Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > રક્તવિરક્ત: એક રક્તના વહેંચાયેલા વિખરાયેલા વિરક્ત સંબંધની રહસ્યમય કથા (પ્રકરણ ૩)

રક્તવિરક્ત: એક રક્તના વહેંચાયેલા વિખરાયેલા વિરક્ત સંબંધની રહસ્યમય કથા (પ્રકરણ ૩)

07 July, 2024 08:30 AM IST | Mumbai
Kajal Oza Vaidya | feedbackgmd@mid-day.com

‘સૉરી, મારે પણ સામે જવાબ નહોતો આપવો જોઈતો.’ શામ્ભવીએ કહ્યું. તેની આંખો ભીની થઈ ગઈ. કમલનાથના પાતળા ચિકનકારીના ઝભ્ભામાં થઈને શામ્ભવીનાં આંસુ તેમની છાતીના વાળ સુધી પહોંચી ગયાં.

ઇલસ્ટ્રેશન

નવલકથા

ઇલસ્ટ્રેશન


હજી તો શામ્ભવી હમણાં જ ઘરમાં દાખલ થઈ હતી. ચાર વર્ષે ઘરે પાછી ફરેલી દીકરી સાથે સરખી વાતચીત શરૂ થાય એ પહેલાં જ બાપ-દીકરી વચ્ચે ચકમક ઝરી ગઈ. શામ્ભવીએ પોતાના ભવિષ્યના પ્લાન વિશે ચર્ચા શરૂ કરી એ પહેલાં તો કમલનાથે તેની વાત કાપી નાખી...


ડાઇનિંગ રૂમમાંથી નીકળેલી શામ્ભવી સડસડાટ પગથિયાં ચડીને પોતાની રૂમમાં ગઈ. હજી ત્યાં મૂકેલી બૅગ્સ પર બૅગેજ-ટૅગ્સ અને બિઝનેસ ક્લાસનો ‘પ્રાયોરિટી’ ટૅગ પણ કાઢવાનો બાકી હતો ત્યાં તો શામ્ભવીએ પોતાનું વૉર્ડરોબ ખોલીને એમાંથી બીજું એક ટૉપ બહાર કાઢ્યું. લૂઝ લિનનનું પૅન્ટ કાઢીને પલંગ પર ફેંક્યું. કપડાં ઉતારીને તે બાથરૂમમાં જઈને શાવર નીચે ઊભી રહી. તેનું મગજ ફાટફાટ થતું હતું. કમલનાથે આજે જે રીતે તેની સાથે વાત કરી હતી એ સૂરમાં અને એ કડકાઈથી આજ પહેલાં ક્યારેય વાત નહોતી કરી. શામ્ભવીને સમજાયું નહીં કે તેને જેલમાં કામ કરવાની વાત કરીને એવો તે કયો મોટો ગુનો કરી નાખ્યો હતો! નાહીને તૈયાર થઈને શામ્ભવી વાળમાં બ્રશ ફેરવીને સડસડાટ પગથિયાં ઊતરી.‘અત્યારે ક્યાં જાય છે?’


ડ્રૉઇંગ-રૂમમાં બેસીને કોઈની સાથે ફોન પર વાત કરી રહેલી મોહિનીએ ફોન ચાલુ રાખીને જ પૂછ્યું.

‘બહાર.’ શામ્ભવીએ જવાબ આપ્યો.


‘અગિયાર વાગવા આવ્યા છે...’ મોહિનીએ કહ્યું, ‘મોટાજીને ખબર

પડશે તો...’

‘તો?’ શામ્ભવીએ ખભા ઉલાળ્યા, ‘તો શું?’ કહીને તે મુખ્ય દરવાજાની બહાર નીકળી ગઈ. સડસડાટ પગથિયાં ઊતરીને તે પૉર્ચમાં આવી. બન્ને તરફ ઊભેલા ગાર્ડ્સ શામ્ભવીને જોઈને થોડા સચેત થયા; પણ તે તો બેફિકર, બેદરકાર ગેટ તરફ ચાલવા લાગી.

તે ગેટ પર આવી કે તરત લોખંડનો ગેટ ઇલેક્ટ્રૉનિકલી ખૂલ્યો. શામ્ભવી બહાર નીકળી. તે ગુસ્સામાં હતી. બહાર શિવની ગાડી ઊભી હતી. દરવાજો ખોલીને શામ્ભવી એમાં બેસી ગઈ. એક અક્ષર બોલ્યા વગર શિવે ગાડી ડ્રાઇવ મોડમાં નાખીને આગળ લીધી. શામ્ભવીએ પગમાં પહેરેલાં ચંપલ કાઢીને પલાંઠી વાળી દીધી, ‘સમજે છે શું

તેમના મનમાં?’

‘મને હતું જ!’ શિવે ગાડી ચલાવતાં શામ્ભવી તરફ જોયા વગર કહ્યું, ‘તું સીધી મારી પાસે આવી ત્યારે જ...’

‘અરે! તારા લીધે કંઈ નથી થયું.’ શામ્ભવીએ વધુ ઉશ્કેરાટ સાથે શિવ તરફ જોયું, ‘તેમને મારા PhD કરવા સામે વાંધો છે, જેલમાં કામ કરવા સામે વાંધો છે.’ કહીને શામ્ભવીએ એક મુક્કો શિવની સીટ પર ફટકાર્યો, ‘એમાં પેલી મોહિની! બરાબર લાગ જોઈને બળતામાં ઘી હોમે છે.’ કહીને તેણે ચાળા પાડ્યા, ‘ધામધૂમથી લગ્ન કરીશું...’

‘તારો પ્રૉબ્લેમ શું છે? બાપુ, મોહિની કે લગ્ન?’ શિવના ગાલમાં ખંજન પડ્યાં.

હવે મુક્કો તેની સીટ પર નહીં, તેના બાવડામાં વાગ્યો, ‘એક વાત સમજી લે શિવલા... હું PhD કરીશ, ક્રિમિનલ સાઇકોલૉજીમાં જ કરીશ... અને હા, જેલમાં કામ કરવાના મારા સપનાને તારે પૂરું કરવાનું છે.’

‘હેં?!?’ શિવથી લગભગ બ્રેક

મરાઈ ગઈ.

‘હેં શું? હા કહે...’ શામ્ભવીએ બીજો એક મુક્કો ઉગામ્યો, ‘મીડિયામાં કામ કરે છે, પ્રાઇમ ટાઇમ શો કરે છે. આટલી ઓળખાણ છે તારી, મારે શું કામનું?’

‘અરે, પણ...’ શિવને ફરી એક વાર કંઈક ભયાનક બનવાનું છે એવો અંદેશો આવી ગયો.

‘તું મને જેલમાં લઈ જઈશ કે નહીં?’ શામ્ભવીએ પૂછ્યું. તેનો મુક્કો હજી ઉગામેલો હતો, આંખોમાં ધમકી હતી અને ચહેરા પર ગુસ્સો.

‘હું તને જેલમાં લઈ જઈશ કે નહીં એની મને ખબર નથી, પણ તું મને એક દિવસ જેલભેગો કરીશ એની મને ખાતરી છે.’ શિવના ગાલમાં ખંજન પડતાં હતાં. તે ખડખડાટ હસી પડ્યો.

‘મારે અમદાવાદની જેલ જોવી છે.’ શામ્ભવીએ કહ્યું, ‘કાલે!’

‘આ કોઈ સિનેમા નથી, ઝૂ નથી...’ શિવ જરા ગંભીર થઈ ગયો, ‘એના માટે અરજી કરવી પડે, કારણ આપવું પડે. તારા ID અને બીજી વિગતોની તપાસ થાય. પછી રજા મળે તો મળે.’ તે થોડીક ક્ષણ ચૂપ રહ્યો. પછી તેણે કહી જ નાખ્યું, ‘આપણે અરજી કરીએ એટલે તરત જ તારા બાપુને ખબર પડ્યા વિના નહીં રહે. તેમનું નેટવર્ક સ્ટ્રૉન્ગ છે.’

‘તો અરજી-ફરજી કર્યા વગર લઈ જા...’ શામ્ભવીએ દાદાગીરી કરી.

‘આ જેલ છે, મારા બાપનો બગીચો નથી કે આંટો મારવા નીકળી જઈએ.’ શિવ અકળાયો.

‘હું કંઈ જાણું નહીં. મારે આવતી કાલે સવારે જેલ જવું છે.’ શામ્ભવીએ કહ્યું.

‘ગાડી ઠોકીએ, બે-ચાર જણને મારીએ અને નહીં તો થોડો બિયર પીએ... કોઈ ને કોઈ તો લઈ જ જશે.’ હસતાં-હસતાં શિવે કહ્યું, ‘જેલ!’

‘શિવ! આઇ ઍમ સિરિયસ.’ શામ્ભવીએ હાથ લંબાવીને શિવનો કૉલર પકડ્યો, તેને હચમચાવ્યો, ‘તું ગમે એમ કરીને મને જેલ જોવા લઈ જાય છે.’ કહીને તેણે શિવને થોડો ધક્કો માર્યો, ‘કાલે.’

એ પછી બન્ને જણે તેમની ફેવરિટ જગ્યાએ જઈને ચા પીધી, મોડી રાત સુધી શહેરના રસ્તાઓ પર રખડતાં રહ્યાં. શિવે શામ્ભવીને તેના ઘરે ઉતારી ત્યારે રાતના પોણાબે થયા હતા.

lll

ગુસ્સે થઈને ડાઇનિંગ રૂમમાંથી બહાર નીકળી ગયા પછી કમલનાથને લાગ્યું કે તેમણે થોડી ઉતાવળ કરી નાખી હતી. કારણ વગર ઉશ્કેરાઈને શામ્ભવી સાથે દલીલબાજીમાં ઊતરવાને બદલે તેની સાથે શાંતિથી, પ્રેમથી વાત થઈ શકી હોત. તેમને બરાબર ખબર હતી કે શામ્ભવી તેમની જ દીકરી હતી. જીદ અને ઝનૂન શામ્ભવીએ તેમની પાસેથી વારસામાં લીધાં હતાં. ચાર વર્ષે ઘરે આવેલી દીકરી સાથે જે રીતે ચકમક ઝરી એ પછી કમલનાથ જરા ઉદાસ થઈ ગયા હતા. પોતાની રૂમમાં જઈને બાથરૂમમાં હાથ ધોતી વખતે સામેના મોટા ચમકદાર અરીસામાં કમલનાથે પોતાનો ચહેરો જોયો. આઇનાની આજુબાજુ LED લગાવેલી હતી જેથી ચહેરા પર બરાબર પ્રકાશ પડે. પોતાનો લાઇટમાં ચમકતો શ્યામવર્ણો, ખીલથી ખરબચડો થઈ ગયેલો, કરડો ચહેરો જોઈ રહેલા કમલનાથને એક ક્ષણ માટે લાગ્યું કે તેમના પિતા તેમની સામે ઊભા છે.

કમલનાથના પિતા તેને હંમેશાં કહેતા, ‘જેને કોઈ ન પહોંચે તેને તેનું પેટ પહોંચે.’ તેમણે તો આ વાત કમલનાથ માટે કહી હતી; પરંતુ આજે એ વાત કમલનાથના પોતાના જીવનમાં, તેમના પોતાના સંતાન માટે પણ લાગુ પડે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી.

મોઢું ધોઈને કમલનાથ પોતાના મીડિયા રૂમમાં જઈને ન્યુઝ જોવા લાગ્યા. તેમણે શામ્ભવીની રૂમનો દરવાજો જોરથી બંધ થવાનો અવાજ સાંભળ્યો. નીચે ઊતરતાં તેનાં પગલાંનો અવાજ પણ સાંભળ્યો. એમ છતાં તેમણે પોતાની રૂમનો દરવાજો ન ખોલ્યો.

થોડીક ક્ષણો બેચેનીમાં વિતાવ્યા પછી કમલનાથે ઘડિયાળ જોઈ, થોડું વિચાર્યું ને પછી અખિલેશ સોમચંદને ફોન લગાવ્યો.

‘કૉન્ગ્રેચ્યુલેશન!’ અખિલેશ સોમચંદે બીજી રિંગે ફોન ઉપાડી લીધો, ‘દીકરી ઘરે આવી ગઈ! તમે તો આનંદમાં હશો!’

‘હમ્!’ કમલનાથે માત્ર હોંકારો ભણ્યો, ‘હવે બન્ને જણે એકબીજાને મળી લેવું જોઈએ.’ કહીને તેમણે ઉમેર્યું, ‘અનંત તૈયાર હોય તો...’

‘અનંત તો ક્યારનો શામ્ભવીને મળવા ઉત્સુક છે.’ અખિલેશ પણ ઉત્સાહમાં હતા.

‘તો આવતી કાલે ડિનર?’ કમલનાથને જરાય સમય નહોતો બગાડવો.

‘હું અનંતને પૂછી લઉં.’ કહીને અખિલેશે સુધારી લીધું, ‘અમે આવીશું. તેણે કંઈ બીજું કમિટ કર્યું હશે તો ચેન્જ કરી નાખીશું. મને પણ લાગે છે કે છોકરાઓને ASAP મેળવી જ

દેવા જોઈએ.’

‘મળીએ.’ કહીને કમલનાથે ફોન મૂકી દીધો. તેમને એક વિચિત્ર પ્રકારની ધરપત થઈ ગઈ. અનંત જેવા હૅન્ડસમ, સ્ટાઇલિશ અને ચાર્મિંગ છોકરાને મળ્યા પછી આ PhD અને જેલમાં કામ કરવાનું ભૂત ચોક્કસ ઊતરી જશે એ વાતની તેમને ખાતરી હતી! હવે તેમનો ઊભરો થોડો શાંત થયો. તેમણે નિરાંતે દેશ-દુનિયાના સમાચારોમાં ધ્યાન પરોવ્યું.

lll

પોણાબે વાગ્યે શામ્ભવી પાછી ફરી ત્યારે કમલનાથની રૂમનો દરવાજો ખુલ્લો હતો અને લાઇટ ચાલુ હતી. અત્યાર સુધી ફરીને શામ્ભવીનું મન પણ શાંત થયું હતું. શિવે તેને સમજાવી હતી એટલે કે પછી પિતાની લાગણીનો વિચાર આવતાં તેને પણ લાગ્યું હતું કે પોતે જરા બિનજરૂરી રીતે ઉદ્ધત થઈ ગઈ હતી.

પોતાની રૂમમાં જતાં પહેલાં શામ્ભવીએ ધીરેથી કમલનાથની રૂમમાં ડોકિયું કર્યું. કમલનાથની રૂમ ત્રણ ભાગમાં વહેંચાયેલી હતી. એક તેમનો સૂવાનો બેડરૂમ જે ડાબી તરફ હતો. દરવાજામાંથી દાખલ થતાં જ તેમનો મીડિયા રૂમ આવતો જેમાં મોટું ૮૫ ઇંચનું ટીવી હતું. સંગીત સાંભળવા માટે ૬ સ્પીકર ધરાવતી સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ હતી. સિનેમા જોવા માટે પ્રોજેક્ટર અને સ્ક્રીન હતાં. રિક્લાઇન થઈ શકે એવી ચૅર પર શરીર લંબાવીને કમલનાથ ન્યુઝ જોઈ રહ્યા હતા. તેમના બેડરૂમ પછી આવતી મોટી અગાસી જેવી બાલ્કનીનો દરવાજો ખુલ્લો હતો એટલે ફડફડાટ આવતો પવન પડદા ઉડાડી રહ્યો હતો. ગૅલરીમાં લટકાવેલા ચાઇમનો સુમધુર અવાજ ટીવી પર ચાલતી કોઈ ડિબેટના કર્કશ અવાજને વીંધીને અહીં સુધી સંભળાતો હતો.

શામ્ભવીએ દાખલ થઈને ધીમેથી કહ્યું, ‘બાપુ!’ કમલનાથે સૂતા-સૂતા જ તેમનો હાથ લાંબો કરીને શામ્ભવીને બોલાવી. તે જમીન પર બેસી ગઈ. રિક્લાઇન ચૅર પર બેઠેલા પિતાની છાતી પર માથું મૂકીને તેણે પણ શરીર ઢીલું છોડી દીધું. થોડી વાર તેના વાંકડિયા વાળમાં આંગળીઓ ફેરવતા રહ્યા કમલનાથ! તેમણે ધીમેથી કહ્યું, ‘સૉરી! મારે તારા પર ગુસ્સે નહોતું થવું જોઈતું.’

‘સૉરી, મારે પણ સામે જવાબ નહોતો આપવો જોઈતો.’ શામ્ભવીએ કહ્યું. તેની આંખો ભીની થઈ ગઈ. કમલનાથના પાતળા ચિકનકારીના ઝભ્ભામાં થઈને શામ્ભવીનાં આંસુ તેમની છાતીના વાળ સુધી પહોંચી ગયાં.

‘બેટા! તારી મા હોત તો તને સમજાવત...’ કમલનાથ જ્યારે પણ ગૂંચવાતા કે ફસાતા ત્યારે તે ‘મા’નું કાર્ડ વાપરતાં અચકાતા નહીં, ‘એક જુવાન દીકરી આવી રીતે ગુનેગારોની વચ્ચે જઈને કામ કરે એ વાત એક બાપ માટે કેટલી ચિંતાજનક છે એ તને ક્યાંથી સમજાય? આપણા કુટુંબની પ્રતિષ્ઠા અને એને કારણે આપણું અહિત ઇચ્છનારા વિઘ્નસંતોષીઓ ઓછા નથી બેટા! જેલ બહુ સલામત જગ્યા નથી.’ તેમણે કહ્યું. શામ્ભવી સાંભળતી રહી. તેની આંખોમાંથી વહેતાં આંસુ કમલનાથનો ઝભ્ભો ભીંજવી રહ્યાં હતાં, ‘ત્યાં અંદર-અંદર મારામારી થાય છે, ખૂંખાર ગુનેગારો વસે છે. એમાંના કેટલાય મારા દુશ્મન હશે. તું ત્યાં હોય અને કોઈ તારા પર હુમલો કરે, તને નુકસાન કરે...’ સહેજ અટકીને કમલનાથે કહ્યું, ‘હવે કેટલાં વર્ષ બચ્યાં છે મારાં? તને એક વાર રંગેચંગે પરણાવી દઉં તો હુંય નિરાંતે તારી મા પાસે જઈને તેને કહી શકું કે મેં મારી જવાબદારી પૂરી કરી છે.’ શામ્ભવીએ હાથ લંબાવીને તેની કોમળ હથેળી પિતાના હોઠ પર મૂકી દીધી. કમલનાથે તેની હથેળીમાં ચુંબન કર્યું, પછી તેનો હાથ પોતાના હાથમાં લઈ લીધો, ‘આ હાથમાં મેંદી મુકાયેલી જોવી છે મારે. આ બંગલામાંથી તને વિદાય કરું એ સપનું જોતાં-જોતાં ઉછેરી છે તને.’ શામ્ભવી કશુંય બોલ્યા વિના પોતાનો હાથ પિતાની છાતીના વાળમાં ફેરવતી રહી અને કમલનાથની આંગળીઓ શામ્ભવીના વાળમાં પોતાનો સ્નેહ વરસાવતી રહી.

lll

કમલનાથનો ફોન મૂકીને અખિલેશે પોતાના દીકરા અનંતને ફોન લગાવ્યો. તેમના વિશાળ બંગલામાં આવેલા નાનકડા ક્લબ-હાઉસ જેવા વિસ્તારમાં સ્નૂકર રમી રહેલા અનંતે પોતાના ફોન પર ‘ડૅડ’ વાંચ્યું.

‘કાલે ડિનરનું આમંત્રણ આવી ગયું છે.’ અખિલેશ સોમચંદનો ઉત્સાહ

સમાતો નહોતો.

‘વાઉ.’ કહીને તેણે તેના સ્નૂકર બૉલને ક્યુ સ્ટિકથી તાકીને હળવો ધક્કો માર્યો. લીલા રંગના મખમલ પર સરકતો બૉલ જઈને ડાબા ખૂણાના પૉકેટમાં પડ્યો, ‘મારા માટે શું ઇન્સ્ટ્રક્શન છે?’

‘આમ તો કંઈ નહીં... પણ પહેલી જ મુલાકાતમાં તેની પાછળ પાગલ નહીં થઈ જતો.’ પિતાએ જરા ઠાવકાઈથી સલાહ આપી.

‘પણ હું તેની પાછળ પાગલ છું!’ અનંતના ચહેરા પર એક શરમાળ સ્મિત આવી ગયું, ‘એ દિવસે પ્રભુદાસકાકાની પાર્ટીમાં તેને જોઈ એ પછી...’

‘સમજી ગયો...’ અખિલેશે કહ્યું, ‘કમલનાથનું માગું આવ્યું ત્યારથી જ મેં તો તૈયારી શરૂ કરી દીધી છે. તે છોકરી તને હા પાડે એટલો ડીસન્ટ રહેજે. રોમિયો ન બની જતો તેની સામે.’ પિતાએ મજાક કરી.

‘બસ ડૅડ!’ અનંત હસવા લાગ્યો. તેણે ખુશખુશાલ થઈને ફોન ડિસકનેક્ટ કર્યો. સોમચંદ’ઝનું આ ઘર એટલું વિશાળ હતું કે એક રૂમમાંથી બીજી રૂમમાં ફોન કરવો પડે. અખિલેશ સોમચંદના પિતા રૂપચંદ સોમચંદ અને તેમના પિતા સોમચંદ ઠક્કરે આ મકાન બાંધ્યું હતું. લગભગ સો વર્ષ થયાં એમ છતાં આ મકાનમાંથી કાંકરીયે નહોતી ખરી! એ જમાનામાં અંગ્રેજોની અસર નીચે બંધાયેલા આ હવેલીનુમા મકાનમાં વિશાળ બગીચો હતો. શાહીબાગ વિસ્તારમાં આવેલા ત્રણ એકરના આ સુંદર રહેઠાણમાં સ્વિમિંગ-પૂલ, ક્લબ-હાઉસ, અલગથી બનાવેલો પાર્ટી હૉલ અને મંદિર સહિત બધી જ સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. મોટા ભાગે કિલ્લા જેવા આ વિસ્તારમાં કોઈને આમંત્રિત કરવામાં આવતા નહીં. સોમચંદ પરિવારની અનેક હોટેલ્સમાંથી એકાદ હોટેલના બૉલરૂમ કે કૉન્ફરન્સ રૂમમાં જ તેમના માનવંતા મહેમાનોને લંચ કે ડિનર માટેની વ્યવસ્થા ગોઠવાઈ જતી.

અત્યંત અંગત કે પારિવારિક મિત્ર હોય તો જ તેમને ઘર સુધી આમંત્રિત કરવામાં આવતા. એમ છતાં જ્યાં સોમચંદ પરિવારના સૌના રૂમ અથવા રહેણાક હતા એ વિસ્તારમાં પ્રવેશવાની તો કોઈને છૂટ નહોતી! રોકાઈ શકે એવા જૂજ મહેમાનો માટે અલગ ગેસ્ટ-હાઉસિસ હતાં અને એકાદ સાંજ હાઈ-ટી કે રાતના ડિનર માટે આમંત્રિત મહેમાનોને અલગ વિસ્તારમાં ટ્રીટ કરવામાં આવતા. ક્યારેક પૂલ-સાઇડ પર, ક્યારેક પાર્ટી હૉલમાં તો ક્યારેક બગીચાની ત્રણ જુદી-જુદી લૉનમાંથી એકાદમાં આવાં ડિનર વારંવાર યોજાતાં રહેતાં.

કમલનાથની દીકરી ‘હા’ ન પાડે ત્યાં સુધી તેને ‘સોમચંદ હાઉસ’માં બોલાવીને પોતાનાં પત્તાં ઉઘાડવા અખિલેશ હજી તૈયાર નહોતો. કદાચ એટલે જ તેણે કમલનાથનું આમંત્રણ તરત જ સ્વીકારી લીધું. એક વાર અનંત અને શામ્ભવી મળે એ પહેલાં આ બાબતમાં કોઈ પણ વિચાર નહીં કરવાની અખિલેશે ગાંઠ વાળી હતી.

જોકે તેના દીકરા અનંતે તો મનોમન શામ્ભવીને પોતાની ભાવિ પત્ની તરીકે પ્રસ્થાપિત કરી દીધી હતી. ગયા વર્ષે પ્રભુદાસ પટેલના દીકરાના ડેસ્ટિનેશન વેડિંગમાં બન્ને જણ ઇટલીમાં ભેગાં થયાં ત્યારે અનંતે આ ‘ફટાકડી’ શામ્ભવીને પહેલી વાર જોઈ હતી. બન્ને વચ્ચે ઔપચારિક ઓળખાણ થઈ, પણ શામ્ભવીનો મિજાજ અને મોજ જોઈને અનંત તેના પર ફિદા થઈ ગયો હતો. ત્યાં બીજા આવા જ પરિવારોના ‘નબીરાઓ’ અને ‘રાજકુમારીઓ’ પણ હતાં. પ્રભુદાસ પટેલના દીકરાની બૅચલર્સ પાર્ટીમાં શામ્ભવી અને અનંતે સાથે શરાબ પીધો હતો, થોડી વાતો કરી હતી, સાથે ડાન્સ પણ કર્યો હતો... ફોન-નંબર પણ એક્સચેન્જ થયા હતા, પરંતુ શામ્ભવી ત્યાંથી પાછી ન્યુ યૉર્ક ચાલી ગઈ ને અનંત અમદાવાદ પાછો ફર્યો.

એ પછી અનંતે બે-ચાર વાર શામ્ભવીને મેસેજ કરવાનો પ્રયાસ કર્યો હતો; પરંતુ શામ્ભવીએ ‘થૅન્ક યુ’, ‘ઑલ ગુડ’ અથવા નાના-મોટા ઔપચારિક જવાબો આપવા સિવાય તેમની વાતચીતને આગળ વધારવામાં કોઈ રસ લીધો નહોતો! અનંત નિયમિત શામ્ભવીને સોશ્યલ મીડિયા પર ફૉલો કરતો થયો હતો. તે તેની ઇન્સ્ટા પોસ્ટ ચેક કરતો, તેની પળપળની ખબર રાખતો; પણ અનંતની આ દીવાનગીથી બેખબર શામ્ભવી પોતાની દુનિયામાં વ્યસ્ત અને મસ્ત હતી.

બરાબર એ જ વખતે એક સરકારી ફંક્શનમાં ભટકાઈ ગયેલા કમલનાથને અજાણ્યા હોવાનો ડોળ કરીને અખિલેશે પોતાના દીકરા માટે ‘મૅચ’ શોધે છે એવી માહિતી ડ્રૉપ કરી હતી. કમલનાથે અખિલેશના એ લૂઝ બૉલનો કૅચ પકડીને પોતાની દીકરી શામ્ભવી માટે માગું નાખ્યું હતું. જોકે આવું થશે એની અખિલેશને ખાતરી હતી.

આવતી કાલે સાંજે અખિલેશ સોમચંદ તેના સૌથી નાના અને લાડકા દીકરા અનંતની વધુ એક ઇચ્છા પૂરી કરી શકશે એ વિચારે અખિલેશ ગેલમાં આવી ગયો.

 

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

07 July, 2024 08:30 AM IST | Mumbai | Kajal Oza Vaidya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK