પ્રવીણ જોષીએ મને કહ્યું અને સાથોસાથ એ પણ કહ્યું કે આપણે આઠ દિવસમાં એ નાટક ઊભું કરી લઈશું અને અમદાવાદથી જ એ ઓપન કરીશું, દિવસે રિહર્સલ્સ અને રાતે ‘ચંદરવો’ના શો કરીશું
સરિતા જોશી
‘એક કામ કર, અમદાવાદ આવવાની તૈયારી કર. માર્ક તને ત્યાં આપીશ.’ અમદાવાદની ટૂર બાબતે મને સમજાવતાં પ્રવીણ જોષીએ મને કહ્યું અને એ પણ કહ્યું કે અમદાવાદ માટે મારી પાસે એક સરસ પ્લાન છે, જે તને ખુશ કરી દેશે. ‘કેવો પ્લાન...’ ‘આપણે ફરીથી મિરૅકલ કરીએ એવો પ્લાન...’ મને વાત બરાબર સમજાઈ નહીં એટલે મેં થોડી વધુ પૃચ્છા કરી તો પ્રવીણે મને જે વાત કરી એણે મને ખરેખર ખુશ પણ કરી દીધી તો સાથોસાથ મારા મનમાં નવેસરથી ટેન્શન પણ ઊભું કરી દીધું.
‘અમદાવાદમાં હું નવું નાટક કરવા માગું છું...’ પ્રવીણે મને તરત ટાઇટલ કહ્યું, ‘એ નાટકનું ટાઇટલ છે ‘સપ્તપદી’... બહુ સરસ વિષય છે.’ ‘હા, પણ એ શક્ય નહીં બને.’ ‘તું ૮ દિવસ આવ... ફક્ત ૮ દિવસ.’ પ્રવીણ પોતાની વાતમાં ફર્મ હતા, ‘આમ પણ ૮ દિવસ આપણે ત્યાં શું કરવાનાં... ૮ દિવસમાં આપણે નાટક તૈયાર કરી લઈશું અને એ નાટક ત્યાં, અમદાવાદથી જ ઓપન કરીશું.’
‘આઠ દિવસમાં?’ ‘હા... મેં તારું કામ જોયું છે ને આપણી સ્ક્રિપ્ટ ઑલમોસ્ટ તૈયાર છે. તું તો પહેલી વારમાં આખું નાટક કંઠસ્થ કરી લે છે, કડકડાટ ડાયલૉગ બોલતી થઈ જાય છે એટલે સહેજ પણ વાંધો નહીં આવે.’
ADVERTISEMENT
‘બરાબર, પણ પ્રવીણ મારાથી અત્યારે ૮ દિવસ નીકળી ન શકાય...’ ‘તો તું કહે ત્યારે... તારે મને ૮ જ દિવસ આપવાના છે.’ પ્રવીણ પોતાની વાતમાં ક્લિયર હતા, ‘તું જ્યારે ૮ દિવસ આપે ત્યારે આપણે કરીશું.’ ‘હું એમ કહું છું...’ મેં ચોખવટ કરી, ‘મારાથી આઠ દિવસ નહીં નીકળી શકાય...’
‘એ જુદો ટૉપિક છે, આપણે એની વાત કરીએ... પહેલાં તું મારી વાતનો જવાબ આપ...’ પ્રવીણે ફરીથી મને પૂછ્યું, ‘નાટક કરવામાં તને વાંધો નથીને?’ ‘ના રે...’ હકીકત એ હતી કે મારા મનમાં તો નવા નાટકની વાતથી રીતસર ખુશી ઊભરાતી હતી અને એ પણ એ ડિરેક્ટર સાથે જેની પાસેથી મને અઢળક શીખવા મળતું હતું. ‘નાટક સામે મારો કોઈ પ્રૉબ્લેમ નથી... હા, મને આઠ દિવસમાં નાટક ઊભું થાય એ વાતમાં શંકા છે.’ ‘મને વિશ્વાસ છે...’ પ્રવીણે ધારદાર નજરે મારી સામે જોતાં કહ્યું, ‘મારા પર અને તારા પર... આપણે કરી શકીશું. યુ ડોન્ટ વરી. થઈ જશે સરિતા, થઈ જશે...’
‘હશે... એટલે તમે કહો છો એમ કદાચ નાટક ઊભું થઈ જાય... પણ મારાથી આઠ દિવસ નહીં નીકળી શકાય. ખરેખર...’ ‘એની વાત આપણે પછી કરીએ... પણ તું અત્યારે એક કામ કર.’ પ્રવીણના અવાજમાં ઉત્સાહ આવી ગયો હતો, ‘અત્યારે તારે મારી સાથે એક કલાક કાઢીને, અહીં તારક મહેતા રહે છે તેમને ત્યાં આવવું પડશે. ચાલ...’ ‘તારક મહેતા?’ ‘મારા લેખક...’ પ્રવીણે શાબ્દિક ઓળખાણ આપતાં મને કહ્યું, ‘બહુ સરસ લેખક છે. બહુ સરસ નાટક લખે છે.’
તારક મહેતા.
અગાઉ પણ હું તારક મહેતાને મળી હતી, પણ તારકનું આ રૂપ મારી સામે પહેલી વાર આવતું હતું. તેમના ઘરે જવાની વાત પણ પહેલી વાર મારી સામે આવી હતી. મારા ઘરની નજીકમાં જ તેઓ રહેતા. જો મારી ભૂલ ન થતી હોય તો એ સમયે તારક મહેતાએ હજી પોતાની પૉપ્યુલર કૉલમ ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ લખવાની શરૂ નહોતી કરી. એ સમયે તેઓ નાટકો લખતા. તારકનાં નાટકો વખણાતાં પણ ખરાં. એ જ નાટકો જોઈને તંત્રી હરકિસન મહેતાએ તેમને કૉલમ લખવા માટે આમંત્રણ આપ્યું હતું. બહુ ઓછા લોકોને ખબર હશે કે શરૂઆતમાં તારક મહેતા હાસ્યની કૉલમ લખતા, પણ તેમણે ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ની દુનિયા ઊભી નહોતી કરી. થોડો સમય હાસ્યલેખો લખ્યા પછી તારકને લાગ્યું કે હાસ્યલેખોમાં પણ નાટકની જેમ એક દુનિયા ઊભી કરી શકાય અને એ વિચાર બધાને બહુ ગમ્યો, જેના પરિણામ સ્વરૂપે ટપુ, જેઠાલાલ, વચલી, દયા નામનાં પાત્રો ઊભાં થયાં. એ પાત્રોની દુનિયા તારક મહેતા કેમ આટલી નજીકથી જાણે છે એવો પ્રશ્ન જો કોઈના મનમાં આવે તો શું કરવું? એના જવાબમાં તારકે પોતાને પણ એક પાત્ર બનાવીને એ દુનિયામાં ઉમેર્યું.
તમને થાય કે આ બધી વાતો મને કેમ ખબર, તો એનો જવાબ આપી દઉં?
પ્રવીણે ઓળખાણ કરાવ્યા પછી તારક અને અમે બધાં ખૂબ સારાં મિત્રો બન્યાં. પ્રવીણ ગયા પછી પણ હું અને તારક સંપર્કમાં રહ્યાં. એ પછી તારક અમદાવાદ સેટલ થયા, પણ શરૂઆતનાં વર્ષોમાં અમારી દોસ્તી અકબંધ રહી હતી. અમે નિયમિત સંપર્કમાં રહેતાં, એકબીજા સાથે વાતો કરીએ. તમને જાણીને નવાઈ લાગશે, પણ આ કૉલમનું જે નામ છે એ ‘એક માત્ર સરિતા’ પણ તારકની જ દેન છે. તારકે એક વખત મારા વિશે લખ્યું અને એમાં તેમણે આ ‘એક માત્ર સરિતા’નો ઉલ્લેખ કર્યો અને મારા મનમાં આ વાત સજ્જડ રીતે ચોંટી ગઈ.
કેટલી સચોટ વાત, કેટલી અસરકારક વાત.
એક માત્ર સરિતા.
આ વાતમાં ભગવદ્ગીતામાં કહેવાયેલો સંદેશ પણ છે. હું એક છું, મારા જેવું કોઈ નહોતું, કોઈ નથી અને કોઈ હશે પણ નહીં. બસ, એક માત્ર હું. અને એવી જ રીતે એક માત્ર સરિતા.
‘તું ચાલ, તારક અહીં નજીકમાં જ રહે છે, આપણે કલાકમાં આવી જઈશું.’ ‘ના, એમ મારાથી ન નીકળાય...’ મેં સાચું જ કહી દીધું, ‘મારે, મારે વાત કરવી પડે રાજકુમાર સાથે, મારે તેમને પૂછવું પડે.’
‘તો હું વાત કરું?’ ‘ના, તેઓ બહાર ગયા છે?’ ‘વાંધો નહીં...’ પ્રવીણ પોતાની વાતમાં ચોક્કસ થવા માગતા હતા, ‘કેટલા વાગ્યે હું તને લેવા આવું? બપોરે તારક ફ્રી છે એટલે આપણે જઈએ. તેમણે જે નાટક લખ્યું છે એ સાંભળીને તું ખુશ થઈ જશે...’ પ્રવીણ રવાના થયા અને મેં આપણો એ સમયનો જે પેલો ફોન હતોને, કાળા ડબલાવાળો એ ફોન કરીને રાજકુમાર સાથે વાત કરી તો તરત જ રાજકુમારે મને હકારમાં જવાબ આપતાં કહ્યું.
‘હા, હા... તું તારે જા...’
અહીં હું કહેવા એ માગું છું કે હું સ્વતંત્ર રીતે કામ કરતી હતી અને એ પછી પણ મેં મારી જવાબદારીમાં કોઈ બાંધછોડ નહોતી કરી. આજે પણ હું માનું છું કે ક્યારેય જવાબદારીથી ભાગવું નહીં. જવાબદારી તમને નાના નહીં, પણ ઊલટાના મોટા બનાવવાનું કામ કરે છે.

