Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > શ્રી પીઠાધીશ

શ્રી પીઠાધીશ

16 June, 2024 11:30 AM IST | Mumbai
Sairam Dave | feedbackgmd@mid-day.com

લગ્ન અને ક્રિકેટને શું લાગેવળગે એવું જો તમે અત્યારે માનતા હો તો ખાંડ ખાઓ છો. લગ્ન અને મારા ભાઈબંધનેય બોવ લાગે ને વળગે છે ને એટલે જ જ્યારે-જ્યારે યુદ્ધની વાતું આવે ત્યારે મારી આંખ સામે અંધારાં ને ટાંટિયામાં ધ્રુજારી આવી જાય છે

પ્રતીકાત્મક તસવીર

લાફ લાઇન

પ્રતીકાત્મક તસવીર


જ્યારે-જ્યારે યુદ્ધની વાતો થાય કે વાતું સાંભળું ત્યારે-ત્યારે મને મારા ભાઈબંધનાં લગ્ન યાદ આવે. અત્યારે અમેરિકામાં T20નો વર્લ્ડ કપ ચાલુ થ્યો એની જાહેરખબરુંમાંય આ સ્ટાર સ્પોર્ટ્સવાળા યુદ્ધ જ દેખાડે. ઓ’લો બાબર આ બાજુથી યુદ્ધનો ગોળો ફેંકતો હોય એમ દડો ફેંકે ને રોહિત વડાપાંઉ શર્મા એયને ધણાંગ કરીને એ ગોળાને પૃથ્વીની બા’ર ધકેલી દયે... હઈશે... આપણી વાત છે મારા ભાઈબંધનાં લગ્ન. યુદ્ધ જેવું કાંયકેય દેખાય ને મને તરત અતુલનાં લગ્ન અચૂક સાંભરે. યુદ્ધ અને વિવાહ આ બન્નેમાં ક્યાંથી મિસાઇલ આવે એ કહી શકાય નહીં ને છેલ્લે કોણ વધશે એની ઍડ્વાન્સમાં આગાહી ન કરી શકાય. કેટલું નુકસાન ને કેટલો ફાયદો થશે એ પણ બન્ને કિસ્સામાં અનપ્રિડિક્ટેબલ જ રહે છે.


અતુલ, ઉંમરમાં મારાથી મોટો. સૉરી, અમારા આખા લગ્નવાંછુક મિત્રમંડળમાં સૌથી મોટો દાવેદાર. અતુલનાં લગ્ન અમારા તમામ મિત્રમંડળ માટે આશાવાદનું પ્રતીક હતું. ગોંડલમાં અમે રોજ સાંજ પડ્યે સાતેક મિત્રો ઢોરને પાણી પિવડાવવાની એક ખાલી કૂંડી પર બેસતા. (અલબત્ત ઢોર ન હોય ત્યારે હોં!) છએક મહિના અમે આ કૂંડી પર એવું તપ જમાવ્યું કે પછી ઢોરે આ કૂંડીને ગણતરીમાં લેવાની જ બંધ કરી દીધી.છોકરી જોવા જાઓ ત્યારે શું-શું ધ્યાન રાખવું? શું પૂછવું અને શું ન પૂછવું? આવા વિષયોની વિસ્તૃત અને મુદ્દાસર છણાવટ કૂંડી પર થતી. અતુલનું માગું આવ્યું ત્યારે આખા ગ્રુપે જૅકપૉટ લાગ્યો હોય એવી લાગણી અનુભવી. અતુલનું ગોઠવાશે એટલે તેનાં લગ્નમાં જ અન્ય છ ભાઈબંધોનું ગોઠવાઈ જશે. આત્મનિર્ભર યોજના ત્યારે અમલમાં ન હોવા છતાં અમે આ મુદ્દે સંપૂર્ણ આત્મનિર્ભર અને આત્મવિશ્વાસુ હતા.


સદ્નસીબે અતુલ પાણીપુરવઠામાં સરકારી નોકરિયાત અને તેના છ મિત્રોમાં પાણી ખરું પણ પુરવઠો નહોતો. પરિણામે નોકરી અને છોકરી વગરના કોરાધાકોડ હતા. અતુલનું પહેલું માગું ગોંડલમાંથી આવ્યું અને ગોઠવાઈ ગયું. અમારા મિત્રમંડળમાં એવરેસ્ટ સર કર્યા જેટલો એ દિવસે આનંદ હતો. અતુલે સગાઈ પછી ભાભીને ત્રણ પાનાંનો પ્રથમ રોમૅન્ટિક પત્ર લખ્યો, પરંતુ ગામમાં ને ગામમાં ભાભી રહેતાં હોવાથી પત્ર મળતાંની સાથે ભાભીશ્રી પત્ર લઈને એનો જવાબ દેવા રૂબરૂ જ પધાર્યાં. આ રીતે અતુલની પ્રથમ પત્રમૈત્રીનું બાળમરણ થયું, પરંતુ અતુલ અને ભાભીના હૃદયના તાર એવા જોડાયા કે આજે ૩૧ વર્ષ પછી પણ બન્ને એકબીજા સાથે એટલાં જ સંલગ્ન છે.

છ મહિનામાં અતુલનાં લગ્ન આવ્યાં. કૂંડી પરથી હવે એક જણો કાયમી વિદાય થશે એ જાણ હોવા છતાં અમે બધાએ લગ્નની તડામાર તૈયારી કરી. વૉકિંગ ડિસ્ટન્સમાં જાન જવાની હોવાથી મોટી બસનો ખર્ચ બચી ગયો. શેરીમાં મંડપ બાંધીને અમે વાડીનો ખર્ચ બચાવી દાંડિયારાસ ત્યાં જ ગોઠવ્યા. રાજકોટથી વરરાજા માટે સિંગલ ડોરવાળી ઇમ્પોર્ટેડ કાર મેં મગાવી હતી (એટલે ભાડે હોં!). માંડવાની બપોરે ગામનો જમણવાર જેવો શરૂ થયો અને ઇમર્જન્સી સાયરન વાગ્યું. કેટલાક મહેમાનોના મોંમાંથી લાડુ નીકળી ગયા તો કોઈથી દાળ વાટકાને બદલે ખોળામાં અપાઈ ગઈ. કોઈએ ચાંદલાના ટેબલ પર પ૧ રૂપિયાને બદલે ૧પ૧ લખી નાખ્યું. સાયરનથી સમગ્ર જમણવાર ધબકારો ચૂકી ગયો. અમે છ મિત્રો જે પીરસવામાં હતા એમાંથી કોઈ બોલ્યું કે અતુલને ચેતવણી આપવા તો સાયરન નથી વાગીને? થોડી વારમાં કોઈ સમાચાર લાવ્યું કે ઈરાન-ઇરાક વચ્ચે યુદ્ધ થવાની ભીતિ છે, કદાચ પેટ્રોલ નહીં મળે. આટલું સાંભળતાં કેટલાક મહેમાનો તો થાળી મૂકીને પેટ્રોલ-પમ્પ તરફ ભાગ્યા. ચાંદલો લખવાવાળા અંકલે નોટબુક સંકેલી ત્યારે મેં કહ્યું, ‘કાકા, ઇરાકમાં યુદ્ધ થવાની ભીતિ છે. ગોંડલના પાદરમાં ભડાકા નહીં થાય. બેયમાંથી એક પણ પક્ષનું સગું ઇરાકમાં નથી વસતું. નોટ ખુલ્લી રાખો, નહીંતર અમારા ભાઈબંધનું નસીબ સંકેલાઈ જાશે.’


જમણવાર પૂરો થયો. અતુલનાં લગનમાં બહારગામથી આવનારા તમામ મહેમાનો પેટ્રોલ-પમ્પની લાંબી લાઇનમાં ફસાઈ ગયા. ફૈબા નહીં પહોંચે, મામાનું નક્કી નહીં, માસી તો નહીં જ પહોંચે આવા ભણકારા વચ્ચે સદ્નસીબે વરરાજા માટે ઇમ્પોર્ટેડ કાર મારા ઘરે પહોંચી ગઈ હતી. દાંડિયારાસમાં લાઇવ ગાયકો રાજકોટથી ડીઝલના પાપે ન પહોંચ્યા. અમે ‘ખેલૈયો’ ઑડિયો કૅસેટ ચડાવી તાબડતોબ દાંડિયા શરૂ કર્યા. માંડ અડધે પહોંચ્યા ત્યાં ફરી સાયરન વાગી. અમે છ મિત્રો અતુલ ફરતે બાઉન્સર્સની જેમ ગોઠવાઈ ગયા. અચાનક લાઇટ ગઈ, ખેલૈયા ચણિયા બોરની જેમ વેરાઈ ગયા.

અતુલ અમારા પર ખિજાણો કે ‘એલા’વ, મને મારા ગામમાં, મારાં લગનમાં કોણ મારે કે તમે મને સિક્યૉરિટી આપી રહ્યા છો! કો’ક જઈને આ સાયરન બંધ કરાવો. ક્યાંક સાયરનની પિન ચોંટી નથી ગઈને?’

અમારામાંથી બે જણ સાયરનની સોપારી લઈને નીકળ્યા, પણ વીલા મોઢે પાછા ફર્યા. ત્યાં એક કાકી કહે, લાઇટ નથી તો ‘પીઠીવાના’ પતાવી લેવાય. આ સાંભળીને અતુલ મને કાનમાં કહે, ‘મારું ચાલે તો અત્યારે લગ્ન જ પતાવી લઉં! ફરી સાયરન વાગે એ પહેલાં મારા કોઈ ફેરા ફેરવી દો!’

‘અતુલ, અરેન્જ્ડ મૅરેજમાં ‘લવ મૅરેજવેડા નો કરાય... હવે પલાળ્યું જ છે તો મૂંડાવી લેવાય...’

મેં તેને કાનમાં કહ્યું ને પછી તો અંધારામાં અતુલની પીઠી શરૂ થઈ. કોઈએ પીઠીના લપેડા કાનમાં નાખ્યા, કોઈએ માથાના વાળને પીઠીની ડાય કરી. કોઈએ નાક ગોટે ચડાવ્યું. ફરિયાદ કરવા અતુલે મોઢું ખોલ્યું તો અંધારાને લીધે પીઠીનો ફાકડો સીધો અતુલના મોંમાં આવ્યો. જગતભરના વરલાડાઓએ પીઠી ચોળાવી હશે, જ્યારે અતુલે તો પીઠી ખાધી હોં બાપ!

અન્ય પુરુષોને ગોળધાણા અને કંસારના સ્વાદની જ ખબર હોય છે, જ્યારે અમારો અતુલ પીઠીના સ્વાદનો જાણતલ છે. તપેલીમાં પીઠીનો આમ અંતિમ થપેડો લાગ્યો હશે ને આમ લાઇટ આવી! અતુલ ત્યારે મને ‘શ્રી પીઠાધીશ’ લાગતો હતો. અંધારાને લીધે પીઠીએ પોતાની મેળે શ્રૃંગારમાંથી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ તો ભલું થજો કે એ સમયે જ ફોટોવાળો કંટાળીને ઘરે ભાગી ગયો હતો. બાકી અતુલનો પીઠીવાળો ફોટો જો અતુલ સ્વયં જોઈ જાય તો તેને પણ તાવ આવી જાય એવાં દૃશ્યો સર્જાયાં હોત. લાઇટ આવી, પરંતુ અતુલને જોઈ માંડવાના છોકરાઓએ સમૂહભેંકડા તાણ્યા.

આગાઝ ઐસા હૈ તો અંદાઝ કૈસા હોગા?

શાયરીમાં આવું બધું બોલાય; પરંતુ છ મિત્રોના પેટમાં ટાંટિયા ધ્રૂજી ગયા હતા કે માંડવામાં આટલા ગોટાળા થયા છે, હવે કાલ લગનમાં શું થશે?

અમે વિચાર્યું ત્યાં ફરી સાયરન વાગી! અમારે તો રાત જ કાઢવાની હતી, પણ અતુલે તો જિંદગી કાઢવાની છે. સૌ સૌનાં કર્યાં ભોગવે છે ભાઈ, બીજું શું!

Whatsapp-channel Whatsapp-channel

16 June, 2024 11:30 AM IST | Mumbai | Sairam Dave

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK