તમને મોટિવેશન આપે એવા કેટલાક સર્વેની આજે વાત કરીએ જેમાં વૈજ્ઞાનિકોએ રીતસરના અભ્યાસો દ્વારા સાબિત કરેલા ધ્યાનના ફાયદાની વાત કરી છે. એમાંથી પાંચ લાભની આજે ચર્ચા કરીએ
પ્રતીકાત્મક તસવીર
તમને મોટિવેશન આપે એવા કેટલાક સર્વેની આજે વાત કરીએ જેમાં વૈજ્ઞાનિકોએ રીતસરના અભ્યાસો દ્વારા સાબિત કરેલા ધ્યાનના ફાયદાની વાત કરી છે. એમાંથી પાંચ લાભની આજે ચર્ચા કરીએ
‘મેડિટેશન ઇઝ અ ચૉઇસલેસ અવેરનેસ.’ પ્રખર વિચારક અને તત્ત્વજ્ઞાની જે. કૃષ્ણમૂર્તિના આ શબ્દો છે. તમારી જાગ્રત અવસ્થા જ્યાં પસંદગી અને નાપસંદગીનો અવકાશ જ ન રહે એને ધ્યાન કહેવાય. મહર્ષિ પતંજલિએ ધારણાનું વિસ્તરતું રૂપ એટલે કે તમારી એકાગ્રતા વધુ ને વધુ ઊંડી થતી જાય તેને ધ્યાન સાથે સરખાવ્યું છે. આધ્યાત્મિક ઉન્નતિ માટે, આનંદિત રહેવા માટે, જીવનની સમગ્રતાને અનુભવવા માટે ધ્યાનનો અભ્યાસ ઘણો ઉપયોગી છે. એકાગ્રતા એ ધ્યાનની શરૂઆતનો તબક્કો છે. એકાગ્રતામાં ઊંડાણ આવતું જાય અને ચિત્તને જ્યાં ચોંટાડવામાં આવી રહ્યું છે એ સ્થાન અને ચિત્તની એકરૂપ અવસ્થા આવી જાય, તમામ ભેદ ભુંસાઈ જાય એ સ્ટેટને ધ્યાન કહી શકાય. જુદા-જુદા ફિલોસૉફરો પોતાની અનુભૂતિના આધારે ધ્યાનની વિવિધ વ્યાખ્યાઓ કરી છે અને એના માનસિક અને આધ્યાત્મિક લાભોની હારમાળા વર્ણવી છે. જોકે અધ્યાત્મયોગીઓ અને શાસ્ત્રકારો દ્વારા દર્શાવાયેલા ધ્યાનના લાભને જ્યારે વર્તમાન સમયમાં વૈજ્ઞાનિકો મુઠ્ઠી ઊંચેરા ગણીને એમાં નવો ઉમેરો દર્શાવે ત્યારે આજના લોકોને વાત વધુ ગળે ઊતરી શકે. એવા જ લાભની આજે ચર્ચા કરવાના છીએ. દુનિયાની અગ્રણી યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચ દરમ્યાન અનુભવેલા અને સાબિત કરેલા ધ્યાનના લાભની ચર્ચા કરીએ આજે.
ADVERTISEMENT
એકાગ્રતા વધારશે
મેડિટેશન કરનારા લોકોની એકાગ્રતા અને ફોકસ બીજા બધા કરતાં બહેતર હોય છે. આજે સફળતા મેળવવા માટે સૌથી વધુ કંઈ મહત્ત્વનું હોય તો એ છે એકાગ્રતા. લાંબા સમયથી ધ્યાન કરતાં, થોડાક સમય પહેલાં જ મેડિટેશન શરૂ કરનારા અને ક્યારેય મેડિટેશન નહીં કરનારા એમ ત્રણ ગ્રુપ બનાવીને વૈજ્ઞાનિકોએ કેટલીક બ્રેઇન ગેમ્સ રમવાનું કહ્યું. એકાગ્રતા, કૅલ્ક્યુલેશન વગેરે એમાં સામેલ હતાં. જેમણે ધ્યાન કર્યું હતું એવા લોકોનો પર્ફોર્મન્સ સૌથી શ્રેષ્ઠ હતો. અટેન્શન ડેફિસિટ ડિસઑર્ડર જેવી માનસિક બીમારીઓ ધરાવતા અને સતત માઇન્ડ દોડતું હોય એવા લોકો માટે એટલે જ મેડિટેશન શ્રેષ્ઠ પર્યાય છે.
પેઇનકિલરનું કામ કરે
ધ્યાનનો અભ્યાસ વ્યક્તિના દૃષ્ટિકોણમાં બદલાવ લાવીને એને વધુ હકારાત્મક બનાવે છે. સ્ટ્રેસ કોઈ પણ નેગેટિવ ઇમોશન્સની તીવ્રતાને વધારે છે. જોકે ધ્યાનના અભ્યાસથી સ્ટ્રેસ ઘટે અને શરીરમાં હૅપી હૉર્મોન્સનો સ્રાવ વધારે છે એવું ૩૫૦૦ જેટલા લોકોના એમઆરઆઇ ચેક કર્યા પછી વૈજ્ઞાનિકોને રિસર્ચ દરમ્યાન મળેલા તારણમાં પણ જાણવા મળ્યું. ધારો કે શરીરમાં ખૂબ દુખાવો રહેતો હોય એ લોકો પણ જો ધ્યાનનો નિયમિત અભ્યાસ કરે તો મેડિટેશન તેમના માટે પેઇનકિલરનું કામ કરી શકે છે.
વ્યસનમુક્તિ પણ સંભવ બને
ચા-કૉફી જેવાં સાધારણ વ્યસન હોય કે પછી તમાકુ, દારૂ કે ડ્રગ્સના બંધાણી હોય, તેમના માટે પણ મેડિટેશન ઉપયોગી સાબિત થઈ શકે છે. ધ્યાનથી વ્યક્તિનો વિલપાવર સ્ટ્રૉન્ગ થાય, સેલ્ફ-અવેરનેસ વધે અને એટલે જ ઍડિક્શન સાથે સંકળાયેલા વ્યવહારમાં સેલ્ફ-કન્ટ્રોલ ઉમેરાય. પોતાની લાગણીઓ અને ઇમ્પલ્સિસને કન્ટ્રોલ કરવામાં ધ્યાનનો અભ્યાસ ઉપયોગી સાબિત થઈ શકે છે એમ ૧૪ જેટલા અભ્યાસોનું તારણ કહે છે. જન્ક ફૂડના ક્રેવિંગ્સમાં પણ ધ્યાનથી લાભ થઈ શકે છે.
મેમરી લૉસનાં લક્ષણોમાં લાભ
ધ્યાનનો નિયમિત અભ્યાસ ઉંમર સાથે મેમરી લૉસનાં લક્ષણોમાં પણ ઘટાડો કરવામાં અને મેમરી શાર્પ કરવામાં ઉપયોગી સાબિત થઈ શકે છે એમ વૈજ્ઞાનિક અભ્યાસનાં તારણો કહે છે. લગભગ ૧૪ જેટલા અભ્યાસોમાં વૈજ્ઞાનિકોએ ઑબ્ઝર્વ કર્યું કે ધ્યાનથી મોટી ઉંમરના લોકોમાં યાદશક્તિ, એકાગ્રતા અને ક્વિક રિસ્પૉન્સ આપવાની ક્ષમતા વધે છે.
ઊંઘ સુધારે
અનિદ્રાની તકલીફ હોય એવા લોકોને માઇન્ડફુલનેસ બેઝ્ડ મેડિટેશનથી લાભ થયાનું પણ વૈજ્ઞાનિકો સાબિત કરી ચૂક્યા છે. ધ્યાનનો અભ્યાસ કરનારા અને ધ્યાનનો અભ્યાસ નહીં કરનારાં એક-બે ગ્રુપ પર વૈજ્ઞાનિકોએ નિરીક્ષણ કર્યું. જેઓ અભ્યાસુ હતા તેઓ ઝડપથી ઊંઘી શકતા હતા અને તેઓ પોતાના વિચારો પર નિયંત્રણ રાખી શકતા હતા. ધ્યાન બૉડીને રિલૅક્સ થવામાં અને ટેન્શનને રિલીઝ કરવામાં ઉપયોગી છે.
ઇમ્યુનિટી વધારે
ધ્યાનનો અભ્યાસ હાઈ બીપીને કન્ટ્રોલમાં રાખે અને હાર્ટ હેલ્થ અને ડાયાબિટીઝ, થાઇરૉઇડ જેવા અંતઃસ્રાવી ગ્રંથિ સાથે સંકળાયેલા રોગોમાં તો ઉપયોગી છે જ. પરંતુ ઓવરઑલ ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રૉન્ગ કરવા માટે પણ મેડિટેશન મહત્ત્વપૂર્ણ છે. સાઇકોસોમૅટિક મેડિસિન જર્નલમાં ૨૦૦૩માં પ્રકાશિત થયેલો અભ્યાસ આ વાતની પુષ્ટિ કરે છે. બ્રેઇન અને બૉડીની ઇમ્યુન સિસ્ટમ માટે એ ખૂબ જ ઉપયોગી છે.


