Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > ઝાકિર હુસેન જો તબલચી ન બન્યા હોત તો સારા ક્રિકેટર બન્યા હોત

ઝાકિર હુસેન જો તબલચી ન બન્યા હોત તો સારા ક્રિકેટર બન્યા હોત

Published : 05 January, 2025 05:35 PM | Modified : 05 January, 2025 05:57 PM | IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

એક મુસ્લિમ સ્ત્રી પોતાના નવજાત બાળકના જન્મના બીજા દિવસે માહિમની ચાલમાં  ઘરે આવે છે. ઘરમાં બીમાર પથારીવશ પતિએ પુત્રને પહેલી વાર જોયો અને ચહેરો ચમકી ઊઠ્યો

ઝાકિર હુસેન

વો જબ યાદ આએ

ઝાકિર હુસેન


એક મુસ્લિમ સ્ત્રી પોતાના નવજાત બાળકના જન્મના બીજા દિવસે માહિમની ચાલમાં  ઘરે આવે છે. ઘરમાં બીમાર પથારીવશ પતિએ પુત્રને પહેલી વાર જોયો અને ચહેરો ચમકી ઊઠ્યો. પરંપરા મુજબ તેમણે પુત્રના કાનમાં હળવેથી કુરાનની આયાતને બદલે તબલાની સરગમ ‘ધા ધિન ધિન ધા’ અને બીજી હરકતોનું પઠન કર્યું. પત્નીએ પૂછ્યું, ‘આ શું કરો છો?  જવાબ મળ્યો, ‘ખુદાની બંદગી  અને સંગીતની સરગમ વચ્ચે કોઈ ફરક નથી.’


કુશળ તબલાવાદક પિતા અલ્લારખા કુરેશીએ સાચા દિલથી ખુદાની બંદગી કરી હશે, કારણ કે એના પ્રતાપે જ પુત્ર ઝાકિર હુસેને મહાન તબલચી તરીકે નામના મેળવી.



અમુક કલાકારો એવા હોય છે કે જે વાજિંત્ર સાથે તેઓ સંકળાયેલા હોય એનો પર્યાય બની જાય છે. સિતારની વાત નીકળે તો પંડિત રવિશંકર યાદ આવે. સંતૂરની વાત થાય તો પંડિત શિવકુમાર શર્મા અને શહનાઈનો ઉલ્લેખ ઉસ્તાદ બિસ્મિલ્લાખાનના નામ વગર અધૂરો કહેવાય. એવા જ એક કલાકાર એટલે ઉસ્તાદ ઝાકિર હુસેન, જેમણે મહેફિલમાં સંગતના સાજ  તરીકેના વાજિંત્ર તબલાને મુખ્ય સાજ જેટલી જ ઊંચાઈ પર પહોંચાડ્યું.


અમારી સંસ્થા ‘સંકેત’ના ઉપક્રમે પંડિત શિવકુમાર શર્માના સાંનિધ્યમાં બે કાર્યક્રમોનું આયોજન થયું હતું. એ દરમ્યાન તેમની સાથે નિકટતા વધી. એક દિવસ મેં ઇચ્છા વ્યક્ત કરી કે  રાગરાગિણી પર આધારિત ફિલ્મી ગીતો, જેમાં તબલાં મુખ્ય વાજિંત્ર હોય, એવાં ગીતોના એક  કાર્યક્રમમાં ઝાકિર હુસેનને આમંત્રણ આપવું છે. તેમણે કહ્યું કે હાલમાં તેઓ અમેરિકા છે, થોડા સમય બાદ યાદ કરાવજો. થોડા મહિના બાદ મેં યાદ અપાવી પણ મુલાકાત શક્ય ન થઈ.   સમય સરતો જતો હતો. એક વાર તાતા થિયેટરમાં બન્નેની જુગલબંદીનો કાર્યક્રમ હતો ત્યારે પંડિતજીએ કહ્યું કે તમે આવો, ઓળખાણ કરાવી દઈશ.

કાર્યક્રમ પૂરો થયા બાદ તેમણે ગ્રીન રૂમમાં મારો પરિચય કરાવ્યો અને કહ્યું, ‘બહોત સૂઝબૂઝસે કાર્યક્રમ કરતે હૈં, આપકો ઝરુર જાના ચાહિએ.’ મેં ટૂંકમાં વાત કરી. તેમણે ખૂબ નમ્રતાથી વાતો કરી. કહે, ‘આપ જૈસે અસલી કદરદાન લોગોં કી હમ બહોત ઇઝ્ઝત કરતે હૈં. જો કામ ઇન્ડસ્ટ્રી કો કરના ચાહિએ વો આપ કર રહે હો.’ આટલું કહેતાં આગળ કહ્યું, ‘હું લાંબો સમય અમેરિકા રહું છું. નેક્સ્ટ વિઝિટમાં આપણે મળીએ અને કાર્યક્રમનું નક્કી કરીએ.’  આટલું કહી સેક્રેટરીનો નંબર આપ્યો અને કહ્યું કે તમે તેના ટચમાં રહેજો. ત્યાર બાદનાં બેત્રણ વર્ષોમાં સેક્રેટરી સાથે સમયાંતરે વાત થતી. બનતું એવું કે તેઓ ફ્રી હોય ત્યારે હું લાંબા સમય માટે અમેરિકા હોઉં એટલે મેળ ન ખાધો. પછી મેં પણ પ્રયત્નો છોડી દીધા. એ દિવસે દસ મિનિટની મુલાકાતમાં હું તેમનાથી ખાસ્સો પ્રભાવિત થયો હતો.


આમ પણ ઈશ્વર અને આપણી ઘડિયાળ કદી એક સમય બતાવતી નથી. આપણે જે સમયે, જે કામ કરવા ઇચ્છીએ એ થાય જ એ જરૂરી નથી. ચાર વર્ષ બાદ હાલમાં ‘સંકેત’ની પ્રવૃત્તિઓ ફરી શરૂ થઈ અને મેં વિચાર્યું કે નવા વર્ષમાં ઝાકિર હુસેન સાથે મુલાકાત કરી એક કાર્યક્રમનું આયોજન કરવું. ત્યાં ૧૫ ડિસેમ્બરે તેમના નિધનના સમાચાર મળ્યા.

દુનિયામાં ત્રણ પ્રકારના કલાકારો હોય છે. એક એ કે જેઓ કલાકાર તરીકે સાધારણ હોય, પરંતુ વ્યક્તિ તરીકે ઉમદા હોય. દુનિયા આવા કલાકારોને જીવતેજીવ યાદ રાખે પણ ત્યાર બાદ ભૂલી જાય. બીજા પ્રકારના કલાકારો પોતાની કલામાં શ્રેષ્ઠ હોય પરંતુ વ્યક્તિ તરીકે સામાન્ય હોય. આવી વ્યક્તિને શરૂઆતમાં ખૂબ માનસન્માન મળે, જે સમય જતાં ઓછું થતું જાય અને તેમના ગયા બાદ દુનિયા ભૂલી જાય. પરંતુ જૂજ કલાકારો એવા હોય જેઓ  પોતાના ક્ષેત્રમાં અદ્વિતીય હોય અને વ્યક્તિ તરીકે પણ ઉમદા હોય. તેમને દુનિયા કદી ભૂલતી નથી.  ઝાકિર હુસેન એ શ્રેણીના કલાકાર હતા.

એક જૂના ઇન્ટરવ્યુમાં તેઓ કહે છે, ‘લોકો કહે છે કે ત્રણ વર્ષની ઉંમરે મેં તાલીમ લેવાનું શરૂ કર્યું એ સાચું નથી. એક તબલચીના ઘરમાં તમારો જન્મ થયો હોય એટલે તમારી પાસે કોઈ ચૉઇસ જ ન હોય. હા, મને રસોડામાં તપેલી પર, ટેબલ પર, સ્કૂલની બેન્ચ પર તાલબદ્ધ રીતે રિધમ વગાડવાનો શોખ હતો. મારી આંગળીઓ સતત ચાલતી હોય. ઘણી વાર સ્કૂલમાં માર પડતો અને ક્લાસની બહાર ‘મુર્ગા’ બનીને ઊભા રહેવું પડતું. મને ક્રિકેટનો શોખ હતો. સ્કૂલની ટીમમાં હું વિકેટકીપર તરીકે રમતો. એ સમયે કિરમાણી પણ અમારી સામે રમતો  હતો. ઇન્ટરસ્કૂલ ટુર્નામેન્ટમાં ફાઇનલ હતી ત્યારે મારી આંગળી પર બૉલ વાગ્યો અને તૂટી ગઈ. ઘરે ખૂબ માર પડ્યો. અબ્બા કહે, ‘તારે તબલાં વગાડવાનાં છે અને આંગળી તોડીને આવ્યો.’ બસ, એ દિવસથી ક્રિકેટ છોડી દીધું. હવે ગાવસકર અને કપિલ દેવને જોઉં છું તો અફસોસ થાય કે ક્રિકેટ રમતો હોત તો કેટલા પૈસા કમાતો હોત? હું પણ તેમની જેમ શેવિંગ ક્રીમ અને રેઝરની જાહેરાત કરતો હોત.’

ઝાકિર હુસેન ૧૩ -૧૪ વર્ષના થયા ત્યાર સુધીમાં તબલાં પર સારો હાથ બેસી ગયો હતો.  નાના કાર્યક્રમોમાં સંગત આપવાનું શરૂ થયું અને લોકોમાં થોડા જાણીતા થયા.  પિતાની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી. કાર્યક્રમ માટે તે દેશવિદેશમાં ગયા હોય ત્યારે ઝાકિર હુસેન ફિલ્મોનાં ગીતોના રેકૉર્ડિંગમાં જતા અને ઘરખર્ચમાં મદદરૂપ થતા. એ સમયે ટ્રેનમાં આવજા કરવી પડતી. પિતાએ કહ્યું હતું, ‘તબલાં આપણા ભગવાન છે, કોઈનો પગ ન લાગે એનું ખાસ  ધ્યાન રાખજે.’ મુસાફરી કરતા સમયે કિશોર ઝાકિર હુસેનને જગ્યા ન મળે એટલે દરવાજા આગળ બેસી જાય અને ખોળામાં તબલાં મૂકીને જતન કરે. આ સેવા જ તેમને આગળ જતાં ખૂબ ફળી.

ઝાકિર હુસેનના માથાના ઘૂંઘરિયાળા વાળના ગુચ્છા તેમની આગવી ઓળખ બની ગયા. પણ એની પાછળનો કિસ્સો જાણવા જેવો છે. ‘હું અમેરિકા ગયો ત્યારે મુશ્કેલીથી અઠવાડિયાના ૨૫ ડૉલર કમાતો હતો. ત્યાં ઘણા લોકો લાંબા વાળ રાખે એટલે મેં શરૂ કર્યું. ખર્ચો પણ બચ્યો અને અમારા ‘રૉક ઍન્ડ રોલ’ બૅન્ડ ‘શાંતિ’માં સ્ટેજ પર મારો દેખાવ સૌને ગમ્યો. બસ, ત્યારથી આદત પડી ગઈ. હું વાળની બહુ સંભાળ નથી લેતો. બ્રશ સાથે જ હોય પણ એનો વપરાશ ભાગ્યે જ કરું છું. લોકો એકાદ કલાક વાળની સારસંભાળ રાખવામાં વેડફી નાખતા હોય છે. હું ત્રણચાર કલાકનો કાર્યક્રમ કરું છું અને વાળ વેરવિખેર થઈ જાય છે. સૌને લાગતું હશે કે આ ‘લુક’ માટે હું ખાસ મહેનત કરતો હોઈશ, પણ એવું કાંઈ નથી. પ્લેનમાં મુસાફરી કરતો હોઉં ત્યારે પાછળથી ઍર-હૉસ્ટેસ આવીને પૂછે કે ‘Ma’am, Can I get you something? ત્યારે સૌને હસવું આવે છે.’

ઝાકિર હુસેન’ની આ ‘હેરસ્ટાઇલ’ની વાત નીકળી છે ત્યારે વર્ષો પહેલાં એક જાહેરાતમાં તબલાં વગાડતા અને ત્યાર બાદ ચાની ચૂસકી લેતા ‘વાહ તાજ’ બોલતા ઝાકિર હુસેનનો પ્રસન્ન ચહેરો યાદ આવી જાય છે. એ જાહેરાતના કૉન્ટ્રૅક્ટમાં એક શરત એવી હતી કે જ્યાં સુધી ઝાકિર હુસેન ચાની આ બ્રૅન્ડના ‘કલ્ચરલ ઍમ્બૅસૅડર’ રહેશે ત્યાં સુધી તે વાળ ઓછા ન કરી શકે.

૧૯૭૩માં ઇંગ્લિશ ગિટારિસ્ટ જૉન મૅકલીન સાથે તેમનું ‘શક્તિ’ આલબમ બહાર પડ્યું અને ધૂમ મચી ગઈ. જોકે દેશ અને વિદેશમાં વિવેચકોએ ખૂબ ટીકા કરી. વિદેશી કહે, ‘Can  Indian rhythm and British melody work together?’ અહીં ફરિયાદ થઈ કે ઝાકિર હુસેન ભારતીય સંગીતનું અપમાન કરે છે. પરંતુ શ્રોતાઓને આ નવતર પ્રયોગ ખૂબ જ પસંદ આવ્યો. હકીકતમાં આ Fusion of music નહીં પણ Fusion of philosophiesનું હતું. પહેલી વાર વિદેશી શ્રોતાઓ તબલાંના જાદુથી મંત્રમુગ્ધ થયા.

પરંતુ ખુદ ઝાકિર હુસેને આ સંગીતને Fusion નહીં પણ Confusion Music શા માટે કહ્યું એ વાત આવતા રવિવારે.  

Whatsapp-channel Whatsapp-channel

05 January, 2025 05:57 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK