‘રાધાકૃષ્ણ’માં દ્રૌપદી અને અનેક બીજી સિરિયલોમાં પણ લીડ રોલમાં જોવા મળતી ઈશિતા ગંગોપાધ્યાય માને છે કે ક્યારેય દેખાદેખીમાં વર્કઆઉટ શરૂ ન કરવું જોઈએ.
ઈશિતા ગંગોપાધ્યાય
ઇન્ડિયન ટેલિવિઝનમાં દેવીમા બનવા માટે જ જાણે કે જન્મ લીધો હોય એમ ‘જગત જનની મા વૈષ્ણોદેવી’ અને ‘શ્રીમદ ભાગવત પુરાણ’માં મા પાર્વતી, ‘રાધાકૃષ્ણ’માં દ્રૌપદી અને અનેક બીજી સિરિયલોમાં પણ લીડ રોલમાં જોવા મળતી ઈશિતા ગંગોપાધ્યાય માને છે કે ક્યારેય દેખાદેખીમાં વર્કઆઉટ શરૂ ન કરવું જોઈએ.
ગોલ્ડન વર્ડ્સ : દિવસ આખો બૉડી આપણને સાથ આપે છે તો એ બૉડીને આપણે દિવસમાં મિનિમમ ત્રીસ મિનિટ તો આપવી જ જોઈએ.
ADVERTISEMENT
મારે મન ફિટેનસ અને હૅપીનેસ એકબીજાના પર્યાય છે. જો તમે ફિટ હો તો તમે હૅપી હો. આ સીધો થમ્બ રૂલ છે અને આ રૂલ એ સૌ સમજે છે જે પોતાના બૉડીને ટાઇમ આપે છે. વર્કઆઉટથી બૉડીમાંથી સ્ટ્રેસ રિલીવ થાય છે અને સાથોસાથ હૅપી હૉર્મોન્સ પણ જન્મે છે, જેને લીધે વ્યક્તિ ખુશ રહેતી થાય છે. હું તો કહીશ કે વર્કઆઉટને કારણે લોકો સારા દેખાય છે એનું એક સૌથી અગત્યનું કારણ એ છે કે તેના ઑરામાં જ હૅપીનેસ ઉમેરાઈ જાય છે. તમને ખુશ માણસને મળવું હંમેશાં ગમે. જો તમે કોઈ દુખીને મળો તો તમે પણ મૂડલેસ થઈ જાઓ. કહેવાનો ભાવાર્થ એટલો જ કે વર્કઆઉટ હૅપી રહેવા માટે કરવાનું છે, નહીં કે કોઈના જેવા દેખાવા માટે. ભગવાને આપણને બધાને એક યુનિક આઇડેન્ટિટી આપી છે તો આપણે એને ભૂલીને બીજા બનવા નીકળી પડીએ એ ખોટું છે.
યંગસ્ટર્સમાં બહુ જોવા મળે કે મારે ફલાણા જેવા થવું છે અને મારે ઢીંકણા જેવા થવું છે, પણ એ ખોટું છે. બી યુ, બી યૉરસેલ્ફ. આપણે કોઈના જેવું નથી થવાનું. આપણે એ જ રહેવાનું છે જે આપણે છીએ અને એનું બેટર વર્ઝન તૈયાર કરતા જવાનું છે. સો બેટર છે કે તમે જે છો એ જ રહો અને તમારું જ બેસ્ટ વર્ઝન બનવાની કોશિશ કરો.
વાત મારા વર્કઆઉટની...
હું છેલ્લાં છ વર્ષથી રેગ્યુલર વર્કઆઉટ કરું છું અને સાથે યોગ પણ કરું. હું ગમે ત્યાં હોઉં, બિઝી હોઉં તો પણ હું મારું વર્કઆઉટ અને યોગ કરું જ કરું. ઍક્ચ્યુઅલી, હવે તો મારે એ બાબતમાં યાદ પણ નથી કરવું પડતું. મારું બૉડી જ મને ઇન્સ્ટ્રક્શન આપે કે મારા વર્કઆઉટ અને યોગ બાકી છે. વર્કઆઉટની આ જ મજા છે, એને તમે તમારી લાઇફસ્ટાઇલ બનાવી દો તો એ તમારી આળસ અને કંટાળો બન્ને ભગાડી દે.
હું મૉર્નિંગ પર્સન છું. મારો દિવસ સવારના છ વાગ્યે શરૂ થાય. સવારે યોગા કરું સાંજે વર્કઆઉટ. વર્કઆઉટ હું જિમમાં જઈને કરું છું. જિમનું ઍટ્મોસ્ફિયર એવું હોય કે જેને લીધે તમે વર્કઆઉટમાં લેઝી નથી થતા. હવે મને એની જરૂર નથી પડતી, પણ જો કોઈ વર્કઆઉટ શરૂ કરતા હોય તો હું તેને પ્રિફર કરીશ કે તેણે જિમમાં જવું જોઈએ.
નવું-નવું વર્કઆઉટ શરૂ કરે તેના માટે હું ત્રણ સૂચન આપીશ. એક, તમારી ડાયટ બરાબર કરો. જન્ક ફૂડ અને કોલ્ડ ડ્રિન્ક્સ કે પૅકેટ-ફૂડ્સ ખાવાનું બંધ કરો. બીજું, યોગમાં જેને સૂક્ષ્મ વ્યાયામ કહે છે એ પ્રકારની એક્સરસાઇઝ ઘરમાં જ શરૂ કરો અને વૉક લેવાનું ચાલુ કરો. આ બન્નેને એક મહિનો થાય એ પછી જિમમાં જાઓ, જેથી ત્યાં તમને સીધી જ મશીન એક્સરસાઇઝ કરવા મળે. ઍડશનલ સૂચન, આટલો સમય વર્કઆઉટ કરવું જ છે એવું નક્કી કરવાને બદલે એવું નક્કી કરો કે વર્કઆઉટ, વૉક કે એક્સરસાઇઝ શરૂ કરો ત્યારે પૂરા ડેડિકેશન સાથે એને પંદર કે ત્રીસ મિનિટ આપો.
વાત મારા ખાનપાનની
હું ફ્રૂટ્સ વધારે ખાઉં છું તો સાથોસાથ પાણી, નાળિયેરપાણી કે ફ્રેશ જૂસ પણ દિવસ દરમ્યાન સતત લેતી રહું. બૉડીને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જરૂરી છે. દિવસ દરમ્યાન આપણી સ્કિન અને હેર સૌથી વધારે ડૅમેજ થતાં હોય છે. સ્ટ્રેસને લીધે પણ એ ડૅમેજ થાય છે, જે ન થવા દેવા માટે બૉડી હાઇડ્રેટેડ રહે એ ખૂબ જરૂરી છે.
હું ડાયટિંગ પ્રિફર નથી કરતી. ડાયટિંગને લીધે એવું બને છે કે તમારો જીવ ફૂડમાં જ રહ્યા કરે. બહેતર છે કે થોડું-થોડું ખાઓ અને બે ફૂડ વચ્ચે બે કલાકનો ગૅપ રાખો. જો એવું કરશો તો બૉડીમાં રહી જતા વધારાના ફૂડનો પ્રશ્ન સૉલ્વ થશે અને સાથોસાથ એક જ સમયે બેસીને ઓવરઈટિંગની આદત પણ છૂટશે.
ભાવતું ફૂડ જો અનહેલ્ધી હોય તો એવું નક્કી કરો કે એ ફૂડ પહેલાં પેટ ભરીને હેલ્ધી ફૂડ જમી લેવું છે. સ્વીટ્સને જમવા સાથે લેવાને બદલે જમ્યા પછી ખાવાનું રાખો અને શુગર વાપરવાને બદલે જૅગરીનો ઉપયોગ કરવાનું વધારો. આપણા બૉડીને સૌથી મોટું ડૅમેજ જો કોઈ કરતું હોય તો એ પ્રિઝર્વેટિવ્સ છે.

