‘હું સામે આવીશ તો હાંજા ગગડી જશે તારા.’ તે માણસ હસ્યો, ‘હવે તારી ગર્લફ્રેન્ડને ખબર પડી ગઈ છે કે જેલમાં જે બાઈ છે તે તેની મા છે... અહીંથી અટકી જજે. હવે વધારે કંઈ કરવા જશોને તો જાનથી હાથ ધોઈ બેસશો એટલું સમજાવવાની મારી ફરજ છે, પછી તો...’
ઇલસ્ટ્રેશન
‘કોઈ દિવસ પાછી નહીં આવતી...’ તે સ્ત્રી રડતાં-રડતાં શામ્ભવીને કહી રહી હતી, ‘પ્લીઝ...’ તેણે શામ્ભવીને હાથ જોડ્યા.
‘તું મારી મા છેને?’ શામ્ભવી હજી પણ આ સત્યને સ્વીકારી શકતી નહોતી.
ADVERTISEMENT
‘ના.’ તે સ્ત્રીએ અચાનક આંસુ લૂછી નાખ્યાં. તેનો ચહેરો બદલાઈ ગયો. ક્ષણભર પહેલાં જે ચહેરા પર મમતા ઊભરાઈ પડતી હતી એ ચહેરો જાણે પથ્થરનો બન્યો હોય એમ ભાવવિહીન થઈ ગયો, આંખો તદ્દન કોરી થઈ ગઈ.
‘સાચું બોલ...’ શામ્ભવીએ હજી તેના હાથ છોડ્યા નહોતા, ‘તું રાધા ચૌધરી છે, મારી મા જેને બધા મરેલી માને છે. ૧૩ વર્ષથી તું જેલમાં છે? કોઈને ખબર નથી? કોણે કર્યું છે આ બધું, મોહિનીએ?’ શામ્ભવીને હજી કલાક પહેલાં થયેલી વાત યાદ આવી ગઈ.
‘હું તારી મા નથી.’ તે સ્ત્રીએ તદ્દન જડવત્ ચહેરા સાથે કહ્યું, ‘હું કોઈ રાધા ચૌધરીને ઓળખતી નથી.’
‘તો રડી કેમ?’ શામ્ભવીએ પૂછ્યું, ‘તું કોનાથી ડરે છે મા? હું કાઢીશ તને અહીંથી બહાર. મને સાચું કહે, શું થયું? કોણે કર્યું? બાપુને ખબર છે?’
હવે તે સ્ત્રી પોતાની જાત પર કાબૂ ન રાખી શકી. તેનાથી કહેવાઈ ગયું, ‘તારા બાપુ સાથે આ વિશે વાત નહીં કરતી, તને મારા સોગંદ છે.’ તે ઊભી થઈ ગઈ, ‘જા અહીંથી... કોઈ દિવસ નહીં આવતી... મારા દુર્ભાગ્યનો પડછાયો પણ તારા પર પડે એવું હું નથી ઇચ્છતી.’ તે ત્યાંથી દોડવા લાગી. તેણે જતાં-જતાં બૂમ પાડી, ‘જા... જા અહીંથી...’
તેની બૂમ સાંભળીને એક-બે સ્ત્રીઓ રસોડા તરફ ધસી આવી. શામ્ભવીને ત્યાં જોઈને એ લોકો કંઈ કરે એ પહેલાં શામ્ભવી ઊભી થઈ ગઈ. તેણે બે હાથ જોડીને તે સ્ત્રીઓને ચૂપ રહેવાનો ઇશારો કર્યો. તે દોડીને બહાર ગઈ. રડતાં-રડતાં તે ત્યાં ઊભેલી ટ્રકમાં પ્રવેશીને ફરી એક વાર ગૂણોની પાછળ સંતાઈ ગઈ. પોતાના મોઢા પર હાથ દબાવીને તેણે ડૂસકાંનો અવાજ રોકવાનો પૂરો પ્રયાસ કર્યો, પણ કોઈ રીતે તેનું રુદન અટકતું નહોતું. શામ્ભવીને ખાતરી થઈ ગઈ હતી કે જેલમાં તેને મળેલી સ્ત્રી રાધા ચૌધરી, તેની મા જ હતી. તે અહીં કેમ બંધ હતી અને તેને મરેલી કેમ જાહેર કરવામાં આવી હતી એ બે સવાલો શામ્ભવીના મગજમાં નાગની ફેણની જેમ ફૂત્કારતા ઊભા હતા. શામ્ભવી બરાબર સમયસર ટ્રકમાં ઘૂસી, કારણ કે તરત જ દરવાજો બંધ થયો.
ટ્રક પુરુષોની જેલ પાસે આવીને ઊભી રહી. સામાન ખાલી થતો ગયો. શામ્ભવી વધુ ને વધુ સંકોચાઈને બેઠી. અંતે જ્યારે છેલ્લી બે ગૂણો ઉઠાવવામાં આવી ત્યારે અંદર બેઠેલી શામ્ભવીને જોઈને મજૂરોની આંખો પહોળી થઈ ગઈ. સારા ઘરની વ્યવસ્થિત છોકરી જોઈને તેમને એટલું તો સમજાયું કે કોઈ મહિલા કેદી ભાગવાનો પ્રયાસ નથી કરી રહી. રમેશે ભમ્મર ઉલાળીને ‘અહીં શું કરે છે?’ એવા મતલબનો સવાલ ઇશારામાં જ પૂછી નાખ્યો. ધ્રુસકે-ધ્રુસકે રડતી શામ્ભવીએ તેમને પણ હાથ જોડીને ચૂપ રહેવાનો ઇશારો કર્યો. વધુ સમજાયું નહીં એમ છતાં રમેશ અને મનિયો કંઈ બોલ્યા નહીં. એ છેલ્લી બે ગૂણો પુરુષોની જેલમાં મૂકીને પાછા ફર્યા, ટ્રકમાં ગોઠવાઈ ગયા, દરવાજો બંધ થયો અને ટ્રક જેલના મુખ્ય ગેટ તરફ ચાલવા લાગી. રમેશે બાજુમાં પડેલું પ્લાસ્ટિક ઉપાડીને શામ્ભવી પર ઢાંકી દીધું. ફરી એક વાર મુખ્ય ગેટ આગળ પ્રોટોકૉલ પૂરતું ચેકિંગ થયું, ટ્રક બહાર નીકળી ગઈ એટલે રમેશે પ્લાસ્ટિક ખેંચી કાઢ્યું, ‘કોણ છે તું? ટ્રકમાં કેવી રીતે ઘૂસી? જેલમાંથી ભાગી હશે તો...’
‘ના... ના... ભાગી નથી.’ શામ્ભવીએ કહ્યું, ‘હું મારી માને મળવા આવી હતી.’
‘મા?’ મનિયાને આશ્ચર્ય થયું.
‘તમને નહીં સમજાય.’ શામ્ભવીએ કહ્યું, ‘મને તમારી દુકાને ઉતારી દો.’ તે ઘૂંટણ વાળીને, પોતાના હાથ ઘૂંટણની આસપાસ લપેટીને, માથું ઘૂંટણમાં છુપાવીને રડતી રહી. રમેશ અને મનિયો કંઈ સમજ્યા વગર આ રૂપાળી-શ્રીમંત ઘરની દેખાતી છોકરીને રડતી જોઈ રહ્યા.
lll
શિવના ફોનની સ્ક્રીન પર ‘અનલિસ્ટેડ નંબર’ના અક્ષરો ચમક્યા. તે સમજી ગયો કે આ ગઈ કાલવાળી વ્યક્તિનો જ ફોન હશે. તેણે ફોન ઉપાડ્યો, ‘શું હીરો!’ શિવના ફોનમાં ફરી એ જ અવાજ સંભળાયો, જે તેને ગઈ કાલે રાત્રે સંભળાયો હતો, ‘ગર્લફ્રેન્ડને જેલમાં મોકલી આપી? મેં ના પાડી હતી તને...’
‘તમે છો કોણ?’ ઑફિસમાં ચહલપહલ હતી. શિવ ફોન લઈને બહાર, ગૅલરી જેવી વિશાળ જગ્યાએ આવી ગયો. સિગારેટ ફૂંકતા લોકો માટે ખુલ્લી રાખવામાં આવેલી આ જગ્યાએ અત્યારે કોઈ નહોતું. શિવે ધીમેથી કહ્યું, ‘ફોન કરીને કેમ ડરાવો છો? સામે આવો...’
‘હું સામે આવીશ તો હાંજા ગગડી જશે તારા.’ તે માણસ હસ્યો, ‘હવે તારી ગર્લફ્રેન્ડને ખબર પડી ગઈ છે કે જેલમાં જે બાઈ છે તે તેની મા છે... અહીંથી અટકી જજે. હવે વધારે કંઈ કરવા જશોને તો જાનથી હાથ ધોઈ બેસશો એટલું સમજાવવાની મારી ફરજ છે, પછી તો...’
‘પણ, રાધા આન્ટી જેલમાં કેમ છે?’ શિવે પૂછ્યું.
‘તેનાં કર્મની સજા છે.’ તે માણસે કહ્યું, ‘હવે વધારે ચૂંથાચૂંથ કર્યા વગર વાતને પડતી મૂક. તારી ગર્લફ્રેન્ડને પણ કહે કે અત્યાર સુધી માને મરેલી માનતી હતીને એમ જ મરેલી માનીને જે જોયું છે એ ભૂલી જાય. બાકી ઇજ્જતના ધજાગરા થશે અને લોહી રેડાશે એ અલગ...’ તે માણસના અવાજમાં અચાનક ભયાનક ધાર નીકળી આવી, ‘આને ધમકી નહીં માનતો, છેલ્લી ચેતવણી છે આ. હવે જરાક પણ ખણખોદ કરવા જશો તો ચૌધરી પરિવારમાં એકાદનો જીવ જશે...’ તેણે સહેજ અટકીને ઉમેર્યું, ‘કમલનાથ કે તારી ગર્લફ્રેન્ડની બાદબાકી થાય એ તને મંજૂર હોય તો દોઢડાહ્યો થજે, બાકી...’ શિવ કંઈ કહે એ પહેલાં ફોન ડિસકનેક્ટ થઈ ગયો. શિવે પરસેવો લૂછ્યો. ફોન હાથમાં પકડીને તે સ્ક્રીન તરફ જોતો રહ્યો.
તેણે ફોન પાછો ડાયલ કરવાનો પ્રયત્ન કર્યો, પણ અનલિસ્ટેડ નંબરને કારણે ફોન ડાયલ ન થઈ શક્યો. અકળાયેલા શિવે પોતાના હાથની હથેળી પર મુઠ્ઠી પછાડી... બધું જ ગૂંચવાયેલું હતું. રહસ્યનું જાળું વધુ ને વધુ ગાઢું થતું જતું હતું અને આ ગૂંચ ઉકેલવાનો કોઈ છેડો દેખાતો નહોતો. તે વધુ વિચારે એ પહેલાં તેના ફોન પર ‘શામ્ભવી’ વંચાયું. તેણે બેચેન થઈને ફોન ઉપાડ્યો, ‘હલો શેમ!’ તેણે પૂછ્યું, ‘આર યુ ઓકે?’
‘નો, આઇ ઍમ નૉટ... તે મારી મા છે શિવ... તે મારી મા છે. તે જેલમાં છે, જીવે છે. મેં તેનું ડેડ-બૉડી જોયું છે, બળી ગયેલું. તેનો ફોટો છે મારા ઘરમાં, હાર પહેરેલો... પણ તે જીવે છે, જેલમાં છે...’ શામ્ભવી ધ્રુસકે-ધ્રુસકે રડતી હતી.
‘ક્યાં છે તું?’ શિવે પૂછ્યું.
‘તેં જ્યાં છોડી હતી ત્યાં જ ઊભી છું.’
‘ઊભી રહે, હું આવું છું.’ શિવે કહ્યું. તે સડસડાટ સીડી ઊતરી ગયો.
શિવને જોતાં જ શામ્ભવી તેને ભેટી પડી. ફુલ ટ્રાફિકવાળા અવરજવરથી ભરપૂર રસ્તા પર શિવને ભેટીને ઊભેલી શામ્ભવી ક્યાંય સુધી રડતી રહી. શિવ તેની પીઠ પર હાથ ફેરવતો રહ્યો... ખાસ્સી વાર પછી જ્યારે તે સહેજ શાંત થઈ ત્યારે શિવે કહ્યું, ‘ચાલ, ક્યાંક બેસીને વાત કરીએ.’
lll
અમદાવાદની તાજ ‘નર્મદા’ની કૉફી-શૉપમાં એક સ્ત્રી અને એક પુરુષ સામસામે બેઠાં હતાં. કાળી ફ્રેમનાં ચશ્માં પહેરેલા પુરુષના વાળ સફાઈબંધ રીતે ઓળેલા હતા. તે હૅન્ડસમ હતો. વેલબિલ્ટ શરીર અને છ ફુટ બે ઇંચની ઊંચાઈ ધરાવતા તે પુરુષના ટી-શર્ટની બાંયમાંથી તેનાં કસરતી બાવડાં આકર્ષક લાગતાં હતાં. તીણું આર્યન નાક અને ભૂખરી આંખો સાથે તેનો ચહેરો તરત જ ધ્યાન ખેંચે એવો, પ્રમાણમાં દેખાવડો કહી શકાય એવો હતો. ઉંમર ૪૦-૪૨ની આજુબાજુ હોવી જોઈએ, પરંતુ તેના ચહેરા પર કોઈ વૃદ્ધનું ગાંભીર્ય અને ઠહરાવ હતાં. તેની સામે બેઠેલી સ્ત્રી પ્રમાણમાં ફૅશનેબલ અને તેજસ્વી દેખાતી હતી. ૫૦-૫૫ની આજુબાજુની ઉંમર ધરાવતી સ્ત્રીની ત્વચા ઉંમરના પ્રમાણમાં ટાઇટ અને ફિગર બહુ જ સપ્રમાણ હતાં. બન્ને જણ ચિંતામાં હોય એવાં લાગતાં હતાં. દાખલ થતી અને બહાર જતી દરેક વ્યક્તિના હલનચલન સાથે પુરુષ સાવધ થઈને આજુબાજુ જોવા લાગતો. સ્ત્રી ઊંધી ફરીને બેઠી હતી, જેથી તેના તરફ કોઈની નજર ન પડે. બન્ને ખૂબ ધીમા અવાજે વાત કરી રહ્યાં હતાં.
‘હવે આ કેસમાં તો મુદત પડી ગઈ...’ સ્ત્રીએ કહ્યું, ‘બન્ને એકબીજાને સમજવા માગે છે.’ તે જરા દાઢમાંથી બોલી, ‘ગમે એટલું સમજ્યા પછી પણ જે થવાનું હોય એ થઈને જ રહે છે.’
‘ઉતાવળ કરવાથી ઉકેલ તો નહીં જ આવે.’ પુરુષે વાત ઠંડી પાડવાનો પ્રયાસ કર્યો, ‘ઍક્ચ્યુઅલી, તું ઉશ્કેરાઈને પુશ કરવા જઈશ તો એ લોકોને વહેમ પડશે કે તારો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ છે. વાત વધારે ગૂંચવાશે.’
‘અરે પણ...’ સ્ત્રી થોડીક બેચેન અને ગુસ્સામાં હતી, ‘તે છોકરી આ ઘરમાંથી જેટલી જલદી જાય એટલું...’
‘જશે!’ પુરુષે શાંતિથી કહ્યું, ‘તેનો સમય આવશે ત્યારે તે પણ જશે.’
‘કોણ જાણે કેમ તને કોઈ અસર જ નથી થતી.’ સ્ત્રી અકળાઈ, ‘અમારે ક્યાં સુધી ગુલામ બનીને રહેવાનું છે?’ કહીને તેણે સામે બેઠેલા પુરુષના હાથ પર હાથ મૂક્યો, ‘તારાથી દૂર નથી રહેવાતું હવે મારાથી.’
‘તે જતી રહેશે તો પણ આપણે સાથે નથી રહી શકવાના.’ પુરુષે જરા સાવધાનીથી આજુબાજુ જોઈને હાથ સેરવી લીધો, ‘બસ! મળવાની સગવડ રહેશે એટલું જ.’ પુરુષ જરાય વિચલિત નહોતો, ‘તું ક્યારેય પદ્મનાભને છોડી નહીં શકે મોહિની!’ પુરુષે કહ્યું.
‘તને કંઈ નથી થતું?’ મોહિનીએ પૂછ્યું, ‘રાત્રે વિચારો નથી આવતા તને? પદ્મનાભ મારા શરીર પર હાથ ફેરવતો હશે, મને ચૂમતો હશે, મારાં કપડાં ઉતારીને મારી સાથે...’
‘ના!’ પુરુષ હજી સંતુલિત અને શાંત હતો, ‘હું એવું બધું નથી વિચારતો. મને ખબર છે કે તું તેની વાઇફ છે. તે તારી સાથે જે કંઈ કરે એ તેનો અધિકાર છે.’
‘હરામખોર! સાલા...’ મોહિનીએ બીજી બે-ત્રણ ગાળો દઈ દીધી. એમ છતાં પુરુષના ચહેરા પર એક રેખા પણ બદલાઈ નહીં, ‘તું પ્રેમ નથી કરતો મને, વાપરે છે સાલા.’
‘જો મોહિની, પ્રેમ નથી કરતો હું તને.’ તે પુરુષે ઠંડી ક્રૂરતાથી કહ્યું, ‘મેં તને પહેલાં પણ કહ્યું છે, હું પ્રેમમાં માનતો જ નથી. પ્રેમ જેવું કંઈ હોતું જ નથી. પદ્મનાભ ઠંડો છે ને તું ભૂખી... હું હૅન્ડસમ છું, પથારીમાં ગરમ છું. તને મારી જરૂર છે ને મને તારા જેવી એક અમીર ગર્લફ્રેન્ડ જોઈએ છે.’ તેણે વધુ ઠંડકથી પૂછ્યું, ‘આમાં પ્રેમ ક્યાં આવ્યો?’
‘હું તને પ્રેમ કરું છું.’ મોહિનીએ કહ્યું.
‘એવું લાગે છે તને.’ પેલા પુરુષના અવાજમાં હજી પણ એ જ ઠંડી તોછડાઈ હતી, ‘તમને સ્ત્રીઓને એવું શીખવવામાં આવે કે પ્રેમ કર્યા વગર સેક્સ કરીએ તો પાપ કહેવાય... મિડલ ક્લાસ અને મૂરખ મેન્ટાલિટી છે આ. તું તારી જાતને એવો સધિયારો આપે છે કે તું મને પ્રેમ કરે છે એટલે મારી સાથે જે કંઈ કરે છે એ પાપ નથી... પ્રેમ છે.’ તેના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. હરોળબંધ ગોઠવાયેલા તેના સ્વચ્છ દાંત સહેજ ચમક્યા અને ઢંકાઈ ગયા, ‘તું જે કરતી હોય તે કર્યા કર, પ્રેમ કે પાપ... મને ફરક નથી પડતો.’ તેણે કહ્યું, પછી દૂર ઊભેલા વેઇટરને આંગળી બતાવીને બિલ લાવવાનું સૂચન કર્યું, ‘ફરીથી મને પબ્લિક-પ્લેસમાં મળવા નહીં બોલાવતી.’ તેણે મોહિનીની આંખોમાં આંખો નાખીને ઉમેર્યું, ‘બોલાવીશ તો હું આવીશ પણ નહીં.’
‘આજે તો ઇમર્જન્સી હતી એટલે...’ મોહિની સહેજ ઝંખવાઈ ગઈ.
‘ઇમર્જન્સી?’ તે માણસ ફરી હસ્યો. ફરી તેના દાંત દેખાયા અને ઢંકાઈ ગયા, ‘તે મૂરખ છોકરી જેલમાં જઈ આવી, તેની માને મળી આવી. તો? એમાં ઇમર્જન્સી શું? કોણ માનશે તેની વાત? શું પુરાવો છે તેની પાસે? તે ગમે એટલી બૂમો પાડીને કહે, કોઈ નહીં માને.’ તેણે ફરી મોહિનીની આંખોમાં આંખો પરોવી, ‘હા, તું ડરીશ કે ગભરાઈશ તો ચોક્કસ કંઈક એવું કરી બેસીશ જેનાથી પ્રૉબ્લેમ ઊભો થશે. સ્ટે કામ.’
‘તે ભાઈસા’બને કહેશે.’ મોહિનીના ચહેરા પર AC કૉફી-શૉપમાં પરસેવાનાં બૂંદ ઊપસી આવ્યાં.
‘મૂરખ છે તું.’ તે ફરી હસ્યો, ‘કમલનાથ શું કરશે? સમજાવી-પટાવીને વાતને ઉડાડી દેશે.’
‘ને લલિતભાઈ...’ મોહિની હજી ગભરાયેલી હતી, ‘તે જરૂર તપાસ કરાવશે. તે ભરોસો કરશે શામ્ભવીની વાતનો.’
‘મારો બાપ કમલનો વફાદાર કૂતરો છે, પણ કમલનાથની સૂચના વગર તે કંઈ નહીં કરે.’ તેણે ઝીણી આંખો કરીને મોહિની તરફ જોયું, ‘કમલનાથ ક્યારેય એ બરદાસ્ત નહીં કરે કે તેની પ્રતિષ્ઠા, તેનું નામ ખરાબ થાય. જે વાત તેણે ૧૩ વર્ષ સુધી છુપાવી છે એ વાત કંઈ એમ ખૂલવા દેશે? મીડિયાની સામે નાગો થશે? તું બેફિકર થઈ જા.’ તેણે કહ્યું, ‘જો કદાચ, શામ્ભવી કમલનાથને કહેશેને તો તે દીકરીને ફરી અમેરિકા મોકલી દેતાં અચકાશે નહીં. તમે બધા આ ગુનામાં બરાબરના હિસ્સેદાર છો. એકે બીજાને ને બીજાએ ત્રીજાને બચાવવો જ પડે. આ તો સાપસીડીની રમત છે. સાપના મોઢા પર ગોટી પહોંચે તો સીધી નીચે...’ તે હસતાં-હસતાં ઊભો થયો, ખિસ્સામાંથી ૫૦૦-૫૦૦ની ચાર નોટ કાઢીને ટેબલ પર પડેલા બિલનું ફાઇલ-પૅડ ઉઘાડીને એમાં મૂકી, ‘ચલ ઊઠ હવે. કોઈ જોઈ જશે તો...’ તેણે ખિસ્સામાં હાથ નાખીને મુખ્ય દરવાજા તરફ ચાલવા માંડ્યું. ડઘાયેલી મોહિની ત્યાં જ બેસી રહી હતી.
lll
ઘરે પહોંચીને શામ્ભવી પોતાના રૂમમાં ભરાઈ ગઈ. રાત્રે જમવા પણ નીચે ન ઊતરી. મોહિનીએ ડાઇનિંગ ટેબલ પર શામ્ભવીની ગેરહાજરી વિશે કમેન્ટ કરી, પણ કમલનાથ કે પદ્મનાભે એ વિશે કોઈ ચર્ચા કરવાનું ટાળ્યું. બે-ચાર વખત ફોન કરવા છતાં શામ્ભવીએ જ્યારે ફોન ઉપાડ્યો નહીં ત્યારે કમલનાથને ચિંતા થઈ. તે શામ્ભવીનું ડિનર ટ્રૉલીમાં મુકાવીને ઉપર પહોંચ્યા, ‘બેટા! દરવાજો ખોલ.’ તેમણે ટકોરા માર્યા, ‘ઓપન ધ ડોર બેટા.’ દરવાજો ખૂલ્યો નહીં. કમલનાથે પાંચેક મિનિટ પ્રયાસ કર્યા પછી ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલ્યો.
શામ્ભવી જમીન પર બેઠી હતી. તેની આંખો રડી-રડીને સૂઝી ગઈ હતી. નાકનું ટોપકું લાલ થઈ ગયું હતું અને ટિશ્યુથી લૂછી-લૂછીને ગાલની કોમળ ચામડી છોલાઈ ગઈ હતી. તેને જોઈને કમલનાથને વહાલ આવી ગયું. તે પણ દીકરીની બાજુમાં નીચે બેસી ગયા. અત્યંત સ્નેહથી શામ્ભવીના માથા પર હાથ ફેરવીને તેમણે પૂછ્યું, ‘શું થયું છે બેટા?’
‘તમને નથી ખબર?’ શામ્ભવીએ શંકાશીલ નજરે પિતા સામે જોયું.
‘શેની?’ કમલનાથના અવાજમાં ભારોભાર પિતૃત્વ અને સ્નેહ છલકાતાં હતાં, ‘તું કહે નહીં તો કેવી રીતે ખબર પડે?’ તેમણે ધીરજથી પૂછ્યું, ‘કહે મને... શું થયું છે?’
‘આજે હું માને મળી આવી.’ શામ્ભવીએ વાત ઘુમાવ્યા વગર કમલનાથની આંખમાં આંખ નાખીને સીધો જ હુમલો કર્યો, ‘જેલમાં.’ શામ્ભવીએ ધાર્યું હતું કે આ સાંભળતાં જ કમલનાથ ઝંખવાઈ જશે, થોથવાઈ જશે, વાત બદલવાનો કે ઉડાડવાનો પ્રયાસ કરશે; પરંતુ તે તો હસી પડ્યા. નાનું બાળક કોઈ પરીની વાર્તા કહે કે રાક્ષસની કલ્પના રજૂ કરે અને તેના પિતા હસી પડે એવું નિર્દોષ અને મુક્ત હાસ્ય હતું કમલનાથનું.
‘બેટા! તારી માને મરી ગયાને ૧૩ વર્ષ થયાં.’ તેમની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં, ‘મને પણ ક્યારેક દેખાય છે આ ઘરમાં, રસોડામાં, બગીચામાં...’ તેમણે દીકરીના માથે હાથ ફેરવ્યો, ‘થાય એવું. હું સમજી શકું છું.’ કહીને તેમણે શામ્ભવીનું માથું પકડીને પોતાની છાતી સાથે ચાંપી દીધું, ‘પણ જેલમાં?’ તે ફરી હસી પડ્યા, ‘ત્યાં ક્યાંથી હોય? ભ્રમ થયો હશે તને.’ તે શામ્ભવીના વાળમાં પોતાની આંગળીઓ ફેરવતા રહ્યા, ‘ખાઈ લે. તું ન જમે તો મનેય કોળિયો ગળે ન ઊતરે.’
બાપુ! તે મા જ છે. જેલમાં છે... હું મળી છું તેમને. તેણે મારા ગાલ પર હાથ ફેરવ્યો. તેની આંખોમાંથી આંસુ વહેતાં હતાં. તેણે કહ્યું મને, ‘જતી રહે અહીંથી... પાછી નહીં આવતી.’
‘સારું.’ કમલનાથે એવી રીતે કહ્યું જાણે વાત પતાવવા માગતા હોય. પછી ઉમેર્યું, ‘તું ખાઈ લે. તું કહીશ તો આપણે બન્ને આવતી કાલે સાથે જેલમાં તેને શોધવા જઈશું, બસ?’ શામ્ભવી પિતા સામે જોઈ રહી. શું ખરેખર તેમને નહીં ખબર હોય! તે જાણતા હશે, તેમણે જ તેને જેલમાં પૂરી રાખી હશે અને મને છેતરતા હશે... શામ્ભવીએ આ સવાલોની વચ્ચે કમલનાથના હાથમાં રહેલા કોળિયા માટે મોઢું ઉઘાડ્યું. કમલનાથે તેને આલૂ-પરાઠાનો ટુકડો દહીંમાં ડુબાડીને ખવડાવ્યો. ભીની આંખો સાથે તેમણે કહ્યું, ‘બેટા! જો ખરેખર તારી મા હોય તો તે જેલમાં શું કામ હોય?’ શામ્ભવી કોળિયો ચાવતાં-ચાવતાં સત્ય અને અસત્યના ત્રાજવા વચ્ચે પોતાનું સંતુલન શોધતી રહી.
(ક્રમશઃ)

