યાનાં માતાપિતા પહેલાં પોતે કમિટ કરે છે કે મારી દીકરી તમારા પરિવારમાં ભળવા માટે સુસજ્જ છે. તે બધી જ રીતે યોગ્ય પણ છે. સામે કન્યાની મા જમાઈ પાસેથી વચન લે છે કે તમે મારી દીકરીને સ્વીકારો છો અને તેની જવાબદારી લેશો. કૅથલિક મૅરેજમાં ગ્રૂમ પાસેથી આ વચન લેવાનું કામ પાદરી કરે છે. સનાતન ધર્મમાં વેદમાં ચાર જ ફેરાની વાત છે. નૉર્થ ઇન્ડિયામાં એમાં બદલાવ કરીને સાત ફેરાનો કન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ થયો છે, પણ હકીકતમાં ચાર જ ફેરા હોય. આ ચાર ફેરા એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના. પહેલા ત્રણ ફેરામાં કન્યા લીડ કરે છે કેમ કે ધર્મ, અર્થ અને કામમાં તેની જવાબદારીઓ વિશેષ રહેવાની છે. ધર્મ એટલે રિલિજન નહીં, લગ્નજીવનનાં કર્તવ્યોની એમાં વાત છે. અર્થ એટલે કમાણી. પતિ કમાણી કરીને લાવશે, પરંતુ એ કમાણીમાંથી ઘર ચલાવવાનું કર્તવ્ય પત્નીનું છે. પતિ ભલે દેશનો ફાઇનૅન્સ મિનિસ્ટર હોય, પણ ઘરમાં પૈસાનું મૅનેજમેન્ટ પત્નીના હસ્તક જ રહે. ત્રીજો ફેરો છે કામ એટલે કે સામાજિક જવાબદારીઓનો. સંતાનોનો ઉછેર અને કુટુંબકબીલાની સંભાળમાં સ્ત્રી જ એક્સપર્ટ હોય. જ્યારે છેલ્લો ફેરો છે મોક્ષનો, જેમાં પતિ કહે છે કે દેહ છોડીને જવાનું હશે ત્યારે હું લીડ લઈશ. લગ્નની વિધિમાં ત્રણ ચીજો બહુ જ મહત્ત્વની છે. હિન્દુ સામાન્ય લગ્નસંસ્કારને પ્રજાપતિ વિવાહ કહેવાય. એ સાંસારિક જીવન માટેનાં લગ્ન છે. એમાં અગ્નિની સાક્ષી, બ્રાહ્મણની સાક્ષી અને સમાજની સાક્ષી હોવી જ જોઈએ. પહેલાંના સમયમાં કોર્ટકચેરીનું એટલું મહત્ત્વ નહોતું. અગ્નિ એટલે કે ભગવાન અને સ્પિરિચ્યુઅલ ફોર્સની સાક્ષી અને મનુષ્ય સામાજિક પ્રાણી છે એટલે જે સમાજમાં તમે રહો છો એની સાક્ષીએ લગ્ન થાય. સ્પિરિચ્યુઅલ ફોર્સ અને સમાજ બન્ને વચ્ચેના મીડિએટરનું કામ કરે બ્રાહ્મણની હાજરી. ભારતના કાયદાએ પણ લગ્નસંબંધમાં આ ત્રણેયનું મહત્ત્વ અકબંધ રાખ્યું છે.’

સોળ સંસ્કારમાંથી માંડ ટકેલા લગ્નસંસ્કારને બચાવવા બહુ જરૂરી છે  : દિનેશ રાજ્યગુરુ 

માનનીય કોર્ટે આપેલો આ નિર્દેશ ખરેખર આવકાર્ય છે એવી ખુશી વ્યક્ત કરતાં સેલિબ્રિટી પંડિત દિનેશભાઈ રાજ્યગુરુ કહે છે, ‘સનાતન ધર્મમાં સોળ સંસ્કારનું મહત્ત્વ છે. બાળકનો જન્મ થાય ત્યારથી મૃત્યુ સુધીમાં જીવનના દરેક તબક્કે ચોક્કસ વિધિવિધાનથી નવા તબક્કામાં પ્રવેશવાની પ્રક્રિયા વિદિત છે. જોકે હવેના સમયમાં એ સોળ સંસ્કારો ભૂંસાતા ચાલ્યા છે. મુંડન સંસ્કાર, ગર્ભસંસ્કાર, લગ્નસંસ્કાર અને અગ્નિસંસ્કાર એમ ચારેક સંસ્કારો જ હવે સમાજમાં પ્રચલિત રહ્યા છે. લગ્નસંસ્કાર સમાજજીવનનો પાયો નાખતી વિધિ છે, એને ટકાવવા માટે કોર્ટનો આ નિર્દેશ ખૂબ જ મહત્ત્વનો છે. ‌લગ્નસંસ્કાર માત્ર મનુષ્યો માટે જ નહીં, ભગવાન માટે પણ હતા. શિવપુરાણમાં શિવવિવાહ થયેલા. કાયદેસર અને વિધિવિધાનથી. રામાયણમાં પણ રામજીનાં લગ્ન સીતાજી સાથે સપ્તપદીના ફેરા લઈને થયેલાં. ભલે સીતાજીનાં એ પ્રેમલગ્ન હતાં, એમાં સંપૂર્ણ વિધિવિધાન પાળવામાં આવેલાં. આમ જુઓ તો શાસ્ત્રોમાં લગ્નની દરેક વિધિની ઊંડી સમજણ અપાઈ છે. દ્વારશાખાપૂજનથી લઈને છેક વરવધૂના ગૃહપ્રવેશના પૂજનની વિધિઓ ખૂબ જ વિસ્તૃત છે. બારીકાઈથી કરીએ તો ચારથી પાંચ દિવસની વિધિઓ થાય પણ હવે ખૂબ ટૂંકાણમાં કલાકોમાં લગ્ન પતાવી લેવાય છે. એટલી સંસ્કારવિધિ બચે એ બહુ જ જરૂરી છે. ઘણા લોકો એમ જ હાર પહેરીને લગ્ન પતાવી લે છે પણ એવું ન કરવું જોઈએ. અગ્નિસંસ્કાર પછી પણ લોકો બીજા કે ત્રીજા દિવસે જ બારમું, તેરમું અને વરસીની વિધિઓ કરાવી લે છે. આ બધું પરિવારની ત્રીજી પેઢીને નડે છે.’

ફેરા નથી ફર્યા અને જરૂર પણ નથી લાગતી : દીપ્તિ લોડાયા, ઘાટકોપર 

ઘાટકોપરની કામા ગલીમાં પાસપાસેનાં બિલ્ડિંગોમાં રહેતાં દીપ્તિબહેન અને મયૂરભાઈ વચ્ચે કાચી જુવાનીમાં એટલે કે ૧૯૮૫ની સાલમાં જ પ્રેમની કૂંપળો પાંગરી ગયેલી. દીપ્તિ વૈષ્ણવ પરિવારનાં અને મયૂરભાઈ કચ્છી જૈન. શરૂમાં મારા પરિવારમાં મારી પસંદગીનો જબરો વિરોધ હતો એની વાત કરતાં દીપ્તિ લોડાયા કહે છે, ‘અમારું ઘર આમનેસામને જ હતું અને એમાં જ નજરો મળી ગઈ. જોકે મારા કાકાને એ પસંદ નહોતું. મારું પિયર પક્ષ વૈષ્ણવ અને મયૂર કચ્છી જૈન. પરિવારને ખબર પડી એટલે તરત જ વિરોધનો સૂર ઊઠેલો. અમને લાગ્યું કે તેઓ નહીં જ માને એટલે અમે ચોરીછૂપીથી લગ્ન કરી લીધાં. એ વખતે મેં ઘર છોડ્યું હતું, પણ જેવી પરિવારજનોને ખબર પડી કે અમે લગ્ન કરી લીધાં છે એટલે તેમણે અમને પાછાં બોલાવ્યાં અને અમને સ્વીકારી લીધા. લીગલી તો અમે પતિ-પત્ની હતાં જ, પણ સમાજમાં ડિક્લેર કરવા માટે એ વખતે નાના રિસેપ્શન જેવું રાખેલું. મારાં લગ્ન વખતે મારાં પિયરિયાંને મંજૂર નહોતું, પણ આજે મારા પિયરપક્ષના લોકો જમાઈ તરીકે મયૂરને બહુ પૂછે. મારો દીકરો-દીકરી ઘણી વાર કહેતાં કે તમે ફેરા નથી ફર્યા તો અમે ૨૫મી ઍનિવર્સરી પર કંઈક ગ્રૅન્ડ ફંક્શન કરીશું જેમાં તમે ઓરતા પૂરા કરી લેજો. જોકે દસ વર્ષ પહેલાં મારો દીકરો અકસ્માતમાં ઑફ થઈ ગયો. એ પછી દીકરીએ પચીસમી ઍનિવર્સરી પર ફંક્શન કરવાનું ઘણું કહ્યું, પણ દીકરા વિના મન ન માન્યું. ટૂંકમાં લગ્નનાં ૩૨ વર્ષ પછીયે અમે ફેરા નથી જ લીધા. અમે બન્ને શૉર્ટ ટેમ્પર્ડ છીએ. ઝઘડા અને તડફડ પણ ઘણી વાર કરી લઈએ, પણ એ જ તો લગ્નજીવનની મજા છે.’

અમારાં લગ્નને વિધિના બંધનની જરૂર નથી, પ્રેમ જ કાફી છે : હિતેશ શેઠ, માટુંગા

૧૯૮૭ની સાલમાં છાનેછપને લગ્ન કરી લેનારા માટુંગાના હિતેશ શેઠ કહે છે, ‘હું અને બિન્દુ એક જ બિલ્ડિંગમાં રહેતાં. જન્મ્યાં પણ અહીં જ અને ઊછર્યાં પણ સાથે જ. જુવાનીમાં અમે પ્રેમમાં છીએ એ વાત પણ જાહેર થઈ ચૂકી હતી, પણ હું ગુજરાતી જૈન અને બિન્દુનો પરિવાર કચ્છી જૈન. વળી મારી ઇમેજ થોડીક તોફાની અને મગજના ગરમ વ્યક્તિત્વની. એકાદ વાર પ્રયત્ન કરી જોયો બિન્દુના પપ્પા સામે વાત મૂકવાનો, પણ લાગ્યું કે દાળ ગળશે નહીં. એ જ અરસામાં મારે ‌ધંધાના કામે એક વર્ષ દુબઈ જવાનું થયું. એ પહેલાં બિન્દુએ કહ્યું કે જો તું અહીં નહીં હોય અને ઘરવાળા લગ્નનું દબાણ કરશે તો? અમને થયું, આપણે એક વાર લગ્ન રજિસ્ટર કરાવી લઈએ. ઘરવાળા દબાણ કરે તો એ વખતે કહી દઈશું. અમે ૧૯૮૭માં લગ્ન રજિસ્ટર કરાવી લીધાં. એ પછી પણ અમે બન્ને પોતપોતાના ઘરે જ રહેતાં હતાં. હું પાછો આવ્યો એ પછી થોડા જ સમયમાં ખબર પડી કે તેના ઘરમાંથી છોકરા બતાવવાનું દબાણ આવી રહ્યું છે. ત્યારે લાગ્યું કે હવે લગ્નની જાહેરાત કરવાનો સમય પાકી ગયો છે. એક‌ દિવસે મેં તેને કહ્યું કે ઘરમાંથી પહેરેલાં કપડે નીકળીને એક દોસ્તને ત્યાં આવી જજે. તેણે પહેરેલી જ્વેલરી પણ કાઢી નાખી અને એમ જ ઘરેથી નીકળી ગઈ. તેની મમ્મીને થયું પણ ખરું કે દાગીના કાઢીને ક્યાં જાય છે? તેણે કહ્યું કે ટ્રેનમાં ચોરાઈ જાય એના કરતાં ન પહેરવાં સારાં. ફ્રેન્ડના ઘરે જઈને ઘરે ફોન કરી દીધો કે અમે લગ્ન કરી લીધાં છે. ચાર-પાંચ દિવસ પછી અમે ઘરે પાછાં પણ આવ્યાં અને વડીલોના આશીર્વાદ લેવા ગયાં અને વાત ત્યાં જ સ્વીકારાઈ ગઈ. મને કે બિન્દુને ક્યારેય એવો વિચાર નથી આવ્યો કે લગ્નવિધિ નથી કરી તો કમિટમેન્ટ અધૂરું કહેવાય. ફેરા લેનારાઓનાં લગ્ન પણ ક્યાં અમરપટો લઈને આવ્યાં છે? તેમનાય છૂટાછેડા થાય જ છેને? મને લાગે છે પરસ્પર માટે પારાવાર પ્રેમ હોય તો વિધિ થાય તોય શું અને ન થાય તોય શું?’


Whatsapp-channel Whatsapp-channel

13 May, 2024 11:08 AM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK