Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આજની પેઢીમાં ધીરજ છે જરાય?

આજની પેઢીમાં ધીરજ છે જરાય?

02 June, 2023 04:11 PM IST | Mumbai
Rajul Bhanushali

ફાસ્ટ ફૂડના જમાનામાં બધુ જ ઇન્સ્ટન્ટ જોઈતું હોય ત્યારે પેશન્સની કમી હોવાનું સ્વાભાવિક છે. નિષ્ણાતોનો આ દિશામાં અનુભવ જાણીએ

પ્રતીકાત્મક તસવીર

આજનું યુથ

પ્રતીકાત્મક તસવીર


દરેક માતાપિતાને સંતાન વહાલાં જ હોય. પોતાનું સંતાન રૂપાળું, ડાહ્યું, કહ્યાગરું અને બધી વાતે હોશિયાર છે એવું કહેવામાં તેમને ગર્વ થતો હોય છે. જોકે આજના આ ટેક્નૉલૉજીના સમયમાં દરેક વસ્તુ એક ક્લિક પર અથવા એમ કહીએ કે આંગળીનાં ટેરવાં પર મળતી થઈ ગઈ છે. ખાસ કરીને બાળકોથી લઈને યુવા વર્ગને કોઈ વસ્તુ માટે વેઇટ કરવું પડતું નથી અને એ જ કારણે એમનામાં ધીરજ પણ ઓછી થતી જાય છે. રાહ જોવાનું એમને ગમતું નથી અને ખાસ કરીને આજકાલના યુવાનોમાં આ કારણસર ધીરજનો અભાવ જોવા મળી રહ્યો છે.

ન્યુક્લિયર કુટુંબમાં બાળકોને સ્પેશ્યલ ટ્રીટમેન્ટ મળે છે. માતાપિતા તેમને હાથ પર રાખે છે. તેમને અટેન્શન પણ વધુ મળે છે. પહેલાં કુટુંબમાં બહોળા પરિવારોને લીધી માતાપિતા બિઝી રહેતાં અને બાળકો પરિવારના અન્ય બાળકોની સાથે મોટાં થઈ જતાં. ઘણી વખત એવું બનતું કે કંઈક માગણી કરી હોય અને પૂરી ન થતી તો બાળકો ચલાવી લેતાં. હવે એવું નથી, બાળક કશું માગે એ પહેલાં જ તેમને વસ્તુઓ મળવા લાગી છે. માતાપિતા બાળકને રડવા નથી દેતાં. આજની જનરેશનમાં યંગ માતાપિતા પોતાના બાળકને અતિશય પૅમ્પર પણ કરે છે. એ જરાક પડે-આખડે કે શરદી-ઉધરસ જેવી સામાન્ય બાબતમાં પણ સ્પેશ્યલિસ્ટ પાસે ભાગે છે. ઘરમાં એવું કોઈ શાક બન્યું હોય કે જે સંતાન કહે કે મારે નથી ખાવું તેના માટે તરત જ બીજું શાક બની જાય અથવા ટૂ-મિનિટ્સવાળી મૅગી બની જાય અને એ પણ નહીં તો સ્વિગી અને ઝોમાટો તો છે જ. 



‘ના’ નથી સાંભળવું |  સાવ નાનપણથી તેમની દરેક ડિમાન્ડ તરત જ પૂરી થતી રહે છે. તેમના ટાઇમ પર્ફેક્ટ્લી સચવાતા રહે છે અને આ રીતે તેમને ધીરજના પાઠ ભણાવાતા જ નથી. વિદ્યાવિહારમાં રહેતાં ટીનેજ બાળકોના મમ્મી જયશ્રી ખીચડા આ વિશે કહે છે, ‘આપણે સંતાનને ‘વિટામિન નો’નો ડોઝ પીવડાવતાં ભૂલી ગયાં છીએ અને એ જ આગળ જઈને બાળકને અને આપણને સુદ્ધાં નડે છે! આપણે જે શીખવ્યું જ નથી એ બાળક પાસે ન જ હોયને! આગલી પેઢીએ થોડાક નબળા દિવસો જોયા હોય, સ્ટ્રગલ જોઈ હોય પછી જ્યારે એ બે પાંદડે થાય અને એમનાં બાળકો થાય ત્યારે એમને થાય કે આપણે જે સહન કર્યું છે એ આપણું બાળક નહીં જ કરે. તેઓ સંતાન પાણી માગે તો દૂધ આપવા લાગે છે. ક્યારેક અફૉર્ડ ન કરી શકતાં હોય તો એની ઉપરવટ જઈને પણ સંતાનની માગ પૂરી કરતાં માતા-પિતા અચકાતાં નથી. એ કારણે તેમને વાસ્તવિકતાનું ભાન જ નથી થતું. આપણે એ લોકોને એ લેસન જ  નથી શીખવતા કે સિચુએશનના હિસાબે ચાલવાનું હોય. ક્યારેક કૉમ્પ્રોમાઇઝ કરવાનું હોય, ક્યારેક કશું જતું પણ કરવું પડે. આપણે કોઈ નિર્ણય લેવો હોય કે કશું ખરીદવું હોય તો ચાર વખત વિચારીશું, પણ આ ફાસ્ટ લાઇફમાં યંગસ્ટર્સ એ ડિસિઝન ઝાઝું વિચાર્યા વગર ફટાફટ લઈ લે છે.’


એ વાત સહુ કોઈ સ્વીકારશે કે હમણાંનો માહોલ પણ એવો છે. અગાઉ ઘરમાં ધર્મનું વાતાવરણ વધુ રહેતું. જયશ્રીબહેન કહે છે, ‘આપણે આપણા મોટેરા પાસેથી બોધકથાઓ અને ધર્મગ્રંથોની વાતો સાંભળીને મોટા થયા છીએ. આ બધી વસ્તુઓનું સંતાનના ઘડતરમાં બહુ જ મહત્ત્વ રહેતું. આજકાલ એ ઘણું ઓછું થઈ ગયું છે. છોકરાઓ નાનાં હશે ત્યારે આપણે એને ડ્રોઇંગ ક્લાસમાં મોકલીશું, મૅથ્સ ક્લાસમાં મોકલીશું, ડાન્સ ક્લાસમાં મોકલીશું પણ તેને સંસ્કૃત નહીં શીખવીએ. તેને બોધકથાઓ અને આપણા ધાર્મિક ગ્રંથો કે બોધકથાઓનાં પુસ્તકો નહીં વંચાવીએ.

આપણા પર આપણાં માતા-પિતાનો પ્રભાવ હતો પરંતુ આજના યંગસ્ટર્સ પર  સોશ્યલ મીડિયાનો પ્રભાવ છે. માતા-પિતા બંને વર્કિંગ હોય ને એમની પાસે ટાઇમ ન હોય તો પછી બાળકની બધી જ માગણી પૂરી કરીને સંતાનને પૅમ્પર કરે. મોટાં થઈને સંતાન એ વસ્તુનો ફાયદો ઉપાડતાં થઈ જાય અને ડિમાન્ડિંગ બનતાં જાય છે. ડિમાન્ડ પૂરી ન થાય ત્યારે ફ્રસ્ટ્રેટ થાય. આજના યુવાનોમાં ધીરજ નથી કે ઓછી છે એમાં વાંક માત્ર એમનો નથી પણ એમનાં માતા-પિતાનો પણ છે.


વ્યાજબી કારણો | સંતાન ઇમ્પેશન્ટ છે, કારણ કે પેરન્ટ્સ પોતે ઇમ્પેશન્ટ થઈ ગયા છે. મુલુંડ બેઝ્ડ સાઇકોલૉજિસ્ટ બરખા પટેલ કહે છે, ‘માતાપિતા કમ્પ્લેઇન્ટ કરે છે કે બાળકો કે યંગસ્ટર્સને સોશ્યલ મીડિયાનું એક્સપોઝર ઘણું છે પણ તેઓ એ નથી જોતાં કે તેઓ પોતે પણ સોશ્યલ મીડિયા પર ઘણા ઍક્ટિવ હોય છે. એમનાં સંતાનો એમને જુએ છે અને પછી જ્યારે તેઓ સંતાનના સોશ્યલ મીડિયાના યુઝ પર રિસ્ટ્રિક્શન લગાવવાનો પ્રયત્ન કરે છે કે ત્યારે  સંતાન સામાં થાય છે. ઍક્ચ્યુઅલી આ પેશન્સનો ઇશ્યુ નથી, આ ઍન્ગર ઇશ્યુ છે. યંગસ્ટર્સ શૉર્ટકટ પ્લેઝરમાં બિલીવ કરે છે. બહુ લાંબું વિચારતા જ નથી. એમનું માનવું છે કે લાઇફ ઇઝ ટૂ શૉર્ટ અને એ જ કન્સેપ્ટમાં તેઓ આગળ વધે છે. સફળતા મેળવવી હોય તો એની પાછળ કેટલાં વર્ષો જાય છે અને કેટલી સ્ટ્રગલ છે એ કન્સેપ્ટ એમના મનમાં નથી ઊતરતો. આજના યંગસ્ટર્સને ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનની આદત પડી જાય છે. સાવ નાનું બાળક રડતું હોય તો માતા તરત એને ધવડાવે, પરંતુ જેમ-જેમ એ મોટું થઈ જાય તેમ-તેમ ક્યારે એકાદબે તો ક્યારે બેપાંચ મિનિટ મોડું થાય તોય માતા ચલાવી લે. બાળક થોડું રડે પણ ખરું, પરંતુ આ જ રીતે એ વેઇટ કરતાં શીખે છે. પરંતુ હવે પેરન્ટ્સ સંતાનો માટે એક-એક સેકન્ડ માટે અવેલેબલ થઈ ગયા છે અને એમની નાની-મોટી બધી જ જરૂરિયાત ચપટીમાં પૂરી કરી દે છે. એ ડિલે ગ્રેટિફિકેશન કન્સેપ્ટમાં જતો જ નથી. સંતાન જ્યારે ટીન એજમાં આવે ત્યારે માતાપિતાની અપેક્ષા વધી જાય છે. તેઓ સમજદાર બને, અમારું સાંભળે એવું તેઓ ઇચ્છે છે. બધું તારી રીતે નહીં થાય, તું રૂમ બંધ કરીને અંદર બેસી શકે નહીં, રાત્રે અમુક વાગ્યા પછી મોબાઇલનો ઉપયોગ નથી કરવાનો... આવું જ્યારે પેરન્ટ્સ કહે ત્યારે એ સંતાન, જેણે કદી ‘ના’ સાંભળી જ નથી, તે  સમજી શકતું નથી. આપણે એને ગળથૂથીમાં ધીરજની જડીબુટ્ટી આપી જ નથી તો એ ક્યાંથી આ બધું સાંભળવાની અને સમજવાની ધીરજ લાવશે! અમારી પાસે એવા કેસ આવે ત્યારે અને માતાપિતા ફરિયાદ કરે કે સંતાન અમારું સાંભળતું નથી, બહુ ધમપછાડા કરે છે ત્યારે અમે એમને આ વાત સમજાવીએ છીએ કે ફૉલ્ટ માત્ર એમનો નથી, તમારો પણ છે. તમે બાળક માટે જે રૂલ બનાવો છો એ શું તમે ફૉલો કરો છો? બંનેએ સમજવું પડશે. સંતાન અને પેરન્ટની વચ્ચે બૉન્ડ ક્રીએટ કરવો પડે જેથી તેઓ એકબીજાની વાત સમજી શકે.’ 

 જોકે એવું પણ નથી કે આજનો દરેક યુવાન સાવ અધીરા સ્વભાવવાળો કે ગુસ્સૈલ છે. ડોમ્બિવલીમાં રહેતા ૨૯ વર્ષના જિનેશ ગડાનું કહેવું છે કે એમની એટલે કે નેવુંના દાયકામાં જન્મેલી જનરેશન તો હજીયે ઘણી ધીરજવાળી છે.

તેઓ કહે છે, ‘હું જે જનરેશનમાંથી છું એ જનરેશનમાં તો હજીયે થોડુંક પેશન્સ છે, કારણ કે એમણે હાર્ડશિપ જોઈ છે. કઈ સિચુએશનમાં પેશન્સ રાખવું જોઈએ, કઈ સિચુએશનમાં ઇન્સ્ટન્ટ રીઍક્શન્સ ન આપવાં જોઈએ એની સમજ છે. જે બોલીએ એ સમજી-વિચારીને બોલવું જોઈએ એ પણ સાવ નવી જનરેશનને ફાવતું નથી. જ્યારથી મોબાઇલ લાવ્યા છે ત્યારથી ફિઝિકલ ઍક્ટિવિટીઝ પણ ઘણી ઓછી થઈ ગઈ છે. છોકરાઓ બહાર રમવા નથી જતા. સ્કૂલ-કૉલેજથી આવે એટલે મોબાઇલમાં ઘૂસી જાય. ફિઝિકલ ઍક્ટિવિટીઝ નિલ થઈ ગઈ છે. અમુકતમુક આઉટડોર ગેમ્સ રમવી, ટ્રેકિંગ વગેરે જેવી ઍક્ટિવિટી વધારવી જોઈએ. જેમ કે ટ્રેકિંગમાં અનસર્ટન હવામાનને કારણે કે અન્ય કોઈ વસ્તુને કારણે પ્રૉબ્લેમ આવી શકે ત્યારે એ કઈ રીતે હૅન્ડલ કરવું એના પરથી જીવનના પાઠ મળતા હોય છે. આવી ઍક્ટિવિટીઝ કરેલી હોય તો ગમે તે સિચુએશન આવી પડે ત્યારે એને ધીરજથી કેવી રીતે ડીલ કરવી એ શીખવા મળે છે.’

 જેણે કદી ‘ના’ સાંભળી જ નથી, તે એકાએક આવતી પેરન્ટ્સની ‘ના’ને સમજી શકતું નથી. આપણે એને ગળથૂથીમાં ધીરજની જડીબુટ્ટી આપી જ નથી તો એ ક્યાંથી આ બધું સાંભળવાની અને સમજવાની ધીરજ લાવશે? - બરખા પટેલ, સાઇકોલૉજિસ્ટ

Whatsapp-channel Whatsapp-channel

02 June, 2023 04:11 PM IST | Mumbai | Rajul Bhanushali

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK