Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હજારો વર્ષ સુધી નામ વિનાનો રહેલો ધર્મ

હજારો વર્ષ સુધી નામ વિનાનો રહેલો ધર્મ

19 February, 2023 12:58 PM IST | Mumbai
Kana Bantwa

હિન્દુ ધર્મની શરૂઆત કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવી નથી એટલે કોઈ વ્યક્તિ સાથે જોડાઈને એનું નામ બન્યું નહીં ઃ ધર્મ સામે કોઈ ચૅલેન્જ નહોતી, એની ઓળખાણ આપવાની કે અલગ પાડવાની કોઈ જ આવશ્યકતા નહોતી એટલે એનું નામ પડ્યું નહીં

પ્રતીકાત્મક તસવીર

કમ ઑન જિંદગી

પ્રતીકાત્મક તસવીર


‘અમારી બન્નેની ટ્રેનની ટિકિટ કરાવવા ભદ્રંભદ્ર ગયા. હું જોડે ઊભો રહ્યો. બારીમાં ખભા સુધી ડોકું ઘાલીને ભદ્રંભદ્રે કહ્યું, ‘શ્રી મોહમયીની બે મૂલ્યપત્રિકા આપો.’

ટિકિટ-માસ્તર પારસી હતો. તેણે કહ્યું, ‘સું બકેચ ? આય તો તિકિટ ઑફિસ છે.’



ભદ્રંભદ્રે ઉત્તર દીધો, ‘યવન! એથી હું અજ્ઞ નથી. મારે મોહમયીની બે મૂલ્યપત્રિકાની આવશ્યકતા છે, એનું વિતરણ કરવું એ તવ કર્તવ્ય છે.’


ટિકિટ ઑફિસમાં એક હિન્દુ હતો, તેણે કહ્યું, ‘સોરાબજી, તેને ગ્રાંટ રોડની બે ટિકિટ આપો.’

ટિકિટ આપતાં સોરાબજી બોલ્યા, ‘સાલો કંઈ મેદ થયેલોચ. હું તો સમજતો જ નહીં કે એ સું બકેચ.’


ભદ્રંભદ્ર હવે કોપ શમાવી શક્યા નહીં તેમણે મહોટે નાદે કહ્યું, ‘દુષ્ટ યવન! તારી ભ્રષ્ટ વાસનાને લીધે તું અજ્ઞાન રહ્યો છે, મૂર્ખ...’

અગાડી બોલવાને બદલે ભદ્રંભદ્રે એકાએક ડોકું બહાર ખેંચી લીધું. ધબકારો થયો હતો અને બહાર આવી નાક પંપાળતા હતા એના પરથી મેં ધાર્યું કે પારસીએ મુક્કો માર્યો હશે, પણ મને તો એટલું જ કહ્યું કે ‘દુષ્ટ યવનનો સ્પર્શ થયો છે. માટે મારે સ્નાન કરી લેવું પડશે.’

રમણભાઈ નીલકંઠની સર્વકાલીન શ્રેષ્ઠ ગુજરાતી હાસ્ય નવલકથા ભદ્રંભદ્રનો આ પ્રસંગ છે. દોલતશંકરમાંથી ભદ્રંભદ્ર નામ ધારણ કરીને સનાતન હિન્દુ ધર્મને સુધારાવાળાઓથી બચાવવા નીકળેલા નાયકની ગજબ ઠેકડી નીલકંઠે ઉડાડી છે. ભદ્રંભદ્ર પોતાનો ઉદ્દેશ વારંવાર આ શબ્દસમૂહથી આપે છે : ‘સનાતન આર્યધર્મનો સદોદિત યશ:પૂર્ણ વિજય.’ આજે સવાસો વર્ષ પછી સુધારાવાળાઓ એટલે શું એ લોકોને સમજાવવું પડે છે અને સનાતનનો અર્થ પણ ત્યારે થતો હતો એવો અત્યારે નથી. સુધારાવાળાઓ એટલે પ્રોગ્રેસિવ, જુનવાણી વિચારધારાનો વિરોધ કરનાર લોકો અને સનાતની એટલે ત્યારના સમય પ્રમાણે રૂઢિવાદી, જડ વિચારવાળા, ધાર્મિક ક્રિયાકાંડો અને ઢોંગ-ધતિંગને માની લેનાર એવા અર્થ ત્યારે અભિપ્રેત હતા.

  ભદ્રંભદ્રને યાદ કરવા પાછળનું ઓઠું તો હમણાંની બે ઘટનાઓને લીધે મળ્યું. હમણાં જમિયત-એ-ઉલેમા-એ-હિન્દ નામની સંસ્થા દ્વારા યોજાયેલી એક સદ્ભાવના સભા, જેમાં સદ્ભાવના જેવું કશું નહોતું. એમાં મૌલાના મદની નામના એક શખ્સે સનાતન ધર્મ પર આક્રમણ કરતાં ઓમ અને અલ્લાહને એક ગણાવીને એવું પ્રતિપાદિત કરવાની કોશિશ કરી કે મનુ ઓમને પૂજતા હતા અર્થાત્ અલ્લાહને પૂજતા હતા. બીજી ઘટના ચાલુ છે એ છે બાબા બાગેશ્વર. તેઓ સનાતન ધર્મની રક્ષા કરવાના નામે પોતાને પ્રમોટ કરી રહ્યા છે. આ ઘટનાઓ પરથી સનાતન અને ઓમ બન્ને શબ્દોને ખંખોળવાનું કારણ મળ્યું અને એટલે ભદ્રંભદ્રને યાદ કર્યા, સનાતન શબ્દ આવે અને ભદ્રંભદ્રને યાદ ન આવે એવું ન જ બનેને.

હિન્દુ ધર્મને સનાતન હિન્દુ ધર્મ કહેવાની પરંપરા છેલ્લા થોડા દાયકાથી મજબૂત બની છે. હિન્દુ ધર્મને સનાતન કહેવો ઉચિત છે, પણ એ તેનું નામ નથી, વિશેષણ છે. વિશ્વનો સૌથી જૂનો હિન્દુ ધર્મ એવા સમયે અને સ્થળે વિકસ્યો કે એણે હજારો વર્ષ સુધી કોઈ જ પડકારનો સામનો કરવો પડ્યો નહીં. ઉત્તરમાં હિમાલય દીવાલ બનીને ઊભો હતો એટલે એ બાજુથી આક્રમણ થયાં નહીં. પશ્ચિમમાં રણ અને દુર્ગમ પહાડો વચ્ચેના મેદાની પ્રદેશમાં ૭ નદીઓ વહેતી હતી એને પાર કરીને આક્રમણ કરવાનું મુશ્કેલ હતું અને સાથે જ, એ હજારો વર્ષમાં ભારતમાં રાજવંશો એટલા મજબૂત હતા કે તેમના પર આક્રમણ કરવું મુશ્કેલ હતું. પશ્ચિમ ભારતના રાજવંશો છેક ઈરાન અને અફઘાનિસ્તાન સુધી આણ પ્રસરાવતા હતા અને એ પછીનો ઉજ્જડ પ્રદેશ લાંઘીને ભારત પર હુમલો કરવાનું કોઈ વિચારતું નહોતું. એ સ્થિતિમાં ભારતમાં જે ધર્મ પ્રવર્તતો હતો એની સામે અન્ય કોઈ ધર્મનું અસ્તિત્વ જ નહોતું. એ પ્રવર્તમાન ધર્મ એકલો જ હતો એટલે તેને કોઈ નામ આપવામાં આવ્યું નહોતું. તેને માત્ર ધર્મ કહીને જ સંબોધવામાં આવતો હતો. કોઈ જ નામ અપાયું નહોતું, કારણ કે નામની આવશ્યકતા જ નહોતી. એ જ રીતે આ દેશને પણ કોઈ સ્પષ્ટ નામ આપવામાં આવ્યું નહોતું, એને પછીથી આર્યાવર્ત જેવા નામથી સંબોધવાનું શરૂ થયું હતું.

હિન્દુ ધર્મ સાથે સનાતન શબ્દ સ્મૃતિ અને પુરાણોથી જોડાયો અને એ પણ વિશેષણ તરીકે. સનાતનનો અર્થ શાશ્વત, નિત્ય, અગાઉથી ચાલ્યો આવતો એવો થાય છે. હિન્દુ ધર્મ વિશ્વનો એકમાત્ર એવો ધર્મ છે જે નૈસર્ગિક રીતે જ વિકસ્યો છે. તેને શરૂ કરનાર કોઈ એક વ્યક્તિ નથી. જીવન જીવવાની પદ્ધતિમાંથી એ ધર્મ પોતાની મેળે ફૂલ્યોફાલ્યો છે. જગતના અન્ય તમામ ધર્મ કોઈ ને કોઈ માણસ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. ખ્રિસ્તી ધર્મ ઈશુના મૃત્યુ પછી શરૂ  થયો, ઇસ્લામ ધર્મ મોહમ્મદ પયગંબરે શરૂ કર્યો. આ બન્ને ધર્મના મૂળ જેવા અબ્રાહમિક ધર્મની શરૂઆત અબ્રાહમે કરી, બૌદ્ધ ધર્મની શરૂઆત ગૌતમ બુદ્ધે કરી, જૈન ધર્મની શરૂઆત મહાવીરે કરી, જરથ્રુસ્થ ધર્મની શરૂઆત અશો જરથ્રુસ્થે કરી. હિન્દુ ધર્મની શરૂઆત કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવી નથી એટલે કોઈ વ્યક્તિ સાથે જોડાઈને એનું નામ બન્યું નહીં અને શરૂ કરનાર કોઈ ન હોવાથી નામ પાડનાર પણ કોઈ નહોતું. ધર્મ સામે કોઈ ચૅલેન્જ નહોતી, તેની ઓળખાણ આપવાની કે અલગ પાડવાની કોઈ આવશ્યકતા નહોતી એટલે તેનું નામ જ પડ્યું નહીં. સનાતન ધર્મ એવો કોઈ શબ્દસમૂહ વેદમાં નથી. ઋગ્વેદમાં એક જગ્યાએ સત્યધર્મ એવો ઉલ્લેખ આવે છે.

સત્ય ધમર્ણિા પરમે વયોમની (ઋગ્વેદ 5/63/1) ઋગ્વેદમાં જ અન્ય એક જગ્યાએ સનતા ધર્મ એવું લખાયું છે. ધર્માણી સનતા ન દદુષત. (ઋગ્વેદ 3/3/1) સનતા શબ્દનો અર્થ અગાઉથી ચાલ્યું આવતું એવો થાય છે. મનુસ્મૃતિમાં સૌપ્રથમ સનાતન ધર્મ શબ્દ વપરાયો, જો મનુસ્મૃતિને અન્ય પુરાણો કરતાં જૂનો ગ્રંથ માનીએ તો. જે સત્યં બ્રુયાત, પ્રિયં બ્રુયાત એ સુભાષિત આપણે વારંવાર ઉપયોગમાં લઈએ છીએ તે મનુસ્મૃતિનો શ્લોક છે. જેના ઉત્તરાર્ધમાં પ્રિયં ચ નાનૃતમ બ્રુયાદેશ ધર્મ: સનાતન: એવું વાક્ય છે જે બહુ લોકોની જાણમાં હોતું નથી. અહીં પણ સનાતન શબ્દ વિશેષણ તરીકે જ છે. ભાગવત પુરાણમાં આઠમા સ્કંધમાં ધર્મ: સનાતન: કહીને એવા જ રૂપે વપરાયો છે. વાલ્મીકિ રામાયણમાં લખવામાં આવ્યું છે કે ‘કૃતે ચ પ્રતિકર્તવ્યમેષ ધર્મ: સનાતન:’ કોઈ મદદ કરે તો તેના ઉપકારનો બદલો વાળવો એ સનાતન ધર્મ છે. મહાભારતમાં ધર્મની વાત વારંવાર આવે છે, પણ એને માત્ર ધર્મ તરીકે જ સંબોધવામાં આવે છે, કોઈ નામ કે વિશેષણ સાથે નહીં.

  હિન્દુ ધર્મ એવું નામકરણ તો વિદેશી આક્રમણખોરોએ કર્યું. ભારત પર હુમલો કરવા માટે એક પશ્ચિમ દિશા જ ખુલ્લી હતી જ્યાં સાત નદીઓ વહેતી હતી અને એમાંની સૌથી મોટી નદીને સિંધુ કહેવામાં આવતી. સાગર માટે વપરાતો સિંધુ શબ્દ ઉપયોગમાં લેવો પડે એવી વિશાળ નદી એ હતી એટલે એનું નામ સિંધુ જ પડી ગયું. હુણ તરીકે ઓળખાતા બર્બર આક્રમણકારીઓએ મધ્ય એશિયામાંથી ભારત પર આક્રમણ કર્યું એમને સિંધુ નદી પાર કરવી પડી. હુણો અને મધ્ય એશિયાની જાતિઓ સનો ઉચ્ચાર ‘હ’ કરતી હતી. તેમની જીભ ‘સ’ બોલી જ શકતી નહીં, એટલે હ બોલતા. આજે પણ સૌરાષ્ટ્રની અમુક જાતિઓ ‘સ’ બોલવાને બદલે ‘હ’ અને ‘સ’ વચ્ચેનો ઉચ્ચાર કરે છે. હુણોએ સિંધુને હિન્દુ કહેવા માંડ્યું. સિંધુ નદીના કિનારે અને એની પાર વસતા લોકો માટે પણ હિન્દુ શબ્દ જ વાપરવા માંડ્યા અને એ લોકો જે ધર્મ પાળતા એને હિન્દુ ધર્મ કહેવા માંડ્યા અને એ દેશને હિન્દુસ્તાન નામ પણ મળ્યું. હુણ, કુશાણ વગેરે આતતાયીઓ પછી મોંગોલો આવ્યા. બર્બરતામાં હણોને પણ લજવે એવા જંગલી મોંગોલો ‘હ’ નહોતા બોલી શકતા. ‘હ’ને બદલે ‘અ’ બોલતા એટલે સિંધુનું હિન્દુમાંથી તેમણે કર્યું ઇન્દુ. એ ઇન્દુ પરથી થયું ઇન્ડસ. ઇન્ડસ પરથી ભારતનું નામ વિદેશીઓએ પાડ્યું ઇન્ડિયા.

નામ વગરનો ધર્મ છેક પાંચમી સદીમાં નામને પામ્યો અને એ પણ એને જેઓ જાણતા નહોતા એ લોકો દ્વારા. અંગ્રેજો આવ્યા અને પ્રગતિશીલ વિચારધારાની શઆત થઈ ત્યારે જૂની પરંપરાઓ,  રૂઢિઓનું સમર્થન કરનાર વર્ગ પણ પેદા થયો. આ વર્ગને સનાતની કહેવામાં આવ્યો અને એ પછી રૂઢિવાદીને જ સનાતની કહેવાનું ચાલુ થઈ ગયું. સનાતનીવેડા નામનો શબ્દ પણ ગુજરાતી ભાષામાં આવ્યો. હવે હિન્દુ ધર્મને સનાતન હિન્દુ ધર્મ કહીને જ સંબોધવાનું પ્રચલન છે. કદાચ ભવિષ્યમાં હિન્દુ શબ્દ પણ કાઢી નાખવામાં આવે અને માત્ર સનાતન શબ્દ રહે એવું પણ બને. ઓમની ચર્ચા હવે પછી.

Whatsapp-channel Whatsapp-channel

19 February, 2023 12:58 PM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK