Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > કૉલમ > મૅરેજની આતુરતાપૂર્વક રાહ જોનારાએ રાતોરાત મિશન પર લાગવું પડે છે ત્યારે...

મૅરેજની આતુરતાપૂર્વક રાહ જોનારાએ રાતોરાત મિશન પર લાગવું પડે છે ત્યારે...

Published : 02 August, 2023 05:26 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ચંદ્રકાન્ત બક્ષીની નવલકથા ‘લગ્નની આગલી રાતે’ની કમાલ વાત એ છે કે એ વાંચતી વખતે તમારી આંખ સામે એ શબ્દો દૃશ્ય બનીને ઊપસી આવે છે

ચંદ્રકાંત બક્ષી અને તેમની નવલકથા

રશ્મિન શાહ

ચંદ્રકાંત બક્ષી અને તેમની નવલકથા


ચંદ્રકાન્ત બક્ષીની જો ગુજરાતીઓને ઓળખ આપવી પડે તો ખરેખર ગુજરાતી ભાષા અને ગુજરાતી કમ્યુનિટી બન્નેએ જાહેરમાં આપઘાત કરવો પડે. પોતાની બેબાક લેખનશૈલી અને સતત ચર્ચામાં રાખે એવા સ્વભાવને કારણે માત્ર વાચકો જ નહીં, પ્રકાશકો અને ગુજરાતી કમ્યુનિટીમાં જબરદસ્ત લોકચાહના મેળવનારા ચંદ્રકાન્ત બક્ષીની અઢળક નવલકથાઓએ ગુજરાતી પ્રકાશનોમાં રેકૉર્ડબ્રેક વેચાણ મેળવ્યું છે, તો આત્મકથા ‘બક્ષીનામા’એ અનેક ગુજરાતીઓનાં બ્લડપ્રેશર વધારી દીધાં હતાં. ‘પૅરૅલિસિસ’, ‘આકાર’, ‘આકાશે કહ્યું’, ‘અતીતવન’, ‘રોમા’, ‘કોરસ’ જેવી અઢળક નવલકથાઓ લખનારા ચંદ્રકાન્ત બક્ષી પોતાના વાચકોમાં બક્ષી કે બક્ષીબાબુના હુલામણા નામથી પૉપ્યુલર હતા. તેમણે લખેલી ટૂંકી વાર્તા ‘કુત્તી’ માટે તેમના પર કેસ થયો હતો, જેને માટે તેમણે મુંબઈથી સુરતના અઢળક ધક્કા ખાવા પડ્યા હતા, જેનો રંજ તેમને જીવનભર રહ્યો હતો.


વિરોધીઓ વિશે જ નહીં, પોતાને ન ગમતા લોકો વિશે લખતી વખતે પણ કલમમાં તેજાબ ભરી લેનારા બક્ષીની ‘લગ્નની પહેલી રાતે’ નવલકથાનું પોત સસ્પેન્સ-થ્રિલ છે. આ નવલકથાને જોઈએ એવી પૉપ્યુલરિટી નહોતી મળી એ પણ એટલું જ સાચું છે. ચંદ્રકાન્ત બક્ષી કહેતા કે ‘જ્યારે વાચકો ઓળઘોળ ન થાય ત્યારે સહજ રીતે જ ઉત્સાહ ઓસરી જાય. લખવું એ લેખકનું કર્મ છે તો લેખકે લખેલું વાંચી એનો પડઘો પાડવો એ વાચકનું કર્મ છે. જો કર્મ ચૂકવામાં આવે તો ધર્મ પણ વીસરાતો જાય.’



ઇતિહાસ બક્ષીબાબુનો ફેવરિટ વિષય હતો. ઇતિહાસ અને રાજકારણના વિષય સાથે કલકત્તામાં આર્ટ્સમાં માસ્ટર ડિગ્રી મેળવનાર નકારાત્મક કે નબળી વાતોને જબરદસ્ત નફરત કરતા અને એ જ કારણે તેઓ કહેતા કે આપણે હંમેશાં હાર અને પછડાટનું જ પ્રદર્શન કરતા રહ્યા છીએ. આપણા મ્યુઝિયમમાં તમને આપણી જીત નહીં, પણ આપણી હારની લાચારીનાં દર્શન વધારે થશે.
ચડી ગઈ સૌને ધ્રુજારી


આગળ જે આત્મકથાની વાત કરી એ ‘બક્ષીનામા’ અત્યારે માર્કેટમાં ત્રણ ભાગમાં મળે છે. આ આત્મકથા જે-તે સમયના પૉપ્યુલર એવા દૈનિક ‘સમકાલીન’માં હપ્તાવાર પ્રસિદ્ધ થઈ હતી, પણ બહુ ઓછા લોકોને ખબર છે કે હપ્તાવાર પ્રસિદ્ધ થયેલી એ આત્મકથાના અમુક એપિસોડ મૅનેજમેન્ટે પ્રસિદ્ધ કરવાનો ઇનકાર કરી દીધો હતો. જે હપ્તા પ્રસિદ્ધ કરવાની ના પાડી દેવામાં આવી હતી એ પ્રકરણોમાં બક્ષીબાબુએ એવી કલ્પના કરી હતી જેમાં તેમના દુશ્મનોનો મૃતદેહ પડ્યો હોય અને એ મૃતદેહના મુખમાં તેઓ સુ-સુ કરે છે. ઘૃણાસ્પદ કહેવાય એવી આ હરકતની પાછળ તેમના મનમાં ધરબાયેલો ગુસ્સો તો દેખાતો જ હતો, પણ એ ઉપરાંત તેમનો વૉરિયર નેચર અને દુશ્મનોને નહીં છોડવાની તેમની જે લડાયક માનસિકતા હતી એ પણ છતી થતી હતી.
એ જે પ્રકરણો છે એ પ્રકરણો ‘બક્ષીનામા’ જ્યારે પુસ્તક તરીકે પ્રસિદ્ધ થઈ ત્યારે એમાં સમાવિષ્ટ કરવામાં આવ્યાં હતાં.

ઘરમાં બેસીને ખેતી ન થાય


હા, આવું બક્ષીબાબુ લેખકોને કહેતા. પોતાની નવલકથા માટે તેઓ હંમેશાં લાઇવ લોકેશનનો ઉપયોગ કરતા અને એ જગ્યાએ ગયા પછી જ તેઓ એ લોકેશનને પોતાની કથામાં લાવતા. ‘લગ્નની આગલી રાતે’ની વાત કરીએ તો, આ નવલકથામાં કલકત્તા ઉપરાંત સિક્કિમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને માટે બક્ષીબાબુ સિક્કિમ જઈને રોકાયા હતા અને એ વિસ્તારની જ્યૉગ્રાફી જાણવા-સમજવા ઉપરાંત સ્થાનિક પ્રશ્નોને પણ તેઓ સમજ્યા હતા. ઘરમાં બેસીને આખેઆખી નવલકથા ઢસડી મારતા લેખકો સામે ચંદ્રકાન્ત બક્ષીને ભારોભાર ચીડ હતી. બક્ષી કહેતા, ‘આ લોકો કૂંડામાં ઘઉં પણ ઉગાડી લે અને રેતીનો ઢગલો કરી ગિરનાર-ગિરનાર રમી પણ લે. નવલકથાના ઘટેલા આકર્ષણ પાછળ જો કોઈ જવાબદાર હોય તો એ વાતાનુકૂલિન વાતાવરણમાં ઘરમાં બેસીને લખતા લેખકો જ છે.’ ચંદ્રકાન્ત બક્ષી માનતા કે પત્રકારમાંથી લેખક બનેલો લેખક હંમેશાં વાચકોનાં મન અને હૃદયમાં સ્થાન જમાવી શકે.

સ્ટોરી શૉર્ટકટ

‘લગ્નની આગલી રાતે’માં વાત છે પોરસ શાહ નામના એક ડિટેક્ટિવની. મૅરેજની આગલી રાતે પોરસ પાર્ટીમાં બેઠો છે. પાર્ટીમાં વાત ચાલી રહી છે બીજા દિવસનાં મૅરેજની અને એ વાતો દરમ્યાન અચાનક પોરસને ફોન આવે છે. પોરસને ફોન કરનાર બીજો કોઈ નહીં, પણ ઇન્ટેલિજન્સ બ્યુરોના સિનિયર ઑફિસર મહેતા છે. પોરસને તાત્કાલિક મળવા જવાનું હોવાથી પાર્ટી અધૂરી છોડીને તે નીકળી જાય છે. મહેતા સાથેની મીટિંગ શરૂ થાય છે અને આખી વાત અહીંથી ઊઘડે છે.

એક અધિકારીને મહેતાએ સિક્કિમ મોકલ્યો હતો. રાષ્ટ્રીય સુરક્ષાના હેતુથી ગયેલા એ અધિકારી પોતાની સાથે માઇક્રો-ફિલ્મ લઈને ગયા હતા, જે હકીકતમાં કોરી લઈ જવાની હોય, પણ એ અધિકારી ભૂલથી એવી માઇક્રો-ફિલ્મ લઈ જાય છે જેમાં ભારતીય સુરક્ષા વિભાગનો અમુક ખાનગી ડેટા છે. મહેતા કહે છે કે એ ફિલ્મ લઈને તરત જ પાછા આવવાની સૂચના અમે એક વીક પહેલાં જ આપી દીધી, પણ એ સૂચના પછી હવે એ અધિકારી ગાયબ છે અને તારે સમય બગાડ્યા વિના તાત્કાલિક સિક્કિમ પહોંચવાનું છે. એ અધિકારીનું શું થયું, શું એ ડેટાનો દુરુપયોગ થવાનો હતો, કોને એ ડેટામાં ઇન્ટરેસ્ટ હતો, કોણ હતું વિક્રમસિંહ, તેનો જીવ શું કામ ગયો અને ૨૪૯ નંબર સાથે આખી ઘટનાને શું લાગેવળગે છે? આ અને આ પ્રકારના અઢળક પ્રશ્નોની આસપાસ ‘લગ્નની આગલી રાતે’ નવલકથા ફરે છે.

Whatsapp-channel Whatsapp-channel

02 August, 2023 05:26 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK